ભણશે નહીં તો ચાલશે, શીખશે નહીં તો નહીં ચાલે

Published: Nov 30, 2019, 12:32 IST | Sanjay Rawal | Mumbai

સંજયદૃષ્ટિ: આ નીતિ છે ફિનલૅન્ડની એજ્યુકેશન સિસ્ટમની. ત્યાં વર્ષના અંતે બાળકોની એક્ઝામ લેવામાં આવતી નથી, પણ દર વર્ષે ટીચરે એક્ઝામ આપીને પાસ થવાનું હોય છે‍.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આપણે અગાઉ પણ આ બાબતે ચર્ચા કરી છે અને આજે પણ એ જ વિષય પર વાત કરવાના છીએ, એજ્યુકેશન સિસ્ટમ. બહુ જરૂરી છે આ એજ્યુકેશન સિસ્ટમને બદલવાની, પણ એ બદલવા માટે આપણે કેવા-કેવા ફેરફાર કરવા જોઈએ અને શું સુધારો કરવો જોઈએ એની ચર્ચા પણ કરી લેવી જોઈએ. એને કઈ રીતે બદલી શકાય, શું સુધારો કરવાની આવશ્યકતા છે, કેવા ફેરફાર હોવા જોઈએ અને ક્યાં ચેન્જ લાવવાથી આપણી એજ્યુકેશન સિસ્ટમ પહેલાંની જેમ વિશ્વની સૌથી શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ તરીકે ફરીથી પ્રસ્થાપિત થઈ જાય. એક વાત કહી દઉં તમને કે જગતઆખામાં આપણી જ એજ્યુકેશન સિસ્ટમ એવી હતી જેની તોલે કોઈ ન આવી શકે. આ જે ચોપડિયું જ્ઞાન છે એ જ્ઞાન આપણા દેશમાં લઈ આવવાનું કામ અંગ્રેજોએ કર્યું છે. એ પહેલાં આપણી એજ્યુકેશન સિસ્ટમ જુદી હતી, જેમાં માત્ર ચોપડિયું જ્ઞાન નહોતું, પણ શાસ્ત્રો અને શસ્ત્ર સહિતનાં તમામ ક્ષેત્રનું જ્ઞાન આપવામાં આવતું હતું.
દુનિયાભરમાં ફરવાનું બનતું હોવાથી મને જાતજાતની એજ્યુકેશનલ સિસ્ટમ જોવાનું મન થયા કરતું. અત્યારે વિશ્વમાં એટલી સર્વે-એજન્સી છે જે સતત એવા અલગ-અલગ વિષયના સર્વે કરતી હોય છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. એજ્યુકેશન સિસ્ટમ પર પણ સર્વે થયા છે અને એ સર્વેમાં આવ્યા મુજબ અત્યારે જગતઆખામાં સૌથી સારામાં સારી અને બેસ્ટ કહી શકાય એવી સ્કૂલિંગ કે એજ્યુકેશન સિસ્ટમ જો કોઈની હોય તો એ છે ફિનલૅન્ડની. આ સર્વે વિશે જાણ્યા પછી મને ખરેખર મન થયું કે દુનિયાનો આ નાનકડો દેશ એવું તો શું કરે છે કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિશ્વની બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ ગણાય છે. ફિનલૅન્ડની સાઇઝની વાત કરું તો ફિનલૅન્ડ આપણા કરતાં ૧૫થી ૧૮ ગણો નાનો દેશ છે અને એ પછી પણ એણે એવી એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરી છે જે આજે વિશ્વની બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ ગણવામાં આવે છે. શું છે આ સિસ્ટમ એ જરા સમજવું જોઈએ.
ફિનલૅન્ડની સૌથી સારામાં સારી વાત જો કોઈ હોય તો એ કે ત્યાં એક બાળકને બાળક જ રહેવા દેવામાં આવે છે. જે ઉંમરમાં બાળકને તોફાન કરવાનાં હોય, મસ્તી કરવાની હોય અને મજા લેવાની હોય એ ઉંમરે આપણે ત્યાં સ્કૂલ જવા માટેનું અને ગ્રેડ્સ લાવવાનું ફરજિયાત કરી દેવામાં આવે છે. મારું બાળક આ પણ કરશે, આ પણ કરશે અને આ પણ તેણે કરવાનું છે એવું આપણા પેરન્ટ્સ માને છે. આવું માનનારા પેરન્ટ્સ સામે તમે જ્યારે પણ દલીલ કરો ત્યારે તેઓ એક જ વાત કહે કે ભણતરની સાથોસાથ ગણતર પણ તેમને મળવું જોઈએને. આ જે ભાવના છે એ ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. હકીકતમાં તો આવું માનનારા પેરન્ટ્સ એ ભૂલી ગયા છે કે આ બધા તેમના પોતાના શોખ છે અને એ બહાર શો-ઑફ કરવા માગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિનલૅન્ડમાં બાળક ૭ વર્ષનું ન થાય ત્યાં સુધી તેને માટે કોઈ સ્કૂલિંગ નહીં. બાળકે તેના બાળપણને માણવાનું. બીજી એક ખાસ વાત કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં જેમ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત છે એવી રીતે ફિનલૅન્ડમાં બાળક ૧૬ વર્ષનું થાય ત્યાં સુધી એજ્યુકેશન ફરજિયાત છે. બાળક નવમા ધોરણમાં પહોંચે એ પછી તેને પૂરી છૂટ છે કે તે આગળ ભણવા માગે છે કે નહીં અને ભણવા માગે છે તો એ શું ભણવા માગે છે અને કેવી રીતે પોતાનું એજ્યુકેશન આગળ વધારવા માગે છે. આ વાંચીને તમને આઘાત લાગ્યો હોય તો એ આઘાતને તમારા સુધી અકબંધ રાખજો, કારણ કે હજી તો આવી ઘણી વાતો આવવાની અને વાંચવાની બાકી છે.
ફિનલૅન્ડમાં એક્ઝામ લેવામાં આવતી નથી. જી હા, કોઈ જાતની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી અને બાળકે કઈ-કઈ અને કેવી-કેવી ટેસ્ટ કઈ રીતે આપવાની રહેશે એ સ્કૂલના ટીચર નક્કી કરે છે. ટીચરની જવાબદારી છે કે બાળકની ટેસ્ટ એ પ્રમાણે લેવાય કે તેના પર કોઈ જાતનું ટેન્શન કે સ્ટ્રેસ ન આવે. બીજી એક ખાસ વાત કે ફિનલૅન્ડમાં નૅશનલ મેટ્રિક્યુલેશન સિસ્ટમ છે, જે મુજબ બાળક જ્યારે ૧૬ વર્ષ પછી આગળ ભણવા માટે વધે તો તેની વૉલન્ટરી ટેસ્ટ લેવામાં આવે છે. યાદ રાખજો શબ્દ. વૉલન્ટરી અને આ વૉલન્ટરી ટેસ્ટના રાઇટ્સ ટીચરના રહે છે એટલે કે બાળકને મળ્યા પછી જો ટીચર એવું કહે કે આ બાળકને મેટ્રિકની ટેસ્ટ આપવાની નથી તો બાળક આગળ વધી શકે છે, કોઈ પણ જાતની ટેસ્ટ વિના કે માર્ક્સ-શીટના પુરાવા દેખાડ્યા વિના. ફિનલૅન્ડનું માનવું છે કે બાળકની જે લેખિત પરીક્ષા લેવામાં આવે છે એ માટે બાળક પોતાની જાતને તૈયાર કરવાને બદલે એક્ઝામમાં પુછાયેલા સવાલના જવાબ આપવા માટે તૈયાર કરે છે એટલે કે માત્ર ગોખણપટ્ટીને ધ્યાનમાં રાખે છે જેને લીધે તે ક્યારેય તૈયાર થતું નથી. આવું કરવાને બદલે ટેસ્ટ એ રીતે રાખો કે ખ્યાલ આવે કે પ્રૅક્ટિકલી બાળક કેટલું હોશિયાર કે તૈયાર થયું છે. ગ્રેડ કે માર્ક પરથી બાળકના પેરન્ટ્સ ગર્વ લઈ શકે છે પણ ફિનલૅન્ડ એ નથી ઇચ્છતું કે બાળક બહાર દેખાડો કરે, પણ તે ઇચ્છે છે કે બાળકમાં કૉન્ફિડન્સ આવે અને એ ગૌરવ સાથે દુનિયા સામે ઊભો રહે કે તે આ સ્તરે તૈયાર થયું છે. ફિનલૅન્ડમાં દરેક ટીચરની જવાબદારી છે તેની પાસે ભણતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરે. આ જવાબદારી જ નથી, પણ એ તેણે પણ પુરવાર કરવાનું છે અને એને માટે ફિનલૅન્ડમાં દર વર્ષે બાળકોના ડેવલપમેન્ટ પરથી શિક્ષકોના માર્ક મૂકવામાં આવે છે. જે શિક્ષકોને વધારે માર્ક મળે તેમની માગ વધે અને એ શિક્ષકને એ માર્ક મુજબ પ્રમોશન મળે. તમને જાણીને નવાઈ લાગશે કે શિક્ષક જ અહીં સ્કૂલ શરૂ કરી શકે છે. કરોડપતિ કે અબજોપતિ બિઝનેસ બનાવીને સ્કૂલ શરૂ કરી દે અને બહારથી શિક્ષક લઈ આવે એવું અહીં નથી ચાલતું, પણ જો તમે સ્કૂલ શરૂ કરવા માગતા હો તો ફિનલૅન્ડ એજ્યુકેશન સિસ્ટમ પાસે તમારે પુરવાર કરવું પડે કે તમે એને લાયક છો. બીજી વાત, ફિનલૅન્ડમાં સ્કૂલને લગતી જાહેરખબરો આપવી એ ગુનો છે. તમને ત્યાં એક પણ પ્રકારનાં હોર્ડિંગ્સ કે જાહેરખબર જોવા નહીં મળે જેમાં સ્કૂલની વાત હોય. સ્કૂલ ક્યાંય કોઈ ઇવેન્ટમાં પાર્ટનરશિપ કરીને પણ પોતાની પબ્લિસિટી નથી કરી શકતી. ફિનલૅન્ડ માને છે કે ખોટી કૉમ્પિટિશન બાળકનો વિકાસ રૂંધવાનું કામ કરે છે અને આ પ્રકારની કૉમ્પિટિશનને કારણે બાળકમાં સ્ટ્રેસ પણ વધે છે.
બાળકને વિકાસ કરવા માટે કો-ઑપરેશનની જરૂર હોય છે, કૉમ્પિટિશનની નહીં. તેને સાથ અને સહકાર આપો જેથી તે આગળ વધી શકે. માત્ર ગ્રેડના દેખાડા કરીને તેને દોડાવો નહીં. ફિનલૅન્ડમાં એટલે જ બેઝિક્સ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. બાળકને જેની જરૂર છે અને જે જોઈએ છે એ આપો. તેને ખ્યાલ આવવો જોઈએ કે તે જે ભણે છે, તે જે શીખે છે એ જીવનમાં તેને કેટલું કામ લાગવાનું છે. આપણે ત્યાં સાવ જ ઊંધું છે. આપણે બેઝિક સાથે કોઈ સંબંધ નથી. બે વત્તા બે ચાર થાય એ વાત સાચી, પણ શું કામ થાય છે એ પણ સમજાવવું જરૂરી છે. બાળકને એ સવાલ પણ થવો જોઈએ કે બે અને બે બાવીસ શું કામ નથી થતા. આપણી પ્રાથમિકતા ગ્રેડ માટેની છે, જ્યારે ફિનલૅન્ડની પ્રાથમિકતા શિક્ષણ માટેની છે.
ફિનલૅન્ડમાં સ્કૂલ સવારે ૯ વાગ્યે શરૂ થાય અને બપોરે બે વાગ્યે પૂરી થઈ જાય. દર દોઢ કલાકે બાળકને ફ્રેશ થવા અને રિલૅક્સ થવાનો સમય આપવામાં આવે. હોમવર્ક આપવામાં આવે છે, પણ એની ખાસિયત કહું તમને. હોમવર્ક ઘરે કરો તો ઠીક છે અને જો ન કરો કે ન થયું તો બીજા દિવસે સ્કૂલ આવીને ટીચરની હેલ્પ સાથે કરવાનું. જો તમે ન લખવા માગતા હો તો તમારે બોલવાનું અને ટીચર એ લખી નાખે. ખોટું બોલો તો એ પણ ટીચરે જ લખવાનું. આપણી સ્કૂલિંગ સિસ્ટમ કરતાં સાવ વિપરીત છે આ પ્રક્રિયા. આપણે ત્યાં બાળક ક્યાંય રિલૅક્સ હોતું જ નથી. આપણે તો ક્યારેય રિલૅક્સ નથી હોતા, પણ આપણે બાળકનું રિલૅક્સેશન પણ છીનવી લેવામાં હવે એક્સપર્ટ થઈ ગયા છીએ. આપણે ભણાવવા માગીએ છીએ, પણ એ જોવા રાજી જ નથી કે બાળક ભણવા માટે માનસિક રીતે કેટલું તૈયાર છે. પહેલાં વાતાવરણ ઊભું કરો, જો વાતાવરણ હશે તો જ બાળક શીખવાની ક્ષમતા કેળવી શકવાનું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK