ક્રીએટિવિટી ટેસ્ટઃ આજના આ બે ટકાને કેવી રીતે ઉપર લાવશો?

Published: Nov 09, 2019, 12:36 IST | Sanjay Raval | Mumbai

બાળકોમાં સર્જનાત્મકતા છેક ૯૮ ટકા સુધી હોય અને ૨૧ વર્ષના યંગસ્ટર્સમાં એ બે ટકા જેવી નીચે હોય એ કેવી રીતે શક્ય બને?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વાત હમણાંની છે અને જાણવા જેવી છે.
થોડા સમય પહેલાં અમેરિકાના સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન ‘નાસા’એ ડૉક્ટર જ્યૉર્જ લૅન્ડનો કૉન્ટૅક્ટ કર્યો અને ડૉક્ટર જ્યૉર્જને કહેવામાં આવ્યું કે તમે એક ટેસ્ટ કરો જેનાથી ખબર પડે કે નાસાના સાયન્ટિસ્ટ કેટલા ક્રીએટિવ છે. આગળ વાત કરીએ એ પહેલાં તમને સહેજ આ ડૉક્ટર જ્યૉર્જ લૅન્ડની ઓળખાણ આપી દઉં. ડૉક્ટર જ્યૉર્જ લૅન્ડ મેડિકલ ફીલ્ડમાં બહુ મોટું નામ ધરાવે છે. તેમણે અલગ-અલગ ૭ વિષય પર પીએચડી કર્યું છે. પીએચડીના આ બધા સબ્જેક્ટનો વિષય અલગ રહ્યો છે, પણ એના કેન્દ્રમાં એક જ વિષય રહ્યો છે, ક્રીએટિવિટી અર્થાત્ સર્જનાત્મકતા. સર્જનાત્મકતાનું મૂલ્ય કેવું છે એ આ જગતમાં કદાચ ડૉક્ટર જ્યૉર્જથી વધારે કોઈ નહીં જાણતું હોય એવું કહી શકાય.
જ્યૉર્જને આ કામ સોંપવામાં આવ્યું અને ડૉક્ટર જ્યૉર્જ પોતાના કામ પર મચી પડ્યા. તેમણે સીધા જ ટેસ્ટ કરવાને બદલે અલગ-અલગ ટેસ્ટ ડેવલપ કરી, જેના આધારે એક સર્વે ઊભો થયો અને એ સર્વેમાં અનેક સાયન્ટિસ્ટને સામેલ કરવામાં આવ્યા. એ સામેલ થયેલા સાયન્ટિસ્ટના જેકોઈ ક્રીએટિવિટીના આંકડા આવ્યા એનાથી અનેક લોકોને ઝાટકો લાગ્યો, પણ એ ઝાટકો સહન કરીને બેસી રહેવાને બદલે જ્યૉર્જે એ ટેસ્ટમાં બાળકોને સામેલ કર્યાં અને પરિણામ જોયું. જેકોઈ રિઝલ્ટ આવ્યું એ અચરજ પમાડનારું હતું. તમને જો સહજ રીતે વિચાર આવે કે બાળકોને શું લાગેવળગે આવી ટેસ્ટ સાથે તો જરા સ્પષ્ટતા કરી લઈએ કે ક્રીએટિવિટીને બાળકો કે વડીલો સાથે કોઈ નિસબત નથી હોતી. ઍક્ચ્યુઅલી ક્રીએટિવિટીને ઉંમર સાથે કાંઈ લેવાદેવા નથી હોતી. બની શકે કે બાળકોમાં એ અવ્વલ દરજ્જાની હોય અને યંગસ્ટરમાં ઝીરો લેવલ પર હોય. એવું પણ બની શકે કે એ વડીલોમાં અવ્વલ દરજ્જાની હોય અને પરિવારના મોભી બની ગયેલી નવી પેઢીમાં ઝીરોના સ્તરે હોય. આ ટેસ્ટમાં જેકોઈ આંકડા આવ્યા હતા એ ચોંકાવનારા હતા, વિચારવા માટે મજબૂર કરી દે એવા હતા.
આ ટેસ્ટમાં જે બાળકોને સામેલ કરવામાં આવ્યાં હતાં એ બાળકોની ઉંમર ચારથી પાંચ વર્ષની હતી અને તેમનું રિઝલ્ટ આવ્યું હતું ૯૮ પર્સન્ટ. યેસ, ઉંમર ચારથી પાંચ વર્ષની અને સર્જનાત્મકતાની ક્ષમતા ૯૮ ટકા. ડૉક્ટર જ્યૉર્જ હવે નવી દિશામાં આગળ વધ્યા. તેમણે બાળકોનું એક નવું ગ્રુપ ઊભું કર્યું અને ઉંમર વધારીને ૧૦ વર્ષ કરી. ફરીથી બધી ટેસ્ટ કરવામાં આવી. હવે જે રિઝલ્ટ આવ્યું એ ચોંકાવનારું હતું. ક્રીએટિવિટીની ગુણવત્તા હવે ઓસરી ગઈ હતી અને ૧૦ વર્ષનાં બાળકોમાં એ માત્ર ૩૦ ટકા જેટલી જોવા મળી. વધુ એક ટેસ્ટ. બાળકોની ઉંમર કરવામાં આવી ૧૫ વર્ષ અને નવેસરથી બધી ટેસ્ટ અને સર્વે થયાં. આ વખતે રિઝલ્ટ પહેલાં કરતાં ખરાબ આવ્યું અને ૧૫ વર્ષનાં બાળકોમાં ક્રીએટિવિટીનું સ્તર હતું માત્ર ૧૨ ટકા. યસ, માત્ર ૧૨ ટકા. આ ટેસ્ટને આગળના સ્તરે લઈ જવામાં આવી. ઍડલ્ટ બાળકો એટલે કે ૨૧ વર્ષના યુવાનોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો અને જે પરિણામ જોવા મળ્યું એ સૌથી શરમજનક હતું. રિઝલ્ટ હતું માત્ર બે ટકા. હા, બે ટકા. અહીં વાત પૂરી નથી થતી. ૧૦૦ યંગસ્ટર્સમાં કરવામાં આવેલા આ સર્વેમાં માત્ર બે જ બાળકો એવાં હતાં જેમની સર્જનાત્મકતાની ટકાવારી બે ટકાથી વધારે અને પાંચ ટકાથી ઓછી હતી. એક્ઝૅક્ટ કહેવું હોય તો કહેવું પડે કે બે જ બાળકો એવાં હતાં જેમનામાં સર્જનાત્મકતાનું પ્રમાણ અવ્વલ દરજ્જાનું હતું અને એ ૪.૪ ટકા પર હતું. અહીં આગળ વધતાં પહેલાં મને એક વાત યાદ આવે છે. નાનાં હતાં ત્યારે આપણે એક વાત સાંભળી હશે, મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના નામે કહેવાયેલી એ વાત મુજબ આપણે બધા માત્ર બે જ ટકા દિમાગનો ઉપયોગ કરીએ છીએ, આઇન્સ્ટાઇન સાડાચાર ટકા મગજ વાપરતા. જો આપણે મગજ વધારે વાપરતા, વધારે કસતા થઈ જઈએ તો આપણે આઇન્સ્ટાઇનના સ્તરે પહોંચી શકીએ. આ વાત બહુ સાંભળી છે. મેં તો સાંભળી જ છે અને એ પણ શિક્ષકો પાસેથી સાંભળી છે અને હું માનું છું કે કદાચ આ વાત, દેશભરની સ્કૂલમાં શિક્ષકોએ કરી હશે અને આજે પણ કરતા હશે.
હવે ફરી આપણે ડૉક્ટર જ્યૉર્જ અને પેલાં અમેરિકન બાળકોની ટેસ્ટ પર આવી જઈએ. ૨૧ વર્ષના યંગસ્ટર્સની ટેસ્ટમાં માત્ર બે પર્સન્ટ જ સર્જનાત્મકતા રહી હતી, પણ એવું બનવાનું કારણ શું. એવું તે શું બને છે કે ૧૬-૧૭ વર્ષમાં આપણું બાળક ૯૮ પર્સન્ટથી બે ટકા પર આવી જાય?
ડૉક્ટર જ્યૉર્જ પણ એ શોધવામાં લાગી ગયા. તેમની શોધનું કારણ જુદું હતું. તેમને એ તારણ પર આવવું પડ્યું હતું કે જો આ જ સર્જનાત્મકતાની નુકસાની અકબંધ રહેવાની હોય તો કોઈ પણ હિસાબે એને ઓછું કરવાની કોશિશ કરવી અને કાં તો બાળકોને નાનપણથી જ એવી તાલીમ આપવાની શરૂઆત કરી દેવી કે બાળકોની આ સર્જનાત્મકતા આગળ જતાં પણ અકબંધ રહે. ટેસ્ટ અને સર્વે શરૂ થયાં અને એ શરૂ થયા પછી ડૉક્ટર જ્યૉર્જ એક તારણ પર આવ્યા કે બાળક મોટું થતું-થતું પોતાની જે બ્રિલિયન્સ ગુમાવે છે એની પાછળ બીજું કશું નહીં, પણ તેની સ્કૂલ અને તેનું ભણતર જવાબદાર છે અને એ બન્ને જો જવાબદાર હોય તો એનો અર્થ એ થયો કે આ બધા માટે જવાબદાર આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. જી હા, સ્કૂલ અને એજ્યુકેશન સિસ્ટમ. જે બાળકોને ક્રીએટિવ કરતું નથી, પણ વધારે ને વધારે ડમ્બ બનાવતું જાય છે. બાળકમાંથી અમુક પ્રકારનાં રિસ્ક લેવાની કે જોખમ ખેડવાની માનસિકતા પણ જો કોઈ હણી નાખતું હોય તો એ એજ્યુકેશન સિસ્ટમ છે.
બાળક સારામાં સારી સ્કૂલમાં ભણે એ આપણો આગ્રહ છે, પણ એ સ્કૂલનું એજ્યુકેશન કેવું છે એ ક્યારેય કોઈ પેરન્ટ્સ ચેક કરતું નથી. સ્કૂલમાં ઍર-કન્ડિશનર છે, બીજી એમિનિટીઝ છે, સ્કૂલમાં સેલિબ્રિટીનાં સંતાનો ભણે છે, સ્કૂલનું સ્ટેટસ આપણા સોશ્યલ સ્ટેટસ સાથે મૅચ થાય છે. આ અને આવી જ વાતો સાથે આપણે આપણા બાળકની સ્કૂલ વિશે નક્કી કરીએ છીએ. એક વાત મારે કહેવી છે કે સ્કૂલમાં બાળકને જ્યારે ભણવા માટે મોકલો છો ત્યારે તે એક પ્રકારની પોતાની બૌદ્ધિકતા લઈને ગયું હોય છે. સ્કૂલ તેને ભણાવવાનું શરૂ કરે છે અને સામા પક્ષે એ બાળકને દુનિયાભરના પ્રશ્નો મનમાં આવતા હોય છે. તે સવાલ પણ પૂછે છે, પરંતુ એ સવાલને ટાળી દેવામાં આવે છે. તમે જેલ જોઈ છેને, જેલ. જેની બહાર સળિયા હોય અને આઠ-બાય-આઠની સાઇઝની એક બંધ ઓરડી હોય. એ ઓરડીમાં એક ફુટની બહુ ઊંચે કહેવાય એવી બારી હોય અને એ બારીમાંથી પ્રકાશ કે અવાજ આવ્યા કરે. આ જ દુનિયા અને આ જ જગત તમારું. આપણી એજ્યુકેશન સિસ્ટમ આ જેલ જેવી બનવા માંડી છે. એક બંધ ઓરડીમાં તમને જેકાંઈ ભણાવવામાં આવે એ ૪૦-૫૦ પાનાંની બુકમાંથી હોય. એ બુકની બહાર પણ નહીં જવાનું અને એ બુકની બહારનું કશું પૂછવાનું પણ નહીં. આ સિલેબસની દુનિયા છે અને શિક્ષકોએ આ દુનિયાને, સ્કૂલે એ સિલેબસની દુનિયાને જેલની જેમ સામે મૂકી દીધી છે. બધું એમાંથી જ નક્કી થશે. તમારી ટૅલન્ટ પણ એ ૪૦-૫૦ પેજની બુકમાંથી નક્કી થશે અને તમે કેવા મૂર્ખ છો, ગધેડા જેવા છો એ પણ એ ૪૦-૫૦ પેજની બુકમાંથી નક્કી કરવામાં આવશે. જ્યારે બાળકને કોઈ નવો આઇડિયા કે વિચાર આવ્યો હોય ત્યારે સ્કૂલ એને સિલેબસ સાથે ગોઠવીને એ આઇડિયાને રિજેક્ટ કરી દે છે, કારણ એ સિલેબસમાં નથી.
આ સિસ્ટમને કારણે બાળકના આઇડિયા, તેની જિજ્ઞાસા અને તેનું કુતૂહલપણું મરી જાય છે. મરી રહેલી એ જિજ્ઞાસા પોતાની સાથે સર્જનાત્મકતાને પણ મારી નાખે છે અને ધીમે-ધીમે બાળક સર્જનાત્મકતાની પેલા બે ટકાવાળી દુનિયામાં પહોંચીને ગોખણિયું જ્ઞાન સાથે જોડાઈ જાય છે, જેની કોઈ વૅલ્યુ નથી.
એક ખાસ વાત કહેવાની કે પેલા ડૉક્ટર જ્યૉર્જનું કહેવાનું એમ નથી કે સ્કૂલ બંધ કરી દો કે સ્કૂલમાં બાળકોને ભણાવો નહીં, પણ મારું કહેવું એમ છે કે બાળકને પોતાની એક અલગ દુનિયા છે અને એ અલગ દુનિયાને જો વિકસાવવામાં આવશે તો (અને તો જ) એ બાળક આગળ જઈને પોતાની સર્જનાત્મકતા અકબંધ રાખી શકશે. સ્કૂલમાં જે ભણાવવામાં આવે છે એ અંતિમ નથી એટલે સ્કૂલના એજ્યુકેશનને બાઉન્ડરી નહીં આપો. તમે બનાવેલી એ બાઉન્ડરી તેમને આગળ વધતી રોકે છે. થોમસ આલ્વા એડિસન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, આઇઝેક ન્યુટન અને આપણા એપીજે અબ્દુલ કલામ જેવી પ્રતિભાઓ આજે પણ બાળસ્વરૂપે આપણી વચ્ચે જ છે. તેમને આગળ વધારવામાં આપણે મદદ કરવાની છે. તેમને પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં પણ જરૂરી બદલાવ કરીને એ બધાં બાળકોને કંઈક અલગ રીતે નવું જાણવા મળે, શીખવા મળે એ દિશામાં કામ કરીએ. જો આ બાબતમાં આજે આંખો નહીં ખોલીએ તો યાદ રાખજો કે જે રિઝલ્ટ બે ટકા પર આવ્યું છે એ ભવિષ્યમાં મસમોટું મીંડું બની જશે અને આપણે ત્યારે કશું કરી નહીં શકીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK