અન્ન કોઈનું પણ હોય, પેટ તો તમારું જ હોયને

Published: Jun 27, 2020, 21:54 IST | sanjay raval | Mumbai

ઈશ્વરે આપેલી સૌથી બેસ્ટ ગિફ્ટ જો કોઈ હોય તો એ છે શરીર અને અફસોસની વાત એ છે કે આપણે સૌથી ખરાબ રીતે પણ એ ગિફ્ટ સાથે જ રહીએ છીએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જ્યારે હું મારાં જેવાં યુવાન ભાઈ-બહેનોને જોઉં છું ત્યારે મારા મોઢામાંથી નિસાસો નીકળી જાય છે.
સળી જેવા હા, ડિટ્ટો સળી જેવા અને કાં તો અતિશય જાડિયા, થોડું ચાલે કે થોડી સીડીઓ ચડે તો હાંફી જાય એવા. શર્ટનાં બે બટન ખુલ્લાં હોય અને એમાંથી પાંસળીઓ બહાર ડોકિયાં કરતી હોય. એક લાફો પડે તો મુંબઈઆખાનાં બે ચક્કર મારી આવે. પૅન્ટ પહેર્યું ન હોય, પણ કમર પાસેનાં પેલાં હાડકાં ઉપર એ પૅન્ટ ટિંગાતું હોય. ખભા વાંકા વળી ગયા હોય અને ગરદન ઝૂકી ગઈ હોય. પચાસ દંડ-બેઠક કે પાંચ આસન કરી ન શકે. કૂતરું પાછળ દોડે તો ભાગી ન શકે અને સાચું કહું તો તેની પાછળ કૂતરું પણ દોડે નહીં. ટૂંટિયું વાળીને સૂતેલું ડૉગી પણ આવા યુવાનોને જોઈને ફરી ટૂંટિયું વાળીને સૂઈ જાય. મનમાં ને મનમાં જાતને જ ટપારે કે વધારે જોરથી ભસાઈ જશે તો બિચારાની છાતીનાં પાટિયાં બેસી જશે, મરી જશે ને બિલ નાહકનું મારા નામે ફાટશે. આવાં યુવાન-યુવતીઓ જે પોતાના માટે કંઈ કરતાં નથી એ સમાજ કે દેશ માટે કંઈ કરે એવો તો સવાલ જ ઊભો નથી થતો. પર્સનાલિટી પાડવી છે, પણ ઊભો રહે ત્યારે ચાડિયા જેવો લાગે છે એની તેને ખબર જ નથી હોતી. તેની પર્સનાલિટીની વ્યાખ્યા એટલે બાઇક, મોબાઇલ, ઉછીનાં કપડાં, સિગારેટ અને મોઢામાં ઓરેલાં ગુટકા-માવા, પણ જો હરામ બરાબર પેલી છોકરી કહી દે કે ચાલ ભાગીને મૅરેજ કરી લઈએ તો સાથે ભાગવાની વાત તો મૂકી દો ખૂણામાં, પહેલાં તો તે મુઠ્ઠી વાળીને ભાગી જાય.
દોસ્તો, ઈશ્વરે આપણને મનુષ્યજન્મ આપ્યો છે. આખું શરીર ઇન્ટેક્ટ, કોઈ ખોડખાંપણ નહીં. તમે જુઓ, આ જગતમાં માંડ બે-ચાર ટકા એવા લોકો હશે જેને શરીરમાં કોઈ તકલીફ હશે, પણ બાકી તો મનુષ્યને સર્વાંગી સંપૂર્ણ જ બનાવ્યો છે અને એ પછી પણ આપણે એનું ધ્યાન નથી રાખતા, શરીરની કદર નથી કરતા. જીભના મોહ પાછળ ખેંચાયેલા રહીએ છીએ અને પછી શરીર પર ચરબીના થર જમા કરીએ છીએ. બહુ સરસ વાત એક જગ્યાએ મેં વાંચી હતી. જો ખોરાકને દવા ગણીને જમશો તો દવાને ખોરાક બનાવીને જમવાનો વારો નહીં આવે. કેટલી સરસ વાત છે આ. તમે પણ અત્યારે આ વાત વાંચીને ‘વાહ’ બોલશો અને એ પછી એને ભૂલીને ઘરની બહાર નીકળીને પેટમાં કચરો ભરવાનું શરૂ કરી દેશો. મને તો નવાઈ લાગે છે કે આપણે આપણી સાઇકલ, સ્કૂટર કે પછી લીધેલી જૂની ગાડીને પણ ઘસી-ઘસીને સાફ કરીએ અને નવી દેખાડવાની કોશિશ કરીએ પણ આપણા શરીર માટે આટલી કદર કરવી નથી એ પણ એવા સમયે જે સમયે શરીરને મંદિર કહેવામાં આવ્યું છે, પણ આપણે ખાલી શરીરને મંદિર કહીએ અને સારું-સારું બોલતાં આવડે છે એવું દેખાડીએ, પણ જેટલી સફાઈ મંદિરની કરીએ છીએ એટલી સફાઈ આપણે આપણા શરીરની નથી રાખતા. તમારા જીવન પર્યંત એ તમારી સાથે જ રહેવાનું છે એની ખબર છે તો પણ આપણે એને માટે લેવી પડે એટલી કૅર કરવા રાજી નથી. મારી વાત કરું તો, જે માણસ પોતાના શરીરનું ધ્યાન નથી રાખતો, જે માણસ પોતાના શરીરની દરકાર નથી કરતો અને મોટી ફાંદ લઈને રખડ્યા કરે છે એ માણસનો ભરોસો હું ક્યારેય નથી કરતો. કામ કરવાનું આવે અને કમ્પલ્સરી તેની સાથે કામ કરવું પડે એમ હોય તો હું કામ કરી લઉં, પણ તેનો ભરોસો કરીને તેની સાથે ભાઈબંધી તો ક્યારેય ન કરું. ખબર નહીં, મને એવું જ થયા કરે કે જેને પોતાની પડી નથી તેને મારી સાથેના સંબંધોની ક્યાંથી પડી હોવાની.
એટલી સરસ નોકરી હોય, એટલી સરસ આવક હોય, નોકરીને લીધે ખૂબ સરસ પદ મળ્યું હોય અને એ પછી પણ તે પોતાના પર ધ્યાન આપવાની વાત આવે ત્યારે પોતાની જાતને જ સાવ વાહિયાત રીતે રાખતા હોય. હું લોકોને હોટેલમાં અને મૅરેજ-રિસેપ્શનમાં ખાતા જોઉં તો દંગ રહી જાઉં છું. કેટલી જાતનો કચરો તેઓ પેટમાં નાખ-નાખ કર્યા કરે. હું કહીશ કે એટલો કચરો જો એ કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખે અને બે કલાક પછી એ પ્લાસ્ટિકની કોથળી ખોલીને એને સૂંઘે તો તેને ખબર પડે કે કેવી હાલત થઈ ગઈ છે અંદર. શરીર પ્રત્યે સૂગ રાખવાની આ જે નીતિ છે એ નીતિને લીધે જ આપણા દેશનો વિકાસ નથી થયો એવું કહેવામાં હું જરાય ખચકાટ નથી રાખતો. આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ રાખવાની સૌકોઈને પહેલ કરી, પણ એવી જ પહેલ મારે તમને સૌકોઈને કરવી છે અને એ પેટને સ્વચ્છ રાખવા માટે.
આપણે ત્યાં એક ઉક્તિ છે ઃ અન્ન કોઈકનું છે, પણ પેટ તો તમારું છે એ યાદ રાખવું.
આ સામાન્ય એવી વાત પણ આપણે સમજતા નથી. સવારે જાગ્યા પછી હરામ બરાબર જો બે ડગલાં ચાલવું પણ કોઈને ગમતું હોય તો. પેટ ભરીને ખાધા પછી તરત જ લિફ્ટ વાપરવાની અને લિફ્ટમાંથી સીધા ગાડીમાં કે બાઇક પર. પછી ઑફિસ અને ઑફિસે પણ જઈને સીધી લિફ્ટ વાપરવાની અને એ પછી ટેબલ પર બેઠાં-બેઠાં કામ કર્યા કરવાનાં. ફરી આ જ રૂટીન. સાંજે પડે એટલે લિફ્ટમાં નીચે અને લિફ્ટમાંથી સીધા ગાડી કે બાઇક પર. શ્રમ નામે કશું જ કરવું નથી અને પેટમાં બધું ઓર્યા કરવું છે. આપણે એવું માનીએ છીએ કે આપણને કંઈ થવાનું નથી, પણ હું કહીશ કે આ તમારો ભ્રમ છે અને આ ભ્રમને તોડવા માટે તમારે એક વખત હૉસ્પિટલમાં જઈને ચક્કર મારી લેવાનું. સાહેબ, ૧૦૦ ટકા ભ્રમ ભાંગી જશે, પણ એ ભાંગેલા ભ્રમને અકબંધ રાખવાની જરૂર છે, જે આપણે નથી રાખતા.
જેકંઈ ભાવે છે એ રૅશનિંગ કરીને ખાવાની જરૂર છે અને જે નથી ભાવતું કે પછી જે ખાવામાં ટેસ્ટ નથી આવતો એ બધું બે હાથે ખાવાનું છે. આજે આપણે જન્ક ફૂડને ગાળો આપીએ છીએ, પણ ગાળો જન્ક ફૂડને શું કામ મળવી જોઈએ, ગાળો તો જન્ક ફૂડ ખાનારાને મળવી જોઈએ અને તેને જ પડવી જોઈએ. બનાવવાવાળાએ તો એકદમ પર્ફેક્ટ કામ કર્યું છે, તેણે તો તમારી જીભની જે લાલચ છે એ લાલચને જ ઓળખવાનું કામ કર્યું છે, પણ એ લાલચને તમે મહત્ત્વ આપીને તમે કેટલા નબળા મનના છો એ પુરવાર કરી રહ્યા છો. ખાવા ઉપરાંત મારે તો કસરત વિશે પણ કહેવું છે અને એને માટે પણ વાત કરવી છે
પણ એ આવતા વીકમાં કરીશું, આ
વીકમાં તો આપણે માત્ર તમારા જીભના સ્વાદની જે લાચારી છે એના પર જ વાત કરવી છે.
જીભને આધીન થનારાઓએ તૈયારી રાખવી પડશે કે તેમણે પેટમાં જે ઉકરડો ઊભો કર્યો છે એ ઉકરડો એક દિવસ હેરાન કરશે અને એ હેરાનગતિ થશે ત્યારે તેણે જ સૌથી પહેલાં દુખી થવું પડશે. લોકો ખોટું કહે છે કે ૩૦ વટાવ્યા પછી કે ચાલીસી વટાવ્યા પછી ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, ખોટી વાત છે. ખાવામાં તો ૩ વર્ષના હો ત્યારે પણ ધ્યાન રાખવું જોઈએ અને ૧૦૩ વર્ષના થાઓ ત્યારે પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ખાવાની બાબતમાં ધ્યાન ન રાખી શકો તો તમે જીવનમાં એક પણ વાતનું ધ્યાન રાખી ન શકો. આજના આ દિવસે એક કામ કરજો, ખોટી ચીજવસ્તુઓ એક પછી એક છોડવાનું શરૂ કરો અને એક વર્ષમાં ઓછામાં ઓછી ૧૦૦ એવી ચીજવસ્તુ છોડો જે શરીર માટે અયોગ્ય છે. લગ્નપ્રસંગમાં જમવા જવાનું થાય અને સાવ નજીકનો પ્રસંગ હોય, તમારે જમવું જ પડે તો એવું કરો કે પ્રસંગમાં પાંચ જ આઇટમ ખાવી. છઠ્ઠી આઇટમ સામે જોવાનું પણ નહીં. તમારે કડક થવું પડશે. હું તો કહીશ કે તમારે તમારી જાત સાથે હિટલર બનીને રહેવું પડશે. હિટલર બનશો તો જ શરીર જર્મની બનીને વિકાસ કરશે અને જગતભરમાં નામ રોશન કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK