રાતને રંગેહાથ મેં પકડી છે

Published: Jan 26, 2020, 18:05 IST | hiten anandpara | Mumbai Desk

અર્ઝ કિયા હૈ : ભીડને લીધે ટ્રેનમાંથી પડી જતાં ને પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતને કારણે નીપજતાં મૃત્યુનું પ્રમાણ આતંકવાદી ઘટનાઓથી વિશેષ છે. વારિજ લુહાર શાંતિની ક્ષણ તલાશે છે...

જિંદગીમાં આપણે સતત પકડદાવ રમતા હોઈએ છીએ. તક પકડવા ભાગીએ, સુખને પકડવા ભાગીએ, સમય સાચવવા ભાગીએ. પોલીસ ચોરને પકડવા ભાગતી રહે. કાશ્મીરમાં સુરક્ષા દળો આતંકવાદીને પકડવા સતત તહેનાત રહે. તરાપ મારીને ઉંદરને પકડી લેવા બિલાડી સદૈવ તૈયાર હોય. લોકલ ટ્રેન પકડવા ભાગતો મુંબઈગરો જાનની બાજી લગાવતાં અચકાતો નથી. ભીડને લીધે ટ્રેનમાંથી પડી જતાં ને પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતને કારણે નીપજતાં મૃત્યુનું પ્રમાણ આતંકવાદી ઘટનાઓથી વિશેષ છે. વારિજ લુહાર શાંતિની ક્ષણ તલાશે છે...

ઓળખી લીધો મને મેં જ્યારથી
સાવ ચોખ્ખા આયના ધરતો થયો
મેં જ મારી આંગળી પકડી અને
હું જ મારી ભીડથી અળગો થયો
જીવનમાં કોઈની આંગળી પકડીને આગળ આવવાનું હોય છે. એકબીજાને સહાય કરીને સારા-નરસા પ્રસંગો સાચવી લઈએ તો શ્વાસોની ખાતાવહીમાં નિરાંત જમા થાય. નિરર્થક ચર્ચા ને ચૂંથણામાં સમય વેડફવાથી પ્રવૃત્તિને નુકસાન થતું હોય છે. કીર્તિકાન્ત પુરોહિત કાવ્યાત્મક દૃષ્ટિએ એની છણાવટ કરે છે...
ધરપકડ કરવા ગયો જ્યાં અફવાને
પોળમાં છટકી, વટાવી રસ્તાને
છાપરેથી વાયરે પકડી લીધી
એ પછી વહેતી કરી છે ચર્ચાને
ચર્ચા-ડિબેટ આજના સમયમાં ફૂલીફાલી છે. ટીવી-ચૅનલોના પ્રાઇમ ટાઇમમાં કરન્ટ અફેર્સ પર આકરી ડિબેટ થતી હોય છે. એમાં ભાગ લેનાર વક્તાઓમાં કાયમ હુંસાતુંસી દેખાય. હોય. એકબીજાને પછાડવાના પેંતરા રચાતા હોય. અખાડામાં કુસ્તી થતી હોય એમ અહીં વાક્‍પટુતાની કુસ્તી ખેલાય. જૈમિન ઠક્કર પથિક અહંકારને આલેખે છે...
કેટલા પર્યાય રાખો છો તમે ખુદના, કહો?
હું ફ-કત હું એટલે હું, એમ બસ કહેવાય ના!
હું સમયનો હાથ પકડીને સતત દોડ્યો છું, પણ,
ભાગ્યનો કેવો રહ્યો છે સાથ, ઉલ્લેખાય ના?
જીવનના નકશાને આકાર આપવામાં પુરુષાર્થ અને પ્રારબ્ધ મહત્ત્વનો ભાગ ભજવે છે. બન્ને એકબીજાના પૂરક છે. એકનો કક્કો કાઢીને બીજાને મુગટ ન પહેરાવાય. નિષ્ફળતા ડગલે ને પગલે નવા શિકાર શોધતી જ હોય. મોટા ભાગે બધા એની ઝપટમાં આવી જ જાય. અબજોમાં આળોટતો ઉદ્યોગપતિ પણ એમનેમ ઊંચાઈએ નથી પહોંચતો. સંઘર્ષ અને નિષ્ફળતાની કસોટીમાંથી પસાર થવું પડે છે. બાબુલાલ ચાવડા આતુર લખે છે...
ઈંધણ થયો છું લીલાકુંજાર ઝાડમાંથી
પર્ણો ખરી ગયાંનો અફસોસ આજ પણ છે
પકડીને કેદમાં તું પટકી દે ચાલ પાછો
મુક્તિ મળી ગયાનો અફસોસ આજ પણ છે
પાંજરામાં પાળેલા પોપટને એક સમયે ઊડી જવાનો ઑપ્શન અપાય તો પણ શક્ય છે કે એ જરાક ઊડીને પાછો પાંજરામાં ગોઠવાઈ જાય. એને ખબર છે કે મને અહીં ખાવાનું મળવાનું જ છે. સલામતીની આદત પડી જાય. કેટલીયે ગૃહિણી આવી રીતે પીંજરામાં પુરાયેલી રહે છે. પતિ કોઈ કામકાજ ન કરતો હોય, શરાબની લતે ચડી ગયો હોય તોય ઘર છોડીને જઈ શકતી નથી. માથે છાપરું તો છે એનું સાંત્વન અનેક ‘છપ્પર ફાડ કે’ આવતી સમસ્યાઓને સહન કરવા મજબૂર બનાવે છે. નાનકડા ઘરમાં નાનકડું યુદ્ધ ખેલાતું રહે. શ્યામ ઠાકોરના શેર ‘આદત સે મજબૂર’ ટાઇપનો અભિગમ નિરૂપે છે...
બે હાથ જોડી ના કહે છે આ સદી છતાં
ક્ષણ રોજ લડવા કોઈ બહાનું શોધતી હતી
ભીની હવાનો હાથ પકડી નીકળી પડી
ખુશ્બૂ રખડવા કોઈ બહાનું શોધતી હતી
આપણી લડાઈ સમસ્યાઓ સામે છે. સ્વજનના મૅચ ન થતા સ્વભાવ સામે છે. રોજની બે ટંકની લડાઈ તો લડ્યા વિના છૂટકો જ નથી. સૂર્યકાન્ત નરસિંહ સૂર્ય આપણી માનસિકતા તલાશે છે...
માણસ તો ધરમૂળથી તોરી
પકડી રાખે બળતી દોરી
પકડ્યા ભેગી તૂટી જાશે
શું પકડે છે કાથાદોરી
તંતુ કાચો હોય તો તૂટતાં વાર નથી લાગતી. તાર માત્ર સંસાર સાથે જ નહીં, કિરતાર સાથે પણ મેળવવાનો હોય. બહારની ચકાચૌંધમાં અંદરની સમૃદ્ધિ પ્રાપ્ત થાય જ નહીં તો વેપારી ભાષામાં એ લૉસનો ધંધો ગણાય. નીતિન વડગામા મુદ્દાની વાત કરે છે...
અંદર નથી અવાતું ના બહાર નીકળાતું
ચાલ્યા કરે ચરણ પણ ક્યાંયે નથી જવાતું
પાંખો વિના વિહરતું એ તત્ત્વ છે અગોચર
પકડી નથી શકાતું, પામ્યું નથી પમાતું
ગુંજન ગાંધીની પંક્તિઓ સાથે બાહ્ય જગતને પણ સમજીએ...
સાથ હોવાના બનાવો એકદમ ઊમટી પડ્યા
આપણી વચ્ચે અભાવો એકદમ ઊમટી પડ્યા
શબ્દને પકડીને રાખ્યા જીભ પર મેં જેમતેમ
પણ બિચારા હાવભાવો એકદમ ઊમટી પડ્યા
ક્યા બાત હૈ
જોખમમાં જીવ મૂકી રાતને રંગેહાથ મેં પકડી છે
કાલ ડ્યુટી પર સૂતી રાતને રંગેહાથ મેં પકડી છે

અંધારું એ લાવી અડધી રાતે આવી ક્યાંથી?
સઘળા પ્રશ્નો પૂછી રાતને રંગેહાથ મેં પકડી છે

ભરમાવીને ચાંદને પાછલા પગલે ભરચક
જતા ચાંદની લૂંટી રાતને રંગેહાથ મેં પકડી છે

સૂરજ સાથે દાવ કરીને દરિયામાં ગરકાવ કરીને
જેવી જ્યાં એ ઊગી રાતને રંગેહાથ મેં પકડી છે

ઊભે વગડે શરમ મૂકીને પાંપણ ઢાળી સહેજ ઝૂકીને
જતા પવનને ચૂમી રાતને રંગેહાથ મેં પકડી છે
- રમેશ ચૌહાણ
(ગઝલસંગ્રહ - ‘પીળો પડછાયો’)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK