ઘર, છોકરાઓ અને ઑફિસ એમ ત્રેવડી જવાબદારી એક પુરુષથી કેવી રીતે સંભાળાય?

Published: 17th November, 2011 08:45 IST

આ બળાપો કાઢે છે કાંદિવલીના મહેશ એન્જિનિયર. તેમની પત્ની બીના એક કંપનીની ડિરેક્ટર હોવાને લીધે તેમને વારંવાર આઉટડોર ટ્રિપ પર જવાનું થાય ત્યારે મહેશભાઈની ઘરમાં કેવી દુર્દશા થાય છે એ જોઈએ(પીપલ-લાઇવ - પત્ની જાય જ્યારે બહારગામ - રૂપાલી શાહ)

મોટે ભાગે પત્ની બહાર કામ કરતી હોય ત્યારે પતિદેવને માથે ઘરની આગળપાછળની જવાબદારીઓ ઓછેવત્તે અંશે ખડકાતી રહે છે. મૂળ સુરતના, પણ મુંબઈમાં જ જન્મીને મોટા થયેલા અને કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા ૪૩ વર્ષના મહેશ એન્જિનિયર અને તેમનાં પત્ની બીના બન્ને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. મહેશ વ્યવસાયે કમ્બાલા હૉસ્પિટલિટી પ્રાઇવેટ કંપનીના સીએફઓની પદવી સંભાળે છે, જ્યારે પત્ની બીના સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ડાયરેક્ટરનો હોદ્દો સંભાળે છે. કંપની તરફથી પત્નીને વારંવાર બહારગામ જવાનું હોવાથી સંતાનોની જવાબદારી કે અન્ય ઘરેલુ ઉપાધિઓ અને સમસ્યાઓને મહેશ કેવી રીતે હેન્ડલ કરે છે? ૧૨ વર્ષના મોટા દીકરા મનન અને તેનાથી નાની ૧૦ વર્ષની દીકરી આભા સાથે બેસી આ સમય દરમ્યાન થતા નાનામોટા ગોટાળા તથા સ્વજનોના ‘આર્ટ ઑફ બૅલેન્સિંગ’ની વાતો તેમના જ શબ્દોમાં...

હવે નથી ગમતું

મોટા ભાગે પત્ની થોડા સમય માટે બહાર જાય ત્યારે પતિદેવો પાજરામાંથી પંખી છૂટે એવી સ્વતંત્રતા અનુભવતા હોય છે. મહેશભાઈ પણ આવું જ કંઈક મહેસૂસ કરતા હતા એ વિશે તેઓ કહે છે, ‘લગ્નની શરૂઆતના દિવસોમાં પત્ની બહારગામ જતી ત્યારે પાછો બૅચલર બની ગયો હોઉં એટલી લિબર્ટી લાગતી, પણ હવે તે ન હોય તો તેના વગર નથી ગમતું. મેન્ટલી ડિસ્ટર્બ રહેવાય છે. હવે એ આદત બની ચૂકી છે. તે ન હોય તો છેક મોડી રાત્રે લગભગ ત્રણ-ચાર વાગ્યા સુધી ટીવી જોતો રહું છું એટલે પછીના દિવસનું આખું તંત્ર ખોરવાઈ જાય છે.

ફ્રીક્વન્ટ ટ્રિપ

પત્નીનો વર્ક-પ્રોફાઇલ પણ કંઈક એવો છે કે મહેશભાઈના માથે વારે-વારે ઘરની જવાબદારી આવી પડે છે એ વિશે તેઓ કહે છે, ‘આમ તો બીનાની ઑફિસ ગોરેગામમાં આવેલી છે, પણ કંપનીની ડાયરેક્ટર હોવાને કારણે તેણે અમદાવાદ, હૈદરાબાદ, દિલ્હી ઉપરાંત લંડન, નૈરોબી જેવા ઓવરસીઝ સ્થળે બિઝનેસ ટ્રિપ માટે અવારનવાર ઊડતાં રહેવું પડે છે. સૌથી પહેલી વાર બીના ત્રણ દિવસ માટે ભુજ ગઈ હતી ત્યારે મારો મોટો દીકરો મનન ફક્ત ચાર કે પાંચ મહિનાનો હતો.’

ડબલ વાર પગાર

સ્ત્રી વિના કેવા ગોટાળા થાય એનો ઉલ્લેખ કરતાં મહેશભાઈ કહે છે, ‘આમ તો ઘરના તમામ નાનામોટા ખર્ચા પર બીના દેખરેખ રાખતી હોય છે. ઉપરાંત નોકર-ચાકરોને પગાર આપવાનું કામ પણ બીનાનું જ છે. એક વાર મહિનાની શરૂઆતમાં જ બીના બહારગામ ગઈ હતી એટલે અમારી ગાડી ધોનારા માણસે આવીને મારી પાસે પગાર માગ્યો. મેં પણ વધુ પૂછપરછ ન કરી. બીના સાથે ચોકસાઈ કર્યા વગર જ તેના હાથમાં પગાર મૂકી દીધો. પાછળથી ખબર પડી કે તે ડબલ પગાર લઈ ગયો હતો! બીનાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી બીનાએ પગાર આપ્યો હોવા છતાં, તે મારી પાસે પણ પગાર લઈ ગયો. પાછળથી પૂછ્યું તો કહે, સૉરી, હું ભૂલમાં લઈ ગયો-એવો ઉડાઉ જવાબ આપી છટકી ગયો.’

યાદ પણ ન રહે

ઘણી વાર કામના અતિરેકમાં કેટલીક વસ્તુઓ ભૂલી પણ જવાય એનો બળાપો કાઢતાં મહેશભાઈ ઉમેરે છે, ‘મારા દીકરા મનનની સ્કૂલ સવારે સાતને વીસની હોય છે, જ્યારે દીકરી આભાની સ્કૂલનો સમય બપોરનો છે. બીના ન હોય ત્યારે સવારે વહેલો અલાર્મ મૂકી, વહેલા ઊઠીને હું મોટા દીકરાને તો સમયસર સ્કૂલમાં પહોંચાડી આવું છું, પણ તેને મૂકીને આવ્યા પછી હજી તો ઘણી વાર છે સાડાસાત જ વાગ્યા છે એવું વિચારી પાછો રિલૅક્સ થઈને સૂઈ જાઉં છું અને પછી દસ વાગ્યે ઑફિસ પહોંચવાની ધમાલમાં કાં તો દીકરાનો નાસ્તો રહી જાય કે કાં તો એનું રોજનું રૂટીન પરવારવામાં મોડું થઈ જાય. એક વાર એવું પણ બન્યું હતું કે સ્કૂલ યુનિફૉર્મ ધોબીને ત્યાં જ રહી ગયો હતો અને છેક છેલ્લી ઘડીએ એ લેવા દોડવું પડ્યું હતું.’

પત્ની વધુ જવાબદાર

ઘરની જવાબદારીઓ પ્રતિ પતિ કરતાં પત્ની હંમેશાં વધુ સભાન હોય છે એનો દાખલો આપતાં મહેશભાઈ કહે છે, ‘બીના ન હોય ત્યારે ઑફિસ ગયા પછી મારા જૉબ પ્રોફાઇલને લીધે ને કામના પ્રેશરને લીધે હું છોકરાઓને આખા દિવસમાં ફોન સુધ્ધાં નથી કરતો! એટલી હદે કે ઘણી વાર તો બીના ન હોય એ વખતે છેક ઘરે આવું ત્યારે યાદ આવે કે અરે, છોકરાંઓ ઘરે એકલાં છે. બીના ક્યાંય પણ હોય મનન એની સાથે અમુક ચોક્કસ સમયે વાત કરી જ લે છે. જોકે, હું કદાચ મારાં બાળકો સાથે આખા દિવસમાં ઑફિસ દરમ્યાન વાત કરવાનું ચૂકી જતો હોઈશ, પણ બીના લંડન, નૈરોબી કે દુનિયાના કોઈ પણ ખૂણે હોય બાળકો સાથે વાત કરવાનું કે તેમની સાથે કમ્યુનિકેશન કરવાનું જરા પણ નથી ચૂકતી.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK