Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ફુલ કેપેસિટીમાં દોડાવાઇ તો કોરોના હાથ બહાર થઈ જશે

લોકલ ફુલ કેપેસિટીમાં દોડાવાઇ તો કોરોના હાથ બહાર થઈ જશે

01 October, 2020 07:25 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

લોકલ ફુલ કેપેસિટીમાં દોડાવાઇ તો કોરોના હાથ બહાર થઈ જશે

લોકલ ટ્રેન

લોકલ ટ્રેન


મુંબઈમાં ૧૫ ઑક્ટોબરથી લોકલ ટ્રેનોમાં પ્રવાસમાંના નિયંત્રણો દૂર કરવાનો રાજ્યના પર્યાવરણ પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાઓના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ સંકેત આપ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર આ બાબતમાં ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે અત્યારની કોવિડની પરિસ્થિતિને જોતાં અને વધી રહેલા કેસોને નજરમાં રાખીને મુંબઈના અનેક ડૉક્ટરો અને જાગરૂક નાગરિકો કહે છે કે દેશની રાજધાનીમાં લોકલ ટ્રેનો શરૂ થયા પછી કોવિડ ફાટી ન નીકળે એના માટે હજી લોકલ ટ્રેનો શરૂ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. આમ છતાં આર્થિક કારણોસર ટ્રેનો શરૂ કરવી પણ પડે તો એમાં ખૂબ જ તકેદારી રાખવી પડશે.

મુંબઈ અનલૉક થતાં જ ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર, ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન, ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન, ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશન જેવાં અનેક વેપારી સંગઠનો અને નાના દુકાનદારો-વેપારીઓ લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી કરી રહ્યા છે. હાઈ કોર્ટે પણ સર્વ સામાન્ય લોકો માટે મુંબઈમાં લોકલ શરૂ કરવાનો સરકારને નિર્દેશ આપ્યો છે. જાણીએ શું કહે છે મુંબઈના જાગરૂક રહેવાસીઓ.



આજથી આઠ દિવસ પહેલાં જ મેં મુંબઈની પરિસ્થિતિ જોઈને, અવલોકન કરીને સંસદમાં લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી કરી હતી જેને પરિણામે ગઈ કાલથી સેન્ટ્રલ રેલવેએ આઠ આવશ્યક સર્વિસઓની ટ્રેનોમાં વધારો કર્યો છે. એમાં બે લેડીઝ સ્પેશ્યલ ટ્રેનો પણ શરૂ કરી છે. જે ટ્રેનો અત્યારે આવશ્યક સેવાઓ માટે દોડી રહી છે એ ઓછી પડી રહી હોવાથી ભયંકર ગિરદી થાય છે, જે કોવિડમાં વધારો કરવા માટે જવાબદાર બની શકે છે. જોકે એની સામે વધુ ટ્રેનો દોડશે તો આપોઆપ ગિરદીમાં ઘટાડો થશે. આથી જ મેં સંસદમાં લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી કરી હતી. મુંબઈ હાઈ કોર્ટે પણ આ બાબતમાં વિચારણા કરવા રાજ્ય સરકારને કહ્યું છે. આદિત્ય ઠાકરેએ પણ આ મહિનામાં ટ્રેનો શરૂ કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે એવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ટ્રેનો દોડતી ન હોવાથી રોડ-ટ્રાફિકમાં પણ વધારો થયો છે. લોકોને પોતાના કામધંધે પહોંચવા માટે રિક્ષા, ટૅક્સી કે અન્ય રીતે ટ્રાન્સપોર્ટ માટે વધુ ખર્ચ કરવા પડે છે. આથી મુંબઈમાં વહેલી તકે લોકલ ટ્રેનો શરૂ કરવી અતિ આવશ્યક છે.


- મનોજ કોટક, સંસદસભ્ય, ઈશાન મુંબઈ

તબીબી રીતે અત્યારના સંજોગોમાં લોકલ ટ્રેનો શરૂ ન કરવી જોઈએ. એનાથી વધુ સારું રહેશે. પરંતુ વ્યવહારિક રીતે એ શક્ય નથી. આપણે અર્થતંત્ર અને પરિવહનનાં માધ્યમો શરૂ કરવાની જરૂર છે. હાલમાં ટ્રેનોની ઉપલબ્ધતા ન હોવાને કારણે રસ્તા પર ટ્રાફિકમાં વધારો થયો છે. આવા સંજોગોમાં સાવચેતી રાખીને ટ્રેનો શરૂ કરવાની જરૂર છે. સાવચેતી એ જોવા માટે કે ત્યાં કોઈ સ્ટૅન્ડ નથી. આના માટે ઑફિસોના સમયમાં પરિવર્તન કરવાનું અને ઓછામાં ઓછો સ્ટાફ ટ્રાવેલિંગ કરે એ અત્યંત જરૂરી છે જેથી ટ્રેનોમાં ભીડ વધે નહીં.
- ડૉ. દીપક બૈદ, પ્રેસિડન્ટ અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ


મુંબઈમાં નાના દુકાનદારો અને વેપારીઓ અત્યારે ખૂબ જ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. જે દુકાનો ખૂલી છે ત્યાં પણ કર્મચારીઓ ન હોવાથી ઘરાકી નથી. લોકલ ટ્રેનો બંધ હોવાથી તહેવારોમાં પણ બિઝનેસ ઠંડા રહ્યા છે. આવા સંજોગોમાં હવે સાવધાનીપૂર્વક, સાવચેતીપૂર્વક કોવિડનો ફેલાવો ન થાય એવાં પગલાં સાથે લોકલ ટ્રેનો શરૂ કરવી અત્યંત જરૂરી બની ગયું છે. એટલે જ આદિત્ય ઠાકરેએ સકારાત્મક વલણ અપનાવી ટ્રેનો શરૂ કરવાના સંકેત આપ્યા છે. હવે દેશની આર્થિક રાજધાનીની તમામ લોકલ ટ્રેનોને શરૂ કરવી અનિવાર્ય છે.
- હેમરાજ શાહ, પ્રેસિડન્ટ, બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ

અત્યારના કોવિડના આંકડાઓ જોતાં કોઈ પણ સંજોગોમાં ઑક્ટોબર મહિનામાં લોકલ ટ્રેનો શરૂ કરવી જોઈએ નહીં. એમાં કોઈ શંકા નથી કે અર્થવ્યવસ્થા ખોલવી અત્યંત જરૂરી છે. માર્ચ મહિનાથી લોકો ભયંકર ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આમ છતાં જે રીતે કોવિડ ફેલાઈ રહ્યો છે અને પૉઝિટિવ પેશન્ટોની સંખ્યાનો આંકડો ઊંચો જઈ રહ્યો છે એ જોતાં હજી લોકલ ટ્રેનો શરૂ કરવાનો સમય નથી. આવશ્યક કામદારોની ટ્રેનોમાં થોડી સુધારણા કરો. ટ્રેનોને બધાં જ સ્ટેશનો પર ઊભી રાખો જેથી વધુ ટ્રેનોની માગણીમાં ઘટાડો થાય.
- ડૉ. મનીષ મીરાણી, આઇ સ્પેશ્યાલિસ્ટ, મુલુંડ

મુંબઈમાં લોકલ ટ્રેન ટાઇમ ટેબલ ઍડ્જસ્ટ કરીને શરૂ કરવી જોઈએ. વેસ્ટર્ન રેલવેએ વિરાર, વસઈ, ભાઈંદર, બોરીવલી, ગોરેગામ અને અંધેરીથી દર પાંચ મિનિટે ટ્રેન દોડાવવી જોઈએ. વિરારની ટ્રેનો પીક અવર્સમાં ચર્ચગેટ તરફ ડબલ ફાસ્ટ દોડાવવી જોઈએ. વચલાં જે સ્ટેશનો પર ટ્રેનો ઊભી રહે ત્યાં ફક્ત પૅસેન્જરોને ઊતરવાની જ છૂટ આપવી જોઈએ. સવારનો સમય ડાઉન સાઇડ માટે પીક અવર્સ ન હોવાથી સ્લો ટ્રેનો દોડાવી શકાય. આમ કરવાથી ફિઝિકલ/સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહેશે. બીજું, હજી એક મહિના સુધી ઑડ-ઈવન ફૉર્મ્યુલા પ્રમાણે ટ્રેનમાં ટ્રાવેલ કરવાની છૂટ આપવામાં આવે જેથી ફક્ત પચાસ ટકા લોકો જ અપ-ડાઉન કરી શકે. શરૂઆતમાં આ સિસ્ટમ સમજતાં અને અનુસરતાં જરા સમય લાગશે, પણ મુંબઈગરાને રોડની મુસાફરી કરતાં ઓછી હાડમારી ભોગવવી પડશે. અત્યારના સમયમાં દરેક સિટિઝને સરકારની આપેલી ગાઇડલાઇન્સ પ્રમાણે વર્તવાની ફરજ છે જેથી કોરોનાને હંફાવી શકીએ.
- રાજેશ દોશી, ઇલેક્ટ્રૉનિક માર્કેટના વેપારી, કાંદિવલી.

અત્યારે નવી મુંબઈ અને મુંબઈ તરફ જતી બસોમાં સરકારનાં અનેક નિયંત્રણો હોવા છતાં બસો પહેલાંની જેમ જ ભરાઈને દોડે છે. કોઈ પણ જાતના ડર વગર લોકો આંખ બંધ કરીને મુસાફરી કરી રહ્યા છે. એમાં કોઈ જ શંકા નથી કે ચારે બાજુ આર્થિક કટોકટી ચાલી રહી છે, પણ કોવિડના સંકજામાં આવ્યા પછી હૉસ્પિટલોમાં જગ્યા મળતી નથી. જગ્યા મળે છે તો મોટાં તોતિંગ બિલો પણ મૂડીને સાફ કરીને જાય છે. ઇમર્જન્સી અને આવશ્યક ડ્યુટી માટે દોડી રહેલી લોકલ ટ્રેનોમાં ગિરદી જોવા મળે છે. હમણાં જ એક સરકારી ઑફિસમાં એકસાથે ૨૫થી ૩૦ સ્ટાફના લોકો કોરોનાગ્રસ્ત બની ગયા હતા. આનાથી પણ વિપરીત પરિસ્થિતિ લોકલ ટ્રેનો શરૂ થયા પછી સર્જાઈ શકે છે. આથી લોકોએ હજી લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી ન કરવી જોઈએ.
- પીયૂષ દાસ, કેમિકલ બ્રોકર-ઘાટકોપર.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 07:25 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK