Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે પોતે અંદરથી જેવા છો એવા બનશો તો મોજ પડશે અને સફળતા પણ મળશે

તમે પોતે અંદરથી જેવા છો એવા બનશો તો મોજ પડશે અને સફળતા પણ મળશે

11 October, 2020 07:33 PM IST | Mumbai
Kana Bantwa

તમે પોતે અંદરથી જેવા છો એવા બનશો તો મોજ પડશે અને સફળતા પણ મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક જંગલમાં ૧૦૦ પગવાળો એક વિશાળ કાનખજૂરો રહે. કાનખજૂરાઓનો રાજા. ૧૦૦ પગ એવા લયબદ્ધ ચાલે કે કાનખજૂરારાજ રમતવાતમાં ગમે ત્યાં ચડી-ઊતરી જાય. તમે જો કાનખજૂરાને ચાલતો જોયો હશે તો નોંધ્યું હશે કે એના દરેક પગ એક તાલમાં, એક લયમાં, તરંગની જેમ ચાલે. એના પહેલા પગથી છેલ્લા પગ સુધી એક તરંગ, એક મોજું સરકતું હોય એવું દેખાય. કાનખજૂરાના સોએ સો પગ અનાયાસ જ, કુદરતી રીતે જ તાલબદ્ધ કામ કરતા રહે. પેલા કાનખજૂરાના રાજાના પગ પણ આમ જ એકલય થઈને ચાલતા રહે. એક દિવસ એક પંડિત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે કાનખજૂરારાજને જોયો. વિશાળ કાયા અને કદમતાલ સાથે ચાલતા ૧૦૦ પગ. પર્ફેક્ટ સિન્ક્રોનાઇઝેશન. પંડિત તો આભો બનીને જોયા જ કરે. તેના આશ્ચર્યનો પાર નહીં. બન્ને બાજુ ૫૦-૫૦ પગ છતાં એકપણ પગ લય ન તોડે. કોઈ પગ જરા પણ વહેલો ઊંચો કે નીચો ન થાય. જબરદસ્ત તાલમેલ. આવો તાલમેલ બુદ્ધિથી થઈ જ ન શકે, તો આ થયું કેમ એ વિચારમાં પંડિત પડી ગયો.

  પંડિતોને જ્યારે જવાબ નથી સૂઝતા ત્યારે તે સામેવાળાને ગૂંચવણમાં નાખી દે છે. પંડિતની બુદ્ધિ ન ચાલી એટલે તેણે કાનખજૂરારાજને ઊભો રાખીને પૂછ્યું કે આ તારા ૧૦૦ પગ એકબીજા સાથે આટલા તાલમેલથી કઈ રીતે ચાલે છે એની તને ખબર છે? કાનખજૂરાએ કહ્યું કે મેં તો આ બાબતે ક્યારેય વિચાર્યું જ નથી. પંડિત હવે અસલ રંગમાં આવ્યો. તેણે કાનખજૂરાને જ્ઞાન આપતાં સમજાવ્યું કે તું આ ૧૦૦ પગને ચલાવવાનું કામ બેહોશીમાં કરે છે, હોશપૂર્વક અને જાગ્રત રહીને નથી કરતો અને અજાગ્રત રહીને કરાતું કામ વિનાશ નોતરે છે. જ્ઞાની શબ્દોથી સમજાવી દેવામાં માહેર હોય છે એટલે કાનખજૂરો તેની વાતમાં આવી ગયો. તેને થયું કે વાત તો સાચી છે. મારે જાગ્રત રહીને પગ ઉપાડવા જોઈએ. પંડિત તો પૂળો ચાંપીને ત્યાંથી ચાલ્યો ગયો. કાનખજૂરો કૉન્શિયસ રહીને પગ ઉપાડવાના પ્રયત્ન કરવા માંડ્યો, પણ કાનખજૂરાનું મગજ સાવ નાનું એ બિચારું ૧૦૦ તો શું બે પગને પણ ગણતરી માંડીને ચલાવી શકે એમ નહોતું એટલે ૧૦૦ પગ વચ્ચેનો તાલમેલ તૂટી ગયો. વિચારીને, જાગ્રત રહીને ચાલવાની કોશિશ કરવામાં કાનખજૂરો ચાલી શક્યો જ નહીં અને મૃત્યુ પામ્યો.



  તમે પોતાના એલિમેન્ટમાં જ સૌથી સારું કામ કરી શકો. એની બહાર આયાસપૂર્વક નીકળીને કરેલું કામ ક્યારેય એટલું સહજ અને એટલું સફળ રહેતું નથી. પોતાની પ્રકૃતિથી વિરુદ્ધનું કામ માણસ પ્રયત્ન કરે તો કરી લે છે ખરો, પણ એમાં તે પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપી શકતો નથી. જે કામ તમારા દિમાગ વડે થાય છે, એમાં દિલની ઊંડાઈ હોતી નથી. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. અન્ય જેવું થવાથી, બીજાની નકલ કરવાથી આનંદ નહીં આવે, તમે પોતે અંદરથી જેવા છો, તમારું જે કોર છે એવા બનશો તો મોજ પડશે, સફળ થશો, જલસા કરશો. મોટા ભાગે માણસ પોતે નક્કી નથી કરતો કે તેણે શું કામ કરવું, શું વ્યવસાય કરવો, કેમ વ્યવસાય કરવો, કઈ રીતે વર્તવું, કઈ રીતે વ્યવહાર કરવો. બહુધા તે અન્ય પાસેથી શીખે છે. ઉદાહરણો પરથી શીખે છે. તેને એવા જ દાખલા આપવામાં આવે છે. હવે તો મોટિવેશનલ વાતો કરવાની ફૅશન થઈ ગઈ છે. કોઈ પણ હાલી નીકળે છે મોટિવેશનલ સ્પીકર બનીને. બીજે ક્યાંય ચાલ્યા ન હોય, સફળ થયા ન હોય તે સફળતા શીખવવા નીકળી પડે છે. આવા મોટિવેશનલ સ્પીકર્સ પાછા આપણને વિનંતી કરતા હોય છે કે મારું ક્યાંક ગોઠવી આપજોને. જે માણસે પોતે અનુભવ ન કર્યો હોય એવી બાબતો બીજાને કહેતા રહે છે. મોટિવેશનલ, ઉત્સાહવર્ધક વાતો સાંભળવાનું બંધાણ ધરાવતો એક વર્ગ પણ છે. આવા બંધાણીઓને નિયમિત મોટિવેશનલ લેક્ચર્સ સાંભળ્યા વગર ચેન નથી પડતું. તેઓ ગમે તેના ભાષણમાં પહોંચી જાય છે, વાતો સાંભળીને એકદમ મોટિવેટેડ ફીલ કરે છે, ઘરે પહોંચતાં સુધીમાં નશો ઊતરી જાય છે, બે દિવસમાં તો જીવનમાં ઉતારવા ધારેલી બાબતો ભૂલી જાય છે અને ફરી શોધવા માંડે છે ક્યાંકથી પ્રોત્સાહન. વાંક એમાં તેનો એકલાનો નથી. વક્તાની પોતાની અનુભૂતિ હોતી નથી, તે ઉધાર જ્ઞાનનો સહારો લઈને આવ્યો હોય છે. ઉધાર જ્ઞાન સાથેના મોટિવેટર્સ પાસેથી ઉત્સાહવર્ધક શબ્દો સાંભળવા ગયેલો માણસ પેલાની કથાની માંડણી અને વાતાવરણથી અભિભૂત થઈને ચાર્જ્ડ થઈ જાય છે, તેને જીવનમાં કંઈકેટલુંય કરી નાખવાના અભરખા જાગે છે. તેનામાં ઉત્સાહનો ઊભરો આવે છે, પણ આ બધું થોડા જ કલાકમાં હવામાં ઓગળી જાય છે, કારણ કે તેને માટેની તૈયારી તેણે કરી હોતી નથી. તેની સજ્જતા હોતી નથી. બોલનારની અને સાંભળનારની બન્નેની સજ્જતા ન હોય તો કોરા શબ્દોનો કોઈ અર્થ નથી રહેતો. જે વક્તા પોતાની અનુભૂતિથી, પોતાના જ્ઞાનથી બોલતો હોય તેનું મોટિવેશન ફળદાયી બને છે. જે લેખક પોતાના અનુભવથી, પોતાની સમજથી, પોતાના જ્ઞાનથી લખે છે તેનાથી સેંકડો માણસો મોટિવેટ થાય છે, પ્રોત્સાહિત થાય છે અને જીવનમાં ઘણું કરી શકે છે.


  મુદ્દો અહીં માત્ર મોટિવેશનનો નથી, તમે જે છો, તમારામાં જે શક્તિ છે, જે કૌશલ છે એ બનવાનો છે. બી યૉરસેલ્ફ. કારણ કે માત્ર તમે પોતે જ ઓરિજિનલ છો, તમારા સિવાય બીજું કશું જ બનવા જશો તો એ નકલ હશે, પડછાયો હશે, પ્રતિબિંબ હશે, અસલ નહીં હોય. તમારી ઓરિજિનલિટી જાળવી રાખો. તમારા સ્વને સાચવી રાખો. એ જ એકમાત્ર ઉપાય છે યુનિક બનવા માટેનો. આપણી સિસ્ટમ એવી વિચિત્ર છે જેને જેમાં રસ હોય, જેમાં તમને સહજ ફીલ થતું હોય, જે કામ તમને પોત‌‌ીકું લાગતું હોય એ કરવાને બદલે બીજા જ કશા ક્ષેત્રમાં ઢસડી જાય છે. એટલે જે ડૉક્ટર થયો હોય તેને ચિત્રકારી કરવાનું મન થાય છે અને પોલીસ-ઑફિસરને ગીત ગાવાની ખ્વાહિશ અધૂરી રહી જાય છે. સીએ થયેલાને ખરેખર રસ એન્જિનિયરિંગમાં હોય છે અને બાયોલૉજીમાં બેસ્ટ માણસ મૅથ્સના પ્રતાપે પિતાજીની દુકાને બેઠો હોય છે. બિઝનેસમાં એક્સપર્ટ થવાની ક્ષમતા ધરાવનાર ક્યાંક ક્લર્કની નોકરી કરતો હોય, પણ આ સિસ્ટમમાંથી નીકળી શકાય છે. સિસ્ટમ આવી છે એટલે કશું ન થઈ શકે એવું માનીને હાથ જોડીને બેસી રહેનારાઓ જ આ સિસ્ટમને મજબૂત બનાવે છે. પરંપરા, પેઢીઓ, વ્યવસ્થા, નિયમો, સિસ્ટમ એ બધું જ માણસને બાંધે છે. ક્રાન્તિ એ જ કરી શકે છે જે પરંપરા તોડે છે, જે અલગ વિચારે છે, જે સિસ્ટમ સામે અવાજ ઉઠાવી શકે છે; જે એવું વિચારી શકે છે કે આ સિસ્ટમમાં ખામી છે, આ સિસ્ટમને તોડી શકાય છે, આ સિસ્ટમને સુધારી શકાય છે. આપણી સમસ્યા એ હોય છે કે આપણાં મગજ એટલાં કન્ડિશન્ડ થઈ ગયાં હોય છે કે ક્યારેય વિચારી જ નથી શકતા કે સિસ્ટમને તોડી પણ શકાય.

એક ગામમાં પ્રદર્શન માટે એક હાથી લાવવામાં આવ્યો. કદાવર હાથી, મજબૂત પગ અને શક્તિશાળી સૂંઢ, એવા કે મકાનને પણ જમીનદોસ્ત કરી નાખી શકે. ગામમાં હાથીને પ્રદર્શિત કરવાનું કામ પૂરું થયું એટલે મહાવત તેને ગામની બહાર જ્યાં છાવણી નાખી હતી ત્યાં લઈ ગયા અને પગે એક દોરડું બાંધીને ખીલા સાથે બાંધી દીધો. સાથે આવેલી ગામની એક વ્યક્તિએ મહાવતને પૂછ્યં કે આ દોરડું તો બહુ સામાન્ય છે. હાથી જરાક જ જોર કરે તો એ તૂટી જાય એમ છે. હાથી એને તોડીને ભાગી કેમ જતો નથી? મહાવતે ઉત્તર આપ્યો કે આ હાથી જ્યારે નાનું બચ્ચું હતો ત્યારથી આવા દોરડાથી એને બાંધવાની શરૂઆત કરી હતી. ત્યારે નાનો હોવાને કારણે એ દોરડાને તોડી શકતો નહીં. એને ખાતરી થઈ ગઈ છે કે દોરડું તોડવું અસંભવ છે એટલે હવે તે ક્યારેય દોરડું તોડવાનો પ્રયત્ન જ નથી કરતો. આપણે બધા આ હાથી જેવા થઈ ગયા છીએ. લોકોને સિસ્ટમની ઠોકરો ખાતા જોઈને, એની સામે અફળાઈને પાછા પડ્યાના દાખલા જોયા પછી આ પરોક્ષ અનુભવને લીધે આપણે એવું માની લીધું છે કે આને તોડવી અસંભવ છે. એક પથ્થર તો દિલ સે ઉછાલો યારોં. આકાશમાં પણ બાકોરું પડી શકો તમે, પણ આકાશમાં બાકોરું પડી શકે એવું પ્રથમ તમારે માનવું પડે. તો બાકોરું શું, ગાબડું પાડી શકશો તમે. તમને તમારી પોતાની ક્ષમતાની પણ પુરી ખબર નથી હોતી. જો તમે ખરેખર તમે જે છો એ બની શકશો તો તમને તમારી સાચી ક્ષમતા પણ સમજાશે. ત્યારે તમે તમને યોગ્ય રીતે જાણી શકશો. તમારા સ્વની ઓળખાણ ત્યારે તમને થશે. અને સ્વને જાણી જાય છે તે બધું જ જાણી જાય છે, ઈશ્વરને પણ.


(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 07:33 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK