Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાગરિકો જાતે જ નક્કી કરે કે તેઓ સ્વદેશી સિવાયની કોઈ વસ્તુ નહીં ખરીદે

નાગરિકો જાતે જ નક્કી કરે કે તેઓ સ્વદેશી સિવાયની કોઈ વસ્તુ નહીં ખરીદે

21 July, 2020 12:51 PM IST | Mumbai
Apurva Dave

નાગરિકો જાતે જ નક્કી કરે કે તેઓ સ્વદેશી સિવાયની કોઈ વસ્તુ નહીં ખરીદે

નાગરિકો જાતે જ નક્કી કરે કે તેઓ સ્વદેશી સિવાયની કોઈ વસ્તુ નહીં ખરીદે


કોરોના વાઇરસના રોગચાળાના સમયમાં વૈશ્વિક સ્તરે અર્થતંત્રોની સ્થિતિ ડામાડોળ છે એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સક્ષમ બનાવવાની દિશામાં નક્કર કદમ ઉઠાવવાની વાત કરી છે. તેમણે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફૉર લોકલ’ એ બે મંત્ર આપી દીધા છે જેનાથી દેશને પ્રગતિના પંથે લઈ જવાનો છે.

કોરોનાને ‘ચીની વાઇરસ’ કહેવામાં આવી રહ્યો છે એવા સમયે અનેક દેશો, જેઓ કોરોનાના ભરડામાં છે અને ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ચીનથી ખફા હોય એ સ્વાભાવિક છે.



ભારતે ક્યારેય કહ્યું નથી કે અમને ચીનનો વિકલ્પ બનાવો, પરંતુ હાલ સંજોગો જ એવા સર્જાયા છે કે ભારતને બજાર ઉપરાંત ઉત્પાદન કેન્દ્ર અને વેપાર-સેવાના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે.


આ ગંભીર રોગચાળાના સમયમાં લૉકડાઉન રાખવું પડ્યું છે અને આર્થિક પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી ઠપ રહી છે. આથી દેખીતી વાત છે કે અર્થતંત્રની વૃદ્ધિની ગતિ ધીમી પડી જાય. અત્યારે તો અમેરિકા જેવી મહાસત્તાને પણ આર્થિક સંકટ નડી રહ્યું છે ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશની હાલત નાજુક હોય એ સમજી શકાય એવી વાત છે. આમ છતાં

વડા પ્રધાન અને ત્યાર બાદ


રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસ સહિતના અનેક સરકારી અધિકારીઓ હવે કહેવા લાગ્યા છે કે ભારતના અર્થતંત્રમાં ગતિ ફરી આવવા

લાગી છે.

વડા પ્રધાન મોદીએ વર્તમાન સંજોગોનો લાભ લઈને દેશને ચીનનો વિકલ્પ બનાવી શકાય એ બાબત પર વધુ ભાર મૂકવાને બદલે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફૉર લોકલ’ પર વધુ લક્ષ આપ્યું છે. લૉકડાઉન દરમિયાન તેમણે કરેલા રાષ્ટ્રજોગા સંબોધનમાં આ મંત્રો આપવામાં આવ્યા હતા.

ભારત જો એક માર્કેટ હોય તો સહજ છે કે એની પાસે એટલા બધા નાગરિકો છે જે ગ્રાહક તરીકે દેશને માર્કેટ બનાવે છે. જો વિદેશથી વસ્તુઓની આયાત થાય તો આપણે વિદેશી હૂંડિયામણ ખર્ચવું પડે અને એ આપણને મોંઘું પડી શકે છે. આથી જ વડા પ્રધાને દેશના ગ્રાહકોને વિદેશથી વસ્તુઓની આયાત કરીને માલ અપાવવાને બદલે ઘરઆંગણે જ ઉત્પાદન થાય અને દેશની

સંપત્તિ દેશમાં જ રહે એવી સ્થિતિ સર્જવાની વાત કરી છે એટલું જ નહીં, આ કામ એવી રીતે થાય કે દરેક જણ એના માટે વોકલ બને એટલે કે વાચાળ બને.

હવેથી આપણે સ્વદેશી વસ્તુઓ જ વાપરીશું એવું મનમાં વિચારવાને બદલે એને જાહેરમાં વ્યક્ત કરવાની જરૂર છે. આ જ બાબતને આપણે વોકલ ફૉર લોકલ કહી શકીએ. લોકલ એટલે સ્થાનિક સ્તરે દેશમાં બનેલી વસ્તુઓ અને વોકલ એટલે એનો ઉપયોગ કરવા પ્રત્યેની અભિવ્યક્તિ.

સ્વદેશીની ભાવના પહેલેથી જ દેશના નાગરિકોના લોહીમાં છે, પરંતુ હવે એને વોકલ અર્થાત્ વાચાળ બનાવવાની છે. ‘હું પોતે દેશમાં બનેલી વસ્તુઓ વાપરીશ એટલું જ નહીં, બીજાઓને પણ એ માટે પ્રેરિત કરીશ’ એવું કહેવું એ જ આપણી વાચાળતા.

જેમના જીવન પર આધારિત ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ બની એ વ્યક્તિ એટલે કે સોનામ વાંગચુકે હાલમાં યુટ્યુબના માધ્યમથી ચીની મોબાઇલ ઍપ્લિકેશન્સ અને ચીની માલસામાનનો બહિષ્કાર કરવાના સંદેશા પ્રસારિત કર્યા છે એ પણ વાચાળતાનું જ ઉદાહરણ છે.

ભારતમાં સૌરઊર્જા માટે વપરાતી વસ્તુઓની આયાત ૯૦ ટકા જેટલી થાય છે. અદાણી પાવરે કરેલી જાહેરાત મુજબ હવે એ કંપની આગામી પાંચ વર્ષમાં એ નિર્ભરતા ઘટાડીને દેશને સૌરઊર્જાના નિર્માણના ક્ષેત્રે આત્મનિર્ભર કરશે. આ સંકલ્પ પણ વાચાળતાનું જ એક સ્વરૂપ છે.

સોનામના યુટ્યુબ સંદેશાઓનો લોકોના સ્ટેટસ અને ફૉર્વર્ડ દ્વારા જે પ્રસાર થયો છે એને પણ ‘વોકલ ફૉર લોકલ’ જ કહી શકાય. આ જ રીતે ચીની ઍપ્સ દરેકના મોબાઇલમાંથી સહેલાઈથી અનઇન્સ્ટૉલ કરી શકાય એ માટે રાજસ્થાનના એક આઇટી સ્ટાર્ટઅપે બનાવેલી ઍપ પણ વાચાળતા જ કહેવાય. આજે આ લેખ વંચાઈ રહ્યો છે એ પણ વોકલ ફૉર લોકલનું વધુ એક ઉદાહરણ છે.

કોરોના વાઇરસના રોગચાળાને પગલે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ચેન્નઈ, બૅન્ગલોર વગેરે શહેરોમાંથી શ્રમિકો હિજરત કરીને પોતપોતાના વતનમાં ગયા અને ત્યાં તેમને સરકારે રોજગાર બાંયધરી યોજના હેઠળ કામ આપ્યું એ પણ સરકારની વાચાળતા જ કહેવાય. હવે શ્રમિકો શહેરોમાં આવીને પસ્તાય નહીં અને પોતાના વતનમાં રહીને જ રોજીરોટી કમાય એવું વાતાવરણ સર્જવા માટે થઈ રહેલાં અનેક કાર્યો વોકલ ફૉર લોકલનાં ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને પણ વોકલ થઈને કહી દીધું છે કે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપનારાઓને શ્રમસંબંધી કાયદાઓ નડે નહીં એ માટે એ કાયદાઓમાંથી છૂટ આપવામાં આવી છે.

સમગ્ર વિશ્વ અત્યારે આર્થિક દૃષ્ટિએ સંકળાયેલું છે અને એક દેશની સ્થિતિની અસર બીજા દેશો પર પડ્યા વગર રહેતી નથી. દા.ત. જર્મની, જપાન, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, અમેરિકા વગેરે દેશોની કંપનીઓ ચીનમાંથી પોતાનાં ઉત્પાદન કેન્દ્રો ભારતમાં ખસેડવા તૈયાર થઈ છે અને તેથી જ ભારત માટે એક તક ઊભી થઈ છે.

ચાલો, હવે એ તો સમજાઈ ગયું કે અત્યારે ચીનના વિરોધમાં સર્જાયેલા વાતાવરણનો લાભ લઈને ભારતને જો વિકસિત દેશ બનાવવો હોય તો સૌથી પહેલાં એને આત્મનિર્ભર બનાવવો જરૂરી છે. જોકે ભારત પાસે એટલી સમૃદ્ધિ નથી કે એ રાતોરાત આત્મનિર્ભર બની જાય. એને વિદેશી રોકાણની જરૂર પડશે. જો રોકાણ વિદેશથી આવતું હોય તો દેશને આત્મનિર્ભર કહી શકાય નહીં. આ મુદ્દો મુખ્ય છે. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઇટલીનો ચીન સાથેનો વેપાર-વ્યવહાર એટલો વધારે હતો કે ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઇરસની સૌથી પહેલી ગંભીર અસર ઇટલી પર પડી. અમેરિકા પણ ચીનમાં બનતી વસ્તુઓ પર મોટા પાયે નિર્ભર હોવાથી અત્યારે તાત્કાલિક ધોરણે એણે કોઈ મોટાં પગલાં ભરવાને બદલે ફક્ત ફૂંફાડા મારવાનું વલણ અપનાવ્યું છે, જેથી ચીન કોઈ દુઃસાહસ કરી શકે નહીં. બીજી બાજુ, સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય વેપાર-ધંધા માટેના વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના કરાર હેઠળ મુક્ત આયાત-નિકાસની નીતિ ધરાવે છે. કોઈ પણ દેશ આ કરારનો ખુલ્લેઆમ ભંગ કરી શકે નહીં. સાથે-સાથે અત્યારની સ્થિતિમાં વિદેશથી મોટા પાયે આયાત કરીને દેશની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવવાનું પણ શક્ય નથી. આમ આવશ્યક હોય ત્યાં વિદેશી રોકાણ આવકારીને સ્થાનિક ધોરણે ઉત્પાદન શરૂ કરવું અનિવાર્ય બની જાય છે.

અહીં નોંધવું જરૂરી છે કે ભારત 1.30 અબજ વસ્તી ધરાવતું આટલું મોટું બજાર હોય અને જાતે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે નહીં એ સ્થિતિ આત્મઘાતી કહેવાય. આથી વિદેશી રોકાણને આવવા દઈને સ્થાનિક ધોરણે તમામ નાગરિકોની જરૂરિયાતો સંતોષવાનું પગલું વ્યવહારુ છે.

વિદેશથી રોકાણ આવે, પરંતુ વિદેશીઓ બધી મલાઈ ખાઈ જાય અને ભારતના ભાગે કંઈ આવે નહીં એવું પણ થવું ન જોઈએ. આથી સરકાર યોગ્ય પગલાં ભરી જ રહી છે.

સરકારે 200 કરોડ રૂપિયા સુધીનું સરકારી પ્રોક્યૉરમેન્ટ સ્થાનિક કંપની પાસેથી જ કરવું એવો નિયમ ઘડ્યો એ વોકલ ફૉર લોકલનું મસ્ત મજાનું ઉદાહરણ છે. ભારતની નાની-મધ્યમ સ્તરની કંપનીઓને વિદેશની કટ્ટર સ્પર્ધાથી બચાવવાની દૃષ્ટિએ અને આત્મનિર્ભર ભારત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આપણી સરકાર વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના કરાર પર હસ્તાક્ષર કરી ચૂકી હોવાથી આપણે પ્રત્યક્ષપણે અને ઔપચારિક રીતે ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી નહીં શકીએ. આ વાત સોનામ વાંગચુકે પણ કરી છે. આથી આપણે હવે એ બાબતે વોકલ બનવાની જરૂર છે. જો નાગરિકો જાતે જ નક્કી કરે કે તેઓ સ્વદેશી સિવાયની કોઈ વસ્તુ નહીં ખરીદે તો તેમને કોઈ રોકી-ટોકી શકે નહીં.

અહીં કોઈ એ વાતનો ઇનકાર કરી શકે એમ નથી કે આંગળીથી નખ વેગળા એ ઉક્તિ પ્રમાણે બધા દેશોએ એકબીજાથી સંકળાયેલા રહેવા છતાં વેગળા રહીને વિકાસ કરવો પડશે.

આવી સ્થિતિમાં ભારત સરકારે આત્મનિર્ભર ભારત માટે 20,000 કરોડ રૂપિયાનું રાહતનું પૅકેજ જાહેર કર્યું છે. આ અભિયાન એક રીતે મેક ઇન ઇન્ડિયાનું જ સ્વરૂપ છે.

અત્યાર સુધી ભારતમાં ચીનથી સંખ્યાબંધ ચીજવસ્તુઓની આયાત મોટા પ્રમાણમાં થઈ રહી છે અને બૅલૅન્સ ઑફ પેમેન્ટ બગડ્યું છે એવા સમયે સ્થાનિક એમએસએમઈ (સૂક્ષ્મ લઘુ મધ્યમ એકમો) માટેની અનેક જોગવાઈઓ આત્મનિર્ભર પૅકેજમાં કરવામાં આવી છે. દેશમાં મોટા ભાગના મધ્યમ વર્ગને રોજગાર પૂરો પાડનારા આ ક્ષેત્રના બે લાખ ઉદ્યોગોને એનો લાભ થવાનો છે. આ કંપનીઓમાં 50,000 કરોડ રૂપિયા મૂલ્યની ઇક્વિટી આવી શકે એ માટે ફન્ડ ઑફ ફન્ડ્સની રચના કરવામાં આવી છે. કંપનીઓ એની મદદથી વિસ્તરણ કરી શકશે અને દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનું ઘરઆંગણે ઉત્પાદન કરવા સક્ષમ બનશે. લિસ્ટિંગ થવાથી એને લગતા લાભ પણ મળવા લાગશે એવો લાંબા ગાળાનો ઉદ્દેશ સરકારે રાખ્યો છે. તમામ એમએસએમઈને ઇલેક્ટ્રૉનિક માર્કેટ સાથે સાંકળવામાં આવશે જેથી તેઓ ટ્રેડ ફેરની મદદ વગર પણ નવી-નવી માર્કેટમાં સ્થાન મેળવી શકે એવું એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

ભારતની રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશવા માટે વિદેશીઓ થનગની રહ્યા હોવાનું ચિત્ર કોરોના રોગચાળાની પહેલાં દેખાઈ રહ્યું હતું. હવે સરકારે ખાનગી ક્ષેત્રના સહયોગ દ્વારા શ્રમિકો માટે ભાડાનાં ઘર બનાવવાની યોજના જાહેર કરી છે. ઉપરાંત નાનાં-મોટાં ઉદ્યોગો અને સંસ્થાઓ પણ ભાડાનાં સસ્તાં ઘરોની વસાહતોનું નિર્માણ કરી શકશે એવું નક્કી કરાયું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની હાલની કપરી સ્થિતિને અનુલક્ષીને આ મોટું પગલું કહી શકાય.

સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ મારફત 2.5 કરોડ ખેડૂતોને કુલ 2 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ ઓછા વ્યાજે આપવાનું જાહેર કર્યું છે. સંસ્થાકીય માળખા દ્વારા ખેડૂતોને પારદર્શક રીતે આ રકમ મળી શકશે, જેનો તેઓ ખેતપેદાશ વધારવા માટે કરી શકશે.

શ્રમિકો ખોરાક-પાણીની સમસ્યા તથા રહેવાની સગવડનો અભાવ એ બન્ને કારણોસર ફરી ગામડાંમાં ચાલ્યા ગયા છે. તેમના આવાસ તથા ખાધાખોરાકીની વ્યવસ્થા કરવા માટે રાજ્યોને 11,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. આ પગલાં દ્વારા ગામડાંને ફરીથી બેઠાં કરી શકાશે એટલું જ નહીં, શહેરો પર અનાવશ્યક રીતે વધી ગયેલું દબાણ હળવું થઈને સામાજિક વિકાસ સારી રીતે થઈ શકશે. દેશના મનુષ્યબળ માટે રોજગારનું સર્જન કરવા માટે વનીકરણ, બાગાયતી કામ વગેરેનો અમલ કરવાનો નવો ઉદ્યમ આ પૅકેજની ખાસિયત છે.

વડા પ્રધાને હાલમાં કલકત્તામાં વોકલ બનીને કહ્યું છે કે વિદેશથી આયાત થતી વસ્તુઓનું ભારતમાં ઉત્પાદન થાય અને નિકાસ થવા લાગે એવી સ્થિતિ સર્જવાની જરૂર છે. હવે સાવચેતીભર્યા અભિગમને બદલે કડક નિર્ણયો અને મજબૂત રોકાણોનો સમય આવી ગયો છે. નિયંત્રિત અર્થતંત્રને બદલે ગતિશીલ અર્થતંત્ર બનવાની જરૂર છે. હાલ જે વસ્તુઓની પરાણે આયાત કરવી પડે છે એ બધાની નિકાસ કરવાના દિવસો આવે એ માટે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. તબીબી ઉપકરણો, સંરક્ષણનો સરંજામ, કોલસો, ખનિજો, ખાદ્યતેલ વગેરે અનેક ચીજોની બાબતે દેશ આત્મનિર્ભર બને એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

ભારતની ક્ષમતાઓ વિશે વડા પ્રધાન જાણકારી ધરાવે છે તેથી તેમણે સાથે-સાથે ઉમેર્યું હતું કે બંગાળને ફરીથી ઉત્પાદનના ક્ષેત્રે આગળ વધારી શકાય છે અને ઈશાન ભારતને ઑર્ગેનિક ફાર્મિંગનું કેન્દ્ર બનાવી શકાય છે. સ્વયં સહાયતા જૂથ અને માઇક્રો, સ્મૉલ, મીડિયમ એન્ટરપ્રાઇઝિસ પોતપોતાની ચીજવસ્તુઓ તથા સેવાઓ સીધેસીધી ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ માધ્યમ પરથી વેચી શકે છે એમ પણ તેમણે કહ્યું હતું.

હવે વોકલ બનવાનો વારો નાગરિકોનો તથા વેપારીઓ-ઉદ્યમીઓનો છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. પ્લાસ્ટિકની વસ્તુઓ હોય કે રમકડાં, મોબાઇલ ફોન હોય કે બીજી અનેક ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ, દિવાળીનાં લાઇટનાં તોરણ હોય કે પછી મકર સંક્રાન્તિએ વપરાતો માંજો હોય, એ બધી વસ્તુઓ ચીનથી આયાત કરવાને બદલે દેશમાં ઓછા ખર્ચે બનાવીને એને લોકપ્રિય બનાવવાની આવશ્યકતા છે. વેપારીઓ-ઉદ્યમીઓ નફાનું પ્રમાણ ઓછું અને ગુણવત્તાનું પ્રમાણ ઊંચું રાખશે તો એ શક્ય બનશે. સાથે જ ગ્રાહકો પણ થોડી મોંઘી અને ટકાઉ વસ્તુઓનો આગ્રહ રાખીને સ્વદેશી વસ્તુઓ ખરીદશે તો તેઓ વોકલ ફૉર લોકલ બની ગયા કહેવાશે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 12:51 PM IST | Mumbai | Apurva Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK