આ પરિવર્તનનો શંખનાદ છે:બદલાશો તો ટકશો, નહીં તો તણાઈ જશો

Published: May 10, 2020, 21:07 IST | Ruchita Shah | Mumbai Desk

તમે અત્યારે જ્યાં છો અને જે પણ કાર્ય કરી રહ્યા છો એમાં કેવી રીતે આવનારા સમયનું દૂરંદેશીપૂર્વકનું પ્લાનિંગ કરી શકાય એ માટે કદાચ આમાંની કોઈ માહિતી તમારા માટે પૂરક બની જાય...

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનને કારણે અર્થવ્યવસ્થા ખોરવાઈ છે એ દીવા જેવી સ્પષ્ટ વાસ્તવિકતા છે. જોકે આ વળાંક છે અને આ વળાંકને અનુરૂપ તમે વળી ગયા તો થોડા ડૅમેજ સાથે ફરી બેઠા થવાની શક્યતા ઊજળી છે, પરંતુ જો જૂની રૂઢિચુસ્તતાને વળગી રહ્યા અને ચેન્જને સ્વીકારવામાં સમયસૂચકતા ન વાપરી તો ખેલ ખતમ પણ થઈ શકે છે. લૉકડાઉનને કારણે અત્યારે જે ક્ષેત્રો ડાયરેક્ટલી પ્રભાવિત થયાં છે એવાં ટ્રાવેલ, હોટેલ, રિયલ એસ્ટેટ, ઑટોમોબાઇલ્સ, રીટેલ, ડાયમન્ડ વગેરેના અગ્રણીઓ સાથે અમે વાત કરી. અત્યારની સ્થિતિમાંથી બહાર આવવા માટે તેમની પાસે શું પ્લાન છે? તેમના મતે નવા કેવા બદલાવોને અવકાશ આપવો પડશે, આવનારા સમયને લઈને તેઓ કેટલા આશાવાદી છે જેવા સવાલના જવાબ વાંચો. તમે અત્યારે જ્યાં છો અને જે પણ કાર્ય કરી રહ્યા છો એમાં કેવી રીતે આવનારા સમયનું દૂરંદેશીપૂર્વકનું પ્લાનિંગ કરી શકાય એ માટે કદાચ આમાંની કોઈ માહિતી તમારા માટે પૂરક બની જાય...

પરિવર્તન સંસારનો નિયમ છે. બદલાવ બાય ડિફૉલ્ટ છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો, સ્વીકારો કે ન સ્વીકારો, એ આવવાનો છે અને આવવાનો જ છે. કોરોનાને કારણે ઇકૉનૉમી પર શટડાઉનનું શટર લાગી ગયું છે અને એને કારણે ખાવાના વાંધા પડવાના છે એવો ડર ઘણાના મનમાં સતાવી રહ્યો છે. કદાચ તમને પણ ‘હવે શું?’ એવો આ અનિશ્ચિતતામાં વિચાર આવતો હશે. જોકે એ માટે ફરી એ જ વાત યાદ અપાવડાવીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે. જેમ પહેલાં તમે જેમાં ઠરીઠામ થઈને તમારા જૂના નિયમોના આધારે બેફામ કમાણી કરી એ સમય નથી ટક્યો તો આ અચાનક આવી ચડેલો સમય પણ નહીં જ ટકે. આ સમય પણ વીતી જશે એ જ અત્યારના સમયનું સૌથી આશાવાદી સ્ટેટમેન્ટ હોઈ શકે. જોકે થોડુંક વાસ્તવિકતાઓ સાથેનું સ્ટ્રૅટેજિક પ્લાનિંગ કર્યું હોય તો એ આશાઓની એન્કૅશ થવાની શક્યતા વધી જાય છે. જરૂરી નથી કે તમારી દરેક આશાઓ સાચી જ ઠરે, પણ એ સાચી નહીં ઠરે એમ વિચારીને નિરાશાવાદી બનીને ફર્યા કરવાથી પણ શું મેળવી લેવાના?
મોરલ ઑફ ધ સ્ટોરી, વાસ્તવિકતાઓને આંખ સામે રાખીને આશાઓના મિનારા ચણો.
મોરલ ઑફ ધ સ્ટોરી, સંજોગો સામે હથિયાર મૂક્યા વિના બદલાયેલા સંજોગોમાં કેવી રીતે બદલાવોમાં ટકી રહીશુંના વિચાર કરો.
મોરલ ઑફ ધ સ્ટોરી, એક્સપેક્ટ બેસ્ટ ઍન્ડ પ્રીપેર ફૉર ધ વર્સ્ટ. એટલે કે તમારું પ્લાનિંગ સમયસૂચકતા સહિતનું વાસ્તવિક અને શ્રેષ્ઠ પરિણામ આપનારું સાબિત થઈ શકે એવી આકાંક્ષાઓ સેવો, પણ ધારો કે એનાથી વિપરીત જ થાય એની માનસિક તૈયારીઓ પણ રાખો.
તમને ખબર છે કે પ્રાણી માત્રની સૌથી શ્રેષ્ઠ બાબત કઈ? એની અંદર રહેલી સર્વાઇવલ ઇન્સ્ટિનક્ટ, ગમે તેવા વિકટ સંજોગોમાં ટકી રહેવાની જિજીવિષા. આ જિજીવિષાને એરણે ચડાવવાનો સમય છે. આ વાત માત્ર અમે નહીં, ઘણી ઇન્ડસ્ટ્રીઓના માંધાતાઓ કહી રહ્યા છે. તેમની દૃષ્ટિએ આવનારા સમયમાં ભલે પડકાર બેશુમાર દેખાઈ રહ્યા હોય, પણ પડકારોની સામે નવી તકોનું નિર્માણ પણ થશે. આજે ગુફ્તગૂ કરીએ લૉકડાઉનને કારણે જેને પ્રત્યક્ષ રીતે સૌથી વધુ પ્રભાવિત થઈ રહેલા કેટલાક લોકો સાથે.

ટૂરિઝમને ટ્રૅક પર લાવતાં કેટલો સમય જશે?
જેમ્સ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સે થોડા સમય પહેલાં પોતાના ક્લાયન્ટ્સ અને પરિચિતોને એક મેસેજ વહેતો કર્યો છે કે તેમની ૧૪,૦૦૦ ચોરસ ફુટની વિશાળ ઑફિસમાં લૉકડાઉન ખૂલ્યા પછી સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને સાથે જ તેમને ત્યાં વિઝિટ કરનારા ગ્રાહકોને એક નવો અનુભવ મળે એ આશયથી મોટી સ્ક્રીન પર ફિલ્મ જોઈ શકાય એવી વ્યવસ્થા અને સાથે પૉપકૉર્ન અને હાઇજીનનું ધ્યાન રાખીને બનેલા નાસ્તાપાણી પણ પીરસવામાં આવશે. આ વર્ષ ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રી માટે વસમું જવાનું છે એમાં કોઈ બેમત નથી. જે મુખ્ય સીઝન ગણાય છે એ વેકેશનનો ગાળો ગયો અને હજીયે ૬ મહિના સુધી ગાડી પાટે ચડે એવી શક્યતાઓ ટ્રાવેલ-ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓને દેખાતી નથી. ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવતા હિના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના જિતેન્દ્ર શાહ કહે છે, ‘આવા સમયની કોઈએ કલ્પના નહોતી કરી અને ૧૦૦ ટકા આમાંથી બહાર આવતાં ઘણો સમય લાગવાનો છે. અમારી સામે અત્યારે ધંધો બંધ થયો એ પ્રશ્ન નથી, પરંતુ આવનારા સમયમાં ફરીથી ધંધાને પાટે ચડાવવા માટે જે વ્યવસ્થા જોઈશે એને કેવી રીતે પૂરી પાડી શકાશે એ પ્રશ્ન પણ છે જ. મહારાજો અને કામ કરનારા લોકો પોતાના ગામ જતા રહ્યા છે. હવે એ લોકો પાછા આવીને આ કામે લાગશે કે ઘરે રહીને ત્યાં ને ત્યાં જ કોઈ નવાં કામ શોધી લેશે. જોકે જીવનમાં ઘણા સંઘર્ષોમાં હિંમત હાર્યા વિના લડ્યા જ છીએ અને પાર ઊતર્યા છીએ. આ વખતે પણ એવું જ કરીશું. કંઈક રસ્તા કાઢીશું, ડિજિટલનો ઉપયોગ વધારીશું, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કામ કરીશું, સૅનિટાઇઝર, માસ્ક વગેરેના પ્રયોગ વધારીશું. જોકે અત્યારે તો ઘણી અનિશ્ચિતતા છે.’
આ જ સંદર્ભે કુલિનકુમાર હૉલિડેઝના પ્રતીક શાહ કહે છે, ‘લૉકડાઉન ખૂલ્યા પછી અમારી પહેલી પ્રાયોરિટી રહેશે જેમણે ઍડ્વાન્સ બુકિંગ કર્યાં હતાં તેમને રીફન્ડ અથવા ક્રેડિટ-નોટ્સ આપવી. હવે અમુક ઍરલાઇન્સ અને હોટેલવાળાઓને ત્યાં અમે બુકિંગ કરેલું તેમણે અમને ક્રેડિટ-નોટ આપી છે, કોઈકે થોડા ડિડક્શન સાથે કૅશબૅક આપ્યું છે. જે અમે સીધેસીધું કસ્ટમરને ટ્રાન્સફર કરવાના છીએ. એક વસ્તુ અમે લોકોએ સ્વીકારી લીધી છે કે જ્યાં સુધી કોરોનાની વૅક્સિન નહીં બને ત્યાં સુધી પરિસ્થિતિ તદ્દન નૉર્મલ થવી અશક્ય છે એટલે વેઇટ ઍન્ડ વૉચની જ નીતિ અપનાવવી બહેતર રહેશે. ડોમેસ્ટિક ટૂરિઝમ પહેલાં ચાલુ થશે એવી આશા છે. અત્યાર સુધી ટ્રાવેલ માટે કોઈ પૅકેજિસનું ઑનલાઇન સેલિંગ નહોતું થતું જે દિશામાં હવે અમે કામ ચાલુ કરી દીધું છે. સાથે જ આંતરારષ્ટ્રીય સ્તરે ટૂરિઝમ પર નિર્ભર દેશો પણ ફરી એક વાર પ્રવાસીઓને આકર્ષવા માટેનાં નવાં અભિયાન શરૂ કરે, ફરીથી શરૂ કરવા માટે કૉસ્ટ-કટિંગની નીતિ ટૂરિઝમ સાથે સંકળાયેલો દરેક વર્ગ અપનાવશે. જેનો સીધો લાભ અમે કસ્ટમરને આપીશું. ઝીરો માર્જિન પર કામ કરવું પડે તો એની પણ અમે તૈયારી રાખી છે. બીજો એક બદલાવ જે મને લાગે છે કે આવનારા સમયમાં ડોમેસ્ટિક લક્ઝરી ટ્રાવેલ વધી શકે છે. જે લોકો ફૉરેન ટૂર નથી જઈ શકવાના અને જેમની પાસે ફૉરેન ટૂરનું બજેટ છે એ લોકો ભારતમાં લક્ઝરી ટ્રાવેલને પ્રેફરન્સ આપવાના છે એટલે ભારતમાં ફાઇવસ્ટાર હોટેલોમાં રહીને સારામાં સારી ઍમિનિટીઝનો ઉપયોગ કરવાની તેમની નેઇમ હશે. અમે લોકો આ દરેક પ્રેફરન્સના લોકોને ધ્યાનમાં રાખીને અમારાં પૅકેજિસને રીડિફાઇન કરી રહ્યા છીએ. જોકે એક વાત નિશ્ચિત છે કે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી એ કોરોનાને કારણે પ્રભાવિત થયેલી પહેલી ઇન્ડસ્ટ્રી છે અને લૉકડાઉનની અસરમાંથી બહાર નીકળનારી ઇન્ડસ્ટ્રીઓમાં સૌથી છેલ્લી હશે એમાં શંકાને સ્થાન નથી. આ ફટકાને કારણે લગભગ ત્રણેક વર્ષ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પાછળ જતી રહી છે.’
વધુ એક મહત્ત્વના મુદ્દા પર ધ્યાન ખેંચતાં જિતેન્દ્ર શાહ કહે છે, ‘ટૂરિઝમની વાત કરતા હો ત્યારે માત્ર ટ્રાવેલ એજન્સીની વાત જ નથી આવતી. ટૂરિસ્ટ ઉપર ટ્રાવેલ કંપનીઓની સાથે એ ટૂરિસ્ટ પ્લેસ સાથે સંકળાયેલો બહુ મોટો વર્ગ આવે છે. ગાઇડ, લોકલ શૉપિંગ, ઘોડાવાળા, બીચ ઍક્ટિવિટી કરાવનારા, ત્યાંની લોકલ રેસ્ટોરાં અને હોટેલવાળા એમ આખી ચેઇનને અસર પહોંચવાની છે. જોકે પ્રી-બુકિંગ કરનારા ટૂરિસ્ટોના સંપર્કમાં અમે છીએ. લૉકડાઉન ખૂલ્યા પછી ફરી પરિસ્થિતિ કાબૂમાં આવ્યા પછી પ્રવાસીઓ પ્રવાસ માટે તૈયાર છે. અમારા માટે બહુ મહત્ત્વનો પડકાર છે કે ગ્રુપ ટૂરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પણ પાળીને કેવી રીતે આગળ વધવું? આજે ૪૦ની કૅપેસિટીવાળી બસમાં ૨૦ પ્રવાસીઓને બેસાડીને કેવી રીતે ગ્રુપ-ટૂર કરીશું તો આર્થિક લોડ વધી જશે અને આ જ બાબત ઍરલાઇન કંપનીઓ કરવાનું વિચારી રહી છે જેમાં ત્રણની સીટમાંની વચ્ચેની સીટ ખાલી રહેશે. જોકે આમ કરવાથી જે નુકસાન થશે એની ભરપાઈ ક્યાંથી થશે? ઘણા વિચાર કરવાના છે. જોકે રસ્તા નીકળશે, કદાચ થોડો સમય લાગશે, પણ બધું ધીમે-ધીમે થાળે પડી જશે એ બાબતને લઈને હું આશ્વસ્ત છું.’
એક અંદાજ પ્રમાણે રેન્ટ પર ઑફિસ લઈને નાના પાયે ટૂરિઝમનું કામ કરનારી કંપનીઓ માટે આ પડકારજનક સમય છે અને લગભગ ૫૦થી ૬૦ ટકા એવી કંપનીઓ બંધ જ કરવી પડશે. જોકે બીજો એક પૉઝિટિવ આસ્પેક્ટ શૅર કરતાં ટૂર-મૅનેજર નીરજ ઠક્કર કહે છે, ‘સૌથી પહેલાં તો અત્યારે જે રીતે કોરોનાની બીક લોકોના માઇન્ડમાં ઘૂસી છે એને કારણે અમુક નિરાશાવાદીઓ એમ વિચારે છે કે ખતમ થઈ ગઈ, કે બે-ચાર વર્ષ ભૂલી જજો. જોકે મારી દૃષ્ટિએ જેવું લૉકડાઉન હટશે અને સરકાર તરફથી હરવાફરવા પર પ્રતિબંધ હઠશે એટલે તરત જ લોકો બમણી ઝડપે બહાર નીકળવાના છે. ડર એ સરકારનાં પગલાંઓને કારણે જાગ્યો છે અને સરકારની નીતિ બદલાશે એમ ડર નીકળી જશે. ટ્રાવેલ એ આપણી પ્રજા માટે એક વ્યસન સમાન છે અને ફર્યા વિના લોકોને ચાલવાનું જ નથી. બેશક, હવે પછી ટ્રાવેલિંગમાં પ્રિકોશન્સનું પ્રમાણ વધશે. સૅનિટાઇઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ઉમેરાશે, પરંતુ પ્રવાસીઓ બહાર જ નહીં નીકળે એ કહેવું ઉચિત નથી. ઘણા લોકોને પોતાના કૅન્સલ ટ્રાવેલ પ્લાનના બદલામાં ક્રેડિટ નોટ ટૂર એજન્સીઓ પાસેથી મળી છે. એટલે છૂટછાટ મળવાની શરૂ થયા પછી આ ક્રેડિટ નોટ વટાવવા માટે પણ લોકો બહાર નીકળશે અને તેઓ જ્યારે પોતાની સેફ્ટી, સેફ જર્ની સાથે કરેલા એન્જૉયમેન્ટની વાતો લોકો સાથે સોશ્યલ મીડિયા પર શૅર કરશે એટલે ટ્રાવેલિંગના શોખીનોનો બીજો લૉટ પણ બહાર આવશે. સાથે ટૂર એજન્સીઓની જાહેરખબરો પણ લોકોને અપીલ કરે એવી બનશે. ટૂર-મૅનેજર તરીકે લોકો સાથે ખૂબ રહ્યો છું એટલે કહી શકું કે ખાસ કરીને હરવા-ફરવાની પ્રેમી ગુજરાતી પ્રજા ટ્રાવેલિંગ ક્યારેય નહીં છોડે. અત્યારે લૉકડાઉન છે ત્યાં સુધી બધા ઘરમાં બંધ છે, પણ જેવાં નિયંત્રણ હઠશે એવા જ લોકો સાવચેતી સાથે બહાર ફરવા નીકળવાના જ છે.’

રિયલ એસ્ટેટની મદાર સરકારની પૉલિસી પર
છેલ્લા ઘણા સમયથી રિયલ એસ્ટેટ માટે વળતાં પાણીના દિવસ ચાલી રહ્યા છે અને એ પરિસ્થિતિ હજી વધુ ગંભીર બની છે. રિયલ એસ્ટેટના નિષ્ણાતો એક બાબતને લઈને નિશ્ચિત છે કે ભાવ ઘટાડવા શક્ય નથી. જગ્યાના ભાવ ઘટાડી શકાય એવો સ્કોપ જ નથી રહ્યો એમ જણાવીને ધ મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ નયન શાહ કહે છે, ‘છેલ્લા લાંબા ગાળાથી જે પરિસ્થિતિ છે એ ઘણા અંશે ઘટાડી શકાઈ છે. હાડપિંજરને તમે બ્લડ ડોનેટ કરવાનું કહો તો એ કેવી રીતે શક્ય છે. ભાવની બાબતમાં બિલ્ડરોએ જે શક્ય હતું એ ઓછું કરી દીધું છે. બેશક અત્યારે સમય પડકારજનક છે. જોકે એક બાબત અમને લાગે છે કે ઘર એ બેઝિક નેસેસિટી છે અને એની ડિમાન્ડ આવશે જ. હમણા નહીં તો પાંચ-પંદર મહિના પછી. જોકે એ રાહ જોવા સિવાય છૂટકો પણ નથી. અત્યારની સ્થિતિને કેવી રીતે હૅન્ડલ કરી શકાય એના ૯ મુદ્દા સાથેની દરખાસ્ત અમે સરકાર સમક્ષ મૂકી છે. અત્યારની સ્થિતિ માટે હું એમ જ કહીશ કે અમારો ધંધો ઘરડો નથી થયો, બસ બીમાર છે. બીમારીને કારણે અશક્તિ આવી છે. એને પૂરતું ન્યુટ્રિશન મળશે એટલે એ પાછો બેઠો થઈ જશે. એના માટેની સગવડ અમને આપો એવી રજૂઆત સરકાર સમક્ષ કરી છે, જેમાં અમે હોમલોનના વ્યાજદર ઘટાડવાની વાત કરી છે જેથી ડિમાન્ડને બૂસ્ટ મળે, એક વર્ષ માટે સ્ટૅમ્પ ડ્યુટી ઝીરો કરવાનું કહ્યું છે. રેરાને કહ્યું છે કે એક વર્ષ માટે પ્રોજેક્ટને એક્સટેન્શન આપો. એ સિવાય અમે અમારા સ્ટાફ સાથે પેટછૂટી વાત કરીને તેમની જરૂરિયાત પૂરી થાય એટલો પગાર આપવાનું નક્કી કર્યું છે. જેવી પરિસ્થિતિ સુધરશે એટલે તેમનો બાકી રહેલો પગાર સરભર કરી દેવાની પણ ચોખવટ કરી છે. અમારા માટેના વ્યાજદર ઓછા કરવાની સરકારને વિનંતી કરી છે. બિલ્ડિંગલાઇન સાથે સંકળાયેલા કૉન્ટ્રૅક્ટર, સપ્લાયર, ઇલેક્ટ્રિશ્યન વગેરેને તેમના ભાવના રિવ્યુ કરીને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બદલવાની મીટિંગ હમણાં જ અમે કરી ચૂક્યા છીએ. બીજું, આવનારા સમયમાં કસ્ટમરને અમારી સાથે જોડવા માટે કેટલીક લોભામણી લ્યુકરેટિવ ઑફર પણ ઘણા બિલ્ડરો લૉન્ચ કરી ચૂક્યા છે. તેમની સાથે હમણાં વધારે સંવેદનશીલતા દાખવવાનો સમય છે. ડિજિટાઇઝેશનનો ઉપયોગ વધુમાં વધુ થવાનો છે અમારા ક્ષેત્રમાં પણ. બિલ્ડરોને કહ્યું છે કે અત્યારે વધુ ને વધુ કૅશ મૅનેજમેન્ટ કરો. ખર્ચ એકદમ ઓછા કરી નાખો. જે બિલ્ડરો પૈસાના અભાવે પ્રોજેક્ટ પૂરો નથી કરી શક્યા તેમને માટે અસોસિએશન દ્વારા મૅનેજ થતા સ્ટ્રેસ ફન્ડથી મદદ કરીને તેમનો પ્રોજેક્ટ પૂરો કરાવડાવવાની દિશામાં પણ કામ આગળ વધાર્યું છે. જેવો તેમનો માલ વેચાય એટલે પહેલાં લોન ચૂકવે.’
રિયલ એસ્ટેટના નિષ્ણાતો એક વાત પર એકમત છે કે ઇકૉનૉમી સુધરશે એટલે તેમના સેગમેન્ટમાં આપમેળે જ ગ્રોથ દેખાવાનું શરૂ થશે. ધ નૅશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રેસિડન્ટ નિરંજન હીરાનંદાની સરકારના પક્ષે ત્રણ વસ્તુની આવશ્યકતા વિશે વાત કરતાં કહે છે, ‘ઇકૉનૉમીને બને એટલી ઝડપથી પાટે ચડાવવા સરકારે પ્રયત્ન કરવા જોઈએ. રિઝર્વ બૅન્ક પાસે ૭ લાખ કરોડ રૂપિયા પડ્યા છે. ઇકૉનૉમીને આગળ વધારવા માટે જો એનો ઉપયોગ થાય તો દરેક ઇન્ડસ્ટ્રીને એનો લાભ થશે. બીજું, માર્કેટમાં કૅશફ્લો વધે એ માટે સરકાર તરફથી જે ડ્યુ પેમેન્ટ છે એ તાત્કાલિક ધોરણે થવા જોઈએ. સરકાર લોકોને સૅલેરી ચુકવવાનું અને કોઈનો પગાર નહીં કાપવાનું કહે છે, પરંતુ જીએસનું કે આઇટી રીફડન્ડ જેવાં સરકાર તરફથી જે પેમેન્ટ થવાં જોઈએ એ અટકેલાં પડ્યાં છે. ત્રીજું, અત્યારે આમ પણ લોકોના બિઝનેસ ઠપ પડેલા છે. ૬ મહિના માટે સરકાર જીએસટીમાં ૫૦ ટકાની છૂટ આપે. આ ત્રણ પગલાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને બેઠી થવામાં ઘણી મદદ કરશે. બાકી ઘર એ જીવનજરૂરિયાતની વસ્તુ છે અને એમાં તો ક્યારેય ડિમાન્ડ ન હોય એવું બનવાનું નથી.’
રિયલ એસ્ટેટના ઑનગોઇંગ પ્રોજેક્ટમાં માઇગ્રન્ટ મજૂરોની મુંબઈમાંથી થઈ રહેલી હિજરત આવનારા સમયમાં બહુ મોટો પડકાર બનવાની છે એ વિશે ધ મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી, થાણેના વાઇસ પ્રેસિડન્ટ જિતુભાઈ કહે છે, ‘બે બાજુ તરફ હું આપનું ધ્યાન દોરીશ. એક તો એ કે ઘણા ખરા માઇગ્રન્ટ વર્કર્સ અત્યારે મુંબઈમાંથી નીકળી ગયા છે. હકીકતમાં એ લોકો ક્વૉરન્ટીન જેવી સ્થિતિમાં હતા. તેમને ખાવાપીવાની સગવડ મળી રહી હતી, પણ કોઈક રીતે તેમને અહીં જોખમ છે એવી વાતો વહેતી કરીને પૅનિક કરવામાં આવ્યા હતા અને તેઓ તાબડતોબ નીકળી પડ્યા. હવે ફરીથી પ્રોજેક્ટ શરૂ થશે લૉકડાઉન પછી તો આ કામદાર ક્યાંથી લાવીશું? એની કોઈ વ્યસ્થા સરકારે કરી છે? બીજું, હવે જે પણ કામ થશે એમાં સૅનિટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પ્રમાણ વધશે. સરકારે આદેશ આપ્યો છે કે કન્સ્ટ્રક્શન-સાઇટ પર કોઈ મજૂરને કોરોના આવ્યો તો બિલ્ડર પર ઍક્શન લેવાશે? આ તર્ક પણ સમજાય એવો નથી. જોકે પૉઝિટિવ બાબતોની વાત કરીએ તો કહી શકાય કે આવનારા સમયમાં હવે સેફ્ટી અને પ્રિકોશન્સનું પ્રમોશન માર્કેટિંગ દરમ્યાન વધુ થશે. નવા ઘરાકોના માઇન્ડસેટને સમજીને આગળ વધવા જેટલી સ્માર્ટનેસ બિલ્ડરોએ કેળવવી પડશે. કન્સ્ટ્રક્શન કૉસ્ટ ઓવરઑલ વધે એવા અણસાર દેખાઈ રહ્યા છે. આવનારા સમયમાં બિલ્ડરોએ વધુ પ્રોજેક્ટ કરવા કરતાં જે પ્રોજેક્ટ કરતા હો એમાં સારી રીતે કામ કરવાની બાબત પર વધુ ફોકસ કરવાની જરૂર છે. તમે સારું અને સમયસર કામ પૂરું કરશો એ તમારી ગુડવિલ વધારશે અને આવનારા સમયમાં કસ્ટમરના માઇન્ડમાં રહેલી તમારી ગુડવિલ જ તમારી તારક બનશે.’

હોટેલ બિઝનેસવાળાનો નવો મંત્ર શું હશે?
લૉકડાઉનની લાંબા ગાળાની સીધી અસર હોટેલ અને રેસ્ટોરાંઓને પણ થઈ છે. જોકે સરકાર તરફથી આ સેગમેન્ટને ખાસ કોઈ મદદ મળી નથી. આ સંદર્ભે નૅશનલ રેસ્ટોરાં અઅસોસિએશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઇ)ના પ્રેસિડન્ટ અનુરાગ કટિયાર કહે છે, ‘અત્યારની પરિસ્થિતિમાંથી ક્યારે બહાર નીકળાશે એ જ ખબર નથી. જોકે લૉકડાઉન હટ્યા પછી ડબ્લ્યુએચઓ, એફએએએસઆઇ વગેરેએ આપેલા નિયમો મુજબ બદલાવ લાવવા. ટેબલ વચ્ચે ડિસ્ટન્સ કરવું પડશે. જે વસ્તુ તમારી રેસ્ટોરાંમાં આવે છે એ સેફ્ટી પ્રોટોકૉલ મુજબની હોવી જોઈશે. સ્ટાફના હાઇજીનને મહત્તા આપવી પડશે. સ્ટાફનું ટેમ્પ્રેચર નિયમિત માપતા રહેવું પડશે. માસ્ક અને હૅન્ડ ગ્લવ્ઝ રેસ્ટોરાંની પ્રત્યેક વ્યક્તિ માટે મસ્ટ હેવ બનશે. એ બધું જ કરવું પડશે, જે લોકોમાં કૉન્ફિડન્સ જગાવે અને તેમના ડરને તોડી નાખે. ક્યાંક નક્કી થયું છે કે સ્ટાફના બધા જ સભ્યોની કોવિડ-ટેસ્ટ કરાવીને એના રિપોર્ટ પબ્લિક ડિસ્પ્લેમાં મૂકીશું. ફૂડ-વાઉચર લૉન્ચ કરવાનું પ્લાનિંગ પણ છે. એમાં ધારો કે ૧૦૦૦ રૂપિયાનું વાઉચર ૭૫૦ રૂપિયામાં મેળવો અને અત્યારે ૨૫૦ રૂપિયા આપો અને બાકીના લૉકડાઉન પછી જમવા આવો ત્યારે આપજો. આવી તરકીબ સાથે કૅશફ્લો જે અટકી ગયો છે એ શરૂ કરવામાં મદદ કરશે. એ સિવાય અમે સરકારને પણ પોસ્ટ લૉકડાઉનની ગાઇડલાઇન વહેલી આપવાની દરખાસ્ત કરી છે, જેથી લોકો ઍડ્વાન્સમાં પોતાની બિઝનેસ-સ્ટ્રૅટેજી પર કામ કરી શકે. એ સિવાય લગભગ ૧૩-૧૪ મુદ્દા સરકાર સમક્ષ રજૂ કર્યા છે; જેમાં વર્કિંગ કૅપિટલ, ઈ-કૉમર્સ, ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ જેવા પૉઇન્ટ્સ કવર કર્યા છે. હવે રેસ્ટોરાંવાળાઓએ ફિક્સ રેન્ટથી બહાર નીકળીને પ્યૉર રેવન્યુ શૅરિંગવાળો ફન્ડા અપનાવવો પડશે. માહોલ બદલાયો છે, તથ્યો અને તર્કો બદલાયા છે એટલે દરેક પાસા પર વ્યાવસાયિકે પોતાના વેપારના સંબંધોમાં બદલાવ લાવવો પડશે. આવનારા સમયમાં માર્કેટિંગ સેફ્ટી મેઝર્સ સાથેનું હશે. રેસ્ટોરાંમાં ડૂ ઈટ યૉર સેલ્ફ જેવા કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે. ઑનલાઇન ફૂડ પહોંચાડવા માટેની પોતાની વ્યવસ્થા શરૂ કરવી પડશે અને ખર્ચા ઓછા કરવા પડશે.’

હીરાની ડિમાન્ડ કેવી રીતે વધારી શકાશે?
હીરા એ લક્ઝરી પ્રોડક્ટમાં આવતી વસ્તુ છે. સ્વાભાવિક છે કે અત્યારના સમયમાં ડાયમન્ડની ડિમાન્ડમાં પણ ખાસ્સો બદલાવ આવશે. કેવી રીતે સજ્જ થઈ રહ્યું છે હીરાબજાર આવનારા સમય માટે એ વિશે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલના રીજનલ ચૅરમૅન દિનેશ નાવડિયા કહે છે, ‘અત્યારે રત્નકલાકારો જ નહીં, ૮૦ ટકા માલિકો પણ બેરોજગાર જેવી સ્થિતિમાં છે. હીરાબજાર એક્સપોર્ટ પર નભતો બિઝનેસ છે અને અમાંથી ૪૦ ટકા અમેરિકા, ૩૮ ટકા હૉન્ગકૉન્ગ, ૧૫ ટકા યુરોપ અને ૪ ટકા ચીનની ડિમાન્ડ હોય છે. અત્યારે હૉન્ગકૉન્ગમાં એક્સપો શરૂ થયો છે અને એને કારણે થોડી ડિમાન્ડ આવી છે. જોકે એ સિવાયની માર્કેટો બંધ છે. અત્યારે અમે બધા વેઇટ ઍન્ડ વૉચની હાલતમાં છીએ. બધાએ મળીને નક્કી કર્યું છે કે અત્યારે રફનું ઇમ્પોર્ટ નહીં કરીએ. એક વાર આંતરરાષ્ટ્રીય માર્કેટ ચાલુ થાય એ પછી કેવી ડિમાન્ડ આવે છે એની રાહ જોઈએ છીએ. અત્યારે જે સંજોગો છે એ જોતાં આવનારા સમયમાં લગભગ બે-ત્રણ બદલાવ આવશે. એક તો ક્રેડિટનો બિઝનેસ ઘટશે. વધારે કૅશ ટુ કૅશ બિઝનેસ થશે. લોકો ક્વૉલિટી પર વધુ ધ્યાન આપશે. ક્વૉન્ટિટી પ્રોડક્શન નહીં થાય. ત્રીજું, વૅલ્યુ એડિશન પર વધુ ધ્યાન અપાશે. અત્યારે આપણે ત્યાં વૅલ્યુ એડિશન પર ફોકસ નથી. સરકાર પાસેથી પણ થોડી અપેક્ષા છે. એક તો બૅન્ક-ફૅસિલિટીમાં ૩૦ ટકાનો વધારો કરે. અત્યારે સરકાર વર્કરોને ડાયરેક્ટ હેલ્પ કરે છે એના કરતાં માલિકો દ્વારા એ હેલ્પ કરે તો ઇન્ડસ્ટ્રીને એનો લાંબા ગાળે લાભ થશે.’
અત્યારે ગ્રીન ઝોનમાં ફરી એક વાર આ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શનનું કાર્ય શરૂ થઈ ગયું છે. કેટલાક વેપારીઓ આશાસ્પદ છે કે લગભગ ત્રણેક મહિનાની અંદર ડિમાન્ડ ચાલુ થશે. એમ. સુરેશ કંપનીના લલિત અદાણી કહે છે, ‘બાવન વર્ષથી કંપની છે અમારી. ઘણા જુદા-જુદા સમય જોયા છે. બેશક, હીરા એ લક્ઝરી પ્રોડક્ટ છે, પરંતુ એની ડિમાન્ડ તો રહેવાની. ફૉરેનરો માટે એન્ગેજમેન્ટ રિંગ અને ડાયમન્ડ પેન્ડન્ટ એ સેલિબ્રેશનનો હિસ્સો છે. જ્યાં સુધી વિશ્વમાં ઉજવણી થતી રહેશે ત્યાં સુધી એની ડિમાન્ડ રહેશે. બેશક અત્યારે ધીરજ રાખવાનો સમય છે. લગભગ બે-ત્રણ મહિનામાં ગાડી પાટે ચડવા માંડશે.’

ફાઇનૅન્શિયલ પ્લાનર શું કહે છે?
સમય બદલાયો છે અને અત્યારે પરિસ્થિતિ જરા વિપરીત છે, પરંતુ આ જ માહોલ રહેવાનો છે અને બધી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે એવું ન કહી શકાય. ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર ગૌરવ મશરુવાલા કહે છે, ‘આપણે રેસ્ટોરાંમાં ખાવાનું જ બંધ કરી દઈશું એવું નહીં, પણ કન્ઝપ્શનની રીત બદલાશે. ટ્રાવેલમાં પણ આ વાત લાગુ પડે છે. લોકો ફરવા જવાનું છોડી નહીં શકે. થોડો સમય કદાચ બંધ રહેશે. ફાઇનૅન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફરક નથી પડવાનો. ધારો કે થોડા સમય લોકો પૈસા બૅન્કમાં રાખશે, એફડી ખોલશે. થોડા વખત પછી એમ થશે જ ને કે પાંચ લાખ છે તો ૨૫,૦૦૦ રૂપિયા તો રોકાણ કરું. બની શકે ઇન્વેસ્ટમેન્ટમાં નવા પર્યાય આવશે, પણ ઇન્વેસ્ટમેન્ટ બંધ નહીં થાય. દર ત્રણ મહિને ક્લાયન્ટ સાથે અમે કમ્પલ્સરી રિવ્યુ-મીટિંગ કરતા, હવે વિડિયો-કૉન્ફરન્સિંગથી કરી આ વખતે. લોકો રોકાણ કરશે. બધાને પોતાની મૂડી, સંપત્તિ વધે એ ગમે જ. રીતો બદલાશે. રીતો બદલાતી વખતે માણસને જે સમય લાગે એ લાગશે.’

ઑટોમોબાઇલની ડિમાન્ડ રિવાઇવ થશે આને કારણે
બહાર જ નથી નીકળવાનું તો ગાડીની શું જરૂર છે એ વિચાર સેહેજેય ઘણાના મનમાં આવી ગયો હશે. જોકે ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના લોકો આવનારા સમયને લઈને વધુ આશાસ્પદ જણાય છે. આ લૉકડાઉનમાં લોકોને પોતાના વાહનની જરૂરિયાત સમજાઈ ગઈ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ભરોસે બેસવા જેવું નથી એ પણ કળાઈ ગયું છે અને એ જ અમારા માટે પ્લસ પૉઇન્ટ સાબિત થવાનો છે એવું માર્કેટના કેટલાક નિષ્ણાતો કહે છે. ઑટોમોબાઇલની બાબતમાં સરકાર દ્વારા પણ કેટલીક નવી પૉલિસીઓની દિશામાં કામ ચાલુ હોવાની અટકળો છેલ્લા ઘણા સમયથી સંભળાઈ રહી છે. એક કાર કંપનીની ફ્રૅન્ચાઇઝીના સ્ટોર-મૅનેજર સુમીત સારંગ કહે છે, ‘તમે માનશો નહીં, પણ અત્યારે લૉકડાઉનમાં અમારે ત્યાં કેટલીક ઇન્કવાયરી આવી છે. જે લોકોએ પ્રી-બુકિંગ કરેલું એ લોકો લૉકડાઉનમાં ડિલિવરી નથી મેળવી શક્યા એ લોકો વહેલામાં વહેલી તકે ડિલિવરી ઇચ્છે છે. કાર અને ટૂ-વ્હીલર બન્નેની ડિમાન્ડ હવે વધશે, કારણ કે પ્રાઇવેટ વેહિકલમાં લોકો પોતાને વધુ સેફ માનશે. ટ્રેન અને બસના ક્રાઉડને અવૉઇડ કરવા લોકો પોતાના વાહનને પ્રીફર કરશે. બીજું, ૧૫ વર્ષ જૂના વાહનને સ્ક્રૅપ કરવાની પૉલિસી આવી રહી છે એનો ફાયદો પણ થશે. હા, લક્ઝરી ગાડીઓના વેચાણને ફટકો લાગ્યો છે. જોકે એ બેઝિક ગાડીઓમાં સરભર થઈ જશે.’
સરકાર દ્વારા ટૅક્સ ઘટાડવાની અરજી ઇન્ડસ્ટ્રીના કર્તાહર્તા દ્વારા કરવામાં આવી રહી છે અને ‘જૂની આપો, નવી લો’ જેવી સ્કીમને જોર મળશે.

રીટેલરોએ ક્યાં દેખાડવી પડશે દૂરંદેશી?
અત્યારે લૉકડાઉનને કારણે દેશભરમાં ગલી-ગલીમાં આવેલી નાની-મોટી દુકાનો, ડિઝાઇનર અને લક્ઝરી સાડી તથા ડ્રેસની દુકાનો, રીટેલમાં ડાયરેક્ટ કસ્ટમર સાથે ડીલ કરનારા દુકાનદારો માટે અત્યારે સૌથી વધુ પડકાર ઊભા થયા છે. આ સંદર્ભે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહ કહે છે, ‘મુંબઈમાં લગભગ ત્રણેક લાખ દુકાનો, મહારાષ્ટ્રમાં લગભગ ૧૫ લાખ દુકાનો, દેશભરમાં લગભગ ૪ કરોડ વેપારીઓ અને ૫૦થી ૬૦ કરોડ જેટલા નાના વેપારીઓ રીટેલમાં છે. લૉકડાઉનની ઇફેક્ટ વિશે કહું તો લગભગ ત્રીસેક ટકા દુકાનો તો ખૂલશે જ નહીં. મુંબઈમા ૫૦ ટકા દુકાનો ભાડા પર છે. આવનારો સમય મુંબઈ માટે ભારે છે. અડધા લોકો મુંબઈ છોડીને જતા રહેશે. જો ટકી રહેવું હોય તો દુકાનના માલિકોએ કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે. કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી લાકો બહાર નીકળશે નહીં. લોકો તમારા સુધી ન પહોંચી શકે ત્યારે તમારે લોકો સુધી પહોંચવું પડશે. કસ્ટમર-રિલેશન અહીં કામ લાગશે. કદાચ માર્કેટના રૂખ પ્રમાણે તમારા કામકાજને પણ બદલવું પડી શકે. લોકો હવે મોંઘી સાડી, ચણિયાચોળી, સૂટ કે પાર્ટીવેર પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ નહીં કરે અને એ મુજબ તમારે તમારી સ્ટ્રૅટેજી ઘડવી પડશે. હું મારી જ વાત કરું તો ૭ માળના ફ્લોરમાંથી હવે ચાર માળ પર હું અસેન્શિયલ પ્રોડક્ટના સ્ટોર તરીકે કન્વર્ટ કરી રહ્યો છું. લોકોએ બદલાયેલા સમય સાથેના ઑલ્ટરનેટ વિચારવા પડશે. સરકારે પણ આ સમયને સાધવા માટે કોવિડ નથી પહોંચ્યું એવા વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રિયલ અને મૅન્યુફૅક્ચરિંગ હબ શરૂ કરવાની દિશામાં વિચારવું જોઈશે જેથી મુંબઈમાં જે લોકોનો ભરાવો થઈ ગયો છે એ બીજે કામની તક મળતાં પાછા ફરે. આજે કચ્છમાં જ જો કામ હોય તો કચ્છી વેપારી અહીં ખોટ ખાઈને રહેવા કરતાં ત્યાં જવાનું વધુ પસંદ કરશે. ચીન પ્રત્યે વૈશ્વિક સ્તરે જે દ્વેષભાવ વધ્યો છે એ જોતાં ભારત માટે નંબર-વન બનવાની આ સુવર્ણ તક છે. વિવિધ જગ્યાએ ડોમેસ્ટિક માર્કેટ ડેવલપ કરવા વિશે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. વેપારીઓને પણ એ જ કહીશ કે સમયની માગ પ્રમાણે તમારા કામમાં બદલાવ લાવો. તમારા ઘરના યંગસ્ટરને સામેલ કરો અને નવેસરથી શું કરી શકાય અને તમારી પાસે રહેલી સગવડનો આજના સંદર્ભમાં કેવો ઉપયોગ કરી શકાય એ વિચારો. જરૂરિયાતની વસ્તુઓ પર વધુ ફોકસ કરો.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK