Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખરે ભાઇંદરની નિર્ભયા માટે માનવતા જાગી

આખરે ભાઇંદરની નિર્ભયા માટે માનવતા જાગી

24 January, 2021 11:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખરે ભાઇંદરની નિર્ભયા માટે માનવતા જાગી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૩૪ વર્ષના નરાધમ બસ-ડ્રાઇવરના દુષ્કર્મનો ભોગ બનેલી ભાઇંદરની ચાર વર્ષની નિર્ભયા માટે આખરે માનવતા જાગી છે. અનેક સામાજિક સંસ્થાઓ અને મૈત્રીપૂર્ણ લોકોએ પીડિતાની પરવરીશ અને સારવાર માટે મદદનો હાથ વધાર્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી નિર્ભયા ભાઈંદર-વેસ્ટની એક ઝૂંપડપટ્ટીમાં ભાડાના મકાનમાં રહે છે. ૨૦૨૦ની ૨૦ ડિસેમ્બરે આ જ પરિસરમાં ઊભેલી એક બસમાં રમતી વખતે બસ-ડ્રાઇવરે તેનું અપહરણ કરી લીધું અને વસઈના વાલિવ પરિસરમાં લઈ જઈને તેની પર બળાત્કાર કરીને તેને મૃત સમજી એક ગૂણીમાં બાંધીને ફેંકી દીધી હતી. જોકે બપોરથી ઘરેથી રમવા નીકળેલી બાળકી સાંજ પડી ગઈ હોવા છતાં ઘરે પાછી આવી ન હોવાથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને અંતે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ગુમ થઈ હોવાનો કેસ નોંધાવ્યો હતો. એ દરમિયાન ૨૦ ડિસેમ્બરે જ ભાનમાં આવ્યા બાદ પીડિતા ગૂણીમાં છટપટવા લાગી હતી. વાલિવ પોલીસ સ્ટેશન અંતર્ગત ફાધર વાડી પરિસરમાં અમુક લોકોનું ગૂણીમાં થઈ રહેલી હરકત પર ધ્યાન જતાં પોલીસને જાણ કરી હતી. એથી ભાઈંદર પોલીસ અને વાલિવ પોલીસની સતર્કતા અને ઝડપથી બાળકીનો જીવ બચી ગયો હતો. એ બાદ તપાસ હાથ ધરીને આરોપી ડ્રાઇવરની પણ ધરપકડ કરાઈ હતી.

જ્યારે કે દુષ્કર્મને કારણે બાળકીને ગંભીર ઈજાઓ આવી હતી. એથી તેને મુંબઈની નાયર હૉસ્પિટલમાં સારવાર માટે મોકલાવાઈ હતી. પીડિતા નિર્ભયાના પરિવારજનોની આર્થિક હાલત પહેલાંથી જ ખૂબ દયનીય છે. એમાં મુંબઈમાં સારવાર માટે દરરોજ અવરજવર કરતાં તેમની આર્થિક હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. હાલત એટલી ખરાબ છે કે વીજળીનું બિલ ભર્યું ન હોવાથી એ કાપી નાખવામાં આવી છે. ખાવા-પીવાનાં ફાંફાં પડી ગયાં હતાં. તેમની આવી હાલત વિશેની જાણકારી એક સ્થાનિક યુવા સમાજસેવક અનિલ નૌટિયાલને થઈ હતી. તેમના જણાવ્યા પ્રમાણે ‘પીડિતા અને પરિવારની હાલત અતિવેદનીય છે. વિવિધ માધ્યમની મદદથી પીડિતા અને તેના પરિવાજનોની દયનીય હાલત વિશે જાણ કરી હતી. એ બાદ લોકોની માનવતા જાગી ઊઠી અને પીડિતાને મદદ કરવા અનેક સામાજિક સંસ્થા સહિત લોકો મદદ માટે આગળ આવીને લાગણીનો દરિયો વસાવી રહ્યા છે. પીડિતા સાથે બનાવ બન્યો ત્યારથી જ તે બીમાર પડી છે અને તેની એક સર્જરી સુધ્ધાં થઈ છે.’



કમિટી બનાવાશે...


જ્યારે કે પીડિતાની સારવાર યોગ્ય રીતે થાય એ માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર જ્યોત્સ્ના હસનાળેએ એક વિશેષ કમિટી બનાવવાનું આશ્વાસન સુધ્ધાં આપ્યું છે.

મદદનો ધોધ શરૂ થયો...


પીડિતાની હાલત વિશે જાણ થતાં એક મેડિકલ સ્ટોરવાળાએ તેની દવાનો ખર્ચ પોતાના માથે લીધો. એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેને નિ:શુલ્ક સારવાર મળી રહેશે. જ્યારે સામાન્ય નાગરિકો આગળ આવીને પીડિતાના પરિવારને આર્થિક સહાય કરી રહ્યા છે. અમુક સામાજિક સંસ્થાઓ પણ આર્થિક મદદ મળે એટલે કામે લાગી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK