પાલિકાની ત્રણ હૉસ્પિટલો માટે આઇએએસ અધિકારીઓની નિયુક્તિ

Published: May 22, 2020, 12:59 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દરેક વૉર્ડમાં પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી ૧૦૦ બેડ હસ્તગત કરશે પાલિકા

મુંબઈમાં કોરોનાના કેસો નિરંકુશપણે વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રોગચાળાના અસરકારક વ્યવસ્થાપન માટે શહેરમાં બીએમસી સંચાલિત ત્રણ અગ્રણી હૉસ્પિટલોમાં ત્રણ આઇએએસ અધિકારીઓની નિયુક્તિ કરી હતી.

ચીફ સેક્રેટરી અજોય મેહતાએ કોરોનાના મોટા ભાગના કેસો સંભાળી રહેલી કેઈએમ, સાયન અને નાયર હૉસ્પિટલોમાં અસરકારક નિયંત્રણ તથા વ્યવસ્થાપન માટે આઇએએસ અધિકારીઓ નિયુક્ત કર્યા હતા. રાજ્ય સરકાર સંચાલિત બે હૉસ્પિટલો માટે અન્ય આઇએએસ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી.

બીએમસીની યાદી અનુસાર નાયર હૉસ્પિટલની જવાબદારી મદન નાગરગોજેને, કેઈએમ હૉસ્પિટલની જીત પાટીલને, જ્યારે સાયન હૉસ્પિટલની બાલાજી મંજુલેને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત જીટી હૉસ્પિટલ અને જેજે હૉસ્પિટલની જવાબદારી 2011ની બૅચના આઇએએસ અધિકારી સુશીલ ખોડવેકરને સોંપવામાં આવી છે જેઓ શાળા શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી છે. દેશમાં કોરોના વાઇરસના ટોચના હૉટસ્પૉટમાં સ્થાન ધરાવતા મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના આશરે ૨૪,૦૦૦ પૉઝિટિવ કેસ તથા ૮૫૦ વ્યક્તિનાં મૃત્યુ નોંધાયાં છે.

દરેક વૉર્ડમાં પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી ૧૦૦ બેડ હસ્તગત કરશે પાલિકા

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈના દરેક વૉર્ડની પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી કુલ ૧૦૦ બેડ લેવામાં આવશે. મુંબઈમાં વધી રહેલા કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખતાં મુંબઈ મહાનગરપાલિકા પ્રસાશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈના તમામ ૨૪ વૉર્ડમાં ૧૦૦ જેટલા નવા બેડ ઊભા કરવામાં આવશે જેમાંથી ઓછામાં ઓછા ૧૦ બેડ આઇસીયુ હશે. આ બેડ શહેરની તમામ પ્રાઇવેટ હૉસ્પિટલ અને નર્સિંગ હોમમાંથી હસ્તગત કરવામાં આ‍વશે.

બીએમસીના આ નિર્ણયને પગલે કોવિડ-19ના દરદીઓ માટે વધુ ૨૪૦૦ બેડ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોના પૉઝિટિવ દરદીઓનો આંકડો ૨૩,૯૩૫ને પાર ગયો છે,  જ્યારે મૃતકોની સંખ્યા ૮૪૧ જેટલી થઈ ગઈ છે.

કોવિડ-19ના દરદીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બીએમસી કમિશનર દ્વારા વૉર્ડ અને હેલ્થ ઑફિસર્સને નવી ફેસિલિટી ઊભી કરવા કહેવામાં આવ્યું છે સાથે પ્રાઇવેટ હૉસ્પિટલ અને નર્સિંગ હોમ દ્વારા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ આપવા પણ કહેવામાં આવ્યું છે. સોમવારે એમએમઆરડીએ દ્વારા બીકેસી વિસ્તારમાં ૧૦૦ બેડની ફેસિલિટી કરી આપવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK