"અબોલા બાદ સમાધાનની પહેલ હું કરું પણ તેની મિસ્ટેક રિયલાઇઝ કરાવ્યા પછી"

Published: 24th October, 2011 18:58 IST

પતિ-પત્ની વચ્ચે નોક-ઝોક ન થાય તો દામ્પત્યજીવન કેવું નીરસ બની જાય એની કલ્પના કરી જુઓ. નાની-નાની અને હળવા મૂડમાં થતી તૂતૂ-મૈંમૈં દામ્પત્યજીવનમાં પ્રેમનો ઑક્સિજન પૂરો પાડે છે.

 

પીપલ લાઈવ - (તૂતૂ-મૈંમૈં - નીલા સંઘવી)

બોરીવલી (વેસ્ટ)ના દત્તાણી ટાવરમાં રહેતા કપોળ વૈષ્ણવ વણિક વિજય મહેતા અને કવિતા મહેતા પણ ક્યારેક નાનીઅમથી વાતોમાં લડી પડે છે. ૪૨ વર્ષના વિજય મહેતા બૉલબેરિંગનો પોતાનો વ્યવસાય કરવા ઉપરાંત વીક-એન્ડમાં રિયલ એસ્ટેટનું કામ પણ કરે છે, જ્યારે કવિતા એક નિષ્ણાત બ્યુટિશ્યન છે. નિશા દેસાઈની આ વિદ્ર્યાથિની બ્રાઇડલ સ્પેશ્યલિસ્ટ છે. ઘણા ફૅશન-શોમાં બૅકસ્ટેજમાં મૉડલ્સને પણ તૈયાર કરી છે. જોઈએ આ કપલ વચ્ચે થતી મીઠી મગજમારીનાં કારણો.

અરેન્જ્ડ મૅરેજ

પોતાના લગ્ન વિશે વાત કરતાં કવિતા કહે છે, ‘અમારાં અરેન્જ્ડ મૅરેજ છે, પણ અમારા બન્નેની જ્ઞાતિ જુદી છે. હું બ્રાહ્મણ અને વિજય કપોળ વાણિયા. મારા સસરાજી રમેશભાઈ અમારા ફૅમિલી-ફ્રેન્ડના મિત્ર એથી અંદર-અંદર જ વાત ચાલી અને બન્ને પરિવારની મંજૂરી સાથે ૨૦૧૦ની ૨૯ મેના રોજ અમારાં લગ્ન થયાં.’

વાંધો ક્યાં પડે?

છ ફૂટ અને બે ઇંચની હાઇટ ધરાવતા વિજયભાઈ કહે છે, ‘અમારે બહાર જવું હોય તો હું તેને સવારથી જ વૉર્નિંગ આપી દઉં કે ભાઈ, સમયસર તૈયાર થઈ રહેજે, પણ સમયસર તૈયાર થાય તો કવિતા શાની? એટલે મોસ્ટ્લી જ્યારે પણ બહાર ફરવા, પિક્ચરમાં કે લગ્નપ્રસંગે જવાનું હોય ત્યારે કવિતાને લીધે મોડું થઈ જ જાય અને પાછી નકામી દલીલો કરે ને મારો પિત્તો જાય.’

વિજયની વાત સાંભળીને કાઉન્ટર અટૅક કરતાં કવિતા કહે છે, ‘તેને જીન્સ અને ટી-શર્ટ ચડાવતાં કેટલી વાર લાગે? જ્યારે સ્ત્રીઓને થોડી વાર તો લાગે જને?’

ફરવાનો શોખ

ફરવાની શોખીન કવિતા કહે છે, ‘મને બહુ ઘરમાં બેસવું ગમે નહીં. બે-ત્રણ દિવસની એકસાથે રજા હોય અને તો મને બધા દિવસ ફરવું હોય અને વિજયને એક દિવસ ફરીને પછીના એક-બે દિવસ આરામ કરવો હોય. બસ આ મુદ્દે પણ અમારી વચ્ચે દલીલબાજી થાય.’

બહારનું ભાવે

કવિતાની આદતો વિશે વિજય કહે છે, ‘કવિતાને બહારનું આચરકૂચર બહુ જ ભાવે અને મને ઘરનું ખાવાનું ભાવે. ઘરનું ખાઈએ તો તબિયત સારી રહે, પેટ ખરાબ ન થાય.’

આ વાતનો જવાબ આપતાં કવિતા કહે છે, ‘અરે, એમાં શું થઈ ગયું? પેટ ખરાબ થઈ જાય તો કાયમ ચૂર્ણ લઈ લેવાનું. મને તો કાંઈક ડિફરન્ટ ટ્રાય કરવું ગમે. મને મલ્ટિક્વિઝીન ભાવે. વિજય ને તો બસ થેપલાં ભાવે અને જો હોટેલમાં જઈએ તો તેનું પંજાબી ફૂડ સ્ટાન્ડર્ડ.’

ફિલ્મોની પસંદગી

કવિતાને ઇમોશનલ પારિવારિક ફિલ્મો ગમે અને વિજયને ઍક્શન ફિલ્મો. વિજયને હાઇટબૉડીવાળો વિનોદ ખન્ના, કબીર બેદી, અમિતાભ જેવા હીરો ગમે અને કવિતાને ચૉકલેટી હીરો. કવિતાને મારધાડવાળી ફિલ્મો જરાપણ ન ગમે. આથી ફિલ્મ જોવા જવાની હોય ત્યારે પણ કઈ ફિલ્મ જોવી એ બાબતે પણ આ કપલ લડી પડે.

વસ્ત્રપરિધાનમાં સમસ્યા

વિજયને વેસ્ટર્ન વસ્ત્રો ગમે. જીન્સ, ટી-શર્ટ અને ઑફિસમાં ફૉર્મલ એ વિશે કવિતા કહે છે, ‘વિજય મને પણ હંમેશાં વેસ્ટર્ન ક્લોથ્સ પહેરવાનો આગ્રહ કરે છે. મને પણ વેસ્ટર્ન કપડાં ગમે છે, પણ સગાંસંબંધીના ઘરે કે કોઈ પ્રસંગમાં જવું હોય ત્યારે ડ્રેસ કે સાડી પહેરવી જોઈએ એટલી વાત તો વિજયે સમજવી જોઈએને?’

પ્યાર અને તકરાર

લાગણીની વાત કરતાં કવિતા કહે છે, ‘ભલે અમારી વચ્ચે બોલાચાલી થતી હોય, પણ પરસ્પરની લાગણી જરાય ઓછી નથી થતી. વિજય ગુસ્સો કરે પછી બીજી મિનિટે હળવા થઈ જાય. વિજય ઓશોના ફૉલોઅર છે. મંદિરમાં જવાનું બહુ પસંદ નથી કરતા, પણ મને મંદિરે જવું ગમે છે એથી તેઓ મારી સાથે આવે છે. તેમને કંઈ ન ગમતું હોય અને મને ગમતું હોય તો તેઓ મારી ખાતર કરે પણ ખરા. વળી મારું બ્યુટિશ્યન તરીકેનું કાર્ય પણ હું વિજય અને મારાં સાસુ સરલાબહેનના સર્પોટને લીધે જ કરી શકું છું.’

તેની વાતમાં જોડાતાં વિજય કહે છે, ‘અમારા બન્ને વચ્ચે તૂતૂ-મૈંમૈં થતી રહે છે એટલે જીવન ઉલ્લાસમય રીતે પસાર થતું રહે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK