Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કે. સી. કૉલેજમાં ભણતી વખતે ગુજરાતી નાટક કરેલું ને રણછોડે રણ છોડ્યું

કે. સી. કૉલેજમાં ભણતી વખતે ગુજરાતી નાટક કરેલું ને રણછોડે રણ છોડ્યું

30 April, 2020 05:22 PM IST | Mumbai
Latesh Shah

કે. સી. કૉલેજમાં ભણતી વખતે ગુજરાતી નાટક કરેલું ને રણછોડે રણ છોડ્યું

કે. સી. કૉલેજમાં ભણતી વખતે ગુજરાતી નાટક કરેલું ને રણછોડે રણ છોડ્યું


ખરેખર દંતકથા સમાન ‘ચિત્કાર’ નાટકને અવતરવા માટે મારા જીવનમાં કુદરતે બહુ બધી રમત રમી. હું પ્રયોગાત્મક નાટક કરનારો, સફેદ કુરતો અને જીન્સ પહેરનારો, ખભે કપડાનો થેલો લટકાવી ફરનારો, અચાનક કમર્શિયલી સુપરડુપર હિટ નાટક ‘ચિત્કાર’નો લેખક-દિગ્દર્શક અને  પાછળથી નિર્માતા બની ગયો. આ એક આશ્ચર્યજનક, આઘાતપૂર્ણ ઘટના કહેવાય. ‘ચિત્કાર’નો ચમત્કાર એક સાક્ષાત્કાર કહેવાય. સપનામાં ન વિચાર્યું હોય એ ઘટના વાસ્તવિક સ્વરૂપે સામે આવે એટલે કુદરત અને સંકલ્પનો અદ્ભુત સુમેળ જ ગણાય. ‘ચિત્કાર’ નો જન્મ થવાના અણસાર મને ‘રાફડા’ નાટકના ફ્લૉપ થવા સમયે જ આવી ગયો હતો. સુજાતા કે. સી. કૉલેજમાં આવતી થઈ ગઈ હતી. મારા મનમાં તેના પ્રત્યે કૂણી-કૂણી લાગણીઓનો જન્મ થઈ ચૂક્યો હતો. જ્યારે તેણે ઉત્પલ ભાયાણીના એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું હતું કે ‘હું લતેશની જગ્યાએ હોત તો આઇએનટી સામે આ રીતે રિબેલ ન કરત’ ત્યારથી પહેલાં તેના પર ગુસ્સો અને પછી બીજી છોકરીઓની જેમ મારાથી ડરતી નહોતી એ વાત મારામાં રસિકે ઠસાવી ત્યારથી હું તેને મળવા ઉતાવળો થવા લાગ્યો હતો. એ જમાનામાં હું મારી જાતને એકાંકી અને પ્રયોગાત્મક નાટકોનો ખેરખાં માનતો હતો. ઉપરથી મારી ઝનૂની આક્રમકતા માટે પ્રખ્યાત હતો. દરેક વહેણની વિરુદ્ધ તરવાનો મારો સ્વભાવ હતો. કોઈ વાત કે વસ્તુ ન થાય એમ કોઈ કહે એટલે હું એ કરીને જંપુ. ગમે તેટલું રિસ્ક હોય તો પણ એક વાર તો સાહસ કરી જ નાખું. 
1970માં કે. સી. કૉલેજમાં દાખલ થયો ત્યારે મનમાં હતું કે રાજેશ ખન્નાની કૉલેજ છે. મને પણ તેની જેમ નાટકો કરવા મળશે અને તેની જેમ જ ફિલ્મોમાં જવા મળશે. પણ ગુજરાતી માધ્યમમાં ભણ્યો હતો એટલે હિન્દી બોલવાના વાંધા હતા. ગિરગામ સાર્વજનિક સ્કૂલનો ઠોઠ વિદ્યાર્થી હતો.  કૉમર્સ અને સાયન્સમાં જવું નહોતું. આપણે તો નાટકો જ લખવાનાં અને કરવાનાં. દોસ્તોએ સલાહ આપી કે આર્ટ્સમાં વધુ ભણવાનું નથી હોતું એટલે નાટક કરવા મળશે. કૉપી કરીને માંડ-માંડ ત્રેપન ટકા એસએસસી (અગિયારમી)માં મળ્યા હતા. કે. સી. કૉલેજ માં જુના જોગીઓ જામેલા હતાં એટલે જલ્દી ચાન્સ મળે એમ નહોતો. હિન્દી તો આવડતુ નહોતું. ગુજરાતી નાં પ્રોફેસર જનક દવે ને રોજ, કોઈને કોઈ બહાના કાઢી મળતો. બિરલા સભાગ્રહ માં ગુજરાતી પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ની,  કોમ્પિટિશન આવતી હતી એટલે જનક સર ને સમજાવ્યા કે કે. સી. કૉલેજની એન્ટ્રી નાટ્યસ્પર્ધામાં નાખીએ. જનક સરે કહ્યું કે કૉલેજ એક પૈસો નહીં આપે અને ગુજરાતી મંડળ પાસે ફન્ડ છે જ નહીં. હું મૂંઝાયો. પપ્પા પાસે તો માગી ન શકાય. પપ્પાને તો એ પણ ખબર નહોતી કે અગિયારમી પછી બારમી માટે કૉલેજમાં જવુ પડે. કૉલેજની ફી માને ફોસલાવી, તેની પાસેથી પૈસા લઈને ભરી હતી. પપ્પાનું સમાજમાં મોટું નામ. ધનવાન અને દાનવીર તરીકે તે સન્માનનીય ઉદ્યોગપતિ હતાં. પણ તે મને અગિયારમી પતે એટલે ધંધામાં બેસાડવા માગતા હતા. મારી દરેક માગણી સામે તેમનો એક જ જવાબ હોય, ‘હવે બહુ ભણી લીધું, દુકાને બેસી
જા. તારી ઉંમરના જો તારા પિતરાઈ ભાઈ, પોતપોતાના બાપનો ધંધો સંભાળતા થઈ ગયા. આપણે ધંધાદારી વેપારી છીએ, આપણને કૉલેજ અને નાટક ન પરવડે.’  
નાનપણમાં છ વર્ષનો હતો ત્યારે પપ્પાએ લાફો માર્યો હતો, મારા તોફાની સ્વભાવને કારણે અને ત્યારથી હું પપ્પાની વિરુદ્ધ થઈ ગયો હતો. મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે પપ્પા મને પ્રેમ કરતા નથી. દિવસ અને રાત બિઝી રહેતા અને  વાત-વાતમાં મને મારતા પપ્પાને હું બતાવી દઈશ કે હું પણ તેમનાથી હોશિયારીમાં જરાય ઊતરતો નથી. ત્યારથી તે મને જ્યારે જબરદસ્તી જ્યારે-ત્યારે વાર-તહેવારે દુકાને લઈ જતા ત્યારે ત્યાં પસ્તીમાં આવતાં કૉમિક્સ અને વાર્તાઓ વાંચતો. મને નવાઈ લાગતી કે આ બધું કોણ અને કેવી રીતે લખતું હશે. મારે પણ લેખક થવું છે. આઠમીમાં પ્રથમ નાટક લખ્યું. ત્યારથી મને પપ્પા નામના એસ્ટાબ્લિશમેન્ટની સામે સામે વહેણે તરવાનું હથિયાર મળી ગયું. આઠમી, નવમી, દસમીમાં જેવા આવડે એવાં નાટકો લખ્યાં, પણ પપ્પાને ખબર ન પડે એની કાળજી રાખતો. મનમાં ગાંઠ વાળી લીધી હતી, પપ્પાનું નામ ભલે ગમે તેટલું મોટું હોય, હું તેમના નામથી નહીં ઓળખાઉં, તે મારા નામથી ઓળખાશે. ત્યારથી જ છુપાઈ-છુપાઈને ગુજરાતી નવલકથાઓ અને વાર્તા વાંચવા લાગ્યો હતો. દુકાનમાં તો બધા પ્રકારનું સાહિત્ય આવતું હતું. એમાં ક્યારેક નાટકોની ચોપડીઓ પણ આવતી હતી. જાણ્યે-અજાણ્યે જ કવિ નર્મદ, રમણભાઈ નીલકંઠ, જ્યોતીન્દ્ર દવે, ચંદ્રકાન્ત બક્ષી, કુંદનિકા કાપડિયા, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી, હરકિસન મહેતા, ગુણવંતરાય આચાર્ય, જોસેફ મૅક્વાન, મહંમદ માંકડ, ગોવર્ધનરામ ત્રિપાઠી, મોહનદાસ ગાંધી, પન્નાલાલ પટેલ, ફાધર વાલેસ, રમણલાલ દેસાઈ જેવા લેખકો વાંચવા મળ્યા. નાટકોમાં ચુનીલાલ મડિયા, લાભશંકર ઠાકર, દામુ સાંગાણી, મૂળરાજ રાજડા, જીવરામ જોષીને વાંચ્યા. આ મારી પસ્તીની દુકાનને આભારી છે. થૅન્ક યુ પપ્પા. મને શરૂઆતમાં શિસ્તબદ્ધ રાખવા મારા પપ્પા મારી સાથે બહુ જ સખતાઈથી વર્ત્યા. એમ હું તેમનાથી ઊંધો ફાટ્યો. તે કહે A, તો હું વર્તું Z.  આ મારો કડક દેખાતો બાપ અંદરથી કેટલો ઋજુ, કોમળ હતો એ તો તેમના ગયા પછી સમજાયું. પપ્પા, આઇ મિસ યુ. ડગલે ને પગલે તેમની સામે હું શિંગડાં ભરાવતો હતો. આજે તે નથી તો તેમની વાતો તેમની ઉંમરે પહોંચતાં સમજાય છે. બાપ-બેટાના અમારા સંબંધો  પર તો આખો ગ્રંથ લખી શકું છું, પણ સમય આવે ત્યારે. અત્યારે તો કૉલેજમાંથી નાટ્યસ્પર્ધા‍માં જવા પૈસા ક્યાંથી લાવવા એની પળોજણ હતી, જેથી લેખક-દિગ્દર્શકને ચૂકવી શકાય. મેં હિમ્મતથી જનક સરને કહ્યું, ‘સર, તમે ડિરેક્ટર બોલાવી આપો, અમે બધા વિદ્યાર્થીઓ મળીને ખર્ચ ઉઠાવીશું. અમુક જૂના ગુજ્જુ ખોચડ વિદ્યાર્થીઓએ રૅગિંગ કર્યું, અમને હેરાન કરવા લાગ્યા. અમારી મજાક કરવા લાગ્યા. નાટક કરતાં અમને રોકવા લાગ્યાં, અડચણ ઊભી કરવા લાગ્યા. ત્યારે પહેલી વાર મારી ફાઇટ થઈ એ લોકો સાથે અને મેં એ લોકોને ચૅલેન્જ આપીને કહ્યું કે હું ફક્ત નાટકો કરવા જ કૉલેજમાં જોડાયો છું. જો મને કે નાટકને નડ્યા તો મરતાં પહેલાં બધાને મારતો જઈશ. મારો આત્મવિશ્વાસ જોઈ મારી સાથે નાટકમાં કામ કરવા ભેગા થયેલા વિદ્યાર્થીઓએ પણ સાથ આપ્યો અને એ ખોચડો ખચ્ચર  થઈ હોંચી-હોંચી કરતાં અદૃશ્ય થઈ ગયા ત્યારે મને જ્ઞાન લાધ્યું કે જો તમારામાં ઝનૂન, પૅશન, સંકલ્પ હોય તો ધારેલું થઈને જ રહે છે. ત્યારથી હું અમારી કૉલેજના ઊભા થયેલા ગુજરાતી  નાટક ગ્રુપનો લીડર બની ગયો. 
 બીજે દિવસે જ જનક દવે સરે ડિરેક્ટરને બોલાવ્યાં. તેમનું નામ હતું સુરેન્દ્ર રાડિયા (જોષી). તે કુરતો અને જીન્સ પહેરીને ખભે થેલો લટકાવી કૉલેજમાં અમને મળવા આવ્યા હતા. ત્યારથી મને થયું કે નાટકના કલાકાર બનવું હોય તો કુરતો, જીન્સ અને ખભે થેલો હોવાં જ જોઈએ. સાહેબો, અઠવાડિયામાં તો મારો પહેરવેશ બદલાયો. રાજેશ ખન્ના પણ કુરતો પહેરતો હતો. 
સુરેન્દ્રભાઈ જોષી કંઈ કહે એ પહેલાં મેં તેમને વિંનતી કરી કે સર, વધુ પાત્રોવાળું નાટક લેજો જેથી બધા‍ પાસેથી યથાશક્તિ પૈસા ઉઘરાવી અમે તમને આપી શકીએ. તેમણે અમને મૂળરાજ રાજડાનું નાટક ‘ને રણછોડે રણ છોડ્યું’ આપ્યું, જેમાં લગભગ 20 પાત્રો હતાં. સુરેન્દ્ર જોષીએ 500 રૂપિયા, લેખક-દિગ્દર્શકની રૉયલ્ટીના કહ્યા. અમારા અથાગ નેગોશિએશન, બાર્ગેઇનિંગ, સમજાવટ બાદ 350 રૂપિયા પર આવ્યા. રિહર્સલમાં નાસ્તો બધાએ ઘરેથી લાવવાનો એમ નક્કી થયું અને દિગ્દર્શક માટે ચા કૅન્ટીનમાંથી મંગાવતા. 150 રૂપિયા એના થયા. બધાને ભાગે 25 રૂપિયા આવ્યા. એમાંય મારા પંદર રૂપિયા તાજા દોસ્ત મહેન્દ્ર રાવલે ભર્યા. પણ મારીમચડીને નાટક કર્યું અને એટલુંબધું હૂટ થયું કે લોકોએ નાટકનું નામ બદલી નાખ્યું, ‘ને રણછોડે રણ છોડ્યું’ની જગ્યા એ ‘ને પ્રેક્ષકોએ થિયેટર છોડ્યું’ નાટકનું નામ પડી ગયું. પણ હું ખુશ હતો. ગુજરાતી રંગભૂમિના પુષ્કળ જાણીતા માનીતા કલાકારોને જોવાનો અને ઑટોગ્રાફ લેવાનો મોકો મળ્યો. એક દિવસ હું પણ તેમની સાથે હોઈશ એ સપના સાથે કૉલેજમાં વટમાં રહેવા લાગ્યો. મને થયું કે ગુજરાતી નાટકની કૉલેજમાં વૅલ્યુ વધારવા મારે હિન્દી નાટક કરવું જોઈએ. હિન્દી બોલતાં આવડે નહીં, સ, શ, ષ ના ઉચ્ચારો વચ્ચેનો ફરક સમજાય નહીં. અરે પહોળા અને સાંકડા શબ્દોનાં ઉચ્ચારણ પણ સરખાં ન થાય એટલે કૉન્વેન્ટવાળા વિદ્યાર્થીઓ મારા પર હસે. એમ છતાં હિન્દી નાટક કરવા મેં કેવા ઉધામા કર્યા અને એ પછી શું થયું એની વાતો આવતા અઠવાડિયે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2020 05:22 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK