હું આજે પણ પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લેવા માટે તૈયાર છું : અણ્ણા

Published: 19th October, 2011 18:54 IST

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ તેમની જ ટીમના મેમ્બર પ્રશાંત ભૂષણની ટિપ્પણી સામે ગઈ કાલે વધુ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ગઈ કાલે તેમના બ્લૉગ પર કહ્યું હતું કે ‘જો ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ થાય તો હું આજે પણ એમાં ભાગ લેવા તૈયાર છું.

કાશ્મીર સંબંધિત મુદ્દાઓ વિશે કેટલાક લોકો અણઘડ બયાનબાજી કરે છે. તેઓ આ મુદ્દે મૂળમાં જઈને એને ઉકેલવાના પ્રયાસ નથી કરતા. આ બાબત અત્યંત કમનસીબ છે.’ જોકે અણ્ણાનો આડકતરો ઇશારો તેમની જ ટીમના મેમ્બર પ્રશાંત ભૂષણ તરફ હતો.

અણ્ણાએ કહ્યું હતું કે ‘૧૯૬૫માં હું પાકિસ્તાન સામે લડ્યો હતો. સદ્નસીબે હું જીવી ગયો. આજે પણ પાકિસ્તાની સૈનિકે મારેલી ગોળીનું નિશાન મારા માથા પર છે. આ લડાઈ બાદ મેં મારું જીવન દેશની સેવામાં સમર્પિત કરવાનો નિર્ણય કરી લીધો હતો. પાકિસ્તાન સામે દેશના સૈનિકોની શહાદત દર્શાવે છે કે કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે.’

અણ્ણાનું પોસ્ટિંગ ખેમકરણ બૉર્ડર પર કરવામાં આવ્યું હતું, જ્યાં ૧૯૬૫માં ૧૨ નવેમ્બરે પાકિસ્તાને હવાઈહુમલો કર્યો હતો. હઝારેના તમામ સાથીઓ શહીદ થઈ ગયા હતા, પરંતુ હઝારેનો ચમત્કારિક બચાવ થયો હતો.

હઝારેનું તાજેતરનું બયાન દર્શાવે છે કે તેમણે પ્રશાંત ભૂષણની ટિપ્પણી સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભૂષણે એવી ટિપ્પણી કરી હતી કે કાશ્મીર મુદ્દે ત્યાંની જનતાનો અભિપ્રાય લેવો જોઈએ. ત્યાર બાદ શ્રીરામ સેનાના કાર્યકરોએ તેમની મારઝૂડ કરી હતી. અણ્ણાએ પણ આ મુદ્દે પોતાના ટીમ-મેમ્બરનો પક્ષ લેવાને બદલે વિરોધ વ્યક્ત કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK