HIVથી કોઈ મરતું નથી સમાજ એને જીવતેજીવ મારી નાખે છે

Published: Dec 01, 2019, 15:40 IST | Sejal Patel | Mumbai

છેલ્લા બે દાયકાથી મેડિકલ ક્ષેત્રે ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ થઈ હોવાથી દરદીને લાંબુ જીવન તો આપી શકાય છે, પણ સોશ્યલ સ્ટિગ્મા એવો ચીકણો છે કે કેમેય હટતો જ નથી. સમાજની વેધક નજરો એચઆઇવી પૉઝિટિવ લોકોને નૉર્મલ જીવવા નથી દેતી.

એઈડ્સ
એઈડ્સ

છેલ્લા બે દાયકાથી મેડિકલ ક્ષેત્રે ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ થઈ હોવાથી દરદીને લાંબુ જીવન તો આપી શકાય છે, પણ સોશ્યલ સ્ટિગ્મા એવો ચીકણો છે કે કેમેય હટતો જ નથી. સમાજની વેધક નજરો એચઆઇવી પૉઝિટિવ લોકોને નૉર્મલ જીવવા નથી દેતી. દરદીઓને ઠેર-ઠેર ફ્રીમાં સારવાર મળી શકે એવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે, પરંતુ તેમના પ્રત્યેના સામાજિક વલણમાં ખાસ ફરક નથી આવ્યો. દરદીઓના મનમાં પોતાની બીમારીથી સંલગ્ન ઘૂમરાતા સવાલોનો જવાબ મેળવી શકાય એ માટે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ શરૂ થયાં છે એ પણ એક પૉઝિટિવ પગલું છે. આજે વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે જોઈએ મુંબઈમાં આ દરદીઓની હાલત શું છે, તેમનું દર્દભર્યું જીવન કેવા-કેવા વળાંકો લે છે, કેવી લેટેસ્ટ સારવાર ઉપલબ્ધ થઈ શકે છે અને ચેપ બીજે ન ફેલાય એ માટે શું કાળજી રાખવી જોઈએ

 

સેજલ પટેલ

૩૮ વર્ષનો નિહાર (નામ બદલ્યું છે) સાયનમાં રહે છે. એન્જિનિયર થઈને વધુ અભ્યાસ માટે વિદેશ ગયેલો. ત્યાં છોકરીના પ્રેમમાં પડ્યો અને દગો મળતાં પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો. પાછો ભારત આવ્યો એ પછી તેને લગ્ન કરવાં જ નહોતાં, પણ તનની આગનું શું? તે અનાયાસે રેડલાઇટ એરિયા તરફ વળી ગયો. સારું કમાતો હતો અને પૈસાની કમી નહોતી. માને બાળપણમાં જ ગુમાવી ચૂકેલો એટલે જીવનમાં સ્ત્રીપાત્રના પ્રેમની ઝંખના અતિતીવ્ર હતી, પણ પહેલા પ્રેમનો દગો ભૂલી શક્યો નહીં અને હતાશામાં ખોટી દિશામાં વળી ગયો. આ દિશામાં વળ્યાના અઢી વર્ષ બાદ તે ખૂબ માંદો પડ્યો. શરીરે ફોડલા થયા, રુઝાય જ નહીં. સાથે તાવ પણ ઊતરે નહીં. વજન ઘટતું જતું હતું એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને રેડ લાઇટ એરિયા વિશે કશું જણાવેલું નહીં એટલે એચઆઇવીની શંકા ડૉક્ટરને પણ ગઈ નહીં. આખરે  જનરલ ટેસ્ટિંગના ભાગરૂપે બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો અને ખબર પડી. એ પછી તેના જીવનમાં જે ચડાવઉતાર આવ્યા એ વિશે નિહાર કહે છે, ‘જ્યારે રિપોર્ટ માટે મને પપ્પા સાથે બોલાવવામાં આવ્યો અને એચઆઇવી પૉઝિટિવ છું એવી ખબર પડી ત્યારે લિટરલી પગ તળેથી ધરતી સરકી ગઈ. ડૉક્ટરના કહેવા મુજબ ઘણા વખતથી આ ઇન્ફેક્શન હતું એટલે વાઇરસ લોડ પણ ખૂબ વધારે હતો. પહેલાં તો પપ્પાએ મને સાચવી લીધો, પણ જ્યારે એ થવાનું કારણ ખબર પડી એ પછી પણ તેમણે કંઈ ન કહ્યું. મને દવા લેવા માટે સપોર્ટ કરવા લાગ્યા, પણ મને જનરલ એઆરટી (આ રોગ માટેની રોજિંદી દવાઓ આપતા) સેન્ટર પર જવાનું કઠતું. ત્યાં તો એવા બિહામણા કેસીસ જોયા કે હું તો દવા લીધા વિના પાછો ભાગી આવ્યો. ખૂબ શરમ આવતી. જાત માટે ઘૃણા ફીલ થતી. સ્વીકાર અઘરો થઈ ગયો. પ્રાઇવેટ હૉસ્પિટલમાં જઈને સારવાર લીધી. કાઉન્સેલરે મને ઘણું સમજાવ્યું પણ આંખ સામે રિબામણું મોત જ દેખાતું હતું. મરી જવાના વિચારો આવતા, પણ પપ્પા મારી પર કડક નિગરાની રાખતા હતા. મારી નોકરી છૂટી ગયેલી.  એક દોસ્ત પાસે મન હળવું કર્યું તો બાકીના બધા જ દોસ્તોને ખબર પડી ગઈ અને એ લોકોએ પણ અંતર કરી દીધું. તેઓ આઠ-દસ દિવસે મળવા આવતા, પણ તેમના વર્તનમાં હું જાણે અછૂત છું એવું વર્તન દેખાતું. સમાજને શું મોઢું દેખાડવું? એના કરતાં તો મરી જવું સારું. નકારાત્મકતા વધતાં હું ફરીથી રેડલાઇટ એરિયામાં જતો થઈ ગયો. નિદાન થયા પછી પણ હું ત્રણ વાર ગયેલો. પપ્પાને ખબર પડતાં તેમણે મારી લિટરલી ધુલાઈ કરી. ૩૨-૩૩ વર્ષના દીકરા પર હાથ ઉપાડીને પપ્પા રડી પડ્યા. અમે બન્ને આખો દિવસ રૂમમાં બેસીને રડ્યા કરીએ. ન ખાવાનું સૂઝે ન કોઈની સામે જવાની હિંમત આવે. જોકે હું જે હૉસ્પિટલમાંથી ટ્રીટમેન્ટ લઉં છું ત્યાંના ડૉક્ટરે ફૉલોઅપ માટેનો કૉલ કર્યો અને મને બોલાવ્યો. તેમને ખબર પડી ગઈ કે હું અને પપ્પા બન્ને ડિપ્રેશનમાં છીએ. વળી, મારો તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો. એ માટે હૉસ્પિટલમાં દાખલ થવા કહ્યું. પાંચ દિવસની સારવાર દરમ્યાન કાઉન્સેલરે મને બહુ સમજાવ્યું. ટ્રીટમેન્ટની અસર પણ સારી થઈ રહી હતી. પપ્પા પણ સ્વસ્થ થયા અને મારા કાકા અને તેમના દીકરાઓએ પણ અમને એમાંથી બહાર આવવા સાથ આપ્યો. અત્યારે હું ફરીથી નોકરીએ લાગ્યો છું. હા, કોઈનેય મારી હિસ્ટરી વિશે કહી નથી શકતો, પણ રોજ અરીસા સામે ઊભો રહીને જાતને એચઆઇવી પૉઝિટિવ સામે પૉઝિટિવિટી ટકાવી રાખવા કહું છું.’

સાન્તાક્રુઝ-ઈસ્ટમાં રહેતી ૪૩ વર્ષની સુનીતા (નામ બદલ્યું છે) પોતાનો કોઈ જ વાંક ગુનો ન હોવા છતાં છેલ્લાં ૧૪ વર્ષથી એચઆઇવી સાથે જીવી રહી છે. તેને ખબર નહોતી કે તેનો પતિ એચઆઇવી પૉઝિટિવ છે. એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓમાં મોટા ભાગે પતિઓ દ્વારા જ આ ચેપ અજાણતાંમાં લાગી જાય છે. ઘણી વાર તો જાણીકરીને એચઆઇવી પૉઝિટિવ દીકરાને ઠરીઠામ કરી દેવા માટે માસૂમ યુવતીનો ભોગ લેવાયો છે. અલબત્ત, આવા કેસ બાબતે છેલ્લા દાયકામાં ઘણી જાગૃતિ આવી છે. સુનીતાનાં લગ્ન નવસારી પાસેના એક ગામમાં થયેલાં. જ્યારે તેને ચેપ લાગ્યો હોવાની ખબર પડી ત્યારે તે પ્રેગ્નન્ટ હતી. પ્રેગ્નન્સી દરમ્યાનના રુટિન ટેસ્ટમાં આ વાત બહાર આવેલી. તેના પતિને બોલાવીને જ્યારે રિપોર્ટ ડિસકસ કરવામાં આવ્યા અને પતિની પણ તપાસ કરવામાં આવી તો કન્ફર્મ થયું કે પતિનો જ ચેપ સુનીતાને લાગ્યો હતો. સુનીતા વાત કરતાં કહે છે, ‘જ્યારે આ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે મને આ ચેપની ગંભીરતા જ ખબર નહોતી એટલે મને હું વિક્ટિમ બની છું એવું પણ ફીલ ન થયું, પણ અમે બન્ને એઆરટી સેન્ટર પર જઈને દવા અને કાઉન્સેલિંગ લેવા માંડ્યા ત્યારે ખબર પડી કે આ તો મારી-મારીને જીવાડતો રોગ છે. પતિ પર ખૂબ ગુસ્સો આવતો પણ બોલી ન શકતી. કેમ મને જ? કેમ મારી સાથે જ? મેં શું બગાડ્યું છે કોઈનું? એવા સવાલો મગજ કાણું કરી નાખતા. એવી જ એક નબળી પળે મેં રાતે ફિનાઇલ પીને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. જોકે પતિ મને તરત જ સરકારી દવાખાને લઈ ગયા. ડૉક્ટરોએ મને મરવા ન દીધી. જોકે મારા પતિએ એ દરમ્યાન મારી ખૂબ ચાકરી કરી. મને તેમની આંખમાં પસ્તાવો નિતરતો દેખાયો અને મારો પતિ પરનો ગુસ્સો ઓગળી ગયો. જોકે અમને સાસુ-સસરા અને દિયર-દેરાણીએ ઘરમાંથી જુદાં કરી દીધાં હતા. દુખની વાત તો એ છે કે એઆરટી સેન્ટર પર કામ કરતા હેલ્થ-વર્કરો પણ અમારી સાથે વિચિત્ર રીતે બિહેવ કરે. એક તો દવા લેવાના સમયે ખૂબ લાંબી લાઇન હોય અને જો તમે કંઈક જાણવા માટે સવાલ પૂછો તો એનો જવાબ પણ ખૂબ તોછડાઈથી મળે. અમારી સાથે સંબંધીઓ કે સમાજના લોકોએ નાતો પણ લગભગ તોડી દીધેલો. કોઈના પ્રસંગમાં અમને આમંત્રણ ન હોય, અમે કોઈને ઘરે બોલાવીએ તો અમારા ઘરનું કોઈ પાણી પણ ન પીએ. એવામાં દિયરને મોટી ખોટ ગઈ અને તેને ઘર વેચવું પડ્યું. અમે બાપીકી જગ્યામાં રહેતા હતા એટલે ભાગ લેવા સારુ દિયરે મગજમારી શરૂ કરી. અમે કહ્યું તમારે આ ઘરમાં આવીને રહેવું હોય તો રહો. જોકે એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. તેમના આ ઘરમાં આવ્યા પછીનો એક દિવસ અમે સુખનો નથી જોયો. પતિને દવાની અસર એટલી નહોતી થતી. પગમાં બળતરા, તાવ, પેટમાં ચૂંક, ઝાડા તેમની રોજની સમસ્યા હતી, પણ દિયર-દેરાણી તરફથી કોઈ મદદ નહોતી. અમારા જ ઘરમાં અમારી સાથે આભડછેટ હતી. પતિના છેલ્લા દિવસોમાં પણ તેમનું દિલ કૂણું પડ્યું નહીં. (બોલતાં-બોલતાં ડૂસકું લેવાઈ ગયું) પતિએ દવાખાને જીવ છોડ્યો. તેમને વિધિવત અગ્નિસંસ્કાર આપવા દેહને ઘરે પણ ન આવવા દીધો કે અગ્નિસંસ્કાર પણ કર્યો. દવાખાનેથી લઈને શબને ગામની સીમમાં દાટી આવ્યા. ગામલોકોને એમ હતું કે દેહને બાળીશું તો ચેપ ગામમાં બીજે ફેલાઈ જશે. પતિના ગયા પછી તો એ ઘર પરનો મારો હક પણ જતો રહ્યો અને મને ભાઈને ત્યાં મોકલી દેવામાં આવી. મારા ભાઈ-ભાભી ફૉર્વર્ડ મનના છે, પણ તેમનેય બહેન એચઆઇવી પૉઝિટિવ છે એવી કોઈને ખબર ન પડે એની ચિંતા હોય છે. ડરી-ડરીને જીવવાનું. તાવ આવે તો દવાખાને જવામાંય ડર લાગે કેમ કે ડૉક્ટરને મારું સ્ટેટસ તો કહેવું જ પડે.’

n n n

આ આપવીતી માત્ર બે દરદીઓની જ નથી. કદાચ આ પ્રકારના ગિલ્ટ, ગુસ્સો, શરમ, સંકોચ, ડર વચ્ચે જીવતા દરદીઓ આજે ૨૦૧૯ની સાલમાં પણ છે અને આજે પણ આ દરદીઓ પ્રત્યેના સમાજના વલણમાં બહુ ફરક નથી પડ્યો. વિશ્વમાં હાલમાં અંદાજે ૩.૭૯ કરોડ એચઆઇવી પૉઝિટિવ દરદીઓ હશે. ભારત આ દરદીઓની સંખ્યામાં ત્રીજા નંબરનો દેશ છે. ૬૨ ટકા દરદીઓ સુધી નિયમિત દવા પહોંચે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ ૫૩ ટકા એચઆઇવી પૉઝિટિવ દરદીઓને નિયમિત સારવારને કારણે વાઇરસ લોડ એટલો ઓછો થઈ ગયેલો નોંધાયો છે કે તેઓ બીજાને ચેપ પાસઑન કરી શકે એવી સંભાવનાઓ ઓછી છે. યાદ રહે, સંભાવના ઓછી છે, પણ આ દરદીઓ એચઆઇવી મુક્ત નથી. એ માટેની દવાઓ પણ વૈશ્વિક સ્તરે સંશોધનના તબક્કામાં છે. મેડિકલ જર્નલમાં ત્રણ કેસ એચઆઈવીમુક્ત થયા હોવાનું પણ નોંધાયું છે. જોકે એ સારવાર હજી પ્રયોગાત્મક ધોરણમાં જ છે. લંડનમાં બે દરદીઓને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સંપૂર્ણપણે એચઆઇવી મુક્ત કરાયા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે જે નજીકના ભવિષ્યમાં એચઆઇવીના ક્યૉર માટે મોટું આશાનું કિરણ બની શકે એમ છે.

ભારતમાં એચઆઇવીની સ્થિતિ આંકડાકીય રીતે તો સુધારા પર હોય એવું જણાય છે. ૨૦૧૭ના રિપોર્ટ મુજબ ૨૧ લાખ લોકો ચેપ સાથે જીવી રહ્યા છે. ૮૮,૦૦૦ નવા એચઆઇવી કેસ નોંધાયા છે. અલબત્ત, ભારતમાં એની સારવાર નિયમિત લેતા હોય એવા લોકોની સંખ્યા માત્ર ૫૬ ટકા જેટલી જ છે. જરાય ગર્વ ન લઈ શકાય એવી બાબત એ છે કે મહારાષ્ટ્ર એચઆઇવી ચેપોની બાબતમાં ભારતમાં સૌથી મોખરે છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીએ છેલ્લાં બે દાયકાનો આંકડાકીય સ્ટડી કર્યો છે અને મુંબઈમાં નવા એચઆઇવીના કેસો નોંધાવાની બાબતમાં ઘટાડો થયો હોવાનું નોંધ્યું છે. મુંબઈ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના ઍડિશનલ પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. શ્રીકલા આચાર્ય કહે છે, ‘છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન નવા કેસની સંખ્યામાં ૬૬ ટકા જેટલો ઘટાડો થયો છે. ૨૦૧૪-૧૫માં ૪.૭  લાખ નવા કેસ નોંધાયેલા જ્યારે ૨૦૧૮-૧૯ની સાલમાં ૨.૮ લાખ કેસ જ નવા આવ્યા છે. પહેલાં પ્રેગ્નન્ટ મહિલાઓ ઇન્ફેક્ટેડ હોય એવું પહેલી વાર ખબર પડે એનું પ્રમાણ ૨૫૫ જેટલું હતું જે હવે ઘટીને ૧૪૭નું થઈ ગયું છે.’

એઇડ્સનો રોગ થવા પાછળ એચઆઇવી જવાબદાર છે અને એ સૌથી વધુ અસુરક્ષિત જાતીય સંબંધથી ફેલાય છે એ બાબતે જાગૃતિ આવે એ માટે ૧૯૮૮ની સાલથી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે વિશ્વભરમાં પુષ્કળ જાગૃતિ કાર્યક્રમો થાય છે. એમ છતાં આજે પણ ૯૩.૭ ટકા લોકોને અનસેફ સેક્સને કારણે જ ચેપ ફેલાય છે. ૩.૫ ટકા ચેપ ચેપી મા દ્વારા બાળકને લાગે છે અને ૦.૧ ટકા ચેપ ઇન્ફેક્ટેડ લોહી, નીડલ, સિરિન્જ કે અન્ય ઇન્સ્ટ્રુમેન્ટને કારણે ફેલાય છે.

મૂંઝવણનો ડિજિટલ ઉકેલ

આ ચેપ લાગ્યા પછી દરદી ડર, ભય અને શરમને કારણે બહુ સંકોચશીલ થઈ જાય છે. પોતાની જાતને સંભાળવી, ઇમોશન્સનું શું કરવું અને સમાજના લોકો દ્વારા થતા વર્તનનું શું કરવું? એના વિચારો તેને હતાશા, ઍન્ગ્ઝાયટીનો ભોગ બનાવે છે એમ જણાવતાં ડૉ. ફાલ્ગુની પરીખ કહે છે, ‘કપલ હોય તો બાળકનું શું થશે? બીજાને કેવી રીતે ચેપ લાગી શકે? બીજાને ચેપ ન લાગે એ માટે સેફ પ્રૅક્ટિસ શું હોય એ પણ દરદી સમજી લે એ જરૂરી છે. મતલબ કે સારવાર દરમ્યાન દવાની જેટલી જરૂર હોય છે એટલું જ તેમને કાઉન્સેલિંગ કરવું પડે છે. તેમના પરિવારજનોને સમજાવવા પડે છે, ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય તો તેમને સમજાવવું પડે છે કે આ કંઈ જીવનનો અંત નથી. નિયમિત દવા લો તો તમે આ રોગ સાથે નૉર્મલ વ્યક્તિ જેવું જ અને એટલું જ લાંબુ જીવી શકો એવું સંભવ છે.’

જોકે બધા દરદીઓ પોતાની મનની મૂંઝવણ ડૉક્ટર પાસે નથી રજૂ કરી શકતા. ડૉ. શ્રીકલા આચાર્ય કહે છે, ‘ઘણી વાર એઆરટી સેન્ટરો પર માણસોની એટલી ભીડ હોય છે કે લોકો અંગત સવાલ પૂછતાં અચકાય છે. હેલ્થ-વર્કરો પાસે પણ સમયનો અભાવ હોય છે. આવા સંજોગોમાં લોકોને માર્ગદર્શન મળે એ હેતુથી મુંબઈ ડ્રિસ્ટ્રિક્ટ્સ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીએ Jindagi નામની ઍપ તૈયાર કરી છે જેમાં એચઆઇવીના દરદીઓના મનમાં ઊઠતાં મોસ્ટ કૉમન સવાલોના જવાબ મળી શકે એવી ચીજો વિડિયોના ફૉર્મમાં સમજાવવામાં આવી છે. આ ઍપ દરદીને રોજની દવા લેવાનું રિમાઇન્ડર પણ આપી શકે છે અને તેને કોઈ મૂંઝવણ હોય તો શું કરવું એ એજ્યુકેટિવ વિડિયો દ્વારા સમજાવી પણ શકે છે. હાલમાં ૩૦ પ્રકારની સમસ્યાઓના ઉકેલવાળી વિડિયોક્લિપ્સ છે અને અમને પેશન્ટ્સ તરફથી નવા-નવા સજેશન્સ પણ મળી રહ્યાં છે જેની પર કામ કરીને ઍપને અપડેટ કરતાં રહીશું. આ પહેલાં એસએમએસ સેવા અને વૉઇસ કૉલની સર્વિસ અવેલેબલ હતી, પણ એમાંય પેશન્ટને ઓળખ જાહેર થઈ જાય એની ચિંતા રહેતી. હવે આ ઍપ થકી તે પોતાની ફુરસદે, એકાંતમાં આ વિશેનું એજ્યુકેશન મેળવીને પોતે શું કરવું અને શું નહીં એની સમજ કેળવી શકશે.’

સારવારમાં આવેલી સરળતા

મુંબઈમાં ૯૦ જગ્યાઓએ એઆરટી સેન્ટરો આવેલા છે. આ એઆરટી એટલે શું? એનું ફુલ ફૉર્મ છે ઍન્ટિ-રિટ્રોવાઇરલ ટ્રીટમેમન્ટ, જે એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસનો ખાતમો બોલાવવા માટે અપાય છે. આ દવાઓથી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ નથી થતા પરંતુ એની સંખ્યા ઘટી જાય છે. વાઇરસનો લોડ ઘટતાં દરદીની ઇમ્યુનિટી સુધરે છે અને તેને બીજા ચેપો થવાની સંભાવના ઘટે છે. પહેલાં કરતાં હવે સારવાર ઘણી સરળ થઈ ગઈ છે એમ સમજાવતાં કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ઇન્ટર્નલ મેડિસિન અને ઇન્ફેક્શ્યસ ડિસીઝના કન્સલ્ટન્ટ ડૉ. ફાલ્ગુની પરીખ કહે છે, ‘આ રોગની સારવારમાં મુખ્યત્વે ત્રણ ડ્રગ્સ વપરાય છે. સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટમાં દરદીએ દિવસમાં ત્રણ ચાર વાર દવાઓ લેવી પડતી હતી જેના બદલે હવે એક જ ગોળી આવી ગઈ છે. એને કારણે દરદીને રોજ દિવસના ચોક્કસ સમયે દવાઓ લેવાનું યાદ રાખવામાં મુશ્કેલી નથી પડતી. આ એવી સારવાર છે જેમાં એક દિવસ પણ દવામાં મિસ થાય એનું જોખમ લેવાય એમ નથી. એવામાં રોજની એક ગોળી લેવાની હોય તો એ દરદી માટે પણ સરળ પડે છે. બીજું, પહેલાં દવાઓને કારણે બીજી સાઇડ ઇફેક્ટ્સ ઘણી થતી, પણ હવે દરદીની સહનશક્તિ સાથે મૅચ થાય એવી હળવી દવાઓ આવી છે જેની અસર પણ ઘણી ઝડપી છે. આ દવાઓ નિયમિતપણે ત્રણ મહિના લેવામાં આવે તો એ પછી વાઇરસ લોડ ઘણેઅંશે કન્ટ્રોલમાં આવી જાય છે. અલબત્ત, એ પછી પણ નિયમિત દવા તો લેવી જ પડે છે જેથી એ લોડ નિયંત્રણમાં જ રહે. એનો ફાયદો એ થાય કે દરદીઓને ઇમ્યુનિટી નબળી પડવાને કારણે થનારા બીજાં ઇન્ફેક્શન્સનું પ્રમાણ ઘટી જાય.’

ટીબી અને એચઆઇવી

જો આ વાઇરસનો ચેપ ધરાવતા પેશન્ટને ટીબી પણ થયો હોય તો તેની સારવાર બહુ કૉમ્પ્લેક્સ થઈ જાય છે. એટલે આ દરદીઓને નિયમિત સમયાંતરે ટીબી માટેનું સ્ક્રીનિંગ કરાવતાં રહેવું જોઈએ. ટીબી અને એચઆઇવી એ પ્રાણઘાતક કૉમ્બિનેશન છે.

પહેલાં દિવસમાં ત્રણ-ચાર વાર દવાઓ લેવી પડતી હતી જેના બદલે હવે એક જ ગોળી આવી ગઈ છે. એને કારણે દરદીને રોજ દિવસના ચોક્કસ સમયે દવાઓ લેવાનું યાદ રાખવામાં મુશ્કેલી નથી પડતી. આ એવી સારવાર છે જેમાં એક દિવસ પણ દવામાં મિસ થાય એનું જોખમ લેવાય એમ નથી

- ડૉ. ફાલ્ગુની પરીખ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK