Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક ફકીરને જિસ્મ મેરા છૂ કર કહા ક્યા અજીબ લાશ હૈ યે, સાંસ ભી લેતી હૈ

એક ફકીરને જિસ્મ મેરા છૂ કર કહા ક્યા અજીબ લાશ હૈ યે, સાંસ ભી લેતી હૈ

04 May, 2020 09:03 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

એક ફકીરને જિસ્મ મેરા છૂ કર કહા ક્યા અજીબ લાશ હૈ યે, સાંસ ભી લેતી હૈ

પ્રતીકાત્મક તસવીર.

પ્રતીકાત્મક તસવીર.


ભલે એમ કહેવાય કે માણસ એક સામાજિક પ્રાણી છે, પણ આજે એમાંથી સામાજિક શબ્દ નીકળી ગયો છે, છૂટો પડી ગયો છે. માણસ માત્ર પ્રાણી બની ગયો છે, મૂંગું પ્રાણી. જે અનુભવે છે એ વ્યક્ત કરી નથી શકતો અને જે વ્યક્ત કરે છે એ કોઈ સમજી શકતું નથી. પશુ-પંખી આઝાદ છે અને માણસ કેદ. માણસ નામે કારાગાર! માણસ એટલે કેદી, દર્દી, બેદર્દી. શાંતિ નામની રાજધાનીમાંથી તેને દેશવટો મળ્યો છે. યુધિષ્ઠિરના નસીબમાં હતું એવું ન કોઈ કામ્યક્ વન છે, ન કોઈ અક્ષય પાત્ર. વળી યુધિષ્ઠિરની જેમ જ જીવનના જૂગઠામાં પોતાનું સર્વસ્વ હારી બેઠો છે. સમય શકુનિ થઈ ગયો છે, માણસ મહાભારત. સમગ્ર વિશ્વ કુરુક્ષેત્ર બની ગયું છે. 

વિશ્વની ૧૮ અક્ષૌહિણી સેના જીવવા ને જીતવાના જંગ માટે કોરોનાના કુરુક્ષેત્રમાં લડી રહી છે. મંદિરો-ધર્મસ્થાનો બંધ થઈ ગયાં છે. ઈશ્વર, અલ્લાહ કે ગૉડ જેવાં વિવિધ નામ ધરાવતા દેવો સફેદ કોટ પહેરીને ડૉક્ટરો સારથિ બનીને રણમેદાનમાં આવી ગયા છે, કોઈ પણ જાતનો શંખનાદ કર્યા વગર પાંડવો સમા પોલીસમિત્રો, સફાઈ-કામદાર, સ્વાસ્થ્ય કર્મચારી જેવા યોદ્ધાઓ પોતાના જીવની બાજી લગાડીને ઝઝૂમી રહ્યા છે. કોઈ પણ જાતના દુંદુભિનાદ, શંખનાદ, વિષાદ યોગ વગર.
ખેર, મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું હતું ને હાર-જીતનો ફેંસલો થઈ ગયો હતો. દોઢ મહિનાથી ચાલતા આપણા યુદ્ધની નિર્ણાયક ઘડી આવવાની હજી બાકી છે. છેલ્લા દોઢ મહિનાનું સરવૈયું કાઢીએ તો જાણવા મળશે કે આપણે શું-શું ગુમાવ્યું અને શું-શું મેળવ્યું? સ્પષ્ટ અને તટસ્થ રીતે કહું તો જે મેળવ્યું છે એ આશ્વાસન જ છે (‘દિલ બહલાને કે લિએ યહ ખયાલ અચ્છા હૈ’ની જેમ). બાકી જે ગુમાવ્યું છે એ હકીકત છે. મેળવવા-ગુમાવવાનાં ત્રાજવાંને ઘડીભર આપણે એક બાજુએ રાખીએ, આપણે જે અનુભવ્યું અને ભવિષ્યમાં જે અનુભવીશું એનો પહેલાં વિચાર કરીએ.
ટીવી, ગુજરાતી ફિલ્મો અને નાટકોની કલાકાર નયના ઘાસચટ્ટાએ મને ફોનમાં પૂછ્યું, ‘SIR, મારે બે નાનાં બાળકો છે. અત્યારે જ હું તેમને હૅન્ડલ નથી કરી શકતી, તો લૉકડાઉન ખૂલ્યા પછી શું થશે? તમે એવું કંઈક લખો કે લૉકડાઉન જ્યારે પણ પૂરું થશે એ પછી પાંચથી દસ વર્ષનાં બાળકો માટે વડીલોએ શું કરવું જોઈએ? શું તકેદારી રાખવી જોઈએ, કઈ રીતે સમજાવવાં જોઈએ? એ લોકોને બહાર જતાં, રમવા જતાં, ફરવા જતાં કઈ રીતે અટકાવવાં? સ્કૂલ કે ટ્યુશન જતી વખતે સોશ્યલ ડિસ્ટન્સ કઈ રીતે જાળવી શકાશે?
પ્રશ્ન લાખ રૂપિયાનો છે. લૉકડાઉન ઊઠ્યા પછી અનેક સમસ્યા છે, જેમાંની આ પણ એક અતિમહત્ત્વની છે. એટલું જ નહીં, એ માટે થોડું-ઘણું પ્રિન્ટ મીડિયામાં લખાયું પણ છે, પરંતુ લખીને સલાહ આપવી એ એક વાત છે અને વાસ્તવિકતા જુદી વાત છે એ આપણે અવારનવાર અનુભવ્યું છે. કોરોનાનો ભય કેટલાક પુખ્ત ઉંમરના, શિક્ષિત યુવાનો કે મોટેરાઓ પણ નથી સમજી શક્યા તો નાનાં બાળકોનું શું ગજું? વળી દરેક બાળકનાં રસ-રુચિ, સ્વભાવ, ગમા-અણગમા, સમજણશક્તિ-સહનશક્તિ જુદાં-જુદાં હોવાનાં. કોઈ સર્વ સામાન્ય નિયમ કે સલાહ-સૂચનોથી તેઓને નિયંત્રણમાં ન જ રાખી શકાય. બાળકોને બહાર ન જવા દો, ઘરમાં જ રાખો, ઘરમાં જ તેમની સાથે પત્તાં રમો, કૅરમ રમો, જુદી-જુદી ક્વિઝ રમો, વાર્તાઓ કહો, વાર્તામાં કાલીઘેલી ભાષામાં કોરોનાના ભયનું વર્ણન કરો, ડ્રૉઇંગ કે ટ્રેઝર હન્ટ જેવી પ્રવૃત્તિ કરાવો, ગીતો સંભળાવો, ટીવીમાં આવતી બાળકોની સિરિયલ દેખાડો, સ્કૂલમાં કે બહાર બીજે ઠેકાણે ટોળામાં શું કામ ન ભળવું જોઈએ એ સરળતાથી સમજાવો. જે બાળકને જે વિષયમાં રસ હોય એ પ્રવૃત્તિ વધારે કરવા દો, એ માટેનાં સાધન-સગવડ વધારી દો. વળી બાળક સાથે ઘરમાં પ્રેમથી વ્યવહાર કરવો, જો ટોક-ટોક કરશો તો બાળકને ઘરમાં રહેવાનું જરાય નહીં ગમે.
આ અને આવી ઘણીબધી શિખામણો-સલાહ વાંચવા અને સાંભળવા મળી છે અને મળશે. આ બધી બૌદ્ધિક ને સૈદ્ધાંતિક, નિરર્થક કસરત છે. ભારતમાં ૭ લાખ ગામડાં છે. ૧૩૦ કરોડથી ઉપર વસ્તી છે. મુંબઈમાં સવા કરોડની વસ્તીનો અંદાજ છે અને એમાંથી પોતાનો ફ્લૅટ હોય એવા કેટલા? મોટો ભાગ ઝૂંપડપટ્ટીમાં રહે છે. રોજનું લાવીને રોજ ખાય છે. મિડલ ક્લાસ-પગારદાર વર્ગ માંડ પોતાનાં બે પાંખિયાં સરખાં કરી શકે છે. કેટલા લોકો બાળકોને ઘરમાં જ રમવા-ભમવાનાં સાધન ઊભાં કરી શકે એમ છે? અરે વાસ્તવિક સ્થિતિ તો એ છે કે કેટલાંક ઘર એકસાથે બેસી શકે એવાં પણ નથી હોતાં.
સૌથી અગત્યની વાત તો એ છે કે કેટલાં મા-બાપને લૉકડાઉન પૂરું થયા પછી બાળકો સાથે રમવાની ફુરસદ હશે? કેટલાં માં-બાપ કે વડીલોને બાળકને સાચી ને સારી રીતે સમજાવવાની આવડત કે સમજણ છે? સામા પક્ષે કેટલાં બાળકો મા-બાપનું કહ્યું માનીને ઘરમાં ગોંધાઈ રહેશે? તો કરવું શું? મારું સ્પષ્ટપણે માનવું છે કે લૉકડાઉન ખૂલે ત્યારે પણ શૈક્ષણિક સંસ્થા બંધ જ રહેવી જોઈએ. તેલ જોઈને, તેલની ધાર જોયા પછી જ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવી જોઈએ. કોરોનાથી બચવાનો સૌથી રામબાણ ઇલાજ સોશ્યલ ડિસ્ટન્સિંગ જ છે અને જો લૉકડાઉન પછી શાળાઓ ખૂલે તો આ ડિસ્ટન્સિંગ કેટલા પ્રમાણમાં જળવાશે?
આપણને બધાને અનુભવ છે કે બાળકો મોટા ભાગે સ્કૂલ-બસ, ટૅક્સી, રિક્ષા કે પ્રાઇવેટ વૅનમાં સ્કૂલ જાય છે, ઘેટાં-બકરાની માફક પુરાઈને!! અને સ્કૂલની ક્લાસરૂમની સ્થિતિ શું હોય છે? તપાસ કરો, એક ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હોય છે? બધાને માટે અલગ-અલગ બેસવાની વ્યવસ્થા હોય છે? અડધોઅડધ વિદ્યાર્થીઓને ભણાવવાની જુદી-જુદી પાળી શરૂ થશે? એ શક્ય જ નથી. રિસેસમાં કે શાળા છૂટ્યા પછી બાળકો જે રીતે ધસારો કરે છે એને ખાળી શકાશે? રિસેસમાં બાળકો એકબીજાના ભોજનની આપ-લે કરે છે એને રોકી શકાશે? સવાલ સવા મણનો છે અને જવાબ કોઈ વજનમાં આપી શકાય એમ નથી.
સૌરાષ્ટ્રની એક ઉક્તિ છે, ‘ઢોરને દોરવાં સહેલાં છે, પણ બાળકોને દોરવાં બહુ અઘરાં છે.’ બાળકો ચંચળ હોય છે, તરવરિયાં હોય છે, મર્યાદિત બુદ્ધિ અને ઓરતા અગણિત હોય છે. અટકચાળા કરવા એ તેમનો જન્મજાત સ્વભાવ હોય છે. બાળકોની ચંચળતા, ઝબૂકતી વીજળી, વહેતા વાયરા ને ધસમસતાં પૂરને પલકારામાં નાથી શકાતાં નથી, એને માટે ધીરજ રાખવી જ પડે છે.
ધારો કે લૉકડાઉન ખૂલ્યું ને ધારો કે શૈક્ષણિક સંસ્થા ચાલુ થઈ તો? મારું અસંદિગ્ધ રીતે કહેવું છે કે ત્રણ-ચાર અઠવાડિયાં સુધી તો બાળકોને શાળામાં ન જ મોકલતા. કોઈ ગાયકવાડની ગાડી લૂંટાઈ જવાની નથી. એકાદ-બે મહિના સ્કૂલ ન જવાથી બાળકના જ્ઞાનની વાડમાં કોઈ છીંડાં નથી પડી જવાનાં (આનો શબ્દાર્થ નહીં, ભાવાર્થ લેવો, સમયનો તકાજો સમજીને). અત્યારે તો સંતાનનું સ્વાસ્થ્ય સોનાનું, બાકીનું બધું પિત્તળ સમજીને ચાલવાનું.
અને છેલ્લે...
વડીલોની જ મનોદશા હાલમાં જ્યાં હોકાયંત્ર વગરની છે ત્યાં બાળકોને કઈ રીતે દિશા દેખાડી શકાય. ઉપાય સહેલો નથી, તો અઘરો પણ નથી. બાળકોના માનસને ધ્યાનમાં રાખીને વર્તો! કડક બનો. અત્યારે સૌથી મોટી જરૂર બાળકો સાથે થોડી કડકાઈની છે. ભલે નાટકીય તો નાટકીય. બાળકને સીધું ધમકાવવાનું નહીં, તેની હાજરીમાં જ કોઈ મોટાનો ઊધડો લેવાનો, ‘કારણ વગર બહાર શું કામ નીકળ્યા? મિત્રો સાથે ગપ્પાં કેમ માર્યાં? માસ્ક કેમ ન પહેર્યો? હાથ કેમ ન ધોયા, ટોળામાં શુંકામ ગયા’ વગેરે બાબતો માટે બાળક સાંભળે એ રીતે સામી વ્યક્તિને દાંટો. કોરોનાનાં ભયસ્થાનો વિગતવાર સંભળાવો, વાત-વાતમાં બાળકને પણ વચ્ચે લાવો અને કહો કે ‘તમારા કરતાં તો આ છોકરામાં વધુ અક્કલ છે. કેવો ડાહ્યોડમરો થઈને ઘરમાં બેઠો છે!’
બાળક પર આવા નાટકની અસર જરૂર થશે. તેને ધમકાવીને પોરસાવો અને પોરસાવીને ધમકાવો, પણ એટલું જરૂર ધ્યાન રાખો કે આપણે વડીલોએ જ સૌથી પહેલું શિસ્તનું પાલન કરવું પડશે, વળી એ શિસ્તપાલન બાળકના ધ્યાનમાં આવે એ રીતે. અનુકરણ એ બાળકનો સ્વભાવ છે અને સ્વભાવનું કોઈ ઓસડ નથી.
બીજી એક ખાસ વાત; લૉકડાઉનમાં બાળકોને ઘણુંબધું શીખવાડી દેવાની કે કંઈક નવું કરવાની ઇચ્છા કે બળજબરી બિલકુલ ન કરતા. તેને જે ગમે એ કરવા દેવાથી પરિસ્થિતિ જલદી કાબૂમાં આવી જશે. જીવનમાં ઘણાં નાટકો જાણીજોઈને કરવાં પડે છે અને નાટકમાં જીવન સ્વાભાવિક રીતે ઉમેરવું પડે છે.



સમાપન
શીખ લો અબ આંખોં સે મુસ્કુરાના
ક્યોં કિ હોંઠોં કી મુસ્કાન તો માસ્ક ને છુપા લી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 09:03 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK