મારી ટીમને બદલવાનું અનેક વાર મને મન થયું છે, પણ પાક્કો નિર્ણય નથી લીધો : અણ્ણા

Published: 6th November, 2011 21:49 IST

નવી દિલ્હી: ટીમની નવરચના કરવાનો પ્રસિદ્ધ ન કરેલો બ્લૉગ તેમના જ ભૂતપૂર્વ બ્લૉગર રાજુ પરુળેકરે બહાર પાડતાં અણ્ણા હઝારે સંરક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયા છે. ગાંધીવાદી અણ્ણા હઝારેએ કબૂલાત કરી હતી કે ‘મેં મારી ટીમ બદલવાનો વિચાર અનેક વાર કર્યો છે, પરંતુ હું અંતિમ નિર્ણય ન લઉં ત્યાં સુધી કોઈએ કોઈ અર્થઘટન ન કરવું.

 

હું અગાઉ માનતો હતો કે કિરણ બેદી અને પ્રશાંત ભૂષણ સામેના આક્ષેપો સાચા છે અને આ કારણથી મેં ટીમ બદલવાનો વિચાર કર્યો હતો, પરંતુ હવે મને સમજાય છે કે મારી છબિને કલંકિત કરવા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.’

શું વેબસાઇટ પર જે પત્ર મૂકવામાં આવ્યો છે એ તમારો છે એવા સવાલના જવાબમાં અણ્ણાએ કહ્યું હતું કે જો એના પર મારી સહી હોય તો એ પત્ર મારો છે.

કજિયો શા માટે થયો?

અણ્ણાએ શુક્રવારે રાજઘાટ પર પોતાનું મૌનવ્રત તોડતાં દાવો કર્યો હતો કે મેં કોર કમિટીના નવઘડતર વિશે કોઈ પત્રકાર સાથે વાતચીત નથી કરી કે હું તેમને મળ્યો

પણ નથી. આનાથી ઉશ્કેરાયેલા બ્લૉગર રાજુ પરુળેકરે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધીને અણ્ણાએ મરાઠીમાં લખેલો પત્ર અને એનો અંગ્રેજીમાં અનુવાદ પોતાના બ્લૉગ પર મૂક્યો હતો.

પત્રમાં શું લખ્યું છે?

અણ્ણાએ આ પત્રમાં લખ્યું છે કે ‘હું નજીકના ભવિષ્યમાં કોર કમિટીની નવરચના કરવા માગું છું. મને આખા દેશમાંથી ભૂતપૂર્વ જજો, લશ્કરના અધિકારીઓ, પ્રોફેસરો અને સુશિક્ષિત લોકો તરફથી પત્રો મળી રહ્યા છે અને તેઓ એમ લખે છે કે અમે તમારા ઉમદા હેતુ માટે જાન ન્યોછાવાર કરવા પણ તૈયાર છીએ. આ લોકોને સેવા કરવા સિવાય બીજી કોઈ અપેક્ષા નથી. આથી હું કોર કમિટીનું વિસ્તરણ કરવા માગું છું.’

બ્લૉગર શું કહે છે?

રાજુ પરુળેકરે કહ્યું હતું કે ‘હું વારંવાર કહી રહ્યો છું કે અણ્ણા હઝારે તેમના ચાર સહયોગીઓથી કંટાળી ગયા છે. અણ્ણાએ પોતે ૨૩ ઑક્ટોબરે બપોરે ટીમની નવરચના કરવાનો બ્લૉગ લખ્યો હતો. જોકે અણ્ણાના નિકટના સાથીદાર સુરેશભાઉ પતારેએ તેમને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ અણ્ણા રોકાયા નહોતા. ત્યાર બાદ સુરેશભાઉએ મને વિનંતી કરી હતી કે અણ્ણાજીનો આ ચોક્કસ બ્લૉગ તાત્પૂરતો અપલોડ ન કરતા.’

અણ્ણા બ્લૉગ બંધ નહીં કરે

અણ્ણા હઝારેએ અગાઉ નવી દિલ્હીમાં એવી જાહેરાત કરી હતી કે તેઓ રાળેગણ સિદ્ધિમાં જઈને પોતાનો બ્લૉગ બંધ કરી દેશે. જોકે પછીથી અણ્ણાએ પોતાનો વિચાર બદલતાં કહ્યું હતું કે ‘હું બ્લૉગ બંધ નહીં કરું. હું બહારના બે માણસોની મદદ લઈશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK