Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નજર ખેંચે એનું નામ નડતર

નજર ખેંચે એનું નામ નડતર

09 October, 2020 01:21 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

નજર ખેંચે એનું નામ નડતર

સતત આગળ વધવામાં સાથ આપનારા પગ પર પણ કોઈ જાતનું ફોકસ ક્યારેય કર્યું છે?

સતત આગળ વધવામાં સાથ આપનારા પગ પર પણ કોઈ જાતનું ફોકસ ક્યારેય કર્યું છે?


હા, જે પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરે છે તેની સામે કોઈ જોતું નથી. વાત તેની જ થતી હોય, નજર તેના તરફ જ ખેંચાતી હોય જે નડતર બનવાનું કામ કરીને પીડા આપતા હોય છે
વાતમાં એક ટકાભાર પણ અતિશયોક્તિ નથી. ના, જરા પણ નહીં. નજર તેના પર જ પડે, ધ્યાન તેના પર જ જાય અને કેન્દ્રમાં તે જ આવે જે નડતર બનીને પીડા આપવાનું કામ કરતા હોય છે. જોઈ લો તમે, તમારી આજુબાજુમાં અને જોઈ લો તમે, તમારી અંદર પણ. ધ્યાન તેના તરફ જ જાય જે આડા ચાલે છે, ધ્યાન તેના પરત્વે જ ખેંચાય જે અકોણાઈ કરે. સહજ રીતે પોતાની જવાબદારી નિભાવતાં કે પછી નિષ્ઠા સાથે પોતાનું કામ કરતાં ક્યારેય કોઈના ધ્યાન પર નથી આવતા, પણ જો તે પોતાની જવાબદારી ચૂકે કે પછી નિષ્ઠામાં ક્યાંય કચાશ રાખી દે તો બીજી જ ક્ષણે નજર ખેંચી લે. દૂર સુધી જવાની જરૂર નથી, તમારામાં જ જોઈ લો એક વાર. શરીર ચાલે છે, બેસ્ટ રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી આપતું ત્યારે તેના તરફ ધ્યાન આપવાનું સૂઝતું નથી, પણ નખ પાસેની ચામડી જરાઅમસ્તી પણ ખેંચાઈ જાય તો માઇક્રોમિલીમીટરમાં ખેંચાયેલી ચામડી મન પર કબજો કરી લે છે. કમરનો દુખાવો અચાનક જાગે કે તરત જ એ મસ્તક પર કબજો લઈ લે છે. અરે, દાંતમાં ભરાયેલું કોથમીરનું પાંદડું પણ સતત ધ્યાન પોતાના પર રાખે છે, પણ આવી કોઈ અવસ્થા નથી હોતી ત્યારે કોઈ પ્રત્યે ધ્યાન ખેંચાતું નથી. સહજ રીતે આખા શરીરનું કામ સંભાળતા હૃદય તરફ તમે ક્યારેય ધ્યાન આપ્યું છે? આપ્યું છે ક્યારેય ધ્યાન મગજ બંધુઓ પર? અરે, સતત આગળ વધવામાં સાથ આપનારા પગ પર પણ કોઈ જાતનું ફોકસ ક્યારેય કર્યું છે? ના, ક્યારેય નહીં, અને એનું કારણ પણ છે. નજર એના તરફ જ ખેંચાય જે નડતર બનવાનું કામ કરી પીડા આપે.

માત્ર શરીર નહીં, જીવનમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જીવનમાં પણ અને પરિવારમાં પણ. પરિવારમાં પણ અને ઑફિસમાં પણ. ચર્ચા એની જ રહે, જે નડતર બનવાનું કામ નિષ્ઠાપૂર્વક કરતો હોય છે. ધ્યાન એ જ ખેંચે છે જે સતત પીડા આપવાની જવાબદારી નિભાવે છે. ક્યારેય સિક્યૉરિટી ગાર્ડની વાત લઈને ચર્ચા કરવા માટે બેસતા નથી, પણ જો એ જ ગાર્ડ પોતાના કામમાં બેજવાબદારી કરવા માંડે તો એને માટે સમય કાઢીને મીટિંગ કરવાનું પણ ચૂકતા નથી. ઘરમાં સમયસર આવી જતા દીકરા માટે ક્યારેય પેરન્ટ્સે ચર્ચાનો દોર શરૂ નથી કરવો પડ્યો, પણ ઘડિયાળના કાંટા તરફ જોવાની તસ્દી પણ નહીં લેનારા દીકરા માટે માબાપ શિખર મંત્રણા યોજી લેતાં હોય છે. દેરાણી ટૉપિકનો વિષય નથી બનતી. કારણ, જવાબદારીઓની સમાપાન-પ્રક્રિયા શ્રદ્ધાપૂર્વક અને જવાબદારી સાથે કરે છે, પણ જવાબદારીમાંથી જોજનો દૂર રહેતી જેઠાણી વાતનો મુદ્દો પણ બને છે અને તેને જવાબદારી વહન કરાવવા માટે વિચારવિમર્શ પણ થાય છે. દસ્તૂર છે સાહેબ આ દુનિયાનો, નજર તેના તરફ જ ખેંચાય જે નડતર બનવાનું કામ કરી પીડા આપે અને આ દસ્તૂર જ ગેરવાજબી છે.
જે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે, જે જવાબદારીઓનું રોપણ કરવા માટે અન્યના ખભા નથી શોધતો, જે પ્રામાણિકતા અકબંધ રાખીને આગળ વધે છે અને જે પોતાના કામને, પોતાની ફરજને ઉત્કૃષ્ટ રીતે પૂરી કરવા માટે સતત મથતું રહે છે તેના પ્રત્યે આવો દુર્લક્ષભાવ શું કામ? શું કામ તેની તરફ નજર પણ નહીં નાખવાની કે પછી શું કામ તેની તરફ આંખ પણ નહીં માંડવાની? આવું કરીને તો તમે ભૂલથી એવું પુરવાર કરો છો કે નજર જોઈતી હોય, ફોકસ જોઈતું હોય અને મહત્ત્વ પામવું હોય તો નડતર બનવાનું કામ કરતા રહો. જો નડતર બનશો, જો અવગણના અકબંધ રાખશો તો જ તમે ગણના પામશો. આપણે જ શીખવી દઈએ છીએ કે તમારી અકોણાઈને માન મળશે. તમારી આડોડાઈને કેન્દ્રમાં રાખીને તમારા પર વિચારવિમર્શ કરવામાં આવશે. ગેરવાજબી નીતિ જ આડોડાઈને જન્મ આપવાનું કામ કરે છે. ઑફિસમાં પણ તમે જોઈ લો. જલેબીની બોલબાલા રહેશે, પણ ફાફડાનો ભાવ પણ નહીં પુછાય. આડાઈ કરનારાઓને ક્યાંય ભૂલવામાં નથી આવતા અને સહજ-સરળ થઈને કામ કરનારાઓને ક્યારેય યાદ કરવામાં નથી આવતા. ખોટું છે. ખાસ કરીને ત્યારે, જ્યારે પોતાની જવાબદારી ગણીને કોઈ નિષ્ઠા સાથે આગળ વધી રહ્યું હોય. ખાસ કરીને ત્યારે જ્યારે તારીફનો એક શબ્દ પણ સાંભળવાની અપેક્ષા વિના કોઈ પોતાની જવાબદારી વહન કરતું હોય.
ક્યારેય આડાઈ નહીં કરનારાને આડાઈના રસ્તે વાળવાનું કામ આપણે જ કરી બેસીએ છીએ. બનેલી નડતરને વધારે સમય આપીને, એની શરણાગતિ સ્વીકારીને. દુખતી ફોડલીને પંપાળવાનું કામ જ્યારે થતું હોય છે ત્યારે શરીરમાં સુસ્ત બેઠેલા કૅન્સરને પણ પીડા આપવાનું મન થઈ આવે છે. બે દાંત વચ્ચેના પોલાણમાં ઘૂસીને બેસી ગયેલા આખા જીરુંના એક દાણાને જ્યારે પંપાળવામાં આવે છે ત્યારે કાબૂમાં રહેલા બૅક્ટેરિયાને પણ ફૂંફાડો મારવાનું મન થાય છે. બૅક્ટેરિયા ફૂંફાડા મારીને નવેસરથી ધ્યાન પોતાની તરફ ન ખેંચાવે એ માટે પણ જીરુંનાં ફોતરાંને કે પછી નાક પર થયેલી ફોડલીને ભાવ ન આપવો એ તમારા હિતમાં છે.
શરીર બેસ્ટ રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી આપતું ત્યારે તેના તરફ ધ્યાન આપવાનું સૂઝતું નથી, પણ નખ પાસેની ચામડી જરાઅમસ્તી પણ ખેંચાઈ જાય તો માઇક્રોમિલીમીટરમાં ખેંચાયેલી ચામડી મન પર કબજો કરી લે છે. અરે, દાંતમાં ભરાયેલું કોથમીરનું પાંદડું પણ સતત ધ્યાન પોતાના પર રાખે છે, પણ આવી કોઈ અવસ્થા નથી હોતી ત્યારે કોઈ પ્રત્યે ધ્યાન ખેંચાતું નથી. સહજ રીતે આખા શરીરનું કામ સંભાળતા હૃદય તરફ તમે ક્યારેય ધ્યાન આપ્યું છે? અરે, સતત આગળ વધવામાં સાથ આપનારા પગ પર પણ કોઈ જાતનું ફોકસ ક્યારેય કર્યું છે?



(caketalk@gmail.com) (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 01:21 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK