પાકિસ્તાની કલાકારોને મારો ટેકો નથી : હેમા માલિની

Published: Oct 06, 2016, 03:20 IST

ગોળ-ગોળ નિવેદન કર્યા બાદ ડ્રીમગર્લ હવે સાફ વાત કરે છે, અભિનેત્રી-સંસદસભ્ય હેમા માલિની કહે છે કે હું હંમેશાં જવાનોના જ પક્ષે રહી છુંભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાના વિવાદ સંબંધે ઍક્ટ્રેસ અને રાજકારણી હેમા માલિનીએ ગઈ કાલે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરે એ વાતને હું ટેકો નથી આપતી.

આ બાબતે વિગતવાર વાત કરતાં BJPનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ કહ્યું હતું કે ‘હું દેશ માટે લડતા અને શહીદ થતા જવાનોના પક્ષે હંમેશાં રહી છું. હું ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોને ટેકો નથી આપતી. જય હિન્દ.’

લોકોએ સર્જિકલ સ્ટ્રાઇકનો પુરાવો ન માગવો જોઈએ એવું જણાવતાં ૬૭ વર્ષનાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘સર્જિકલ સ્ટ્રાઇક વડે આપણા સૈન્યે મોટું કામ કર્યું છે અને આખા દેશે તેમને ટેકો આપવો જોઈએ. એનો પુરાવો શા માટે માગવો જોઈએ? મેં તો આવું ક્યાંય સાંભળ્યું નથી.’

જોકે આ મુદ્દે સાવચેતીભર્યું વલણ અપનાવતાં હેમા માલિનીએ મંગળવારે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે હું પાકિસ્તાની કલાકારોના કામની કદર કરું છું. જોકે તેમણે અહીં રહેવું જોઈએ કે ભારત છોડીને ચાલ્યા જવું જોઈએ એ બાબતે હું કોઇ કમેન્ટ કરવા નથી ઇચ્છતી.’

આ મુદ્દે હિન્દી ફિલ્મોદ્યોગમાં તડાં પડ્યાં હોય એવું લાગે છે. સલમાન ખાન, કરણ જોહર, અનુરાગ કશ્યપ, હંસલ મહેતા, ઓમ પુરી અને નાગેશ કુકુનૂરે પાકિસ્તાની કલાકારો પરના પ્રતિબંધનો વિરોધ કર્યો છે; જ્યારે રણદીપ હૂડા, સોનાલી બેન્દ્રે તથા નાના પાટેકરે એ પ્રતિબંધને ટેકો આપ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK