ઓ જાનેવાલે, હો સકે તો લૌટ કે આના…વર્કર્સ જ નથી, દુકાન ખોલીને શું કરીએ?

Published: May 22, 2020, 07:48 IST | Faizan Khan, Diwakar Sharma | Mumbai Desk

મહારાષ્ટ્રમાં લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં થતાં દુકાનો અને નાના ઇન્ડસ્ટ્રિયલ યુનિટ ખોલવાની પરવાનગી અપાઈ છે, પણ હતાશ થયેલા દુકાનદારો કહે છે, પરપ્રાં​તીય વર્કર્સ તો પોતાના ગામ જતા રહ્યા છે. હવે કામ કેવી રીતે શરૂ કરીશું?

પનવેલમાં રેડીમેડ ગાર્મેન્ટના વેપારી બેહુલાલ પ્રજાપતિએ કહ્યું કે સરકારે દુકાનદારોની મુશ્કેલી પ્રત્યે તરત ધ્યાન આપવું જોઈએ અન્યથા ઘણી મોટી મુશ્કેલી સર્જાશે. તસવીર : ફૈઝાન ખાન, નિમેશ દવેે
પનવેલમાં રેડીમેડ ગાર્મેન્ટના વેપારી બેહુલાલ પ્રજાપતિએ કહ્યું કે સરકારે દુકાનદારોની મુશ્કેલી પ્રત્યે તરત ધ્યાન આપવું જોઈએ અન્યથા ઘણી મોટી મુશ્કેલી સર્જાશે. તસવીર : ફૈઝાન ખાન, નિમેશ દવેે

ફૈઝાન ખાન અને દિવાકર શર્મા
મુંબઈ : દૂર-દૂરના પ્રાંતમાંથી આવતા હિજરતી તથા અન્ય કામદારો પગપાળા, ટ્રેનમાં કે બસમાં તેમના વતન જવા રવાના થઈ ગયા છે. એને કારણે કર્મચારીઓની તંગીને લીધે કરિયાણા જેવી આવશ્યક સેવાઓની દુકાનો પણ બંધ પડી રહી છે. નૉન-રેડ ઝોન્સમાં નિયંત્રણો સાથે દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ સ્ટાફની તંગીને કારણે ત્યાં કામકાજ કેવી રીતે શરૂ કરવું એ પ્રશ્ન ઊભો થયો છે.
આ રીતે કર્મચારીઓની તંગીને કારણે કિંગ પ્લાઝા નામની સુપર માર્કેટ બે દિવસ પહેલાં બંધ થઈ હતી. કિંગ પ્લાઝાના માલિકે જણાવ્યું હતું કે ‘અમારી સુપર માર્કેટમાં કરિયાણાની વસ્તુઓ વેચાતી હોવાથી દુકાન આવશ્યક સેવાઓના ભાગરૂપ છે. દુકાનમાં કામ કરતા ૧૫ જણ વતનમાં તેમના ઘરે ચાલ્યા ગયા છે. તેમને સમજાવીને રોકવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તેમના કુટુંબીજનો હાલની પરિસ્થિતિથી ડરી ગયા હોવાથી એ બધાને ઘરે પાછા બોલાવી લીધા છે. આવું અનેક ઠેકાણે બની રહ્યું છે. મારું લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે છતાં સોસાયટીનું મેઇન્ટેનન્સ-બિલ, લાઇટ-બિલ, પાણી-બિલ વગેરે ચૂકવવાનાં બાકી છે. બે-ચાર માણસોથી સુપર માર્કેટ ન ચાલે. સરકારે લૉકડાઉન જાહેર કરતાં પહેલાં આ બધું આયોજન કરવાની જરૂર હતી.’
આવશ્યક સેવાઓ સિવાયની કૅટેગરીમાં આવતી દુકાનો પણ કર્મચારીઓની તંગીથી પરેશાન છે. એ દુકાનોના માલિકો કહે છે કે નિયંત્રણો સાથે દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવે તો અમે કર્મચારીઓની તંગીને કારણે દુકાન ચલાવી શકવાના નથી. દક્ષિણ મુંબઈમાં રત્ન અને ઝવેરાતનું મથક ઝવેરીબજાર રોજ બે અબજ રૂપિયા ગુમાવે છે. શ્રી મુંબઈ જ્વેલર્સ અસોસિએશનના પ્રમુખ કુમાર જૈને જણાવ્યું હતું કે ‘અમારા બધા કામદારો કોરોના-રોગચાળાના ભયના માહોલમાં પરિવાર સાથે રહેવા ઇચ્છે છે. લૉકડાઉન જાહેર કરાયા પછી સોનાબજાર ભાંગી પડ્યું છે. ઝવેરીબજારમાં સૌથી જૂની દુકાનોમાંથી એક મારી દુકાન હોય કે અન્ય દુકાન, આવતી કાલે નિયંત્રણો સાથે ખોલવાની છૂટ અપાય તો કર્મચારીઓની તંગીને કારણે અમે ચલાવી ન શકીએ. જોકે હાલમાં સફાઈ અને સૅનિટાઇઝેશન માટે દુકાન ખોલવામાં આવી છે.’
પનવેલમાં આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો અમુક દિવસે ખોલવાની છૂટ સ્થાનિક મહાનગરપાલિકાએ આપી છે. એ પ્રમાણે ગઈ કાલે રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનો ખુલ્લી હતી એથી લોકો ઈદની ખરીદી માટે ધસારો કરતા હતા, પરંતુ તેમને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ દુકાનમાં નહોતા. દાયકાઓથી ૨૦ કર્મચારીઓ ધરાવતી દુકાનમાં હાલમાં બે કર્મચારીઓ છે. મોટા ભાગના કામદારો ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેમના ઘરે પહોંચી ગયા છે. નાના દુકાનદારો જબ્બર ખોટ ગયાની બુમરાણ મચાવી રહ્યા છે. 

મેં લાખો રૂપિયા ગુમાવ્યા. મારે સોસાયટીનું મેઇન્ટેનન્સ અને લાઇટ-બિલ પણ ભરવાનું બાકી છે. માત્ર એકાદ-બે વ્યક્તિથી હું કામકાજ ન સંભાળી શકું. સરકારે લૉકડાઉનની જાહેરાત કરતાં પહેલાં કોઈ વિચાર કર્યો નહીં. - અશોક પટેલ, કિંગ પ્લાઝાના માલિક

લૉકડાઉન જાહેર થયું ત્યારથી ગોલ્ડ માર્કેટ બંધ છે અને અમે દરરોજના ૨૦૦ કરોડ રૂપિયા ગુમાવી રહ્યા છીએ. જો કેટલીક શરતો સાથે અમને કામગીરી કરવાની મંજૂરી અપાય તો અમારી પાસે માણસો નથી. આજે દુકાન માત્ર સફાઈ માટે ખોલી છે, પરંતુ એને માટે પણ માણસો નથી. - કુમાર જૈન, પ્રેસિડન્ટ, શ્રી મુંબઈ જ્વેલર અસોસિએશન

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK