હેલ્થ ઇન્શ્યૉરન્સ ર્પોટેબિલિટી શરૂ થઈ ગઈ છે : તમે શું કરશો?

Published: 15th October, 2011 20:15 IST

મોબાઇલ ર્પોટેબિલિટીનો લાભ લોકોએ લેવાનું શરૂ કર્યું છે અને હવે પહેલી ઑક્ટોબરથી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી પણ ર્પોટેબલ થઈ ગઈ છે. આમ હવે તમારે હાલની ઇન્શ્યૉરન્સ પૉલિસીને વળગી રહેવું જરૂરી નથી. હવે તમે નવી, સસ્તી ઇન્શ્યૉરન્સ પૉલિસી લઈ શકો છો. ઇન્શ્યૉરન્સ ક્ષેત્રની નિયામક સંસ્થા આઇઆરડીએએ હેલ્થ ઇન્શ્યૉરન્સને ર્પોટેબલ બનાવ્યો છે. જેને લીધે તમે જૂના ઇન્શ્યૉરન્સના ફાયદા જાળવી રાખીને ઇન્શ્યૉરન્સ કંપની બદલી શકો છો.

(મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા)

મોટા ભાગના લોકો પોતાની હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં સેવા નબળી હોય તો પણ એ ચલાવી લે છે અને નવી પૉલિસી નથી લેતા, કારણ કે તેમને એવો ડર હોય છે કે જો તેઓ ઇન્શ્યૉરન્સ પૉલિસી બદલશે તો જૂની પૉલિસીના લાભ જતા રહેશે. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે જ્યારે તમે નવી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી લો ત્યારે તમને એક નવા કસ્ટમર ગણવામાં આવે અને તમારી પહેલાંની બીમારીઓને કવર કરી લેવા માટે એકથી ચાર વર્ષની રાહ જોવી પડે. આમ છતાં પહેલી ઑક્ટોબરથી સ્થિતિ બદલાઈ ગઈ છે.

હેલ્થ ઇન્શ્યૉરન્સ ર્પોટેબિલિટી એટલે શું?

ર્પોટેબિલિટી એટલે તમારી હાલની હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીને એક નવી ઇન્શ્યૉરન્સ કંપનીમાં ટ્રાન્સફર કરવી, પણ એ રીતે કે એમાં જૂની પૉલિસીમાં મળતા લાભ જતા ન કરવા પડે. હાલની પૉલિસીમાં તમે જે ક્રેડિટ કે બૉનસ પૉઇન્ટ્સ મેળવ્યા હોય એ પણ નવી પૉલિસીમાં ટ્રાન્સફર થઈ જાય છે. ર્પોટેબિલિટીનો લાભ પરિવારના બધા જ સભ્યોને મળી શકે છે.

ર્પોટેબલ પૉલિસીઓ જે ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે એ અનુસાર નૉન-લાઇફ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓ જ ર્પોટેબલ છે. સામાન્ય રીતે નૉન-લાઇફ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી બેઝિક હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લેવામાં આવે છે અને આ પ્રકારની હેલ્થ પૉલિસીને ર્પોટેબલ બનાવવામાં આવી છે.

નૉન-લાઇફ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી હેલ્થ ઇન્શ્યૉરન્સ યુનિવર્સમાં અગાઉથી નક્કી થયા મુજબની બીમારી માટે એક નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે, પરંતુ ર્પોટેબિલિટી એને લાગુ ન પડે એવું પણ બને.

તમે તમારી ગ્રુપ ઇન્શ્યૉરન્સ પૉલિસીને પણ વ્યક્તિગત પૉલિસીમાં બદલી શકો છો. ગ્રુપ ઇન્શ્યૉરન્સ પૉલિસી સામાન્ય રીતે તમારા એમ્પ્લૉયર અપાવતા હોય છે. ગ્રુપ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં વ્યક્તિને બદલે આખા ગ્રુપનો ઇન્શ્યૉરન્સ કવર થાય છે.

ર્પોટેબિલિટીના ફાયદા

 • બધી જ ઇન્શ્યૉરન્સ કંપનીઓ પાસેથી તમે સારી સેવાની અપેક્ષા રાખી શકો છો.
 • બધી જ કંપનીઓ ક્લેમ સેટલમેન્ટ વધુ સારી રીતે કરશે.
 • તમને વધુ સારી પ્રોડક્ટ મળશે અને પ્રીમિયમ પ્રમાણમાં ઓછાં રહેશે.
 • તમે નવી હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપની તરફ વળો ત્યારે અગાઉની પૉલિસીના તમારા કોઈ જ લાભ તમારે જતા નહીં કરવા પડે.
 • તમે નવી પૉલિસી તરફ વળો ત્યારે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીના લાભ મેળવવા માટે અગાઉ ૩૦ દિવસની રાહ જોવી પડતી હતી, એ હવે નહીં જોવી પડે.
 • તમારું જમા થયેલું બોનસ નવી પૉલિસીમાં ટ્રાન્સફર થઈ શકશે.
 • ગ્રુપ હેલ્થ ઇન્શ્યૉરન્સમાં મેડિકલ હિસ્ટરી અને ક્લેમ્સ જોયા પછી ઇન્શ્યૉરર વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યૉરન્સ આપી શકશે અને એક વર્ષ પછી એ ર્પોટેબલ બની જશે.


પૉલિસી બદલવાની પ્રક્રિયા

 • તમારી હાલની પૉલિસીની રિન્યુઅલની તારીખના કમસે કમ
 • ૩૦-૪૫ દિવસ પહેલાં તમારે નવી ઇન્શ્યૉરન્સ કંપનીમાં અપ્લાય કરવું જોઈએ.
 • ર્પોટેબિલિટીના ફૉર્મની સાથે તમારે નવી ઇન્શ્યૉરન્સ કંપનીનું પ્રપોઝલ ફૉર્મ ભરવું પડશે.
 • સાત દિવસની અંદર નવી ઇન્શ્યૉરન્સ કંપની હાલની ઇન્શ્યૉરન્સ કંપની પાસેથી તમારી પૉલિસીના મેડિકલ હિસ્ટરી તથા ક્લેમ્સને લગતી વિગતો મગાવશે.
 • પૉલિસીહોલ્ડરની મેડિકલ હિસ્ટરી તથા ક્લેમ્સ જોઈને નવી ઇન્શ્યૉરન્સ કંપની પૉલિસીહોલ્ડરની અરજી નકારી શકે છે, પરંતુ જો કંપની ૧૫ દિવસની અંદર તમારી અરજી નકારે નહીં તો આપોઆપ એનો સ્વીકાર થયો છે એવું માની શકાય.


ર્પોટેબિલિટીની અનિશ્ચિત બાબતો

 • હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સની વિશેષતાઓ અલગ-અલગ હોય છે.
 • તમે રિન્યુઅલના સમયે જ પૉલિસી બદલાવી શકો છો.
 • તમારી હાલની બીમારી માટે નવી કંપની લૉડિંગ ચાર્જ લગાવીને પ્રીમિયમ વધારી શકે છે.
 • ગ્રુપ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં મૅટરનિટીને લગતા લાભ કદાચ વ્યક્તિગત પૉલિસીમાં ન મળે એવું પણ બને.
 • અમુક કંપનીઓ ક્લેમ ન કરવા માટે કોઈ બોનસ નથી આપતી કે બોનસ એકત્ર થવા નથી દેતી એટલે જો તમે આવી કંપનીમાં તમારી પૉલિસી શિફ્ટ કરો તો તમે બોનસ ગુમાવી શકો છો.


તમારે શું કરવું જોઈએ?

હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીઓ વધુ સારી સેવા પૂરી પાડે એ દિશામાં હેલ્થ ઇન્શ્યૉરન્સ ર્પોટેબિલિટી એક સારું પગલું છે, પરંતુ ઇન્શ્યૉરન્સ કંપની બદલતાં પહેલાં એના લાભાલાભ વિશે વિચારી લો. તમારી હાલની બીમારીને અત્યારના ઇન્શ્યૉરન્સ કંપની કવર કરતી હોય, પરંતુ નવી કંપની કદાચ એને પ્રિએક્ઝિસ્ટિંગ ગણે અને તમારી પાસેથી કદાચ થોડા વધુ પૈસા પડાવે એ પણ શક્ય છે.

આથી હું તો એવું સૂચવીશ કે વેઇટ ઍન્ડ વૉચ. પહેલા જ દિવસે પહેલા જ શોમાં પિક્ચર જોવાનું જરૂરી નથી. ઇન્શ્યૉરન્સ કંપનીઓ પ્રક્રિયાને સરળ બનાવે એની રાહ જુઓ. એ દરમ્યાન તમે સારામાં સારી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસી શોધી રાખો. તમે જે કંપનીની પૉલિસી ધરાવો છોે એ કંપની જ કદાચ પોતાની હાલની પ્રોડક્ટ્સને અપગ્રેડ કરશે અને કદાચ પ્રીમિયમ પણ ઘટાડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK