હું બધાની બહુ કૅર કરું, મારી કોઈ નથી કરતું

Published: 29th November, 2020 18:59 IST | Kana Bantwa | Mumbai

લાગણી બહુ નાજુક છતાં ધારદાર ચીજ છે, છરી જેવી. એનાથી સમારી પણ શકાય ને મારી પણ શકાય. વાપરતાં ન આવડે તો લોહીલુહાણ કરી નાખે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માણસ દુખી થાય છે એનું સૌથી મોટું કારણ એ છે કે તે બીજાનો વિચાર કર્યા કરે છે, ચિંતા કર્યા કરે છે, ખેવના રાખે છે. તમને થશે કે આ તો ઊલટી વાત થઈ. લાગણી રાખવી, કૅર કરવી, ખેવના રાખવી વગેરે તો પૉઝિટિવ ગુણો છે અને એનાથી તો માણસને શાંતિ, સંતોષ મળવો જોઈએ. એનાથી તો માણસને સંતુષ્ટિ જ થતી હોય. એવો માણસ અંદરથી ખુશ હોય. તમારી વાત સાચી છે, કારણ કે આપણે આવું જ શીખ્યા છીએ. આપણે ક્યારેય ઊલટું વિચારતા જ નથી. આપણે બે ખાનાં બનાવી નાખ્યાં છે, એક ખાનું પૉઝિટિવ અને બીજું નેગેટિવ. એક ખાનું સત અને બીજું અસત. એક ખાનું સારું અને બીજું ખરાબ. બે વિભાગ નક્કી છે અને એ બેમાં શું-શું આવે એ પણ પ્રથમથી જ નક્કી છે. હજારો વર્ષમાં માનવીએ આ વર્ગીકરણને આટલું કન્ડિશન્ડ કરી નાખ્યું છે કે એને બદલવાનું વિચારી પણ શકાય નહીં. તમે અંધકારને હંમેશાં ખરાબ, અસત સાથે જ સાંકળશો. તમે સફેદને સારાપણા સાથે અને કાળાને અનિષ્ટ સાથે જ જોડશો. કાળા રંગનો વાંક શું છે? પણ કાળો રંગ હંમેશાં ડર, અનિશ્ચિતતા, મૃત્યુ, અનિષ્ટ, અસત સાથે જ જોડાતો રહ્યો છે. અંધકારમાં હુમલો થાય, કશું દેખાય નહીં એટલે પ્રતિકાર ન થાય. અંધકારમાં કૂવામાં પડી જવાય, કોઈ જાનવર કરડી જાય, અંધકારમાં માણસ લાચાર બની જાય એટલે અંધકાર શરૂઆતથી જ ખરાબનો પર્યાય રહ્યો છે, એને નેગેટિવના ખાનામાં મૂકી દીધો છે આપણે. એ જ રીતે ખેવના, કૅર વગેરેને પૉઝિટિવના ખાનામાં એવી સજ્જ્ડ રીતે ચોંટાડી દીધાં કે એને અન્ય ખાનામાં બદલી જ ન શકાય. આ બધા ગુણનાં ગુણગાન ગવાય છે એ યોગ્ય જ છે, આપણે એને નકારવાં નથી, પણ ગુણના અવગુણ પણ હોયને. ગુણની ખામીઓ, એના નુકસાન પણ હોયને? માણસ બીજાનું વિચારે એ સારું છે, પણ એનાથી તે પોતે સુખી થાય તો લેખે લાગે. બાવનાં બેઉ બગડે એ ન ચાલે. ગોળો અને ગોફણ બેય જાય એ ન પોસાય. બીજાની ખેવના કરીને સુખી થનારાઓ સંત જેવા હોય છે, પણ આવા લોકોની સંખ્યા બહુ ઓછી છે આ જગતમાં. પોતાની જાત ઘસી નાખ્યા પછી પણ અપેક્ષા નહીં રાખનાર અને સંતોષનો ઓડકાર લેનાર ખરા સંત છે, પણ મોટા ભાગના સામાન્ય માણસો ખેવનામાં જ દુખી-દુખીના દાળિયા થઈ જાય છે. કોકેશિયન વિચારક જ્યૉર્જ ગુર્જેફ કહેતા કે માણસ કન્સિડરિંગ છે એટલે જ પીડાય છે. વાત ખોટી પણ નથી. તેની વાતને એક્સટેન્શન આપવું પડે એમ છે. માણસ કન્સિડરિંગ છે એટલે પીડાય છે અને બીજાને પીડી પણ શકે છે. માત્ર પીડાય એવું નથી. કેટલાયને માટે ખેવના હથિયાર છે, એનો બખૂબી ઉપયોગ તે કરી જાણે છે.

આખી જિંદગી બધાની કાળજી રાખી છે, કૅર કરી છે, પણ મારી ખેવના કોઈ નથી કરતું. બધા માટે ઘસાતા જ રહ્યા, પણ રિસ્પૉન્સમાં નઠોરતા જ મળે છે એવા શબ્દો વારંવાર સંભળાતા રહે છે. આવું બોલતા રહેનારની સંખ્યા બહુ મોટી હોય છે. દરેક ઘરમાં, દરેક ગ્રુપમાં આવું ફીલ કરનારા, બોલનારા મળી આવશે. તમને પણ કદાચ આવું લાગ્યું હશે ક્યારેક અથવા લાગતું હશે હંમેશાં. આવું ફીલ થતું હોય તો કાંઈ આભ તૂટી પડવાનું નથી, પણ જો ન થતું હોય તો બહુ સારું. હું બીજાની બહુ જ કૅર કરું છું, પણ સામે એવો પ્રતિસાદ નથી મળતો એવું માનનારાઓનો વર્ગ બહુ મોટો છે. તેઓનો સ્વભાવ જ એવો હોય છે કે સતત બીજાની ચિંતા કરતા રહે. પોતાની કાળજી લેતાં પહેલાં બીજાની કાળજી લે. આવા માણસો સતત દુખી દેખાય છે. તેઓ એવો અસંતોષ વ્યક્ત કરતા રહે છે કે તેને માટે બીજાઓએ કશું કર્યું નહીં. હકીકતમાં તેમનું આવું વલણ તેમને અંદરથી એક અલગ જ પ્રકારનો સંતોષ આપતું હોય છે. અન્યો માટે કંઈક કર્યું અને અન્યોએ તેમના માટે કશું જ ન કર્યું એ ભાવના તેને બારીક સંતોષ આપે છે. તેનો ઈગો સંતોષાય છે. તેને બીજાથી અલગ હોવાની લાગણી થાય છે. આવું કરીને તે બીજાને પોતાનાથી નાના ચીતરવાનો પ્રયત્ન કરે છે.

આપણી આજુબાજુના લોકોમાં લાગણીનું પ્રમાણ જો માપવામાં આવે તો એના આધારે લોકોના કેટલા ભાગ પાડી શકાય? કેટલાક ઇમોશનલ-ફુલ હોય છે, લાગણીવેડા કરનાર વેદિયા. કેટલાક ઇમોશનલ હોય છે, લાગણીથી ભરપૂર, પણ નિયંત્રિત. કેટલાક લાગણીચોર હોય છે, તેમનામાં ઇમોશન ક્યારેક જ દેખાય. કેટલાક લાગણીશૂન્ય હોય છે, પથ્થર જેવા. તેમનામાં લાગણીનો છાંટો પણ જોવા મળે નહીં. ઇમોશનલ-ફુલ માણસો ત્રાસ વર્તાવી દે. તેમની લાગણી સાચી હોય તો પણ સામેની વ્યક્તિ તેનાથી ઊબકી જાય. તેની લાગણીને ખોટી પણ માની લે. આવા માણસો દિમાગથી નહીં, દિલથી જીવતા હોય. તેમનામાં વ્યવહારુપણાનો અભાવ હોય છે, તેમના નિર્ણયો અવ્યવહારુ અને ક્યારેક ન સમજાય એવા હોય છે. ગણતરી કરીને વર્તન કરતાં તેમને નથી આવડતું. ઘેલસગરાની કક્ષામાં આવે એટલી હદે ક્યારેક તેઓ પહોંચી જાય છે. ઇમોશનલ માણસ લાગણીનો અતિરેક નથી કરતો, તે લાગણીનો પ્રાકૃતિક સ્રોત હોય છે. તેની લાગણી વહેતી રહે છે, ઝરણાંની જેમ, નદીની જેમ અમર્યાદ નહીં. તે આહ્‍લાદ આપે, પણ નુકસાન ન કરે. લાગણીચોર લોકો પોતાની ઇમોશન્સ છુપાવવામાં માહેર હોય છે. તેઓ જોખી-તોળીને, બરાબર ગણતરી કરીને, નફા-તોટાનો હિસાબ કરીને લાગણીનો વ્યાપાર કરે. તેઓ લાગણીના વેપારી હોય છે, સંઘરાખોર હોય છે, કૃપણ હોય છે. આવા કંજૂસો પાસેથી તો જ લાગણી મેળવી શકાય જો તેને કોઈ ફાયદો હોય. અને લાગણીશૂન્ય પથ્થરો તો આપણને સતત ભટકાયા જ કરતા હોય છે. આ બધામાં પેલા બધાની કાળજી રાખનાર ક્યાં ફિટ બેસે? તમે તરત જ કહેશો કે ઇમોશનલ-ફુલની કૅટેગરીમાં જ તેઓ બંધબેસતા આવી જાય. આ જવાબ ખોટો છે. તેઓ ઇમોશનલ-ફુલ નથી. તો પછી તેઓ બીજી કૅટેગરી, ઇમોશનલમાં તો જરૂર આવશે એવો ઉત્તર પણ ખોટો જ છે. ના, તેઓ ઇમોશનલ પણ નથી હોતા. તેઓ ત્રીજા પ્રકારમાં આવે છે, લાગણીના વેપારી. બીજા માટે મેં આટલું કર્યું, મેં જાત ઘસી નાખી, મેં મારું જોયા વગર જ અન્ય માટે બધુ કર્યું એવું કહેનારાઓને બે ભાગમાં વહેંચવા પડે. એક એવા જે ડરને લીધે કે અપેક્ષાને લીધે અન્ય માટે કશુંક કરે અને પછી એનાં ગાણાં ગાય તે અને બીજા એ જે લાગણીનો વિનિમય, વિક્ર્ય કરવા ઇચ્છતા હોય. ડર કે અપેક્ષાને કારણે અન્ય માટે કંઈક કરતા રહેનારનો ડર એવો હોય છે કે હું જો નહીં કરું તો મારું ખરાબ લાગશે, મારું ખરાબ બોલશે, મને વખોડશે એટલે તે સગાંસંબંધી, ભાંડુઓ માટે ઢસડાતા રહે છે. તેમને એવી અપેક્ષા હોય છે કે હું આવું કરીશ તો સામેવાળા મજબૂર થશે. મેં બધાનું કર્યું, એવું કહેનાર પોતે કરેલાં કામોને ગણાવવામાં માહેર હોય છે. આખી યાદી તેમના જીભના ટેરવે હોય છે. તેઓ એનો સતત ઉપયોગ કરતા રહે છે. હવે સમજાય છેને કે તેમને લાગણીના વ્યાપારી શા માટે કહ્યા? આવા લોકો દેખાડો એવો કરે છે કે પોતે લાગણીમાં તણાઈને બીજા માટે ઢસરડા કરતા રહે છે અને તેમને જશને બદલે જૂતિયાં મળે છે. લાગણી બહુ નાજુક છતાં ધારદાર ચીજ છે, છરી જેવી. એનાથી સમારી પણ શકાય અને મારી પણ શકાય. વાપરતાં ન આવડે તો લોહીલુહાણ પણ કરી નાખે. એની સાથેની રમત બહુ જોખમી છે. લાગણી એ માણસની નબળાઈ પણ છે અને તાકાત પણ. એ માણસનું બ્રહ્માસ્ત્ર પણ છે અને એકીલસ હીલ પણ, કોઈની બહુ કૅર કરવાની વાત કરો ત્યારે ધ્યાનમાં રાખજો.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK