Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આત્મનિર્ભર પર્યુષણ

આત્મનિર્ભર પર્યુષણ

15 August, 2020 07:03 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આત્મનિર્ભર પર્યુષણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી જૈન સમુદાયનું પ્રવાધિરાજ પર્યુષણ શરૂ થઈ રહ્યું છે. અત્યારે મુંબઈમાં લગભગ ૩૫ જેટલા જૈનાચાર્યો છે અને છતાં નજીકમાં રહેલાં સાધુ-સાધ્વી મહારાજો સુધી શ્રાવક-શ્રાવિકાઓ જઈ શકવાનાં નથી. પર્યુષણ દરમ્યાન મહત્તમ સમય દેરાસરો અને ઉપાશ્રયોમાં વ્યતીત કરતા જૈનો માટે આ વર્ષ સાવ જુદું છે. ત્યારે અમે મુંબઈમાં બિરાજમાન કેટલાક જૈન મહાત્માઓ પાસેથી ઘરમાં રહીને પણ પર્યુષણની આરાધનાને પાવરફુલ બનાવી શકાય એની ટિપ્સ જાણી, જે આપની સમક્ષ પ્રસ્તુત છે.

આ વખતે દરેક ઘર જિનમંદિર બનશે અને દરેક ઘર ઉપાશ્રય બનશે: ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી



પર્યુષણનો અર્થ થાય છે સંઘમેળો. આખો જૈન સમુદાય એકત્ર થઈને દાન, શીલ, તપ અને ભાવ ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરતો હોય છે. અત્યારના સમય અને સંજોગોને કારણે ઉપાશ્રયો અને દેરાસરો સૂનાં પડ્યાં છે છતાં એને કારણે પર્યુષણનો ઉત્સાહ જરાય શમ્યો નથી. આ રીતે કંઈક વાતની શરૂઆત કરતાં બોરીવલીના મંડપેશ્વર સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે, ‘ભલે સરકારી ગાઇડલાઇન પ્રમાણે દેરાસરમાં નથી જવાનું પણ ઘણા જૈનોએ પોતાના ઘરમાં પ્રભુજીને પધરાવ્યા છે. ઘરે-ઘરે જિનભક્તિનો નાદ ગુંજી રહ્યો છે. ઘરમાં જ સ્નાત્રપૂજા, શક્રસ્તવ અભિષેક, અષ્ટપ્રકારી પૂજા, ભક્તિભાવના વગેરે દ્વારા ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ મેળવી શકાય. પર્યુષણનું બીજું કર્તવ્ય હોય છે શ્રવણ. પંન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ, આચાર્ય અજિત શેખરસુરી મહારાજ વગેરેનાં અષ્ટાન્હિકા તથા કલ્પસૂત્રો આદિ પ્રવચનોની પ્રતો ઘણાં ઘરોમાં છે. એનું વાંચન આખો પરિવાર સાથે બેસીને કરી શકે, ભગવાન મહાવીરના જીવનચરિત્રનું વાંચન કરી શકાય, પર્યુષણ પર પ્લૅટિનમ પર્યુષણ નામના આઠ અંકો પ્રકાશિત થયા છે એ પણ વાંચવા જેવા છે. પૌષધને બદલે ઘરમાં જ રહીને બે પ્રતિક્રમણ, આઠ સામાયિક અને એકાષણું કરીને દેસાવગાસિક કરી શકાય. બીજું, પર્યુષણમાં પ્રતિક્રમણ કરવાનો ક્રેઝ સર્વાધિક હોય છે. એના માટે પણ બહેનો અને ભાઈઓ અલગ-અલગ સોસાયટીમાં કોઈના ઘરે ભેગાં થઈને પ્રતિક્રમણ કરી શકે અને આ વખતે સૂત્રો બોલવાની પણ તક મળશે. તપ કરવામાં પણ કોઈ અડચણ આ વખતે નડવાની નથી. ભગવાનના જન્મવાંચનના દિવસે પરિવાર સાથે મળીને બપોરે ચાર વાગ્યે ત્રણ નવકાર ગણીને સ્નાત્રની આ પહેલી પંક્તિ ગાઈ શકે. ‘શુભ લગ્ને જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત’. એ પછી થાળી ડંકો વગાડીને ચોખાથી ભગવાનની મૂર્તિ અથવા ફોટોને વધાવીને જન્મોત્સવ ઊજવી શકાય અને પછી હાલરડું પણ સાથે ગાવામાં આવે. દાનધર્મમાં પણ કોઈ નડતર થવાનું નથી. હા, દેવ-ગુરુ પ્રત્યક્ષ નહીં હોવાનો રંજ રહેશે તો તેમાં પણ તેમને માનસિક રીતે ધારણ કરીને હજીયે પર્યુષણની શ્રેષ્ઠ ઉજવણી કરી જ શકાય છે.’


આરાધના ન ખોરંભાય એ માટેના ઘણા ઉત્તમ વિકલ્પો લોકોએ શોધી કાઢ્યા છે: આચાર્ય શ્રી રત્નસુંદરસુરીશ્વરજી

બોરીવલી (વેસ્ટ)માં ગીતાંજલિ જૈન સંઘમાં બિરાજમાન પદ્મભૂષણ આચાર્ય શ્રીરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબની દૃષ્ટિએ આ પર્યુષણ કંઈક જુદા જ નવા પર્યાયો લઈને આવ્યું છે. મુંબઈમાં લગભગ બારસોથી વધારે પરિવારોએ પોતાના ઘરે દેરાસરમાંથી ધાતુની પ્રતિમા લાવીને ઘરમાં ભગવાનની પધરામણી કરી છે અને પહેલાં કરતા હતા એના કરતાં વધુ ભક્તિ પોતાના જ ઘરમાં ભગવાનની સમક્ષ લોકો કરી રહ્યા છે. આગળ તેઓ કહે છે, ‘બેશક અત્યારે ધર્મસ્થાનકોમાં જવાનું બંધ થયું છે, પરંતુ એની સાથે અત્યારના સમયનો સૌથી સારો ફાયદો એ થયો છે કે લોકોનું પાપનાં સ્થાનોમાં જવાનું પણ બંધ થયું છે. પર્યુષણમાં આનો સર્વાધિક ઉપયોગ થઈ શકવાનો છે. અત્યાર સુધી પોતાના કામધંધાને લીધે પર્યુષણ દરમ્યાન પણ મજબૂરીને કારણે ઘરની બહાર રહેવું પડતું હતું એવા લોકો પણ આ વખતે પર્યુષણમાં ઘરમાં હશે. આપણે ત્યાં પાપની નિવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ એમ બે પ્રકારે ધર્મ થાય છે. ઘરમાં જ રહેવાને કારણે ઘણાં પાપોમાંથી બચી શકાશે. બીજી એક મહત્ત્વની વાત તમને કહું કે ધર્મ ચાર પ્રકારમાં વહેંચાયો છે - શ્રુતિ, રુચિ, કૃતિ અને સ્મૃતિ. તમે પ્રવચનો સાંભળો, સારાં ધાર્મિક પુસ્તકો વાંચો એ રીતે જે ધર્મ તમારામાં પ્રવેશે એને શ્રુતિ કહેવાય. એ સાંભળ્યા પછી તમારામાં એના પ્રત્યે લગાવ જાગે, તમે એ ગમવા માંડે એ સ્થિતિ રુચિની છે. ગમ્યા પછી તમે એને અનુરૂપ વ્યવહાર કરો, એને આચરણમાં ઉતારો એ છે કૃતિ અને છેલ્લે આચરણ સાથે પણ તમારા મનમાં એ ધર્મ કાયમ માટે સ્થાપિત થવા માંડે, તમારા અસ્તિત્વનો હિસ્સો બની જાય એ પ્રકાર આવે સ્મૃતિનો. અત્યારે લૉકડાઉનને કારણે કદાચ તમે પ્રભુની વાણીને સાંભળી નહીં શકતા હો પરંતુ એના પણ ઘણા નવા પર્યાયો ઉપલ્બ્ધ થયા છે. પુસ્તકો વાંચી શકાય એવો સમય મળ્યો છે. એટલે ધર્મના એકેય પ્રકારમાં આગળ વધવામાં તમને અડચણ પડવાની નથી. આ પર્યુષણમાં વધુમાં વધુ સામાયિક, પ્રતિક્રમણ, તપ, જાપ, સ્વાધ્યાય, મૌનની સાધના જેવું ઘણું કરી શકાય એમ છે. મને કેટલાક લોકો એવા મળ્યા જેમણે કહ્યું કે સાહેબ, અત્યાર સુધી ઘરની બહાર જવું પડતું હતું એટલે તપ નહોતું થતું, આ વખતે ઘરે જ છીએ એટલે અઠ્ઠાઈ તો કરી જ લેવી છે. પર્યુષણમાં ભલે દેરાસર અને ઉપાશ્રયોમાં અવરજવર નહીં થઈ શકે, પરંતુ એને કારણે તમારી ધર્મક્રિયાઓ ક્યાંય અટકવાની નથી. કેટલાક લોકો એવા મળ્યા છે જેઓ પોતાના ઘર દેરાસરમાં આજુબાજુના લોકોને પૂજા કરવા માટે વ્યવસ્થા કરવાના છે. માસ્ક પહેરીને ભગવાનની ભક્તિ થશે, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે પ્રભુપૂજા કરવા લોકો ભેગા થશે. મારો એવો અંદેશો છે કે આ વર્ષે ઍવરેજ વર્ગ પર્યુષણમાં વધુ આરાધના કરશે અને અંતરથી દેવાધિદેવ પરમાત્માને પ્રાર્થના પણ કરશે કે આખા વિશ્વ પર આવેલી આ આપત્તિમાંથી સૌને બહાર કાઢો. સૌને શાતા આપો અને સમસ્ત વિશ્વને વ્યાધિથી મુક્ત કરો. મારી દૃષ્ટિએ આ પર્યુષણમાં નિરાશ થવાની તો સહેજ પણ જરૂર નથી.’


સોશ્યલ ડિસ્ટન્સિંગ અને કાયદાનું પાલન કરીને પણ આરાધના કરવી તો સોએ સો ટકા શક્ય છે: ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજયયુગભૂષણસુરી (પંડિત મ.સા)

ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજયયુગભુષણસુરી (પંડિત મ.સા) ડોમ્બિવલીમાં ચાતુર્માસ માટે બિરાજમાન છે. તેમણે તાજેતરમાં પર્યુષણમાં કઈ રીતે તમામ જૈન સંઘો આરાધનામાં વિક્ષેપ ન પડે અને કોઈ પણ સરકારી નિયમોનો ભંગ પણ ન થાય એનું માર્ગદર્શન આપતો એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો. પર્યુષણ દરમ્યાન તેમનાં જૂનાં પ્રવચનોની ઑડિયો શ્રાવકના અવાજમાં રિલીઝ કરવામાં આવશે. પોતાના એક ભક્તના માધ્યમે તેઓ કહે છે, ‘ભક્તિ માટે કદાચ દેરાસર નહીં જઈ શકાય તોયે ઘર મંદિરથી ઓછું નથી. ઘરમાં જ સ્થાપિત ભગવાનની મૂર્તિ કે ફોટો સમક્ષ ભક્તિ કરી શકાશે. ઇન ફૅક્ટ આ વર્ષે તો જે થશે એમાં આખો પરિવાર વધુ એક થઈને કરશે. આટલા સમયમાં લોકોને સાથે હળીમળીને કામ કરવાથી અને જીવવાની સુંદર ટેવો પડી છે જે આ પર્યુષણમાં પણ વિશેષ જોવા મળશે. જૈનોમાં પર્યુષણમાં અમુક ક્રિયાઓ મૅન્ડેટરી છે. આખા વર્ષ દરમ્યાન જે ન કરતા હોય એ આ પર્યુષણ દરમ્યાન અચૂક કરે એ એની ખાસિયત છે. એવા સમયે ઘરમાં રહીને કે સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે સોસાયટીઓ દ્વારા આરાધના માટે ઉત્તપ વિકલ્પો ઊભા કરવા જોઈએ. ભલે ઉપાશ્રયનો સામૂહિક માહોલ ન મળે, પરંતુ પરિવારનો અને તમારા આડોશીપાડોશીઓનો સામૂહિક માહોલ કંઈ ઓછો મહત્ત્વનો નથી. મારી દૃષ્ટિએ આ સમયે આરાધનાને વિકેન્દ્રિત કરીને પણ તેને કન્ટિન્યુ કરવી જોઈએ. આસપાસમાં મૅરેજ હૉલ, સ્કૂલ જેવી જ્યાં-જ્યાં ઓપન સ્પેસ મળે ત્યાં લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ઉચિત આરાધના કરવાની તક મળવી જોઈએ. એવી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં લોકોનું રજિસ્ટ્રેશન થાય, વધારાની એક પણ વ્યક્તિ ન હોય અને રજિસ્ટ્રેશન થયું હોય એટલા લોકોની વ્યસ્થા કાયદાના પાલન સાથે થાય તો ભીડ થવાની સંભાવના જ ન રહે. ઘણા સુજ્ઞ શ્રાવકો અને જાણકારો પણ આ દિશામાં આગળ આવીને લોકોને માર્ગદર્શક તરીકે સહકાર આપવો જોઈશે. સાધુ તરીકે કેટલીક પ્રતિજ્ઞાઓનો ભંગ કરીને અમે ઑનલાઇન ડાયરેક્ટ ન આવી શકીએ, પરંતુ એમાં શ્રાવકોની સહાયથી ચોક્કસ ભાવિક વર્ગોને ધર્મક્રિયામાં સહાયભૂત થઈ શકાશે.’

અહીં ઉલ્લેખનીય છે કે પૂજ્ય શ્રી પંડિતજી મહારાજસાહેબે પર્યુષણ દરમ્યાન જૂનાં પ્રવચનોને શ્રાવકના અવાજમાં રેકૉર્ડ કરીને એને વૉટ્સઍપ દ્વારા લોકો સુધી વહેતાં મૂકવામાં આવશે. તેમ જ પર્યુષણ પછી જ્યોત નામની ઍપ્લિકેશન દ્વારા પણ યુવાનોને પ્રેરિત કરે એવી ઘણી ઍક્ટિવિટી કરવામાં આવશે.

આ એક પરીક્ષા છે અને અમને વિશ્વાસ છે કે જૈનો એમાંથી ધાર્યા કરતાં વધુ સરળતાથી પાર પડશે: આચાર્યશ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબ

ભાયખલામાં બિરાજમાન આચાર્ય શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબની દૃષ્ટિએ અત્યારનો સમય ખરેખર જાતને તપાસવાનો સમય છે. તેઓ કહે છે, ‘અત્યાર સુધી દેવ-ગુરુના આલંબન સાથે દેરાસરો અને ઉપાશ્રયોમાં નિયમિત હાજરી આપીને જે ધર્મ આરાધના કરી એ તમારામાં કેટલી ઊંડી ઉતરી એની કસોટી અત્યારે છે. જાતને ઢંઢોળવાનો અને જાતને ચકાસવાનો સમય છે. ઘરમાં રહીને આત્મજ્ઞાનને આપણે કેટલું આત્મસાત કરી શક્યા એની ઊલટતપાસ જાત પાસે લઈ શકાય એવી નિરાંતનાં આ પર્યુષણ છે જેમાં આરાધના, આરાધના અને માત્ર આરાધના માટે જ સમય છે એમ સમજીને ચાલો. ઇચ્છો એટલાં સામાયિક કરી શકો છો, જેટલા વિધિપૂર્વક થઈ શકે એટલાં પ્રતિક્રમણ કરી શકો છો. પર્વાધિરાજ પર્યુષણમાં પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાનું ધ્યેય હોય છે. આરાધના બે પ્રકારની હોય છે. પહેલી, વિરાધના ટાળવાની અને આરાધના કરવાની. આ લૉકડાઉનમાં ઘણા અંશે વિરાધના ટાળવાનું શક્ય છે. ઘરમાં રહીને ઓછામાં ઓછી વિરાધના થાય, જીવદયાનું પાલન થાય, વાહન કે લિફ્ટનો ઓછામાં ઓછો ઉપયોગ એવા પ્રયત્નો કરજો. બીજી, ઘરે રહીને સ્વાધ્યાય કરજો, વધુને વધુ સામાયિક કરજો જે પૌષધનો વિકલ્પ બનશે, સત્તર ત્રિકાળ ભક્તિ કરવાની. આખો પરિવાર સાથે રહીને ત્રિકાલ આરાધના કરી શકે એવો આ સુવર્ણ અવસર છે એ રીતે પણ આને જોઈ શકાય.’

પૂજ્ય રાજહંસસૂરીજીનાં અત્યારે પણ ઑનલાઇન પ્રવચન શરૂ થયાં છે, જે પર્યુષણમાં પણ ચાલુ રહેશે. જોકે કલ્પસૂત્ર, બારસાસૂત્ર જેવાં પવિત્ર આગમોનું પઠન ઑનલાઇન નહીં થઈ શકે.

અત્યાર સુધી વર્તમાન જોગ બોલ્યા છીએ, હવે એને જીવી દેખાડવાનું છેઃ આચાર્ય શ્રી રાજયશસૂરીજી મહારાજસાહેબ

‘તમે અત્યાર સુધી જેટલાં પણ પ્રવચનો સાંભળ્યાં, જેટલી પણ આરાધના કરી, જે પણ પૂજાપાઠ કર્યા એ બધાનું જ અંતિમ લક્ષ્ય એક જ હતું કે તમારા મનના કષાયો દૂર થાય અને તમે નિર્મળ મન સાથે આત્મા પર બાઝેલા કર્મનો ક્ષય કરો.’

મુલુંડ  સર્વોદયનગરમાં ચાતુર્માસ કરી રહેલા આચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજના આ શબ્દો છે. આ દિવસોમાં ઘરે રહીને પણ પોતાનું એકાંત શોધીને વધુમાં વધુ ધ્યાન અને સામાયિક દ્વારા વિરતીમાં રહીને સ્વાધ્યાય કરવાની  સલાહ આપતાં આચાર્યશ્રી આગળ કહે છે, ‘બેશક, આ વર્ષે રીત બદલાશે, સ્થાન બદલાશે પણ મારી દૃષ્ટિએ ભાવ વધુ સુદૃઢ થશે. મહામારી વચ્ચે ઘણી અનિશ્ચિતતાઓ જોઈ લીધા પછી સંસારના સાચા સ્વરૂપનું પણ ઘણા સામે અનાવરણ થઈ ચૂક્યું હશે. આનાથી વધુ શ્રેષ્ઠ સમય ધ્યાનનો અને આત્મચિંતનનો કયો હોઈ શકે? દેરાસર નથી જઈ શકાતું તો કંઈ નહીં, તમારા ઘરમાં બિરાજમાન પરમાત્મા સાથે સેતુ સાધો, દેરાસરમાં જઈને આટલાં વર્ષો સુધી પ્રભુભક્તિ કરી છે તો શું હવે એ જ પ્રભુ તમારા હૃદયમાં બિરાજમાન નહીં થઈ ગયા હોય? આજે તમારા હૃદયમંદિરમાં બિરાજમાન પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધવાનો અવસર મળ્યો છે એને સાધી લો. સગવડ હોય તો પર્યુષણમાં પ્રભુપૂજાનો કલ્પ સચવાઈ રહે એ માટે ઘર દેરાસરોમાં જઈને પૂજા કરી આવો, પણ એવું શક્ય ન હોય તો મૂંઝાવાની જરૂર નથી. મનમંદિરમાં બિરાજમાન પરમાત્માની ભાવપૂજા કરતાં તમને કોઈ નહીં રોકી શકે. કદાચ અત્યાર સુધીનાં તમામ પર્યુષણોમાં તમે કરેલી ક્રિયાઓ કરતાં આ વર્ષે જુદા ઢંગથી ક્રિયા કરવાની આવશે, પરંતુ એ સહજ છે. તમે ક્યારેય જૈન સાધુને ઘરે વહોરવા પધારવા કહો કે અન્ય કોઈ પણ કાર્ય માટે કહો ત્યારે પ્રભુવીરના શાસનમાં એક સરસ શબ્દ છે, ‘વર્તમાન જોગ’. એટલે કે વર્તમાનની જે સ્થિતિ હશે એ મુજબ આગળ વધીશું. અત્યારની આ જ વર્તમાન સ્થિતિ છે તો એનો સ્વીકાર કરીને એ મુજબની આરાધના કરો. સામાયિક, પ્રતિક્રમણ, તપ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, મંત્રજાપ જેવી બધી જ આરાધના ઘરે રહીને શ્રેષ્ઠ ભાવો સાથે તમે કરી જ શકો છો અને તમારે કરવી જ જોઈએ.’

આચાર્યશ્રી દ્વારા સંઘની વિનંતીને ધ્યાનમાં રાખીને પર્યુષણ પહેલાં વીસેક મિનિટનાં પ્રવચનો છેલ્લા બે ત્રણ મહિનાથી વર્ચ્યુઅલ પ્લૅટફૉર્મ પર શરૂ કવામાં આવ્યાં છે, જેને પર્યુષણમાં પણ કન્ટિન્યુ કરવામાં આવશે.

સાધના અને ચિંતનને વધારવાનો આનાથી ઉત્તમ સમય નહીં મળે: દિવ્ય તપસ્વી આચાર્ય શ્રી હસંરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ

અત્યાર સુધીમાં ત્રણ વાર ૧૮૦ ઉપવાસ, ૭૪થી વધુ માસક્ષમણ તેમ જ ગુણરત્નસંવત્સર નામનું તપ કર્યું છે, ૪૬૦ દિવસના આ તપમાં ૪૦૭ દિવસ સંપૂર્ણ નકોરડા ઉપવાસ હોય છે. પોતાના આખા જીવનમાં લગભગ સાડાત્રણ હજારની આસપાસ તો માત્ર નકોરડા ઉપવાસ કરનારા આજે ૫૬મો ઉપવાસ ધરાવતા તપશિરોમણિ આચાર્યશ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અત્યારે કાંદિવલીની શંકર ગલીમાં તપ અને જપમાં લીન છે. તેમના વતી તેમના શિષ્ય મુનિ પુણ્યધ્યાન વિજયજી મહારાજસાહેબ કહે છે, ‘એકાંતમાં જેમ યોગીનો યોગ વધે અને ભોગીનો ભોગ વધે છે એમ આ કોરોના કાળમાં શૂરવીર અને આધ્યાત્મિક પુરુષોની સાધના વધશે. ચિંતન વધશે અને એવા જ પ્રયત્નો પણ થવા જોઈએ. આ સમયમાં સમજદારી નહીં કેળવે તેમની ચિંતા વધશે. ધર્મથી વિમુખ થયેલા લોકોનાં પાપ વધશે, જ્યારે ધર્મમાં આસ્થા ધરાવતા લોકોએ આ પર્યુષણને સાત્વિકતા સાથેની ધર્મક્રિયાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. પુસ્તકો દ્વારા તમારી ક્રિયા પાછળના હાર્દને સમજીને એને વધુ ભાવો સાથે કરવાના પ્રયાસો કરવા જોઈશે. વધુને વધુ શરીરની નશ્વરતા, કર્મની સૂક્ષ્મતા અને આત્માની વિશાળતાને નજર સામે રાખીને દરેક ક્રિયા પ્રત્યે સભાનતા રાખવાનો આ સમય છે. પ્રત્યેક મંત્રના જાપમાં, પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક ક્ષણમાં તમે ઓતપ્રોત થઈ જાઓ અને પ્રભુમય બની જાઓ એવી આરાધના આ પર્યુષણ દરમ્યાન તમે કરી શકો છો. એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે જ્યારે સમય સહકાર ન આપતો હોય ત્યારે ધર્મનું શરણું સ્વીકારવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. ઘરમાં રહેલા વડીલોની સેવા, દેવગુરુની છબિ સામે રાખીને તેમનું ધ્યાન, તેમનું સ્મરણ અને ઘરમાં જ પ્રદક્ષિણા, ઉપવાસ આદિ તપ કરવાં યોગ્ય છે. સામાયિક, પ્રતિક્રમણ સહિતની શક્ય હોય એટલી આરાધના ઉપરાંત અત્યાર સુધી કરેલા તમામ દુષ્કૃત્યોની હૃદયપૂર્વકની ક્ષમાપના યાચવાનો આ અવસર છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 07:03 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK