બાયોપિક, એક દંતકથા : શ્રેષ્ઠ જીવનકથા પરથી ફિલ્મ બનશે તો તમારો ઇતિહાસ અકબંધ રહેશે

Published: Aug 13, 2020, 15:07 IST | Manoj Joshi | Mumbai Desk

બાયોપિક, એક દંતકથા:શ્રેષ્ઠ જીવનકથા પરથી ફિલ્મ બને તો ઇતિહાસ અકબંધ રહેશે

મિડ-ડે લોગો
મિડ-ડે લોગો

ફિક્શન એટલે કે કાલ્પનિક વાર્તાઓ પરથી ફિલ્મો બને એના કરતાં રિયલ લાઇફ પરથી ફિલ્મો બને એ વધારે જરૂરી છે. આજે ફિક્શન માટે ડિજિટલ પ્લૅટફૉર્મ સૌકોઈને મળી ગયું છે અને એટલે જ હવે ફિલ્મને એક નવી દિશામાં લઈ જવાની જરૂર છે. આ નવી દિશા એટલે રિયલ લાઇફ સિનેમા. અમેરિકામાં આ પ્રકારના સિનેમાનો ટ્રેન્ડ લગભગ પંદરેક વર્ષ પહેલાં શરૂ થયો, પણ એ પછી નિરંતર રીતે બાયોપિકના શૉર્ટ નામથી ઓળખાતી બાયોગ્રાફિકલ-ફિલ્મ બનવી શરૂ થઈ ગઈ. આ પ્રકારની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર પણ હિટ રહી અને ક્લાસિક સિનેમામાં પણ એની ગણના થઈ. આપણે ત્યાં બાયોગ્રાફિકલ ફિલ્મો બને છે, પણ વિશ્વ સિનેમાની સરખામણીમાં એની સંખ્યા બહુ ઓછી છે. ખૂબ ઓછી એમ કહીએ તો પણ ચાલે. જો તમે એનો રેશિયો કાઢવાની કોશિશ કરો તો એ આંકડો આવે ૧૦૦ ફિલ્મે પાંચ ફિલ્મનો. મોટા ભાગની જે કોઈ બાયોગ્રાફિકલ ફિલ્મો બની એ બધી જ ફિલ્મો હિસ્ટરીના આધારે બની, પરંતુ આજે પણ વ્યક્તિ હયાત હોય અને એના પરથી ફિલ્મ બનાવવામાં આવી હોય એવું ઓછું બને છે. આ એક ડિફિકલ્ટ કામ છે અને એટલે જ એ કામ ઓછું થાય છે, પણ આ ડિફિકલ્ટ કામ મૅક્સિમમ કામ થાય એ જરૂરી છે.

ગયા વર્ષે અમેરિકાની ટ્રિપ દરમ્યાન કેટલાક હૉલીવુડના ડિરેક્ટરને મળવાનું થયું, જેમની સાથે ઘણી વાતો થઈ. આપણને સૌને જાણીને આશ્ચર્ય થાય કે આપણા દેશની એટલે કે હિન્દુસ્તાનની કઈ-કઈ હસ્તીઓના જીવન પર આધારિત ફિલ્મ બનાવવી જોઈએ એનું અઢળક રિસર્ચ-વર્ક તે લોકોએ કર્યું છે. મજાની વાત તો એ છે કે તે વ્યક્તિઓ સાથે તે આજે કૉન્ટૅક્ટમાં પણ છે. આચારસંહિતાના ભાગરૂપે અને કોઈનું બિઝનેસ-સિક્રેટ ગણાય એટલે તેના વિશે વધારે વાત તો નહીં થઈ શકે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આપણા ફિલ્મમેકર્સ અને ડિરેક્ટરે જાગી જવાની જરૂર છે. નહીં તો જે રીતે આપણે હળદર અને મરીમસાલા માટે અફસોસ કરીએ છીએ અને દેકારો કરતા રહીએ છીએ કે આપણી વનસ્પતિમાંથી પ્રોડક્ટ બનાવીને પૅટર્ન તે લોકો રજિસ્ટર કરી લે છે. એ જ રીતે ભવિષ્યમાં આપણે આપણા જ દેશની હસ્તી માટે અફસોસ કરતા ફરીશું કે આપણી આંખ સામે તે વ્યક્તિ હોવા છતાં પણ આપણી બદલે હૉલીવુડ કે ફૉરેનના ડિરેક્ટર તેના પર ફિલ્મ બનાવી ગયા. વર્ષો પહેલાં આવો જ અફસોસ આપણે ફિલ્મ ‘ગાંધી’ માટે કરી ગયા હતા, જ્યારે રિચર્ડ ઍટનબરોએ મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવી, દુનિયાભરમાં વાહવાહી મેળવી હતી.
રિયલિટી બેઝ સબ્જેક્ટ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હવે લોકોને કલ્પનાઓમાં રસ નથી. આંખ સામે જ મહેનત કરનારાઓ પડ્યા હોય અને કલ્પનાથી પણ ચડિયાતું જીવ્યા હોય એવી વ્યક્તિઓ હોય ત્યારે કલ્પનાના વિશ્વમાં વિહરનારાં પાત્રો શું કામ જોવા પણ જોઈએ. ભારત પાસે એવી અનેક હસ્તીઓ છે જે વિશ્વભરમાં નામના કમાઈ છે અને કાં તો વિશ્વભરને રાહ દેખાડવાનું કામ કરી શકી છે. જો આપણે જાગીશું નહીં તો બનશે એવું કે મહારાણા પ્રતાપ અને વર્ગિસ કુરિયનના જીવન પર આધારિત ફિલ્મોનાં પોસ્ટર પર હૉલીવુડના સ્ટુડિયોનું નામ પ્રોડ્યુસર તરીકે છાપેલું વાંચવું પડશે અને એ વાંચીશું ત્યારે આપણે રાબેતા મુજબ ફરિયાદના સૂરમાં મુકાઈ જશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK