છતે પાણીએ મીરા-ભાઈંદરમાં પાણીકાપ

Published: 10th October, 2020 11:03 IST | Mumbai correspondent | Mumbai

તળાવોમાં પૂરતું પાણી હોવા છતાં ૨૫ ટકા પાણીકાપ મુકાયો હોવાની માહિતી પાણી પુરવઠા વિભાગે જાહેર ન કરતાં વિભાગના ઇન્ચાર્જ સામે મેયરે પગલાં લેવાની માગણી કરી

છતે પાણીએ મીરા-ભાઈંદરમાં પાણીકાપ
છતે પાણીએ મીરા-ભાઈંદરમાં પાણીકાપ

આ ચોમાસામાં સર્વત્ર સરેરાશ કરતાં વધારે વરસાદ થવાથી તમામ જળાશયોમાં ભરપૂર પાણી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી મીરા-ભાઈંદરમાં પાણી ઓછું આવતું હોવાને લીધે લોકો પરેશાન છે. થાણેના એમઆઇડીસીમાંથી મળતાં ૧૧૫ એમએલડી પાણીમાંથી ૨૫ એમએલડી પાણી ઓછું અપાતું હોવાને લીધે પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. જોકે આ માહિતી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે છુપાવી હોવાથી આ બાબતે તપાસ કરીને આ વિભાગના ઇન્ચાર્જ સામે કાર્યવાહી કરવાની માગણી મેયરે પાલિકા કમિશનરને કરી હોવાનું જાણવા મળ્યું હતું.
મીરા ભાઈંદરમાં એમઆઇડીસીથી પાણી પૂરું પડાય છે. શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એમઆઇડીસીથી અહીં ૧૨૫ એમએલડી પાણી પૂરું પાડવાની મંજૂરી અપાઈ છે. જોકે માર્ચ ૨૦૨૦થી દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૫ ટકા પાણીકાપ મુકાયો હોવાથી અહીં ૯૦ એમએલડી પાણી આવતું હોવાથી અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા વધી હતી. એમાં પણ ઑગસ્ટ બાદ તો ખૂબ જ ઓછું પાણી મળવાની ફરિયાદ પાલિકા પ્રશાસનને આવવા લાગી હતી.
પ્રશાસને પાણી પુરવઠા વિભાગના ઇન્ચાર્જ સુરેશ વાકોડે અને તેમની ટીમ પાસે પાણીની માહિતી માગી ત્યારે જાણવા મળ્યું હતું કે એમઆઇડીસીમાંથી ૧૨૫ એમએલડીને બદલે ૯૦ એમએલડી પાણી જ આવી રહ્યું છે. માર્ચથી આટલું જ પાણી મળી રહ્યું હોવા છતાં પાણી પુરવઠા વિભાગની ટીમે આ બાબતે પ્રશાસન કે એમઆઇડીસીને શા માટે પાણી ઓછું મળી રહ્યું છે એ રજૂઆત કે પૂછપરછ નહોતી કરી. સ્વાભાવિક છે કે ૧૨૫ એમએલડીને બદલે ૯૦ એમએલડી પાણી આવતું હોય તો અનેક વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય.
પાલિકામાં વિરોધી પક્ષ કૉન્ગ્રેસ અને શિવસેનાએ સત્તાધારી બીજેપી સામે પાણી બાબતે સવાલ ઉઠાવીને પાલિકા પ્રશાસન અને સત્તામાં બેસેલા પદાધિકારીઓે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકીને જોરદાર વિરોધ પ્રદર્શન કરતાં બે દિવસથી આ મામલો બીચક્યો છે.
ભારે વિરોધને પગલે મેયર જ્યોત્સના હસનાળેએ ગઈ કાલે એક બેઠક બોલાવી હતી, જેમાં પાણી પુરવઠા વિભાગની ટીમ સહિત ઇન્ચાર્જ સુરેશ વાકોડે તથા પાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડ તેમ જ એમઆઇડીસીના અધિકારીઓ હાજર રહ્યા હતા. શા માટે ૧૨૫ એમએલડી પાણી મંજૂર કરાયું હોવા છતાં ૯૦થી ૧૦૦ એમએલડી પાણી જ અપાય છે એ વિશે ચર્ચા કરાઈ હતી.
મેયર જ્યોત્સના હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમઆઇડીસીમાંથી મંજૂર કરાયેલા પાણી કરતાં ઓછું સપ્લાય કરાતું હોવાની માહિતી અમને નહોતી. પાણી પુરવઠા વિભાગની ટીમને એમઆઇડીસીએ આ બાબતે પત્ર લખ્યો હતો, પરંતુ પુરવઠા વિભાગે એ છુપાવી રાખ્યો હોવાનું જણાયું છે. અમે આ વિભાગના ઇન્ચાર્જ સુરેશ વાકોડે સામે કાર્યવાહી કરવાની માગણી પાલિકાના કમિશનરને કરી છે. બીજું, શહેરને પૂરતું પાણી મળી રહે એ માટે કમિશનર એમઆઇડીસીના સીઈઓ સાથે વાતચીત કરીને ઉકેલ લવાશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK