Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિચારવું જ હોય તો મોટું વિચારો...

વિચારવું જ હોય તો મોટું વિચારો...

16 November, 2020 10:31 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

વિચારવું જ હોય તો મોટું વિચારો...

વિચારવું જ હોય તો મોટું વિચારો...

વિચારવું જ હોય તો મોટું વિચારો...


તાજેતરમાં જ પૂરી થયેલી અમેરિકાની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પ તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડન સામે હારી ગયા. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન છેલ્લાં પાંચ વર્ષમાં ટ્રમ્પે જે રીતે અને જે હદે ભારત તથા નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો એ જોતાં ટ્રમ્પની આ હારથી અનેક ભારતવાસીઓનાં મન પણ થોડાં દુભાઈ ગયાં છતાં ભારતની જેમ અમેરિકા પણ એક લોકશાહી દેશ હોવાથી આપણી પાસે લોકોના સર્વસામાન્ય મતને માન આપવા સિવાય આ બાબતમાં કોઈ છૂટકો નથી. કેટલાક લોકોને ટ્રમ્પ તેમની વિદેશનીતિને કારણે ગમતા હતા તો કેટલાકને તેઓ તેમના આખાબોલાપણાને કારણે પસંદ હતા, પરંતુ જેમણે તેમનું પુસ્તક ‘થિન્ક લાઇક અ બિલ્યનેર’ વાંચ્યું હોય તેમને તેઓ તેમની વિચારસરણીને કારણે પણ ગમતા હતા. આ પુસ્તકમાં તેઓ કહે છે કે ‘મને મોટા વિચારો કરવા ગમે છે, કારણ કે મારું દૃઢપણે માનવું છે કે જો તમે વિચારવાના જ હો તો બહેતર છે કે મોટું વિચારો.’
છેલ્લા એક વર્ષમાં મેં જેટલું પણ સાહિત્ય જોયું, વાંચ્યું કે સાંભળ્યું છે તેમાં એક વાત વારંવાર મારી સામે આવી છે. આ એ જ વાત છે જે રૉન્ડા બાયર્ને પોતાના પુસ્તક ‘ધ સીક્રેટ’માં કહી છે, આ એ જ વાત છે જે પાઓલો કોએલોએ પોતાના પુસ્તક ‘ધ ઍલ્કેમિસ્ટ’ દ્વારા દુનિયા આખી સુધી પહોંચાડી છે અને આ એ જ વાત છે જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. સદીઓથી અલગ-અલગ વિચારકો, ચિંતકો અને લેખકો દ્વારા વિવિધ શબ્દોમાં કહેવાયેલી એ વાતનો સારાંશ માત્ર એટલો જ છે કે આખરે આપણે જે વિચારીએ છીએ એ જ આપણી સાથે થાય છે. આ બ્રહ્માંડનું ખુલ્લા હાથે આપણને આશીર્વાદ આપવા માટે જ નિર્માણ થયું છે. તેથી વિચારોના જેવા તરંગો આપણે એમાં છોડીએ એવાં જ આશીર્વચનો અનેકગણી માત્રામાં આપણને પરત મળે છે.
વિચારોમાં એક ખાસ પ્રકારની ઊર્જા રહેલી છે, જે સ્થળ અને કાળથી પરે છે. તેથી જરૂરી છે કે આપણે આ ઊર્જાને વધુ બહેતર અને ઉચ્ચ દિશામાં વાળીએ અને પોતાની જાતને ત્યાં જોઈએ જ્યાં આપણે પહોંચવા માગીએ છીએ. એક મનુષ્ય તરીકે આપણું કર્મ અહીં પૂરું થઈ જાય છે. ત્યાર બાદ બ્રહ્માંડ એ વિચારને સાકાર કરવા કાર્યરત થઈ જાય છે
અને આગળના રસ્તા આપોઆપ ખૂલતા જાય છે.
માનવ ઉત્ક્રાંતિને જોઈએ તો આ વાતમાં ક્યાંક ને ક્યાંક સત્ય રહેલું હોવાનો અહેસાસ થયા વિના રહે નહીં. આદિકાળથી આજ દિન સુધી જેટલી પણ શોધો થયેલી છે એમાં મનુષ્યના વિચારોની શક્તિએ જ પાયાનું કામ કર્યું છે. ડુંગર પર સરકતા લાકડાના ગોળ ટુકડાને જોઈ મનુષ્યને પૈડાં બનાવવાનો વિચાર આવ્યો, જેમાંથી આગળ જતાં સમગ્ર વાહનવ્યવહારની ખોજ થઈ. આકાશમાં ઊડતાં પક્ષીને જોઈ માણસને પ્લેન બનાવવાની સ્ફુરણા થઈ, જેને પગલે આજે સમગ્ર પૃથ્વીનો પ્રવાસ શક્ય બન્યો. ઊંચાં-ઊંચાં સ્કાયસ્ક્રેપર્સ, દરિયા પર બનતા લાંબા-લાંબા બ્રિજ, ઇન્ટરનેટ, મોબાઇલ ફોન વગેરે બધાનો જ આવિષ્કાર આખરે વિચારના એક બીજમાંથી જ થયો છે.
બલકે જેમ-જેમ ટેક્નૉલૉજીનો વિકાસ થતો જાય છે તેમ-તેમ આપણા વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની આપણી ક્ષમતા અને આપણો આત્મવિશ્વાસ વધતો જઈ રહ્યો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વિચાર અને આવિષ્કાર વચ્ચેનું અંતર હવે ઘટતું જઈ રહ્યું છે. આ જ તો કારણ છે કે આજે આટલા મહિનાઓથી સમગ્ર મનુષ્યજાતિ કોરોનાની વૅક્સિનની શોધ થવાની
રાહ જોતી ઘરે બેઠી છે, કારણ કે
આપણને બધાને એ વિશ્વાસ છે કે વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની મદદથી બહુ જલદી આપણે આ વાઇરસ પર પણ જીત મેળવી જ લઈશું.
શારીરિક બળમાં બીજાં અનેક પ્રાણીઓની સરખામણીમાં કમજોર હોવા છતાં આજે આપણને દુનિયાની સૌથી સબળ જાતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણામાં વિચારવાની ક્ષમતા છે અને મોટું વિચારવાની ક્ષમતાને પગલે જ આપણે આટઆટલી સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. તો પછી નાનું શાને વિચારવું? તમે જે પોતાના માટે અને શક્યતાઓ માટે વિચારો છો એ ફક્ત તમે જે બની શકો છો એના માટે જ નહીં, પરંતુ તમે દુનિયાનો જે રીતે અનુભવ કરો છો એના માટે પણ આવશ્યક છે.
આમ છતાં કેટલાક આળસને પગલે તો કેટલાક કામના વધુ બોજને પગલે મોટું વિચારવાનું ટાળે છે. તો વળી કેટલાક એવા પણ છે જેમને દુનિયાની નજરોથી બચીને રહેવું છે તો કેટલાકને મોટું પ્રાપ્ત કરવાના માર્ગમાં આવતા પડકારોનો સામનો કરવાનો ડર લાગે છે. આ અને આવાં બીજાં અનેક કારણોને પગલે મોટા ભાગના લોકો માત્ર પોતાને સોંપવામાં આવેલું કામ પૂરું કરીને જ સંતુષ્ટ થઈ જાય છે.
પરંતુ શક્યતાઓ અને સંભાવનાઓની કોઈ સીમા હોતી નથી. બલકે હવેના સમયમાં તો નહીં જ. તો પછી પોતાની જાતને બાંધી રાખવાનો શો અર્થ? સપનાંઓ અને વિચારોને પાંખો ફૂટવા દો અને તેમને ખુલ્લા આકાશમાં વિહરવા દો. જે અશક્ય છે, વિચિત્ર છે, આશ્ચર્યજનક છે અને કલ્પનાબાહ્ય છે ત્યાં સુધી તેમને પહોંચવા દો અને ત્યાર બાદ પોતાની મર્યાદાઓની બધી સીમાઓને તોડીને ત્યાં પહોંચવા માટે કામે લાગી જાઓ. પછી જુઓ,
સફળતા તમને તમારી મુઠ્ઠીમાં લાગશે અને તમારી મહત્ત્વાકાંક્ષા માટે આકાશ પણ નાનું લાગશે.
તો પછી રાહ શેની જુઓ છો? કરો ફતેહ... પરંતુ યાદ રાખજો, ત્યાં પહોંચ્યા પછી ત્યાં જ અટકી નથી જવાનું બલકે એનાથી પણ આગળ ક્યાં અને કેવી રીતે પહોંચવાનું છે એનો વિચાર કરવા માંડવાનો છે. અલબત્ત, આ બધું કરતી વખતે કોઈનું ભલું થાય કે ન થાય, પણ કોઈનું બૂરું ન થાય એની તકેદારી રાખવાનું ચૂકશો નહીં.
તો આ નવા વર્ષના અવસરે તમે નવાં શિખરો સર કરો અને નવા મુકામો હાંસલ કરો એ જ શુભેચ્છા સાથે સાલ મુબારક.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2020 10:31 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK