Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહેનત અને પૈસા બંન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે

મહેનત અને પૈસા બંન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે

14 September, 2020 02:05 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

મહેનત અને પૈસા બંન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજકારણ એક એવી જગ્યા છે જ્યાં દુનિયાભરની ગંદકી ઉછેરાય છે. અહીં ગુણો કરતાં અવગુણોની બોલબાલા છે. જે આત્મવિશ્વાસથી જૂઠું બોલી શકે, જે ન કરવાનાં કામ સહેલાઈથી કરી શકે, કરાવી શકે, જે વધારેમાં વધારે પૈસા પક્ષ માટે ભેગા કરી શકે (પોતાનો ભાગ બાદ કરીને), જે પોતે પ્રામાણિક ન હોવા છતાં પ્રજામાં પોતે સૌથી વધુ પ્રામાણિક છે એવી છાપ ઊભી કરી શકે એવી વ્યક્તિ જ સફળ નેતાગીરી કરી શકે.
આપણા દેશમાં આઝાદી પછીના દરેક તબક્કે એવા-એવા અપરાધોના કિસ્સા બન્યા છે જેની આપણે કલ્પના સુધ્ધાં ન કરી શકીએ. ઘણી વાર આપણી જાતને પૂછવાનું મન થાય કે આવું બની શકે?‍ હા ભાઈ, ઐસા ભી હો શકતા હૈ, યે ઇન્ડિયા હૈ મેરી જાન! ‘અહો આશ્ચર્યમ’ શબ્દોનો જન્મ આ ધરતી પર જ થયો છે.
૨૦૦-૫૦૦ રૂપિયાની જરૂર પડે તેને સામાન્ય માણસ કહેવાય. બે-પાંચ હજાર માગે તે નાનો વેપારી કહેવાય, લાખોની જરૂર પડે તેને ઉદ્યોગપતિ કહેવાય અને કરોડો પણ માગતાં ઓછા પડે એ સરકાર કહેવાય. પૈસા અને સરકારને ચોલી-દામનનો સંબંધ છે. પૈસાથી સરકાર બની શકે, સરકાર ટકી શકે, સરકાર ચાલી શકે અને સરકાર બદલી પણ શકે. પૈસાના આવા જ એક કિસ્સાની વાત કરવી છે...
વાત છે ૧૯૭૧ની ૨૪ મેની એક સવારની. દેશમાં વહેલી-મોડી સવાર તો બધે જ પડે છે, પણ એ દિવસની દિલ્હીની સવાર કંઈક જુદી જ, રહસ્યમય અને રોમાંચક હતી. બપોરે ૧૨ વાગ્યા હતા. દિલ્હીના સંસદ માર્ગ પર આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં રાબેતા મુજબની ચહલપહલ હતી. ચીફ કૅશિયર પ્રકાશ મલ્હોત્રા પોતાના કામમાં વ્યસ્ત હતા, અચાનક ત્યાં ફોનની ઘંટડી રણકી, સામે છેડેથી અવાજ આવ્યો, ‘મિ. મલ્હોત્રા, ઇમર્જન્સી હોવાથી હું ડાયરેક્ટ પૉઇન્ટ પર આવું છું, હું પ્રધાન મંત્રી (ઇન્દિરા ગાંધી)ના કાર્યાલયમાંથી તેમના ખાસ સચિવ સલાહકાર પી. એન. હક્સર બોલું છું.’
પી. એન. હક્સરનું નામ સાંભળીને મલ્હોત્રા ખુરસીમાં ટટ્ટાર થઈ ગયા. એ સમયે હક્સરનું નામ સરકારી ક્ષેત્રમાં ‘રામબાણ’ ગણાતું. ભલભલા પ્રધાનો, ઉદ્યોગપતિઓ, માંધાતાઓ તેમના નામથી ધ્રૂજતા. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના ખૂબ નજીક ગણાતા. ‘બોલો સર, આપની હું શું સેવા કરી શકું?’
‘કરી શકું નહીં, કરવાની જ છે. નાવ લિશન કૅરફુલી, બંગલા દેશના એક અભિયાન માટે પ્રધાન મંત્રીને ૬૦ લાખ રૂપિયાની તાતી જરૂર છે. હમણાં ને હમણાં બૅન્કમાંથી કાઢીને બાઇબલ ભવન (દિલ્હી) પાસે ઊભેલા અમારા ખાસ માણસને સોંપી દો. અને લિશન, બધી નોટો ૧૦૦ રૂપિયાના ડિનોમેશનમાં જ હોવી જોઈએ.’ વાત સાંભળીને મલ્હોત્રા મૂંઝાઈ ગયા. મનમાં વિચારવા લાગ્યા કે એમ ફોન પરની વાતચીતના આધારે પૈસા કેમ આપી શકાય? તેઓ કંઈ જવાબ આપે એ પહેલાં જ હક્સરસાહેબના શબ્દો સંભળાયા, ‘મિ. મલ્હોત્રા, હું આપની મૂંઝવણ સમજું છું, જસ્ટ વેઇટ, હું પ્રધાન મંત્રી સાથે આપની વાત કરાવું છું.’
થોડી જ ક્ષણોમાં પ્રધાન મંત્રીનો અવાજ સંભળાયો, ‘મિ. મલ્હોત્રા, you have to obliged me...’ બાકીની વિધિ પછીથી કરીશું. રૂપિયા લઈને તમે જાતે-પોતે જ બાઇબલ ભવન આવો. બાઇબલ ભવન પર અમારો જે માણસ ઊભો હશે તે તમને એક કોડ કહેશે, ‘બંગાલી બાબુ,’ તમારે જવાબ આપવાનો, ‘બાર ઍટ લૉ’. આ સંવાદોથી એકબીજાથી પરિચિત થયા પછી તમારે રૂપિયા તેને હવાલે કરવાના. કોડ યાદ રહ્યોને?
‘તે કહેશે બંગાલી બાબુ, સામે મારે કહેવાનું બાર ઍટ લૉ.’
‘ફાઇન. વન મોર થિંગ. આ એક ખૂબ જ સીક્રેટ મિશન છે. કોઈને જરાસરખીય ગંધ ન આવવી જોઈએ. મારી, તમારી અને હક્સર વચ્ચે જ આ વાત રહેવી જોઈએ. ચોથી કોઈ વ્યક્તિના કાને આ વાત ન જ જવી જોઈએ. ડુ યુ અન્ડરસ્ટૅન્ડ?’
‘યસ મૅડમ પ્રાઇમ મિનિસ્ટર.’
ફોન મુકાઈ ગયો. મલ્હોત્રાના મનમાં તો પહેલાં એ વિચાર આવ્યો કે બ્રાન્ચ-મૅનેજરના કાને આ વાત નાખવી જ જોઈએ, પણ મૅડમના શબ્દો ઘૂમરાયા, ‘ચોથું કોઈ નહીં.’ મનમાં બોલ્યા કે મૅડમે મારા પર આટલો વિશ્વાસ મૂક્યો છે તો તેમને વહાલા
થવાનો આ સુવર્ણ અવસર છે. આ તક જતી કેમ કરાય?
ઇન્દિરાજીની ગુડ બુકમાં આવી જવાના વિચારે તેમના મનમાં ઉત્સાહની એક લહેર ફરી વળી. તેમણે તરત ઘંટડી મારી ઉપ-કૅશિયર રામપ્રસાદ બત્રાને બોલાવ્યા. સૂચના આપી કે જલદીથી સ્ટ્રૉન્ગ રૂમમાં જઈને ૬૦ લાખ રૂપિયા, ૧૦૦ રૂપિયાના ડિનોમેશનમાં ટ્રન્ક-કૅસ બૉક્સમાં ભરીને લઈ આવો. આવી સૂચના ઘણી વાર મળતી હોવાથી રામપ્રસાદને આમાં કંઈ અજુગતું ન લાગ્યું.
રામપ્રસાદને અઘરું એ લાગ્યું કે ૧૦૦-૧૦૦ રૂપિયાનાં ૬૦ લાખનાં બંડલ ગણવાની કસરત કરવી પડશે એટલે તેણે તેના એક સાથી એચ. આર. ખન્નાની મદદ લીધી. બન્ને સ્ટ્રૉન્ગ રૂમમાં જઈને બે વાર રૂપિયા ગણીને કાળી ટ્રન્કમાં ભરીને બહાર આવ્યા.
રાબેતા મુજબ નગદ રૂપિયાની આપ-લે દરમ્યાન રજિસ્ટરમાં જે એન્ટ્રી થાય છે એ ક્લાર્ક રોહિત સિંગે કરી. પેમેન્ટ વાઉચર બનાવ્યું, જેના પર મલ્હોત્રાએ જાતે પોતે જ સાઇન કરી. પછી બે ચપરાશીઓને બોલાવીને રૂપિયા ગાડીમાં મુકાવ્યા. સામાન્ય રીતે બે સિપાઈઓ ગાડીની સાથે જ હોય, પણ મલ્હોત્રાએ એવું ન કર્યું! સ્વાભાવિક છે, કરે જ નહીં. ગુપ્ત અભિયાન હતું. છાનીમાની વાવણી કરી હોય તો એની કાપણી પણ છાનીમાની જ હોય! એટલે તો ડ્રાઇવરને બદલે મલ્હોત્રા ખુદ ડ્રાઇવિંગ-સીટ પર બેઠા (વૅન-નંબર
DLA 760).


ગાડીની માફક મલ્હોત્રાનું મન પણ સડસડાટ ચાલતું હતું. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના પોતે વિશ્વાસપાત્ર છે એના વિચારથી તેઓ મનમાં પોરસાતા હતા. વિચારો અને ગાડીની ઝડપની સાથોસાથ મલ્હોત્રા આજુબાજુ, આગળ-પાછળ ઝીણવટથી નજર કરતા રહ્યા કે કોઈ પીછો તો નથી કરી રહ્યુંને? વળી ગાડીમાં ૬૦ લાખ રૂપિયા નગદ હતા (૧૯૭૧માં ૬૦ લાખ રૂપિયાનું મૂલ્ય ઘણું બધું હતું), પોતે એકલા છે, ગાર્ડ વગરના છે, લૂંટારાઓના કાલ્પનિક ભયથી તેમને શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. સિગ્નલ આવ્યું ને એકદમ સાવધાન થઈ ગયા. વિન્ડ-સ્ક્રીનમાંથી જોયું તો પાછળ ગાડીઓની લાઇન લાગી હતી.
સિગ્નલ ગ્રીન થયું. મલ્હોત્રા હવે વધુ સાવધાન થઈ ગયા, કેમ કે લક્ષ-સ્થળ હવે હાથવેંતમાં જ હતું. ગાડી બાઇબલ ભવન પાસે આવી. ગાડી ધીમી કરીને મલ્હોત્રાએ ચારે તરફ નજર નાખી. કોઈ દેખાયું નહીં એટલે થોડીક મૂંઝવણ અનુભવી. બાઇબલ ભવનના મેઇન ગેટથી થોડે દૂર ગાડી પાર્ક કરીને મલ્હોત્રા વિચાર કરવા લાગ્યા કે ગાડીમાંથી બહાર નીકળીને તપાસ કરવી કે અંદર જ બેસીને રાહ જોવી? પરંતુ પળભરમાં તેમની મૂંઝવણ દૂર થઈ ગઈ. એક ઊંચી ગોરી વ્યક્તિ મલ્હોત્રા પાસે આવીને બોલી, ‘બંગાલી બાબુ’, મલ્હોત્રાએ કહ્યું, ‘બાર ઍટ લૉ’. બન્નેએ એકબીજા સામે સ્માઇલ આપી.
મલ્હોત્રા ગાડીમાંથી જેવા બહાર નીકળવા ગયા કે તરત જ ‘બંગાલી બાબુ’એ તેમને રોકતાં કહ્યું, ‘હું જ્યાં કહું ત્યાં મને છોડી દો.’ બાબુ મલ્હોત્રાની બાજુમાં આવીને બેઠા. ક્યાં લેવાની છે? મલ્હોત્રાએ પૂછ્યું. ‘સરદાર પટેલ માર્ગ અને પંચશીલ માર્ગના જંક્શન પર.’ મલ્હોત્રાએ ગાડી સ્ટાર્ટ કરી. બન્ને ચૂપ હતા. મલ્હોત્રા અકળાતા હતા. બંગાલી બાબુ પોતાની સાથે આવશે કે તેમને છોડવાની કોઈ વાત થઈ નહોતી, માત્ર રૂપિયા સોંપી દેવાની જ વાત હતી. મનમાં થયું કે તેમને કહી દઉં કે મારી ડ્યૂટી આપને રૂપિયા સુપરત કરી દેવા સુધીની જ છે. રૂપિયા લઈ લો અને મને મુક્ત કરો.
મલ્હોત્રા વધુ કંઈ વિચારે એ પહેલાં જંક્શન આવી ગયું. બાબુએ ગાડી થોભાવીને પછી રુઆબભેર કહ્યું, ‘રૂપિયા સુપરત કરો!’ મલ્હોત્રાને જરા માઠું લાગ્યું, પોતે સ્ટેટ બૅન્કનો ચીફ કૅશિયર છે. વળી વડા પ્રધાને ખાસ મિશન પાર પાડવાનું કામ તેમને સોંપ્યું છે. તેની સાથે આવો ઉદ્ધતાઈભર્યો, નોકર જેવો હુકમ કરનાર આ માણસ છે કોણ? પણ ત્યારે તે ગમ ખાઈ ગયા.
મલ્હોત્રાએ કૅસ બૉક્સ ઉતાર્યું! વજનદાર ટ્રન્ક હતી. એકલા હાથે ઉતારતાં તકલીફ પડી. બાબુએ મદદ કરવાનો વિવેક સુધ્ધાં ન દેખાડ્યો! ‘Now Listen Gentleman, હવે તમારે શું કરવાનું છે એ જાણી લો. ઇન્દિરાજી તેમના નિવાસસ્થાને જ છે. ત્યાં પહોંચીને તેમની પાસેથી કૅશ વાઉચર પર સહી લઈ જવાનું મને કહ્યું છે’ એટલું બોલીને બાબુ એક ટૅક્સી પકડીને કૅશ બૉક્સ સાથે રવાના
થઈ ગયા.
મલ્હોત્રાએ ગાડી વડા પ્રધાનના નિવાસસ્થાને હંકારી. તેમના મનમાં હરખ માતો નહોતો. વડા પ્રધાનની પ્રત્યક્ષ મુલાકાત તેમને માટે એક અવસર હતો. ડ્રાઇવ કરતાં-કરતાં તેઓ મનમાં હસ્યા. આજનો દિવસ તેમને માટે યાદગાર બની જશે એવી કલ્પના સાથે વડા પ્રધાનના નિવાસ પાસે ગાડી ઊભી રાખી.
ચોકીદારોએ ગાડી નિવાસસ્થાનના મુખ્ય દરવાજા પાસે જ રોકી. મલ્હોત્રાએ કહ્યું, ‘મને મૅડમે એક કામ સોંપ્યું છે, જે બાબત મારે મૅડમને મળવું છે. આપ તેમને જઈને કહો કે મિ. મલ્હોત્રા આપને મળવા માગે છે.’ ચોકીદારે કહ્યું, ‘મૅડમને પૂછવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો, કેમ કે અત્યારે તેઓ સંસદમાં છે, આપ સંસદમાં જાઓ.’
મલ્હોત્રા તાબડતોબ સંસદમાં પહોંચ્યા. સંસદ ચાલુ હતી. મલ્હોત્રા પી. એન. હક્સર પાસે ગયા. હોશે-હોશે કામ પતી ગયાની વધાઈ આપી. પણ હક્સરે વધાઈ આપવાને બદલે ત્રાડ પાડીને કહ્યું, ‘કોણ છો તમે? હું તમને ઓળખતો નથી. આવો કોઈ ફોન મેં કે મૅડમે કર્યો જ નથી.’
મલ્હોત્રાનું લોહી થીજી ગયું!
છેલ્લે;
જે વ્યક્તિ બંગાળી બાબુ તરીકે આવી હતી તેમનું નામ રુસ્તમ સોહરાબ નગરવાલ હતું. આ ખટલો ‘નગરવાલ ખટલા’ તરીકે ખૂબ ગાજ્યો હતો.
વધુ આવતા અંકે...



સમાપન
પૈસા હાથનો મેલ છે.
છેલ્લા પાંચ મહિનાથી ઘસી-ઘસીને એ મેલ સાફ થઈ ગયો છે. હવે બધા આતુરતાથી એક જ વાટ જોઈ રહ્યા છે કે ફરીથી ક્યારે હાથ ગંદા થાય!
દો ચેહરોંવાલે સે બહોત ચીડ હોતી હૈ, ક્યોં કિ પતા નહીં ચલતા કી કૌન સે ચહરે પર થપ્પડ મારા જાય.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 02:05 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK