સૈનિકો કે ભૂતપૂર્વ સોલ્જરોને સસ્તા ભાવે મળતો વાઇન બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે
મુંબઈમાં મળતો ગેરકાયદે દારૂ મહારાષ્ટ્રના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગોવા, દીવ અને દમણ મારફત મુંબઈમાં દારૂ ન પ્રવેશવા દેવાના મામલે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પહેલેથી જાગ્રત છે ત્યારે હવે સૈનિકો માટેની ડિફેન્સ કૅન્ટીનમાં ગેરકાયદે વેચાતા દારૂએ તેમની ઊંઘ ઉડાડી છે. ડિફેન્સ કૅન્ટીનમાંથી માત્ર સંરક્ષણ કર્મચારીઓને મળતો ડ્યુટી-ફ્રી વાઇન કઈ રીતે માર્કેટમાં પ્રવેશી રહ્યો છે એ જાણવા માટે સંરક્ષણ વિભાગે કમર કસી છે.
ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં થાણેમાંથી ગેરકાયદે દારૂની ૩૧૨ બૉટલ પકડાઈ હતી, જેની કુલ કિંમત આઠ લાખ રૂપિયા હતી. આ બૉટલો ડિફેન્સ કૅન્ટીનમાંથી ખરીદવામાં આવી હતી. આ રૅકેટમાં પકડાયેલા બે આરોપીઓ ભૂતપૂર્વ સૈનિકો હતા. કોઈ એક કે બે વ્યક્તિ આટલા મોટા જથ્થામાં ડિફેન્સ કૅન્ટીનમાંથી દારૂ ખરીદી શકે નહીં એટલે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે સંરક્ષણ માટેના કૅન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટને દારૂના વેચાણ પર નજર રાખવા તાકીદ કરી છે.
કાયદા અનુસાર આ દારૂ સંરક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે જ હોય છે અને તેઓ બીજા કોઈને એ વેચી શકતા નથી, પરંતુ કેટલાક લોકો ડિફેન્સ કૅન્ટીનની સર્વિસનો લાભ લઈને ત્યાં સસ્તી કિંમતે મળતો દારૂ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે એવી પણ દહેશત વ્યક્ત કરી હતી કે ડિફેન્સ કૅન્ટીનમાં મળતા દારૂની બૉટલો ખાલી થઈ ગયા બાદ બૂટલેગરો એને ફરીથી ભરી બજારમાં ઊંચા ભાવે વેચે છે. મુંબઈના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડન્ટ એમ. એસ. વરદેએ કહ્યું હતું કે અમે સંરક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. જોકે તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો.
સંરક્ષણ વિભાગના મુંબઈના જનસંપર્ક અધિકારી મનોહર નામ્બિયારે કહ્યું હતું કે ‘ડિફેન્સ કૅન્ટીનમાંથી ખરીદી કરતા લોકો પર નજર રાખવી મુશ્કેલ છે. દેશમાં હજારો કૅન્ટીન છે. દરેક કર્મચારી દારૂની એક બૉટલ ખરીદી શકે છે. જોકે એ બૉટલ ખરીદ્યા બાદ તે એનું શું કરે છે એ તેની અંગત બાબત છે.’
નશો કરીને પામ બીચ રોડ પર ડ્રાઇવ ન કરશો
જો ન્યુ યરની ઉજવણી દરમ્યાન તમે નશો કરેલી હાલતમાં નવી મુંબઈ અને એમાં પણ ખાસ કરીને પામ બીચ રોડ પરથી પસાર થવાનો વિચાર કરતા હો તો જેલમાં જવા તૈયાર રહેજો. તાજેતરમાં જ નશાની હાલતમાં ગાડી ચલાવતા ચાર યુવોનાનાં અકસ્માતમાં થયેલાં મૃત્યુ બાદ નવી મુંબઈની પોલીસે બેફામ ગાડી હંકારતા લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. ખાસ કરીને ૩૧ ડિસેમ્બરે પોલીસ ઠેર-ઠેર નાકાબંધી તેમ જ પૅટ્રોલિંગ પણ કરશે. જોકે અત્યાર સુધી પોલીસે નશો કરેલી હાલતમાં ગાડી ચલાવતી કોઈ વ્યક્તિને પકડી નથી, પણ હવે પકડશે. નવી મુંબઈની પોલીસના અસિસ્ટન્ટ કમિશનર એસ. એ. કાદરીએ કહ્યું હતું કે થર્ટીફસ્ર્ટે રોડ પર અવરોધકો ઊભાં કરવામાં આવશે તેમ જ બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ પણ થશે.
પોલીસનું સેફ સેલિબ્રેશન કૅમ્પેન
ન્યુ યરની ઉજવણી દરમ્યાન દારૂ પીને છાકટા બનેલા લોકોને કારણે ઉજવણીમાં ભંગ ન પડે એ માટે મુંબઈપોલીસે એક સપ્તાહ સુધી સેફ સેલિબ્રેશન કૅમ્પેન શરૂ કર્યું છે. ૨૩ ડિસેમ્બરથી શરૂ થયેલું આ અભિયાન પહેલી જાન્યુઆરી સુધી ચાલશે. ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) બ્રિજેશ સિંહે કહ્યું હતું કે આ અભિયાનમાં સૌપ્રથમ વખત નિયમભંગ કરનારાઓને પકડવા ટ્રાફિક-પોલીસની સાથે લોકલ પોલીસને પણ કામે લગાડવામાં આવી છે.
ન્યુ યર પાર્ટીનું આયોજન કરનારી રેસ્ટોરાં તથા ક્લબના સંચાલકોને ટ્રાફિક-પોલીસે એવી સૂચના આપી છે કે તેમના કાયમી ગ્રાહકો નશાની હાલતમાં ગાડી ન ચલાવે એનું ધ્યાન રાખે. આ સૂચનાઓ જ્યારે તેઓ ન્યુ યર પાર્ટીની પરમિશન માટે આવ્યા હતા ત્યારે જ આપવામાં આવી હતી. ગયા વર્ષે ટ્રાફિક-પોલીસે નશાની હાલતમાં ગાડી ચલાવવાના આરોપસર ૮૬૦ લોકોને પકડ્યા હતા. એમાં પંચાવન લોકોને જેલની સજા થઈ હતી, જ્યારે ૭૯ લોકોનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. પકડાયેલા લોકોમાંના ૪૯૦ જેટલા ૨૧થી ૩૦ વર્ષના વયજૂથના હતા. ૨૦૧૧ની ૩૧ ડિસેમ્બરે પોલીસે કુલ ૧૭,૨૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK