કલ ભી આજ ભી...

Published: May 11, 2020, 20:21 IST | Falguni Jadia Bhatt | Mumbai

સોશ્યલ સાયન્સ- હાલમાં જ પૂરી થયેલી રામાયણ તથા પૂરી થવા આવેલી મહાભારત સિરિયલોના પુનઃપ્રસારણની જંગી સફળતા આ વાતનું સૂચન કરે છે. આ સિરિયલોએ નવી અને જૂની બન્ને પેઢીને યાદોના એક તાંતણે બાંધી દીધી છે. કેવી રીતે? આવો સમજીએ...

કોરોના વાઇરસને પગલે હાલ આપણે બધા આ પહેલાં ક્યારેય ન જોયેલા અને કદાચ આ પછી ક્યારેય ન આવનારા સમયના સાક્ષી બન્યા છીએ. તેમ છતાં માનવમૂલ્યો પહેલાં પણ એ જ હતાં અને આગળ જતાં પણ એ જ રહેવાનાં છે. હાલમાં જ પૂરી થયેલી રામાયણ તથા પૂરી થવા આવેલી મહાભારત સિરિયલોના પુનઃપ્રસારણની જંગી સફળતા આ વાતનું સૂચન કરે છે. આ સિરિયલોએ નવી અને જૂની બન્ને પેઢીને યાદોના એક તાંતણે બાંધી દીધી છે. કેવી રીતે? આવો સમજીએ...

આ લૉકડાઉનના સમય દરમિયાન ટીવી પર મહાભારત અને રામાયણ જેવી પૌરાણિક સિરિયલોના પ્રસારણના ભારતીય સરકારના નિર્ણયને આખી દુનિયાએ હરખભેર વધાવી લીધો. ભારતમાં સૅટેલાઇટ ચૅનલો શરૂ થયા બાદ દાયકાઓ બાદ દૂરદર્શનના ટીઆરપી એની ચરમસીમા પર પહોંચી ગયા. શું આવું થવા પાછળનું એકમાત્ર કારણ આ સિરિયલોની લોકપ્રિયતા જ છે? ખબર નહીં, પરંતુ અંગત રીતે મને એવું લાગ્યું કે જાણે થોડા દિવસો માટે મારું બાળપણ પાછું આવી ગયું.
નાના હતા ત્યારે રવિવારની સવારે મારા જેવા ઘરનાં આળસુ બાળકોને વહેલાં ઉઠાડવા માટે મોટેરાઓ દૂરદર્શન પર આવતા રંગોલી નામના કાર્યક્રમનો સહારો લેતા. રવિવારની સવારે હજી જ્યારે અમે ભર ઊંઘમાં ઘોરતાં હોઈએ ત્યારે ઘરના વડીલો મોટા અવાજે રંગોલી ચાલુ કરી દેતાં અને અમે બાળકો આંખો ચોળતાં-ચોળતાં પથારીમાં જ પડ્યાં-પડ્યાં એમાં આવતાં જૂનાં ગીતો જોતાં રહેતાં. ત્યાર બાદ જ્યારે મહાભારત અને રામાયણ જેવી સિરિયલોની શરૂઆત થઈ ત્યારે વડીલોને અમને સમયસર ન્હાઈધોઈને તૈયાર થઈ જવા માટે આગ્રહ કરવાનું કારણ મળી ગયું. અમને પણ ઉચ્ચ ગુણવત્તાવાળી એ સિરિયલોનું એવું ઘેલું લાગ્યું હતું કે સામાન્ય રીતે તેમના આગ્રહોથી દૂર ભાગનારા અમે આ એક બાબતમાં તેમની આજ્ઞા શિરોમાન્ય કરી લેતાં. વળી એ દિવસો જોનારા બધાને એ તો યાદ જ હશે કે જ્યારે ટીવી પર આ સિરિયલો ચાલુ રહેતી ત્યારે રસ્તા પર ટ્રાફિક ઓછો થઈ જતો, બજારો ખાલી થઈ જતી અને મકાનોમાં સન્નાટો છવાઈ જતો. બધાં ઘરોમાંથી માત્ર આ સિરિયલોના ટાઇટલ સૉન્ગનો જ અવાજ સાંભળવા મળતો.

ramayan
કંઈક આવાં જ દૃશ્યો આ લૉકડાઉન દરમિયાન જોવા મળ્યાં. રસ્તાઓ તો ખાલી છે જ, મકાનો પણ જાણે સૂમસામ થઈ ગયાં છે. એવામાં જ્યારે મહાભારત અને રામાયણનું પ્રસારણ ચાલુ થાય છે ત્યારે બધાનાં ઘરોમાંથી એકસાથે જાણે એમનાં ટાઇટલ સૉન્ગ વાગતાં હોય એવો અહેસાસ થયા વિના રહેતો નથી. મારા જેવાં અનેક મા-બાપે તો તેમનાં બાળકોને પરાણે આ સિરિયલો જોવા પણ બેસાડ્યાં હશે કે જેનાથી તેમનામાં પણ થોડા સારા સંસ્કારોનું સિંચન થાય.
એ દૃષ્ટિએ જોવા જતાં આ સિરિયલોએ જ્યાં એક બાજુ બે પેઢીને જોડવાનું કામ કર્યું છે ત્યાં જ બીજી બાજુ બે પેઢીને એકસાથે પોતાનું બાળપણ જીવવાનું કારણ પૂરું પાડ્યું છે. જ્યાં જૂની પેઢી એ સિરિયલો સાથે જોડાયેલી પોતાના બાળપણની યાદો તાજા કરી રહી છે ત્યાં જ નવી પેઢી આ લૉકડાઉનમાં
આ સિરિયલો જોઈ નવી યાદો બનાવી રહી છે, જેનો ઉપયોગ આગળ જતાં તેઓ પોતાનાં બાળકોને આ દિવસોની વાતો કરતાં કરવાના છે.
મહત્ત્વની વાત એ છે કે અગાઉના સમયમાં જ્યારે નેટફ્લિક્સ કે ઍમેઝોન નહોતાં ત્યારે લોકો પાસે વિકલ્પો નહોતા. આજે આટલા બધા વિકલ્પો હોવા છતાં આ સિરિયલોના રી-રનની જંગી સફળતા સૂચવે છે કે કદાચ આ અમરગ્રંથોને ટીવી પર ઉતારવામાં પણ ત્યારના નિર્માતાઓએ ખાસ્સી તકેદારી તથા ગંભીરતા દાખવી હતી. આજકાલના કેટલીક હદે ઉપરછલ્લાં કહી શકાય એવા મનોરંજનની તુલનામાં એટલે જ આ સિરિયલો હૃદયને સ્પર્શી જનારી લાગે છે. વળી એની પ્રત્યેક ઘટનામાં રહેલા સંદેશ એટલા મહત્ત્વના છે કે વ્યક્તિ માટે જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શકનું કામ કરી શકે છે. આ સત્ય ત્યારે પણ લોકો સમજતા હતા અને આજેય સમજે જ છે. તેથી જ કદાચ આ સિરિયલોની સાથે શરૂ થયેલી એ સમયની બીજી પણ અનેક સારી સિરિયલો લોકો આજે એટલા જ આનંદથી જોઈ રહ્યા છે. આના પરથી એ પણ સમજાય છે કે જે સારું છે એ હંમેશાં જ ચાલે છે. આજે ભલે ઢગલાબંધ ઍક્શન, ઍડ્વેન્ચર તથા થ્રિલર ફિલ્મો અને સિરીઝો બની રહી હોય પરંતુ મનોરંજનની વાત આવે ત્યારે હજી પણ લોકોને કૉમેડી જોવી વધુ પસંદ છે. તેથી જ શ્રીમાન-શ્રીમતી, દેખ ભાઈ દેખ જેવી જૂની સિરિયલો તથા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જૂના એપિસોડ્સ લોકો એટલા જ રસપૂર્વક જોઈ રહ્યા છે. આશા રાખીએ કે આ સત્ય પરથી પ્રેરણા લઈને કોરોના પછીના સમયમાં ફિલ્મો અને સિરિયલોની પૅટર્ન બદલાય અને માત્ર શોબાજી પર નહીં, પરંતુ ખરા અર્થમાં કથાવસ્તુ પર વધુ ભાર મુકાય.
હાલ ભલે લોકો પોતાના પરિવાર સાથે આવી મનોરંજક તથા યાદગાર ક્ષણો બનાવવામાં મશગૂલ હોય, પરંતુ હકીકત તો એ પણ છે કે ધીરે-ધીરે બધાના માનસ પર આ લૉકડાઉનનો થાક પણ કંયાકને ક્યાંક તો વર્તાઈ રહ્યો છે. ધીરે-ધીરે લોકોને સમજાઈ રહ્યું છે કે કંઈ ન કરવાનો થાક કંઈ કરતા રહેવાના થાક કરતાં ઘણી વખત વધુ થકવી નાખનારો હોય છે. તેથી એક વાતો તો નિશ્ચિત જ છે કે આ લૉકડાઉન કંઈ કાયમી રહેવાનું નથી. વહેલું-મોડું જીવન ફરી પાછું પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી જ લેશે. એણે કરવું જ પડશે, કારણ કે માણસ જેનું નામ. તે કંઈ કાયમી ધોરણે આવા સોશ્યલ ડિસ્ટન્સિંગમાં રહી શકે નહીં. તેનો વિકાસ સોશ્યલાઇઝેશનમાં જ રહેલો છે. અમસ્તા જ કંઈ આપણે મનુષ્યને
સામાજિક પ્રાણી કહેતા નથી. માણસની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક્તા બન્ને ત્યારે જ પૂરાં ખીલે છે જ્યારે તે પ્રત્યક્ષ રીતે પોતાના વિચારોની આપલે કરી શકે છે. કમનસીબે અત્યારે આ વાઇરસનો પ્રકોપ ક્યારે થમશે એ કોઈને ખબર નથી, પરંતુ વહેલા-મોડા જ્યારે પણ એ થાય ત્યારે માણસ ફરીથી ખુલ્લામાં ભવિષ્યની કસોટીઓનો સામનો કરવા તત્પર છે એ નક્કી છે. અલબત્ત, ખરો લાભ ત્યારે થશે જ્યારે આપણે આ દિવસોમાં શીખેલા આ બધા અમૂલ્ય પદાર્થપાઠોને ત્યારે પણ યાદ રાખીશું અને પોતાની કાર્યશૈલીથી લઈને જીવનશૈલી તથા વિચારશૈલી સુધી જીવનના પ્રત્યેક પાસામાં એનો અમલ કરવાનું યાદ રાખીશું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK