સરકાર તો રચાઈ, હવે યુતિનું શું?

Published: 1st November, 2014 07:09 IST

BJP અને શિવસેના વચ્ચેની અઢી દાયકા જૂની યુતિનો હવે અંત આવી રહ્યો હોય એવું લાગે છે. યુતિની વિરુદ્ધમાં બન્ને પક્ષોની પોતપોતાની રાજકીય ગણતરીઓ છે. ૧૯૮૦ના દાયકામાં યુતિ કરવા માટે કારણો હતાં તો હવે નહીં કરવા માટે કારણો છે. આર્ય એ વાતનું છે કે રાજ્યમાં સરકાર રચવા છતાં BJP કે શિવસેના બેમાંથી કોઈ ફોડ પાડીને કંઈ કહેતું નથી


કારણ-તારણ- રમેશ ઓઝા

મહારાષ્ટ્રમાં પહેલી વાર BJPએ સરકાર રચી છે જે અત્યારે તો લઘુમતી સરકાર છે. દેવેન્દ્ર ફડણવીસે જોખમ ઉઠાવ્યા વિના મુખ્ય પ્રધાનપદના જેટલા દાવેદાર હતા એ બધાને પ્રધાનમંડળમાં લીધા છે. એકનાથ ખડસેને સ્પીકરપદની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કૅબિનેટ પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન બન્યા પછી સિટિઝન ચાર્ટર આપવાની જાહેરાત કરી છે જે નવી વાત છે અને સ્વાગત કરવા જેવી છે. સિટિઝન ચાર્ટર સરકારને નાગરિકો પરત્વે જવાબદાર બનાવે છે. અત્યાર સુધી કોઈ રાજ્યે સિટિઝન ચાર્ટર લાગુ કર્યો નથી.

સોગંદવિધિની બંધારણીય જરૂરિયાતને લોકમહોત્સવ જેવું સ્વરૂપ આપવાની મનોવૃત્તિ ટાળવી જોઈએ. ૧૯૪૭માં જવાહરલાલ નેહરુએ જો દિલ્હીમાં રામલીલા મેદાનમાં સત્તાના સોગંદ લીધા હોત તો આખું દિલ્હી શહેર એમાં ઉપસ્થિત રહ્યું હોત, પરંતુ તેમણે રાષ્ટ્રપતિભવનમાં સોગંદ લીધા હતા. લોકપ્રિયતાના દેખાડા માટે ઘણા પ્રસંગો ઉપલબ્ધ છે, બંધારણીય જરૂરિયાતની ગરિમા જાળવવી જોઈએ. દરેક ચીજના જલસા યોજવાના ન હોય. રાજભવનની બહાર જાહેર સ્થળે સોગંદ લેવાની પરંપરા ઘણું કરીને એન. ટી. રામરાવે ૧૯૮૬માં શરૂ કરી હતી અને હવે તો એણે વિકૃતિનું સ્વરૂપ ધારણ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસની સોગંદવિધિમાં વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, BJPના રાષ્ટ્રીય નેતાઓ, ગ્થ્ભ્શાસિત અને મિત્ર પક્ષો દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને બીજા અનેક નામી-અનામી લોકો હાજર રહ્યા હતા. સોગંદવિધિના આવા જલસા ભારત સિવાય બીજા કોઈ દેશમાં યોજવામાં આવતા નથી. આમાં કરોડો રૂપિયાનું લોકોના પૈસાનું આંધણ કરવામાં આવે છે.


છેક છેલ્લી ઘડીએ BJPના પ્રમુખ અમિત શાહના આગ્રહના પરિણામે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોગંદવિધિમાં આવવાનો નર્ણિય લીધો હતો, પરંતુ તેમના ચહેરા પર પ્રસન્નતાનો અભાવ હતો. તેમણે મંચ પર નરેન્દ્ર મોદી સાથે પણ થોડી વાતચીત કરી હતી, પરંતુ તેમની બૉડી-લૅન્ગ્વેજ જોતાં એમ લાગે છે કે BJP અને શિવસેના વચ્ચેની અઢી દાયકા જૂની યુતિનો હવે અંત આવી રહ્યો છે. સેના-BJP વચ્ચેની યુતિ અઢી દાયકા જૂની છે. NDAની રચના ૧૯૯૭માં થઈ હતી જ્યારે દેશમાં ત્રીજા મોરચાની સરકાર હતી અને એ ગમે ત્યારે તૂટી પડે અને લોકસભાની વચગાળાની ચૂંટણી આવી પડે એવી સંભાવના હતી. NDAમા એવા પક્ષો હતા જે આંતરિક ખેંચતાણને કારણે ત્રીજા મોરચાનો અંગ નહોતા અને રાજકીય કારણોસર કૉન્ગ્રેસ સાથે જઈ શકે એમ નહોતા. આમ NDAના ઘટક પક્ષોએ રાજકીય કારણોસર BJP સાથે હાથ મિલાવ્યો હતો, તેઓ ગ્થ્ભ્ની વિચારધારા સાથે સંમત હતા એવું નથી. આમાં અપવાદ માત્ર શિવસેનાનો હતો અને એટલે સેના સાથેની ગ્થ્ભ્ની યુતિ ટકાઉ નીવડી હતી.


પ્રમોદ મહાજને એક વાર કહ્યું હતું કે ૧૯૮૬ પછી કૉન્ગ્રેસ સામે હિન્દુઓની પ્રતિક્રિયા (બૅકલૅશ) પેદા થશે અને એનો ફાયદો હિન્દુત્વવાદી પરિબળોને થઈ શકે એમ છે એવું સૌથી પહેલાં પારખનારા નેતા બાળ ઠાકરે હતા. તેમણે સેના અને BJP વચ્ચે ચૂંટણીસમજૂતી કરવાની દરખાસ્ત મૂકી હતી અને શિવસેનાએ મરાઠી અસ્મિતાનું રાજકારણ બાજુએ મૂકીને હિન્દુત્વવાદી રાજકારણ અપનાવી લીધું હતું. ૧૯૮૯ની લોકસભાની અને એ પછીની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ આ બન્ને પક્ષો સાથે લડતા આવ્યા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણી ૨૫ વર્ષ જૂના સંબંધના અંતરૂપ સાબિત થઈ છે. યુતિના મુખ્યત્વે પાંચ આર્કિટેક્ટ હતા : બાળ ઠાકરે, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી. આમાંથી પહેલા ત્રણ હવે આ દુનિયામાં નથી, વાજપેયી બીમાર છે અને અડવાણી પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.


યુતિને ટકાવી રાખવાથી શિવસેનાને લાભ થશે કે નુકસાન એ બન્ને પક્ષે એકસરખી વિમાસણનો વિષય છે. શિવસેનાને સરકારમાં લેવાથી એને જીવતદાન મળશે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહ તેમ જ રાજ્યના BJPના કેટલાક નેતાઓ માને છે. મોદી-શાહની ગણતરી એવી છે કે હવે જ્યારે પ્રાદેશિક પક્ષોનાં ગ્થ્ભ્ની તરફેણમાં વળતાં પાણી થઈ રહ્યાં છે ત્યારે સેનાને સાથે રાખીને એના મોતને શા માટે ઠેલવવું. બીજી તરફ શિવસેનામાં એક મત એવો છે કે BJPના આશ્રિત બનીને એનો છાયો બની રહેવા કરતાં સ્વતંત્ર વિરોધ પક્ષ તરીકે કૉન્ગ્રેસ અને NCP કરતાં પણ વધારે આક્રમકતા સાથે રાજકારણ કરવાથી સેના વધારે મજબૂત થશે. આમાં બીજો ફાયદો એ છે કે રાજ ઠાકરેનો મરાઠી અસ્મિતાનું રાજકારણ કરવાનો મોકો છીનવી શકાશે. એક તો BJP તાકાતવાન છે.

બીજું, એ મરાઠી અસ્મિતાના રાજકારણમાં માનતી નથી અને ત્રીજું, એ અલગ વિદર્ભની માગણીને સમર્થન આપે છે એ જોતાં સરકારમાં રહીને સરકારનો વિરોધ કરવો મુશ્કેલ પડશે. આમ યુતિની વિરુદ્ધમાં બન્ને પક્ષોની પોતપોતાની રાજકીય ગણતરીઓ છે. ૧૯૮૦ના દાયકામાં યુતિ કરવા માટે કારણો હતાં તો હવે નહીં કરવા માટે કારણો છે. રાજકારણ આનું નામ. એમાં પરિસ્થિતિ બદલાય એમ રાજકીય સમીકરણો બદલાય અને એ રીતે સંબંધો બદલાય. જો યુતિનો ફાઇનલ અંત આવશે તો શિવસેનાના એકમાત્ર કેન્દ્રીય પ્રધાન અનંત ગીતેએ રાજીનામું આપવું પડશે. આર્ય એ વાતનું છે કે રાજ્યમાં સરકાર રચવા છતાં BJP કે શિવસેના બેમાંથી કોઈ ફોડ પાડીને કઈ કહેતું નથી. આવી વિમાસણ આ પહેલાં મોરચાના રાજકારણમાં ક્યારેય જોવા મળી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK