Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફૂલો ન હોય તોય બગીચો જોઈએ, ખુશ્બૂના ખાલીપાને દરજ્જો જોઈએ

ફૂલો ન હોય તોય બગીચો જોઈએ, ખુશ્બૂના ખાલીપાને દરજ્જો જોઈએ

26 February, 2021 11:09 AM IST | Mumbai
Varsha Chitalia

ફૂલો ન હોય તોય બગીચો જોઈએ, ખુશ્બૂના ખાલીપાને દરજ્જો જોઈએ

ફૂલો ન હોય તોય બગીચો જોઈએ, ખુશ્બૂના ખાલીપાને દરજ્જો જોઈએ

ફૂલો ન હોય તોય બગીચો જોઈએ, ખુશ્બૂના ખાલીપાને દરજ્જો જોઈએ


કોરોના સંક્રમણે આપણને પરિવાર સાથે રહેવાની તક આપવાની સાથે પ્રકૃતિની નજીક રહેવાની મોકળાશ પણ આપી હતી, જેના કારણે હોમ ગાર્ડનિંગનો ટ્રેન્ડ ફરી પૉપ્યુલર બન્યો છે. ઘરમાં રહીને કુદરતના સાંનિધ્યમાં રહેવાનો આનંદ ઉઠાવવા ઘણાએ બાલ્કની, ટેરેસ અને વિન્ડોમાં વિવિધ પ્રકારનાં હર્બ્સ, શાકભાજી અને ફળો ઉગાડ્યાં છે. આજે આપણે કવિ ગૌરાંગ ઠાકરની આ પંક્તિઓમાં ખરા ઊતરનારા કેટલાક પ્રકૃતિપ્રેમીઓને મળીને જાણીએ કે છેલ્લા અગિયાર મહિનાથી તેઓ નેચર સાથે કઈ રીતે કનેક્ટેડ રહ્યા છે

ઘરમાં ગ્રીનરી હોય, બટરફ્લાય આવીને તમને હાઇ કહે તો કેવી મજા પડે!



રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બાદ ઝીરો વેસ્ટ લાઇફના સૂત્રને જીવનમાં આત્મસાત કરનારાં ઘાટકોપરનાં સાઇકોલૉજિસ્ટ કૃપા શાહે કમ્પોસ્ટથી સ્ટાર્ટ કરી પ્લાન્ટ ગ્રોઇંગ સુધીના તમામ પ્રયોગો કરી જોયા છે. એક્સપરિમેન્ટ્સ સક્સેસ જતાં તેમણે કિચન ગાર્ડન નામનું ગ્રુપ પણ બનાવ્યું જેમાં શાકભાજી અને હર્બ્સ ઉગાડવાના જુદા-જુદા આઇડિયાઝ શૅર કરવામાં આવે છે. ઘરની અંદરની હવા શુદ્ધ રહે અને દિવસના થોડા કલાકો નેચર સાથે ગાળી શકાય એ માટે પ્રયાસો કરું છું એમ જણાવતાં તેઓ કહે છે, ‘કુદરતે આપેલા સૌંદર્યને માણવા માટે આપણી લાઇફસ્ટાઇલ એવી હોવી જોઈએ જેમાં કોઈ પણ વસ્તુ નકામી ન જાય. આ બાબતને ધ્યાનમાં રાખી શાકભાજી અને ફળની છાલનો ઉપયોગ કરી ખાતર બનાવવાનો પ્રયોગ કર્યો, જે સફળ રહ્યો. ઘરની અંદર રહીને નેચર તરફ પ્રયાણ કરવાનો આ પહેલો અનુભવ. મારા ઘરમાં વધુ જગ્યા નથી તેથી વિન્ડો અને ઇન્ડોર પ્લાન્ટ્સ ઉગાડી નેચર સાથે રહું છું. સૂર્યનો વધુ પ્રકાશ જોઈએ એવા પ્લાન્ટ્સને ફર્સ્ટ લેયરમાં મૂક્યા છે. ઓછો પ્રકાશ જોઈએ એને સેકન્ડ લેયરમાં અને બાકીના ઇન્ડોર પ્લાન્ટ્સ છે. કિચન ગાર્ડનમાં ઘણી ચીવટ સાથે ઑક્સિજન આપતા છોડ ઉપરાંત ગિલોય, અજમો, ટમેટાં, કાકડી ઉગાડ્યાં છે. જોકે જમીન જેટલું પ્રોડ્યુસ કરી શકે એટલું ઘરની અંદર ન ઊગે. કન્ઝ્યુમ કરવા માટે નહીં પણ પર્યાવરણની શુદ્ધિ માટે થઈને છોડ વાવ્યા છે. છોડવાની માવજત માટે સમય જોઈએ એવું વિચારીને ઘણા નેચરથી દૂર રહે છે. સોશ્યલ મીડિયા પર ટાઇમ વેસ્ટ કરવાને બદલે થોડો સમય છોડવાને આપીશું તો મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને ઘણો ફાયદો થશે. એક વાર સમજીને છોડ વાવો તો દેખભાળ માટે રોજની પંદર મિનિટ બસ છે. મુંબઈમાં આટલું પ્રદૂષણ છે એમાં તમારા ઘરમાં ગ્રીનરી હોય, બટરફ્લાય આવીને તમને હાઇ કહે તો કેવી મજા પડે!’


હોમ ગાર્ડનના કારણે અમને ક્યારેય ઘરમાં પુરાયેલા છીએ એવું નથી લાગ્યું

છોડનાં સુકાયેલાં પાન, ગાયનું છાણ અને ગોમૂત્રનો ઉપયોગ કરી ઘરની અંદર જ જીવામૃત અને જંતુનાશક દવા બનાવવાનો સફળ પ્રયોગ કરનારાં અંધેરીના પ્રકૃતિપ્રેમી ચેતના ગડાએ ગ્રો બૅગ્સની સહાયથી અજમો, ફુદીનો, તુલસી, અડૂસા, અલોવેરા જેવી અઢળક ઔષધિઓના રોપા વાવ્યા છે. કોથમીર, મેથી, પાલક જેવી શાકભાજી અને ફૂલો પણ તેમના ટેરેસ ફ્લૅટની શોભામાં વધારો કરે છે. મુંબઈની વ્યસ્તતામાં કુદરતના સાંનિધ્યમાં રહેવા ઘરની અંદર બગીચો હોવો જોઈએ એવું ઉત્સાહભેર જણાવતાં તેઓ કહે છે, ‘ગાર્ડનિંગનો શોખ તો પહેલેથી હતો. શરદી-ખાંસી, તાવ આવવો, પેટમાં દુખાવો જેવી સામાન્ય બીમારીમાં ઘરમેળે ઇલાજ થઈ શકે એવા છોડ દરેક ઘરની અંદર હોવા જ જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. એ માટે કેટલાંક હર્બ્સ ઉગાડેલાં હતાં. લૉકડાઉનમાં આ શોખને વિસ્તારવાની તક મળતાં શાકભાજી પણ ઉગાડી. મુંબઈ જેવા શહેરમાં તમારી પાસે જગ્યા હોય તો એનો સદુપયોગ કરી નેચર સાથે કનેક્ટ થઈ શકાય છે. જોકે ઘરની અંદર ફૅમિલીની જરૂરિયાત પ્રમાણે શાકભાજી ન ઊગે એટલે મેડિસિનલ પ્લાન્ટ્સ રોપવાનો આગ્રહ રાખું છું. મારા સસરા ડાયાબિટીઝના દરદી હોવાથી ખાસ પ્રકારના ઇન્સ્યુલિન પ્લાન્ટ્સ ઉગાડ્યા છે. ટેરેસમાં ખુરશી નાખી તેઓ બેઠા હોય ત્યારે તેમને અલોવેરા, અડૂસા, તુલસીનાં પાન તોડી ફ્રેશ જૂસ બનાવીને આપું છું. એનાથી શુગર કન્ટ્રોલમાં રહે છે. આ બધી ઔષધિ એવી છે જે તરત યુઝ થઈ જાય છે. લૉકડાઉનના કારણે સંતાનો પણ જુદા-જુદા છોડને ઓળખતા અને એની ઉપયોગિતા સમજતાં થયાં. હોમ ગાર્ડનના કારણે અમને ક્યારેય ઘરમાં પુરાયેલા છીએ એવું નથી લાગ્યું. ખુરશી લઈને ટેરેસમાં બેઠા હોઈએ. રંગબેરંગી પતંગિયાં ઊડાઊડ કરતાં હોય એ જોઈને મન ખુશ થઈ જાય. આજે પણ ઘડી-ઘડી ટેરેસમાં ભાગી જાઉં છું.’


ઇન્ટરનેટ પરથી કિચન-ગાર્ડન અને કમ્પોસ્ટિંગની રીતો શીખીને ૩૫ જાતના છોડ વાવ્યા છે

ઘાટકોપરની પરિતા શાહને પ્રકૃતિની નિકટ રહેવું ખૂબ ગમતું હોવાથી કિચન ગાર્ડનિંગનો શોખ વિકસાવ્યો છે. વ્યવસાયે ડાયટિશ્યન હોવાના કારણે વર્તમાન માહોલમાં ઑર્ગેનિક વેજિટેબલ્સ અને હર્બ્સની અહમિયત પણ તે સારી રીતે સમજી શકે છે. નેચર સાથે રહેવા મળે અને હેલ્થને પણ ફાયદો થાય એવા અઢળક પ્રયોગો કરનાર પરિતા કહે છે, ‘મુંબઈ નગરીમાં પ્રકૃતિનું સૌંદર્ય માણવા મળતું નથી તેથી ક્યારેક અમે શહેરની નજીક આવેલાં માથેરાન અને મહાબળેશ્વર જતાં હોઈએ છીએ. કોઈક વાર નૅશનલ પાર્ક પણ જતાં. એ સમય એવો હતો જ્યારે જિંદગી ઘરમાં કેદ થઈ ગઈ હતી અને ફુરસદ જ ફુરસદ હતી. અગાઉ ડાયટના પર્પઝથી ઘઉંના જુવારા વાવવાના અનુભવને કામે લગાડી તુલસી, લીમડો અને અજમો ઉગાડ્યાં. હાથમાં માટીના સ્પર્શની અનુભૂતિ થતાં વિચાર આવ્યો કે ઇચ્છો તો નેચર સાથે કનેક્ટ થવું બહુ ઈઝી છે. ત્યાર બાદ ફુદીનો, મેથી, પાલક, મૂળાં, વરિયાળી, ટમેટાં, યલો કૅપ્સિકમ, ઇટાલિયન બેસીન, ઑરીગેનો, લેમનગ્રાસ વગેરે મળીને અંદાજે ૩૫ જેટલા છોડ વાવ્યા. ઇન્ટરનેટની સહાયથી કિચન ગાર્ડનિંગ અને કમ્પોસ્ટની જુદી-જુદી ટેક્નિક પણ શીખી લીધી. છોડવા સાથે રહેવાની એવી મજા પડી કે મગ અને શિંગદાણા પણ ટ્રાય કર્યા. ફૂલોની વચ્ચે રહેવા ગુલાબ, જાસવંતી, મોગરો અને જુઈના છોડ રોપ્યા. ફૂલોમાંથી હેરઑઇલ અને કન્ડિશનર બનાવી જોયાં. ઘરની અંદર જ નાનકડો બગીચો બની જતાં દિલ ખુશ થઈ ગયું. લૉકડાઉનનો મોટા ભાગનો સમય છોડવા સાથે જ વિતાવ્યો હતો અને આજે પણ એને ઉછેરવા ખાસ્સો સમય ફાળવું છું. નેચર સાથે રહીને દરેક પ્લાન્ટની ઓળખ અને ખાસિયત જાણવા મળતાં નૉલેજમાં વધારો થયો છે. કૂંડાં, ખાતર અને રોપા સાથે એવી આત્મીયતા કેળવાઈ ગઈ છે કે ક્યારેય જુદા થવું નથી.’

સમી સાંજે અગાસીમાં લહેરાતા છોડવા અને આકાશના સાત રંગનો નઝારો જોવાની મજા જ કંઈ ઑર છે

લૉકડાઉનમાં અગાસીમાં ઉગાડેલા છોડવાની વચ્ચે બેસીને એમાંથી જ બનાવેલો કાઢો પીતાં-પીતાં આકાશમાં પક્ષીઓને ઊડતાં જોવાનો આનંદ શબ્દોમાં વર્ણવી ન શકાય. પ્રકૃતિનો આવો સુંદર નઝારો પહેલાં ક્યારેય નહોતો જોયો. બોરીવલીનાં પુષ્પા પટેલ કહે છે, ‘તુલસી, અડૂસા, અજમો અને લેમનગ્રાસમાંથી બનાવેલો કાઢો રોજ પીતા હતા. ઘરમાં કોઈને ખાંસી જેવું લાગે તો નાગરવેલનાં પાન ચૂસતાં જેથી એનો રસ પેટમાં જાય. ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી તમામ વસ્તુ ઘરમાંથી મળી રહેતી. આદું, લીલી હળદર અને આંબા હળદર ઉગાડી તાજું અથાણું પણ બનાવ્યું. જોકે આ છોડને ફેલાવા માટે જગ્યા ઓછી પડતાં હવે રી-પ્લાન્ટેશન કરી રહ્યા છીએ. અમે બધા ભાઈઓ એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. પ્રાઇવેટ જગ્યા હોવાથી ટેરેસ ઉપરાંત કમ્પાઉન્ડમાં ખોદકામ કરી ખૂબ પ્લાન્ટેશન કર્યું છે. ફૂલોની શોભા વગર કંઈ ખૂટતું લાગે એટલે મોટા ડ્રમની અંદર પારિજાત, અપરાજિતા, કેસુડો રોપ્યા છે. વેરિએશન માટે કોઈક વાર ગ્રીન ટીની જગ્યાએ અપરાજિતાનાં ફૂલમાંથી બનાવેલી બ્લુ ટી પીવાનો આનંદ પણ ઉઠાવ્યો છે. સાંજના સમયે નીચે લહેરાતા છોડવા અને ઉપર આકાશમાં ફેલાયેલા સાત રંગનો અદ્ભુત નઝારો જોવા આખી ફૅમિલી અગાસીમાં ગોઠવાઈ જતી. લૉકડાઉન હતું ત્યારે અેક સમયે મુંબઈમાં ઍર પૉલ્યુશન ઓછું થઈ જતાં આકાશ એટલું ચોખ્ખું થઈ ગયું હતું કે રાતના સમયે તારા ગણતા. ઘરની પાછળના ભાગમાં મીઠી નદી વહે છે. આટલાં વર્ષોમાં ક્યારેય જોવા નહોતાં મળ્યાં એટલાં પક્ષીઓ નદીમાં આવતાં હતાં. સામેની બાજુ નાળિયેરીનાં વૃક્ષો પણ દેખાય છે. આમ મોટા ભાગનો સમય પ્રકૃતિના ખોળે વિતાવ્યો હોવાથી બહારની દુનિયા મિસ નહોતી થતી. હવે જોકે બહારનો નઝારો બદલાઈ ગયો છે, પરંતુ ઘરની અંદર નેચર સાથે કનેક્ટેડ રહીએ છીએ.’
- પુષ્પા પટેલ, બોરીવલી

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 11:09 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK