Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ઑર્ગન ગિફ્ટ: પતિ આપશે પત્નીને નવી જિંદગી

વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ઑર્ગન ગિફ્ટ: પતિ આપશે પત્નીને નવી જિંદગી

14 February, 2021 08:23 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ઑર્ગન ગિફ્ટ: પતિ આપશે પત્નીને નવી જિંદગી

અમદાવાદના વિનોદ પટેલ અને તેની પત્ની રીટા પટેલે ઑપરેશનના આગલા દિવસે ખુશમિજાજ ચહેરે આ પોઝ આપ્યો હતો

અમદાવાદના વિનોદ પટેલ અને તેની પત્ની રીટા પટેલે ઑપરેશનના આગલા દિવસે ખુશમિજાજ ચહેરે આ પોઝ આપ્યો હતો


આજે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે અમદાવાદનો વિનોદ પટેલ પોતાની અર્ધાંગિની રીટા પટેલ માટે અંગદાન કરીને પતિધર્મ નિભાવવાની સાથે માનવતાની મિસાલ કાયમ કરશે. અમદાવાદની શેલ્બી હૉસ્પિટલમાં આજે કિડની ટ્રાન્સપ્લાન્ટનું લાઇવ ઑપરેશન થશે અને છેલ્લાં ત્રણેક વર્ષથી કિડનીની તકલીફથી પીડાતી રીટા પટેલને તેના પતિ વિનોદ પટેલ તરફથી કિડનીના રૂપમાં વૅલેન્ટાઇન્સ ડેની ‘નવજીવન’ ગિફ્ટ મળશે.

કિડનીની તકલીફનો સામનો કરી રહેલી રીટા પટેલે ખુશી વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પતિ તેની પત્નીને ચૉકલેટ કે કપડાંની ગિફટ આપે કે બહાર ફરવા લઈ જાય, પરંતુ મારા કિસ્સામાં કંઈક અલગ જ બન્યું છે. મારા પતિ મને તેમનું એક અંગ કાઢીને મને નવી જિંદગી આપવા જઈ રહ્યા છે એનો મને સવિશેષ આનંદ છે. હું આને એક મહત્ત્વની ગિફ્ટ સમજું છું. આ મારી વૅલેન્ટાઇન્સ ગિફ્ટ છે. કેટલાંક વર્ષ દવાઓ અને સારવારમાં કાઢ્યાં છે. એક તબક્કે તો મારું ઑક્સિજન-લેવલ પણ ઘટી ગયું હતું. તકલીફ હતી, પરંતુ હવે મારા પતિ તેમની એક કિડની આપીને મને એ તકલીફમાંથી છુટકારો અપાવશે.’



કિડનીના ઑપરેશનની પૂર્વસંધ્યાએ શેલ્બી હૉસ્પિટલમાં પટેલ ફૅમિલી હૅપી જણાઈ રહી હતી. રીટા પટેલે કહ્યું કે ‘મારે એક દીકરી અને એક દીકરો છે. તેઓ પણ આ ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશનથી ખુશ છે. પહેલાં મારું ડાયાલિસિસ જોઈને મારાં બાળકો ગભરાઈ જતાં, પણ હવે મારાં બાળકો મને પ્રોત્સાહિત કરતાં કહે છે કે મમ્મી, હવે તું પહેલાં જેવી હતી એવી પાછી એની એ જ લાઇફ જીવી શકીશ.’


પોતાની પત્નીને કિડની આપવા જઈ રહેલા ૪૫ વર્ષના વિનોદ પટેલે કહ્યું કે ‘અમારા લગ્નજીવનને ૨૩ વર્ષ થયાં છે. સુખ-દુઃખમાં અમે એકબીજાની સાથે જ રહ્યાં છીએ. મારી પત્નીને કિડનીની બીમારીની તકલીફ પડી રહી છે ત્યારે હું મારી એક કિડની તેને આપીને અમે સાથે મળીને બાકીનું જીવન આનંદથી પસાર કરીશું. ડૉક્ટરે મને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સમજણ આપી હતી અને મેં એકદમ ઝડપથી ડિસિઝન લઈ લીધું કે મારી કિડની આપીને મારી વાઇફની તકલીફ ઓછી કરીશ.’

૨૦૧૭માં પગમાં સોજા અને શ્વાસની તકલીફની ફરિયાદ સાથે રીટા પટેલે શેલ્બી હૉસ્પિટલમાં ડૉ. સિદ્ધાર્થ માવાણીનો સંપર્ક કર્યો હતો. તેમની તપાસ કરતાં તેમની કિડની નિષ્ફળ થતી જતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને કિડની બાયોપ્સી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમને કિડની ફિલ્ટર સંબંધિત સમસ્યા હોવાનું નિદાન થયું હતું.


યુરોલૉજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉ. દીપક જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસ રેર એટલા માટે છે કે હસબન્ડ વાઇફને કિડની ડોનેટ કરી રહ્યો છે. સામાન્ય રીતે પતિ-પત્નીની કિડની ભાગ્યે જ મૅચ થતી હોય છે. નૉર્મલ કેસમાં ભારતમાં મોટા ભાગે ૯૦ ટકા કેસમાં સ્ત્રી ડોનર હોય છે, પણ આમાં હસબન્ડ વિનોદ પટેલ ડોનર છે અને વૅલેન્ટાઇન્સ ડેના રોજ તેમની પત્ની રીટા પટેલનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું લાઇવ ઑપરેશન છે, જેથી તેઓ વૅલેન્ટાઇન્સ ડેની અનોખી ગિફ્ટ તરીકે કિડની આપી રહ્યા છે. આ બહેનને જીવવા માટે બે ઑપ્શન હતા. તેઓ અઠવાડિયામાં બે કે ત્રણ ડાયાલિસિસ કરાવે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવે. એના સિવાય ત્રીજો કોઈ ઑપ્શન નહોતો. આ પતિ–પત્ની બન્નેને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી છે અને એટલે જ હસબન્ડ તેની વાઇફને કિડની આપવા તૈયાર થયો છે. આજે મારા સહિત ત્રણ સર્જ્યન અને બે નેફ્રોલૉજિસ્ટ મળીને અમે પાંચ ડૉક્ટરોની ટીમ કિડની ટ્રાન્સપ્લાન્ટનું લાઇવ ઑપરેશન કરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 08:23 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK