જો નીતિ સાચી હશે તો નિયતિ બદલાઈ જશે

Published: Nov 06, 2019, 12:46 IST | Sejal Ponda | Mumbai

સોશ્યલ સાયન્સ: માણસોને બીજાની જિંદગીમાં રસ લેવા કરતાં બીજાની જિંદગી સાથે રેસ લગાડવામાં વધારે રસ હોય છે.

સુપર 30
સુપર 30

માણસોને બીજાની જિંદગીમાં રસ લેવા કરતાં બીજાની જિંદગી સાથે રેસ લગાડવામાં વધારે રસ હોય છે. હું જે રસ્તે ચાલું છું એ રસ્તે બીજો કોઈ ન આવે એનું પૂરતું ધ્યાન રાખતો માણસ કેટલો સંકુચિત હોઈ શકે! જો તમારામાં બદલાતી મોસમને રોકવાની તાકાત નથી તો તમારામાં કોઈના બદલાતા નસીબને પણ રોકવાની તાકાત નથી. માણસનો નિયમ પછાડવાનો છે ને કુદરતનો નિયમ ઉગારવાનો છે.

નાનું બાળક રમતું હોય, સાઇકલ ચલાવતું હોય ને પડી જાય તો મા-બાપ તરત દોડીને એને ઊભું કરે છે. બાળક રડવા લાગે તો મા-બાપ એને સમજાવે કે ‘બેટા! પડતાંપડતાં જ ઊભા થવાય.’ આ શીખ સાથે બાળક મોટું થઈ મોટું નામ કરે. બાળક પાસે સમજણ ઓછી ને નિખાલસતા વધારે હોય ને મોટાઓ પાસે નિખાલસતા ઓછી ને સમજણ વધારે હોય. માણસ પોતાના નામ સાથે સમજણનો પણ વિસ્તાર કરે. પણ સમજણ મોટી હોય ને મન સંકુચિત હોય તો!

જ્યારે તમે નવી કેડી પર ચાલતાં હોવ... ચાલતાંચાલતાં પડી જાઓ અને કોઈ આવી તમને ઊભા કરે. તમે આગળ ચાલવા લાગો. ફરી પડી જાઓ તો કોઈક બીજો આવી તમને ઊભા કરે, તમને વધારે વાગ્યું તો નથી ને એવું પૂછે. તમે હજી આગળ ચાલવા લાગો ને ફરી ઠોકર વાગે ને કોઈક ત્રીજો આવી તમને ઊભો કરે, પાણી આપે તમારી બાજુમાં બેસી તમને સાંત્વન આપતાં કહે કે ‘ભાઈ! તું ખોટા રસ્તે ચઢી ગયો છે. આ રસ્તો બહુ ખતરનાક છે. તું આગળ ચાલીશ તો હજી વધારે ઠોકર વાગશે. મારું માન, પાછો વળી જા.’ હવે આ ત્રણ માણસમાંથી સમજદાર કોણ? તમને ડરાવી અડધેથી પાછા જવાની સમજણ આપનારો માણસ સમજદાર કહેવાય કે ચાલાક? લક્ષ્મણે દોરેલી લક્ષ્મણરેખા સીતાએ પાર કરી તો લંકાપતિ એને લઈ ગયો. લક્ષ્મણે દોરેલી રેખા સમજદારીની હતી. અહીંયાં સમાજમાં પણ એવા લોકો છે જે તમારી સામે સમજદારીની રેખા દોરી તમને આગળની પરિસ્થિતિથી વાકેફ કરે છે. પણ એક વાત સમજવા જેવી છે કે તમને ચેતવનાર માણસ તમારો હિતેચ્છુ છે કે તમારો દુશ્મન. ઘણી વાર કોઈ તમને તમારા ભલા માટે આગળ જતાં અટકાવે ને ઘણી વાર કોઈ પોતાના ભલા માટે તમને આગળ જતાં અટકાવે. આ બે તફાવત સમજવાની જરૂર છે.

માણસોને બીજાની જિંદગીમાં રસ લેવા કરતાં બીજાની જિંદગી સાથે રેસ લગાડવામાં વધારે રસ હોય છે. હું જે રસ્તે ચાલું છું એ રસ્તે બીજો કોઈ ન આવે એનું પૂરતું ધ્યાન રાખતો માણસ કેટલો સંકુચિત હોઈ શકે! આવા લોકો સતત ભયમાં જીવતા હોય છે. અને એટલે જ કોઈ મારાથી આગળ ન નીકળી જાય એની પૂરી તકેદારી રાખતા હોય છે. પણ આ લોકો એક વાત ભૂલી જાય છે કે જેમ મોસમ બદલાય છે એમ દરેકનો સમય પણ બદલાય છે. જો તમારામાં બદલાતી મોસમને રોકવાની તાકાત નથી તો તમારામાં કોઈના બદલાતા નસીબને પણ રોકવાની તાકાત નથી. માણસનો નિયમ પછાડવાનો છે ને કુદરતનો નિયમ ઉગારવાનો છે.

માણસ થઈને આપણે એક વસ્તુ ભૂલવા જેવી નથી કે તમારી નીતિ તમારી નિયતિ બદલી શકે છે. રામ અને રાવણને મંદિરમાં શોધવા જવાની જરૂર જ નથી. એ બંને આપણી અંદર જ છે. આપણી અંદર રહેલા રામને બહાર લાવવો કે રાવણને, એ દરેકનો વ્યક્તિગત નિર્ણય હોય છે. તમે કોઈને મદદ કરી દુઆ ભેગી કરો છો કે કોઈને પછાડી કોઈની હાય ભેગી કરો છો, એ તમારે નક્કી કરવાનું. બીજાને પછાડનારો માણસ ખરાબ છે એમ પણ ન કહી શકાય. એ એની પ્રકૃતિ છે. આવા માણસો સ્વકેન્દ્રી હોય છે ને ‘સ્વ’થી જુદા હોય છે. જ્યારે તમે ‘સ્વ’થી જુદા પડો ત્યારે તમે તમારી અંદર રહેલા રામથી જુદા પડો છો.

આપણે હંમેશાં કહેતાં હોઈએ છીએ કે આ માણસ ખરાબ ને આ માણસ સારો. આપણી વૃત્તિ આપણને સારા-ખરાબ બનાવે છે. નામ અને દામની વગ હોય એ માણસ શક્તિશાળી હોય છે, એવું આપણે જોઈએ છીએ. અને આ માણસ કોઈને પણ જવાબ આપવા બંધાયેલો નથી, એવું સમજે છે. એક આતંકવાદીએ એક નાના બાળકને મારવા બંદૂક તાણી ત્યારે એ બાળક એટલું જ બોલ્યો કે હું ઉપર જઈ ભગવાનને બધું કહી દઈશ. આ બાળકને ભગવાનમાં કેટલી શ્રદ્ધા હશે! એનામાં કેટલી સમજણ હશે કે કરેલાં કર્મો તો ભોગવવા જ પડશે, ભાઈ! એક બાળકની સમજદારી મોટા માણસની ક્રૂરતા સામે જીતી ગઈ એમ ન કહી શકાય? જ્યાં કાયદો સજા નથી આપતો ત્યાં કરેલાં કર્મો જરૂર સજા આપે છે.

આ પણ વાંચો : લગ્ન થાય એટલે સંતાનોને ઘરથી અળગાં કરવાની પરંપરા ધરાવતો પરિવાર હૃદયથી છે સદાય સંયુક્ત

આપણે એટલું જ શીખવાનું છે કે જેટલા નિખાલસ રહીશું એટલા સમજદાર રહીશું. ઉપર જઈ કોઈ આપણી ચાડી ખાય એવા કામ અહીં ધરતી પર ન કરીએ એટલી સમજદારી કેળવીએ એટલે બસ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK