Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું મનમાં કડવાશ રાખતો નથી, કડવાશ આગળ વધારતો પણ નથી

હું મનમાં કડવાશ રાખતો નથી, કડવાશ આગળ વધારતો પણ નથી

10 November, 2020 04:42 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હું મનમાં કડવાશ રાખતો નથી, કડવાશ આગળ વધારતો પણ નથી

રાજા, રાણી અને હું: નાટક ‘એક્કો રાજા રાણી’ના એક દૃશ્યમાં મારી સાથે દીપક ઘીવાલા અને નિમિષા વેદ-વખારિયા

રાજા, રાણી અને હું: નાટક ‘એક્કો રાજા રાણી’ના એક દૃશ્યમાં મારી સાથે દીપક ઘીવાલા અને નિમિષા વેદ-વખારિયા


ગયા મંગળવારે વિષયાંતર કરીને આપણે વાત કરી ઇન્ડ‌િવ‌િજ્યુઅલ પ્રોડ્યુસર બનેલા કિરણ સંપટની અને તેમને લીધે રંગભૂમિને મળેલા લાભોની. હવે આપણે ફરીથી અનુસંધાન જોડીએ આપણી નાટકની જર્નીની વાતોનું. ‘જમા ઉધાર’ પૂરું થયું એટલે નવા નાટકની વાત આવી. અમે ફરી પ્રવીણ સોલંકીને મળ્યા. પ્રવીણભાઈએ અમને તેમના જૂના નાટક ‘ષડ્‍યંત્ર’ની વાત કરી. ‘ષડ્‍યંત્ર’ કાંતિ મડિયાએ ડિરેક્ટ કર્યું હતું અને નાટક સુપરહિટ હતું. ‘ષડ્‍યંત્ર’ મને પણ ગમ્યું હતું. પ્રવીણભાઈને લાગતું હતું કે એ નાટક ફરીથી કરી શકાય. ચર્ચાવિચારણા પછી નક્કી થયું કે નવેસરથી ‘ષડ્‍યંત્ર’ કરીએ. નાટકની બે ખાસ વાત; એક, નાટકમાં રાજેશ મહેતાનો રોલ બહુ સરસ હતો અને ‘ચક્રવર્તી’ પછી મને ફરીથી રાજેશ મહેતા સાથે કામ કરવા મળતું હતું. આ નાટક પછી જ રાજેશ મહેતા બહુ લાઇમલાઇટમાં આવી ગયા હતા. બીજી વાત, નાટક સસ્પેન્સ-કૉમેડી હતું, જે બનવાનું લગભગ ઓછું થઈ ગયું હતું.

અમે ચાલુ કરી નાટકની તૈયારી અને ટીમ એકત્રિત કરવામાં લાગી ગયા. એ સમયે અમિત દિવેટિયા ખૂબ ચાલતા, એક પછી એક સુપરહિટ નાટક આપતા હતા. મેં અગાઉ પણ કહ્યું છે કે મારે અમિતભાઈ સાથે બહુ સારી મિત્રતા. એકબીજાનું કામ સાચવવાની ભાવના અમારા બન્નેમાં. અમે નક્કી કર્યું કે આ નાટક અમિતભાઈ ડિરેક્ટ કરે. મેં અગાઉ કહ્યું એમ, ઓરિજિનલ નાટક કાંતિ મડિયાએ ડિરેક્ટ કર્યું હતું અને કાંતિભાઈ કામ કરવા રાજી હતા છતાં અમે અમિતભાઈ પાસે ગયા. આવું કરવા પાછળનું કારણ મારે તમને સૌને જણાવવું જોઈએ એવું લાગે છે એટલે આ વાતની સ્પષ્ટતા કરતાં તમને કહું છું કે એ સમયે અમને એવું લાગવા માંડ્યું હતું કે મડિયા બદલાતી રંગભૂમિને અનુરૂપ કામ નથી કરતા અને એને લીધે નાટક બરાબર નથી બનતું. આ વાત એટલા માટે ખાસ કહેવાની કે મડિયાના અવસાન પછી તેમના વિશે પુસ્તક પ્રકાશિત થયું જેમાં તેમનાં ખૂબ વખાણ લખાયાં હતાં, પણ એ લખાણમાંથી ઘણી વાતોમાં અતિશયોક્તિ હતી. કાંતિ મડિયાને તેમનાં અંતિમ વર્ષોમાં ખૂબ બધો નકાર સાંભળવા મળ્યો હતો. લોકોને એવું લાગવા માંડ્યું હતું કે મડિયા હવે ઇરિલિવન્ટ થઈ ગયા છે. અમને પણ લાગ્યું હતું કે મડિયા આજના આ નવા જમાના સાથે તાલ નથી મેળવી રહ્યા, તે હજી પણ પોતાના ‘અમે બરફનાં પંખી’ના જમાનામાં જીવી રહ્યા છે. એ સમયમાં જીવી રહ્યા છે જે સમયમાં કૉમેડી નાટકો નહીં, પણ નાટકોની વાર્તા ચાલતી. મડિયા પોતાના ‘અમે બરફનાં પંખી’ નાટક માટે કહેતા કે લોકો રડવા માટે પૈસા ખર્ચતા. સાચી હતી તેમની વાત, પણ હવે જમાનો બદલાયો હતો. હવે કૉમેડીની બોલબાલા હતી, લોકોને હસવું હતું, પ્રફુલ્લિત થઈ જવાય એવું મનોરંજન જોઈતું હતું અને મડિયા એમાં ક્યાંક ઓછા પડતા હતા. ઍટ લીસ્ટ અમને એવું લાગતું હતું. જેને લીધે અમે નક્કી કર્યું કે આપણે ‘ષડ્‍યંત્ર’ નાટક નવા સુધારાવધારા સાથે કરવાના છીએ તો એમાં આપણે કાંતિ મડિયાની જગ્યાએ અમિત દિવેટિયાને ડિરેક્ટર તરીકે લઈશું અને અમે એમ જ કર્યું અમિત દિવેટિયા ડિરેક્ટર તરીકે આવી ગયા. અમિતભાઈ માટે એક સરસ અને મહત્ત્વનો કહેવાય એવો રોલ પણ નાટકમાં હતો જ તો મુખ્ય ભૂમિકામાં એ સમયના સુપરસ્ટાર દીપક ઘીવાલાને જ અમે રિપીટ કર્યા. ‌‌દીપકભાઈ અમારા ‘જમા ઉધાર’ નાટકમાં પણ લીડ રોલમાં હતા. દીપકભાઈ અને અમિતભાઈ સિવાય આ નાટકમાં મારી સાળી અને ઍક્ટ્રેસ નિમિષા વેદ પણ ફાઇનલ થઈ. એ સમયે નિમિષાનાં લગ્ન નહોતાં થયાં એટલે તે હજી નિમિષા વખારિયા નહોતી બની. નિમિષા ઉપરાંત નીતિન ત્રિવેદી પણ હતો તો ‘ષડ્‍યંત્ર’માં જેના રોલમાં મને મજા આવી ગઈ હતી એ રાજેશ મહેતા અને ફાતિમા શેખ પણ હતાં. એ નાટકમાં મારો પણ એક નાનો પણ કૉમેડી રોલ હતો અને સાથે અલીરઝા નામદાર પણ હતો. અલીરઝા સાથે ‘બા રિટાયર થાય છે’ પછી પહેલી વાર કામ કરી રહ્યો હતો. અમારા આ નાટકનું ટાઇટલ હતું ‘એક્કો રાજા રાણી.’



નાટક બૉક્સ-ઑફિસ પર ઠીકઠાક રહ્યું. બહુ સારું નહીં કે બહુ ખરાબ પણ નહીં. નાટકના શો ચાલતા હતા અને એ ચાલુ શો વચ્ચે એક દિવસ એવો આવ્યો કે અમારે દીપક ઘીવાલાનું રિપ્લેસમેન્ટ શોધવાનું શરૂ કરવું પડ્યું. બન્યું એવું કે દીપકભાઈએ ‘એક્કો રાજા રાણી’ નાટક છોડી દીધું.


હવે, શો તો બધા માથે હતા. કરવું શું?

બહુ લાંબી વિચારણા કરીને હું અને કૌસ્તુભ ત્રિવેદી પહોંચ્યા કાંતિ મડિયા પાસે. જઈને તેમને કહ્યું કે તમે અમને દીપકભાઈવાળા રોલનું રિપ્લેસમેન્ટ કરી આપો. આનું કારણ એ હતું કે મડિયાએ ઓરિજિનલ નાટક ડિરેક્ટ તો કર્યું જ હતું, પણ સાથોસાથ એ નાટકમાં દીપક ઘીવાળાવાળો રોલ પણ કર્યો હતો.


અમને મનમાં હતું કે મડિયા પાસે જઈને વાત કરીશું તો મડિયા અમારા પર ખિજાશે પણ અમને રોલ કરી આપશે. અમે તેમને ડિરેક્શન પણ ઑફર નહોતું કર્યું અને રોલ માટે પણ પૂછ્યું નહોતું એટલે સહેજ અમસ્તો કચવાટ તો મનમાં રહ્યા કરે, પણ મડિયા ખૂબ મોટા મનના માણસ હતા, ગણીને ગાંઠે બાંધવાનું તેમને આવડે નહીં. હું અને કૌસ્તુભ ત્રિવેદી મડિયાને ભાઈદાસ પર મળ્યા અને તેમને વાત કરી. મડિયાએ તેમની ટિપિકલ સ્ટાઇલથી આખી વાત સાંભળી અને પછી ધીમા સ્વરે જવાબ આપ્યો, ‘હું મનમાં કોઈ કડવાશ રાખતો નથી અને મારે કડવાશને આગળ વધારવી પણ નથી. તમને યોગ્ય લાગ્યું એ તમે કર્યું, હવે મને યોગ્ય લાગશે એ હું કરીશ. હું તમારા નાટકમાં રિપ્લેસમેન્ટ કરીશ.’

આજે પણ મડિયાનો એ સમયનો ચહેરો મારી આંખ સામે આવે છે. તેમની આંખોમાં ગજબનાક ટાઢક હતી અને ચહેરા પર કુમાશ હતી.

જોકસમ્રાટ

ડૉક્ટર: તમારી સોનોગ્રાફી કરવી પડશે.

પેશન્ટ: સાહેબ, ગરીબ માણહ છું, તાંબાગ્રાફી કે પિત્તળગ્રાફીથી પતાવોને.

ડૉક્ટર હજી પણ ભાનમાં નથી આવ્યા.

ફૂડ ટિપ્સ

માટુંગામાં કાઠિયાવાડ

મિત્રો, છેલ્લા સાત મહિનાથી લૉકડાઉનને લીધે ફૂડ-ટિપ બંધ હતી. બધે લૉકડાઉન હતું એટલે તમારા સુધી ફૂડ-ટિપનો સ્વાદ અને સોડમ પહોંચાડી નહોતી શકાઈ, પણ હવે જ્યારે અનલૉકના પાંચમા સ્ટેપ પર આપણે પહોંચ્યા છીએ ત્યારે પ્રયાસ એ કરીશું કે ફૂડ ટિપ પહેલાંની જેમ જ નિયમિત થાય અને તમને જગતભરની વાનગીઓનો સ્વાદ ફરીથી મળવો શરૂ થઈ જાય.

સાત મહિના પછીની પહેલી ફૂડ-ટિપમાં આપણે જવાના છીએ માટુંગા, પણ સ્વાદ લેવાના છીએ કા‌િઠયાવાડનો.

આપણે ત્યાં એક સર્વ સામાન્ય ફરિયાદ છે કે કાઠિયાવાડી ફૂડની વાતો બહુ થાય છે પણ મુંબઈમાં ઑથેન્ટિક કાઠિયાવાડી ફૂડ ભાગ્યે જ મળે છે, પણ આ ફરિયાદ હવે બહુ કરવા મળવાની નથી, કારણ કે માટુંગામાં રામાશ્રય હોટેલની સામે ‘કાઠિયાવાડી’ રેસ્ટોરાં શરૂ થઈ છે. કિફાયતી ભાવ અને એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. ગરમાગરમ ફાફડા અને વણેલા ગાંઠિયા સાથે કઢી-ચટણી, પપૈયાનો સંભારો અને તળેલાં મરચાં. જો તમને સાથે જલેબી જોઈતી હોય તો શુદ્ધ ઘીમાં બનેલી કેસર જલેબી અને ચાની ઇચ્છા હોય તો માત્ર પચીસ રૂપિયામાં કેસરવાળી ચા. આ ઉપરાંત આ કાઠિયાવાડીમાં તમને સુરતને ભુલાવી દે એવો અદ્ભુત સુરતી લોચો પણ મળશે. જો બપોરના સમયે ગયા હો તો ૧૨ વાગ્યા પછી પૂરી-શાક અને સાંજે ખીચડી-છાસ પણ છે. શું અદ્ભુત ટેસ્ટ અને શું કિફાયતી ભાવ. મેં તમને જે ફાફડા, ગાંઠિયા, જલેબી, પૂરી-શાક કે ખીચડી-છાસની વાત કરી એ માત્ર રૂપિયા ૬૯માં છે અને ક્વૉન્ટિટી પણ સારી એવી. સૌથી સારી વાત જો કોઈ હોય તો એ તેમનું ચોખ્ખુંચણક ઓપન કિચન. કાઠિયાવાડીના માલિક હરેશ મહેતા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેમને લોકોને જમાડવામાં મજા આવે છે એટલે તેમને માટે નફો પછી છે, સ્વાદ અને ગુણવત્તા પ્રથમ છે.

કહેવાનું મન થાય કે માત્ર સ્વાદમાં જ ‘કાઠિયાવાડી’ નહીં, મહેમાનગતિમાં પણ ભારોભાર કાઠિયાવાડી. મિત્રો, આજે જ જાઓ અને જલસા કરો. તમને બહુ મજા આવશે. મારી ગૅરન્ટી.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 04:42 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK