Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિચારોને વિવેકનો સાથ ન મળે તો વિનાશ સર્જાઈ શકે

વિચારોને વિવેકનો સાથ ન મળે તો વિનાશ સર્જાઈ શકે

25 June, 2020 05:19 PM IST | Mumbai
Jayesh Chitalia

વિચારોને વિવેકનો સાથ ન મળે તો વિનાશ સર્જાઈ શકે

વિચારોને વિવેકનો સાથ ન મળે તો વિનાશ સર્જાઈ શકે


કોરોના કહો કે ડિપ્રેશન કહો, નિરાશા કહો કે પોતાની અસલામતીની લાગણી કહો, હરીફાઈ કહો કે વિચારોની ગરીબી કહો; આપણી ભીતર બધું જ છે. એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે અને બીજું રિયલ વર્લ્ડ છે. આપણે કેવા વિશ્વમાં પોતાની જાતને મૂકીએ છીએ અને ઘડીએ છીએ એ મહત્ત્વનું છે

કોરોના બાદ તાજેતરમાં સૌથી વધુ ચર્ચામાં કોઈ બાબત આવી હોય તો એ છે સુશાંત સિંહ રાજપૂતની. આ સફળ ફિલ્મસ્ટારની ૩૪ વરસની ઉંમરે આત્મહત્યાએ સમાજ સામે ઘણા સવાલો મૂકી દીધા છે. ‍અત્યાર સુધીમાં આ વિષયમાં ઘણું લખાઈ ગયું છે, ચર્ચાઈ ગયું છે તેમ છતાં આ વિષયની સંવેદનશીલતા બહુ જ મહત્ત્વની હોવાથી વિચારો વિવિધ સ્વરૂપે સર્જાતા રહે છે.
આપણે આ બે વિષયની વાત જુદા પરિપ્રેક્ષ્યમાં કરવી છે. પહેલાં કોરોનાના જુદા–જુદા પ્રકાર વિશે વાત કરીએ. તમને થશે, કોરોનાના વળી પ્રકાર ક્યાંથી આવ્યા? અને અમે ક્યાંથી કોરોના એક્સપર્ટ થઈ ગયા? વાસ્તવમાં આપણે કોરોનાને માત્ર એક વાઇરસ તરીકે ઓળખીએ છીએ જ્યારે કે કોરોનાના અનેક પ્રકાર છે. કોરોના હમણાં-હમણાં જ નથી આવ્યો બલકે આપણી ભીતર વરસોથી છે, વિવિધ સ્વરૂપે. યસ, માનો કે ન માનો, આપણી ભીતર ઈર્ષ્યા, અભિમાન, નિંદાવૃત્તિ, ગંદું રાજકારણ, છેતરપિંડી, કટુતા, બીજાને ગેરમાર્ગે દોરવાની કે ગભરાટ ફેલાવવાની પ્રવૃત્તિ, કૂથલી, વેરઝેર વગેરે સ્વરૂપે જે તત્ત્વો હોય છે એને કોરોના જ કહેવાય. આપણી સતત અસલામતીની લાગણી પણ કોરોના સમાન છે. કોરોના વાઇરસ તો ભવિષ્યમાં ચાલ્યો જશે અથવા એની વૅક્સિન-ઉપાય પણ શોધાઈ જશે, પરંતુ આપણી ભીતરનાં આ જાતને વધુ બાળતાં તત્ત્વો સમાન કોરોનાની આયુ બહુ જ લાંબી હોય છે, કદાચ આજીવન રહે છે. આ કોરોનાની તો દવા કે ઉપાય પણ કઠિન છે. આનો ઉપાય આપણા વિચારો છે, આ વિચારોને કઈ રીતે પાળીએ, ઉછેરીએ, એનું જતન કરીએ અને એની સાથે વિવેકબુદ્ધિને રાખીએ એના પર મોટો આધાર ગણાય.
વિવેકબુદ્ધિ બજારમાં મળતી નથી
આ વિચારો અને એની સાથે વિવેકબુદ્ધિની અનિવાર્યતાની વાત કરવાનું કારણ સુશાંત સિંહ રાજપૂતની ઘટના છે. સુશાંત તો તાજું ઉદાહરણ છે, બાકી આ સમસ્યા કોરોના કરતાંય જૂની અને જાણીતી છે. એનાં લક્ષણ પણ આમ તો કોરોના જેવાં જ ગણાય, કારણ કે એની હાજરી હોવા છતાં એ દેખાતાં નથી. એનાં લક્ષણો ઓળખવાં પડે, સમજવાં પડે. વિચારો માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે એનો અંદાજ કે અણસાર કાઢવો કઠિન છે, એના જોખમ સામે રક્ષણ માટે એટલે જ સતત વિવેકબુદ્ધિની જરૂર પડે. આ વિવેકબુદ્ધિ બજારમાં મળતી નથી. પૈસાથી ખરીદી શકાતી નથી. એ તો સતત અભ્યાસ, સુવાંચન, સુસંગત, સત્સંગ અને આધ્યાત્મમાંથી જ આવી શકે. તેથી જ માણસ જેમ-જેમ નવી ઊંચાઈ હાંસલ કરતો જાય તેમ-તેમ તેનો એકલતાનો અને પડવાનો ભય વધી જાય છે. આ સમયમાં તેને સમતોલપણું જાળવવા માટે વિવેક અને આધ્યાત્મની આવશ્યકતા પડે છે. વાત માત્ર ડિપ્રેશનની નથી, ઓવરઑલ બાબતની છે. આજના સમયમાં ધ્યાન-મેડિટેશન અને યોગનું મહત્ત્વ એકદમથી વધી ગયું હોવાનું કારણ પણ માણસના વિચારો છે. આ વિચારો કોરોના કરતાં પણ વધુ આક્રમક બની પ્રવેશે છે અને ત્યારે ધ્યાન-યોગ જેવી બાબત એને સમતુલા અને શાંતિ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
મેરા ગમ કિતના કમ હૈ
આપણને જીવનના કેટલાય સંદેશ હિન્દી ફિલ્મોનાં ગીતોમાંથી ‍પણ મળતા રહે છે, જેને આપણે મનોરંજનના ભાગરૂપે સાંભળતા કે જોતા હોઈએ છીએ. જો આ સાથે મનોમંથનને પણ ભેળવી દઈએ તો આ ગીતોની એકેક પંક્તિ ઉપનિષદ અને વેદાંત જેવા સંદેશ (અતિશયોક્તિ લાગતી હોય તો ભલે લાગે) આપે છે. ઉદાહરણ તરીકે એક ગીતની પંક્તિ કહે છે ઃ એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, સબ સે બડી સૌગાદ હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે... આવા જ બીજા ગીતની પંક્તિ કહે છે ઃ દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ; લોગોં કા ગમ દેખા તો મૈં અપના ગમ ભૂલ ગયા.
વિચારો સાથે વિવેક ન ભળે ત્યારે
આ શબ્દોના અર્થ સમજી શકાય એવા સરળ છે. દુઃખ માત્ર આપણને નથી, આપણાથી વધુ દુઃખી અનેક લોકો છે, જો આપણે તેમને જોઈએ કે તેમના વિશે જાણીએ તો આપણને ખરેખર થાય કે આપણું દુઃખ તો ઓછું છે. એ પછી પણ આપણને આપણા જ દુઃખના વિચાર આવતા હોય તો એક અંધકાર સામે લાખો તારાઓનો ઉજાસ છે, એક નિરાશા સામે અનેક આશા પણ હોય જ છે. હકીકતમાં જિંદગી ઈશ્વરની એટલી મોટી અને મૂલ્યવાન ભેટ છે કે એનાથી હારી જનાર વ્યક્તિ નાદાન અર્થાત્ વિચારોનો વિવેક ગુમાવી દેનાર ગણાય. વર્તમાન સંજોગો અસાધારણ છે, પહેલી વાર આવ્યા હોવાથી અભૂતપૂર્વ છે જેમાં આખું જગત આવરી લેવાયું છે. શારીરિક, માનસિક પીડા, દુઃખ, વેદના અને આર્થિક સમસ્યા એની ચરમસીમાએ છે. 2020નું વરસ જાણે કાળ બનીને આવ્યું હોય એમ કેટલાયને ભરખી રહ્યું છે. દરેકની પોતાની કથા અને વ્યથા છે. આ સંજોગો તો નિમિત્ત માત્ર છે, બાકી આ જ સંજોગો અનેક બોધપાઠ પણ લઈને આવ્યા છે જે માનવજાતને સદીઓ સુધી કામ લાગી શકશે જો માણસ એને સમજશે તો. અન્યથા માણસ ભટકતો રહેશે, દોડતો રહેશે, હરીફાઈ કરતો રહેશે, સંઘર્ષ કરતો રહેશે અને આખરે અસલામતી, એકલતા અને આત્મપીડા અનુભવતો રહેશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ વિશે વાતો ઘણી ચાલે છે, પરંતુ સમાજમાં સુશાંત અનેક છે અને હશે.
ભીતરની વ્યથા કહી શકાય એવા મિત્રો ક્યાં?
આ દિવસોમાં બે બાબતનું મહત્ત્વ ખાસ સમજવા જેવું છે. કોની સાથે કેટલું બોલવું, કોની સાથે ક્યારે બોલવું? આપણે મોબાઇલના આગમન બાદ સોશ્યલ મીડિયાના ગુલામ તો થઈ જ ગયા છીએ, પરંતુ જેના પ્રત્યે આપણું ધ્યાન ખાસ ગયું નથી એ છે મોબાઇલને કારણે આપણી એકબીજા સાથેની વાતોમાં ચિક્કાર વધારો થઈ ગયો છે. તમે માણસને જુઓ તો મોબાઇલ પર વાત ન કરતા હોય એવા માણસો કરતાં મોબાઇલ પર વાત કરતા હોય એવા માણસોની સંખ્યા બહુ મોટી જોવા મળે છે. એ માણસો વાત ન કરતા હોય તો મોબાઇલ પર કંઈકને કંઈક જોતા-સાંભળતા જોવા મળે છે. જાણે માણસ એકલો યા કંઈક પ્રવૃત્તિ વિના બે મિનિટ પણ રહી શકતો જ નથી. આ માણસોમાં આપણે પણ જાણતાં-અજાણતાં આવી ગયા છીએ એવું સમજીને યાદ રાખવું પડે. આપણે એકબીજાને શ્વાસ લેવાની સ્પેસ પણ નથી આપતા. આપણું વર્ચ્યુઅલ વર્લ્ડ વર્સ્ટ વર્લ્ડ બનતું જાય છે, જે આપણને વાસ્તવમાં એકલતા અને કલ્પનાની દુનિયામાં લઈ જઈ રહ્યું છે. આપણી સોશ્યલ મીડિયાની દુનિયામાં હજારો-લાખો મિત્રો કે ફૉલોઅર્સ હોઈ શકે, પરંતુ દિલની વાત ખૂલીને કરી શકાય એવા બે-ચાર મિત્રો ન હોય તો શું અર્થ છે? આપણે આભાસી જગત વધુ મોટું કરી નાખ્યું હોવાથી વાસ્તવિક જગત સાવ નાનું થઈ ગયું છે જ્યાં આપણી મૂંઝવણ, નિરાશા-હતાશાને સાંભળવાવાળું અને સમજવાવાળું કોઈ નથી. અંજામમાં સુશાંત સિંહ રાજપૂત જેવા કિસ્સા હજારો છે. તો ઉપાય શું છે? ઉપાય છે વિચારો સાથે વિવેકને ભેળવો. પદ, પ્રસિદ્ધિ, પૈસો વગેરે કાયમી નથી, કાયમી અગર કોઈ છે તો એ વિવેક અને આધ્યાત્મ સાથેના વિચારોની સમૃદ્ધિ છે, એને સાચવવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 05:19 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK