મુઝે મેરી બીવી સે બચાઓ

Published: 14th December, 2011 08:49 IST

પડકારો ઝીલવાની તૈયારી, બૌદ્ધિક ક્ષમતા, શારીરિક શ્રમ કરવાની તાકાત, સાહસિક વૃત્તિ જેવા તમામ ગુણો પુરુષોમાં હોવા છતાં સ્ત્રીતરફી કાયદો અને સરકારી ધોરણોને કારણે તેમણે જ કાયમ ઉપેક્ષા સહન કરવી પડે છે(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

સ્ત્રીની જેમ પુરુષો પર પણ માનસિક, જાતીય અને શારીરિક અન્યાય થઈ રહ્યા હોવાનો દાવો ઇન્ડિયન ફૅમિલી ફાઉન્ડેશન, પ્રોટેક્ટ ઇન્ડિયન ફૅમિલી અને મશાલ જેવી સામાજિક સંસ્થાઓએ કર્યો છે. આ સંસ્થાઓએ ‘ઇક્વિટી ફોર મેન : મિથ ઑર રિયલિટી?’ નામનું પુસ્તક પણ બહાર પાડ્યુ છે.

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોની માહિતી અનુસાર વિવાહિત પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વિવાહિત મહિલાઓની તુલનામાં બમણું છે. કેન્દ્રીય ગૃહખાતાની માહિતી અનુસાર ૨૦૦૮માં ૩૧,૩૦૦ વિવાહિત સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી તો ૫૮,૧૯૨ વિવાહિત પુરુષોએ આત્મહત્યા કરી હતી. ૨૦૦૯માં ૩૦,૨૨૪ સ્ત્રીઓએ તો ૫૭,૬૩૯ પુરુષોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૦માં ૩૧,૭૫૪ સ્ત્રીઓએ તો ૬૧,૪૫૩ પુરુષોએ આત્મહત્યા કરી હતી. માની ન શકાય એવી વાત છે કે કોમળ, નાજુક, ઋજુ હૃદયની સ્ત્રીઓ પુરુષો પર જુલમી બની શકે ખરી? ચાલો, થોડા કિસ્સા જાણીએ.

પત્નીપીડિત પતિઓના કિસ્સા

બેલગામના રહેવાસી સુરેશ કલાલનાં લગ્ન ૨૦૦૭ની ૨૫ નવેમ્બરે કલ્પના (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. સગાઈ પહેલાં કલ્પનાએ સુરેશ સાથે ક્યાંય પણ રહેવાનું માન્ય કર્યું હતું. સુરેશ આદિત્ય બિરલા ઉદ્યોગ સમૂહમાં તો કલ્પના કર્ણાટક રાજ્ય સરકારની સર્વિસમાં હતી. સુરેશની બદલી અલગ-અલગ રાજ્યમાં થતી હોવાથી તેને ત્યાં જવું પડતું, પરંતુ કલ્પના તેને છોડીને જુદી રહેવા લાગી. સુરેશે આવો સંવેદનાત્મક અને માનસિક ત્રાસ ચાર વર્ષ સહન કર્યો. આ દરમ્યાન સેવ ઇન્ડિયન ફૅમિલી સંસ્થા દ્વારા સુરેશને ઘણી મદદ મળી.

રાજકોટનો બીજો કિસ્સો વાંચો. ઇન્ટર-કૉલેજ ટુર્નામેન્ટમાં નૅશનલ બૉક્સિંગ-ચૅમ્પિયન રહી ચૂકેલા અને ગુજરાત વતી રાષ્ટ્રીય બૉક્સિંગ-ચૅમ્પિયનશિપ રમી ચૂકેલા રાજકોટના ૩૨ વર્ષના પંકજ ત્રિવેદીએ પત્ની અલ્પા સાથે વારંવાર થતા ઝઘડાથી ત્રાસીને પાંચ માળની અગાસી પરથી સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસ આવી જતાં તેનો આ પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. જોકે પંકજને સુસાઇડ કરતો રોકવામાં પોલીસને નાકે દમ આવી ગયો હતો. પંકજ ત્રિવેદીને પકડવા ચાર કલાક સુધી મથામણ ચાલી હતી.

આ ત્રીજો કિસ્સો વાંચો... ૭૨ વર્ષના ડૉ. નેતાજી સાળુંખેને બે પુત્રો છે. પત્નીના મૃત્યુ બાદ તેમણે અભિનેત્રી વિદ્યા સિંહા સાથે લગ્ન કર્યાં છે. ઢળતી ઉંમરે કોઈનો આધાર હોવો જોઈએ એ દૃષ્ટિએ તેમણે બીજાં લગ્ન કર્યાં, પરંતુ ત્યાર બાદ માનસિક ત્રાસ સહન કરવો પડ્યો. હમણાં વિદ્યા અને ડૉ. સાળુંખેને બનતું ન હોવાથી તેઓ એક જ ઘરમાં અલગ-અલગ રહે છે.

પ્રોટેક્ટ ઇન્ડિયન ફૅમિલી

ભારત સહિત વિશ્વભરમાં પત્નીપીડિત પુરુષો ઘણા છે. પત્નીને કારણે શારીરિક, માનસિક, આર્થિક, ભાવનાત્મક રીતે હેરાનગતિ પામેલા પુરુષોનું એક સંગઠન બન્યું છે. ૨૦૦૩માં આવા બધા પુરુષોને ભેગા કરીને ‘પ્રોટેક્ટ ઇન્ડિયન ફૅમિલી’ (પીઆઇએફ) જૂથની સ્થાપના કરવામાં આવી. આ જૂથનાસ્થાપક-પ્રમુખ ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝના ભૂતપૂર્વ માર્કેટિંગ-મૅનેજર પી. આર. ગોકુલ છે. જેઓ પોતે પોતાની પત્નીથી પીડિત થયા છે. તેમની પત્નીએ તેમને એટલા હેરાન કર્યા કે કામમાં તેમનું મન ચોંટતું ન હતું. તેમની સામે દહેજવિરોધી ગુનો નોંધાવવામાં આવ્યો. તેમનાં મા-બાપની સતામણી કરવામાં આવી. આખરે ગોકુલને છૂટાછેડા મળ્યા, પરંતુ બાળકીનો કબજો મળ્યો નથી. ગોકુલનું આ જૂથ ‘સેવ ઇન્ડિયન ફૅમિલી’ (એસઆઇએફ) જૂથને સંલગ્ન છે. દર સપ્તાહે નવા સભ્યો જોડાતા જાય છે. તેમણે ઇન્ટનેટ પર બ્લૉગ અને મેસેજ-ર્બોડ રાખ્યાં છે જ્યાં આવા સભ્યો પોતપોતાની સમસ્યા રજૂ કરી માર્ગદર્શન મેળવે છે.

મુંબઈમાં પણ આ સંસ્થા શરૂ થઈ છે. દર શનિવારે મુલુંડમાં મીટિંગ હોય છે. આ સંસ્થામાં દિવસે ને દિવસે સભ્યો વધતા જાય છે. પત્નીપીડિત સભ્યો મીટિંગમાં પોતપોતાની વ્યથા વર્ણવે છે. આવા પુરુષો માનસિક તાણ અનુભવે છે, રડે છે અને હીબકાં ભરે છે. આ સંસ્થા તેમને સાંત્વન આપવાનું કામ કરે છે. તેમનું મનોબળ દૃઢ બનાવવાનું કામ કરે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે.

આ સંસ્થામાં એક ગુજરાતી યુવાન કહે છે, ‘મારી સામે માત્ર બે વિકલ્પ બચ્યા છે, પત્નીના ગુલામ બનવું અથવા કાયદાના ગુલામ બનીને જેલમાં જવું. હું માનસિક રીતે સાવ ખલાસ થઈ ગયો છું.’

આ યુવાને ઇન્ટરનેટ પર વાતચીત કરતાં-કરતાં પ્રેમસંબંધ બાંધ્યો અને પછી લગ્ન થયાં. આ યુવાનની પત્નીએ તેને ઘણી વાર લાફા માર્યા છે. તેમના રોજના ઝઘડાથી આખી સોસાયટી વાકેફ છે. તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ અને છેવટે ર્કોટમાં તેની મુલાકાત થઈ.

પુરુષ-સંગઠનો શું કહે છે?

પુરુષ-સંગઠનોનું એવું કહેવું છે કે કુટુંબની યોગ્ય રીતે સંભાળ રાખતા હોવા છતાં છેવટે પુરુષોને અપયશ મળે છે. પરિણામે, નિરાશા અને બીમારીથી પીડાતા પુરુષોમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.

પુરુષો સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા છેલ્લા દસકામાં દેશભરમાં અનેક સંગઠનો સ્થપાયાં છે. તેમનું કહેવું છે કે પડકારો ઝીલવાની ક્ષમતા, બૌદ્ધિક ક્ષમતા, શારીરિક શ્રમ કરવાની તાકાત, સાહસિક વૃત્તિ સહિતના તમામ ગુણો પુરુષોમાં મોજૂદ હોવા છતાં સ્ત્રીતરફી કાયદો અને સરકારી ધોરણોને કારણે તેમણે જ કાયમ ઉપેક્ષા સહન કરવી પડે છે. મહિલાઓ કાયદાઓનો દુરુપયોગ કરે છે એ બાબત જગજાહેર છે.

ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૮-એ અને ૪૦૭નો દુરુપયોગ એટલી હદે થયો છે કે હવે એ કાનૂની આતંકવાદ બની ગયો છે. પુરુષો લગ્નજીવનમાં જે રીતે સહનશીલતા રાખે છે તેના તરફ કોઈ ધ્યાન આપતું નથી. સ્ત્રીઓ તો આંસુ પાડીને સહાનુભૂતિ મેળવી શકે છે, પણ પુરુષોનું શું? તે ક્યાં જાય? કોને કહે?

વળી, આ સંગઠનોએ એવી પણ ફરિયાદ કરી છે કે કાયદા બધા માટે સરખા હોવા જોઈએ, પરંતુ પુરુષોને એનો લાભ મળતો નથી. સ્ત્રીઓ ઘર છોડી નોકરી કરવા માટે ઘરની બહાર નીકળી હોવા છતાં કુટુંબના પાલનપોષણ અને રક્ષણની પારંપરિક જવાબદારી પુરુષોએ જ નિભાવવી પડે છે. વળી, પુરુષો પર ખોટા આળ મૂકી તેને ખોટા ગુનામાં સંડોવવામાં આવે છે.

અન્યાય રોકો

અત્યારસુધી સ્ત્રી અબળા મનાતી હતી તે સબળા બની છે, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે પોતાના લગ્નજીવનમાં વિવાદ સર્જી પતિને શારીરિક, માનસિક, ભાવનાત્મક ત્રાસ આપી તેને આત્મહત્યા કરવા પ્રેરે. આ બાબત તો નિંદનીય ગણાય. સ્ત્રીની સુરક્ષા માટે ઘડાયેલા કાયદાનો દુરુપયોગ થતો હોવાથી આ કલમમાં સુધારો કરવાની અને પુરુષોને થતા અન્યાય રોકવા માટે કાયદો ઘડવાની માગણી પ્રોટેક્ટ ઇન્ડિયન ફૅમિલીના સ્વયંસેવકોએ સરકારને કરી છે. આ માગણી માટે રાજ્યભરમાં જેલ ભરો આંદોલન કરવાનો સંકેત પણ આપવામાં આવ્યો છે.

હેલ્પલાઇન

પ્રોટેક્ટ ઇન્ડિયા ફૅમિલી: ૯૨૨૪૩૩૫૫૭૭, ૯૮૬૯૩૨૩૫૩૮.

અખિલ ભારતીય હેલ્પલાઇન: ૦૯૨૪૩૪૭૩૭૯૪.

વેબસાઇટ: www.protectindianfamily.org
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK