Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બજેટ કેવું હોવું જોઈએ, બૉલ્ડ ઍન્ડ પાવરફુલ

બજેટ કેવું હોવું જોઈએ, બૉલ્ડ ઍન્ડ પાવરફુલ

24 January, 2021 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજેટ કેવું હોવું જોઈએ, બૉલ્ડ ઍન્ડ પાવરફુલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. આવા મુશ્કેલ કોવિડ સેસના નામે આમઆદમીનાં અગાઉથી જ ખાલી ખિસ્સાંમાંથી હજી વધુ સેરવી લેવાની લાલચ રાખવાને બદલે સરકારે સામાન્ય માણસને વધુ રાહત આપવી જોઈએ અને ફન્ડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્યારે સૌથી બળબળતો ઇશ્યુ છે બેરોજગારીનો અને એને જાજમ નીચે સરકાવી દેવાને બદલે એનો સામી છાતીએ મુકાબલો કરવો જોઈએ સરકારે. ઇનોવેશનની દુહાઈ આપનાર સરકારે ઇકૉનૉમીને ડીલ કરવાના અપ્રોચમાં ઇનોવેટિવ બનીને અર્થતંત્રના પાયાના પ્રશ્ન રોજગાર-સર્જનને હાથમાં ધરવો જોઈએ. બેકારી છે તો છે, એનાથી શરમાવાની જરૂર નથી. સરકારે પહેલું પગલું ભરવું પડશે એ સ્વીકારવાનું કે અત્યારે બેરોજગારી છે અને એ એકરાર કરવા માટેનું યોગ્ય ફોરમ છે બજેટ. સ્વીકારો અને પછી બજેટમાં જ એની સામે જંગ જાહેર કરો. એક બાજુ વધુ નોકરીઓ સર્જો અને બીજી બાજુ બેરોજગારી ઘટે નહીં ત્યાં સુધી આમઆદમીને આપો. જો બજેટ આના માટેનો બોલ્ડ ઍન્ડ પાવરફુલ રોડ-મૅપ આપી શકે તો જ આ આખી એક્સરસાઇઝનો અર્થ છે, બાકી તો બજેટ એના માટે આંકડાની માયાજાળથી વધુ કાંઈ નથી. આમ છતાં શું હોઇ શકે અને શું હોવું જોઈએ એ મિડ-ડેએ જાણવાનો પ્રયત્ન કર્યો ત્રણ એક્સપર્ટ પાસેથી

આમ આદમી કહે છે , મૈં પરેશાં હૂં, મુઝે ઔર પરેશાં ન કરો...



સરકારનું બજેટ મારું બજેટ સુધારે તો સારું!


નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ પાસેથી અપેક્ષા વિશે ૧૦ સીધી વાત

આ વખતના બજેટમાં નાણાપ્રધાન શું લાવશે એ આપણને હજી પાકી ખબર નથી, પરંતુ આપણે પ્રજા તરીકે સરકારને એટલું કહી શકીએ અથવા એટલી અપેક્ષા ચોક્કસ રાખી શકીએ કે બજેટ શું લાવે અને શું ન લાવે તો સારું. બજેટથી અમારું બજેટ સુધરે તો સારું. સામાન્ય માણસને તો એટલું સમજાય છે કે બજેટ તેનો બોજ ન વધારે અને રાહત આપે, કારણ કે સામાન્ય માનવી આમ પણ અનેક બાબતે પરેશાન હોય છે. તેને રાહત ન આપી શકાય તો કમસે કમ તેનો બોજ ન વધારો...


૧. કોવિડ સેસ નહીં જોઈએ

પહેલી સીધી વાત - કોરોના અને એના દ્વારા સર્જાયેલા શારીરિક, સામાજિક અને આર્થિક જખમોના ઘા હજી તાજા છે ત્યાં બજેટની જાહેરાતનો સમય આવી ગયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે છેલ્લાં ૧૦૦ વર્ષમાં ન આવ્યું હોય એવું બજેટ જાહેર કરવાની વાત કરી છે. કોવિડ-19ની મહામારી પણ સદીની સૌથી કપરી મહામારી રહી છે. આ ઘા હજી રુઝાવાના બાકી છે ત્યાં બજેટમાં કોવિડ-સેસ નામનો નવો બોજ લાવવાની વાતો વહેતી થઈ છે. કોરોનાને કારણે અનેક રીતે પીડિત પ્રજા પર કોરોના-સેસ શા માટે? સરકારે કોઈ પણ હિસાબે આ બોજ આમપ્રજા પર લાદવો ન જોઈએ. સુપર રિચ યા સમૃદ્ધ વર્ગ પાસેથી યા સામાન્ય વર્ગ પર ભાર ન આવે એ રીતે સરકારે પોતાના હેલ્થ ખર્ચને રિકવર કરવો જોઈએ. આમ પણ સામાન્ય માનવી કોરોનાને પગલે જે બેકારી, પગારકાપ, સ્વરોજગારી અને દૈનિક કમાણી પર જીવતા મજૂરોની આવકને માર પડ્યો છે ત્યારે કોરોના-સેસના નામે કોઈ પણ બોજ નાખવાનું ટાળવું જોઈએ.

૨. નાના વેપારીઓને રાહત આપો

બીજી સીધી વાત - કોરોનાસર્જિત માહોલમાં સૌથી વધુ પરેશાન થનારો વર્ગ છે નાના વેપારીઓ. પછી એ કૃષિ માર્કેટના હોય કે કાપડબજારના હોય, લોખંડબજારના હોય કે સ્ટીલબજાર, ડાયમન્ડ હોય કે મેટલ માર્કેટ હોય, મૉલમાં ચાલતી વિવિધ દુકાનો હોય કે ટ્રાવેલ બિઝનેસ કરતી નાની કંપનીઓ હોય, નાની-નાની રેસ્ટોરાં હોય કે રસ્તા પર રેંકડી ચલાવતા ફેરિયા હોય, અનેક વિભિન્નતાથી સભર આપણા દેશના અનેક નાના-મધ્યમ વેપારી વર્ગની આવકને ફટકો પડ્યો છે. લૉકડાઉનમાં અનેક નાની-મોટી દુકાનો-મૉલ્સ, થિયેટર્સ સહિત લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓ ઘણા મહિના સાવ જ બંધ થઈ ગઈ હતી. આમાં અનેક નાના કર્મચારીઓની નોકરી ગઈ, પગારમાં ભયંકર કાપ આવ્યા. અનેક મોટી કંપનીઓનો સ્ટાફ પણ સૅલેરી-કટ યા જૉબ-લૉસનો ભોગ બન્યો છે. આવા લાખો લોકોને પોતાનું ઘર ચલાવવાનું ભારે પડી ગયું હતું. આવા તમામ વર્ગને રાહત આપવાની જરૂર છે. સરકારથી આ વર્ગને ઓછી રાહત આપી શકાતી હોય તો કમસે કમ તેમના પર નવો આર્થિક બોજ ન વધે એટલું તો સરકારે કરવું જ જોઈએ.

૩. વુમન પાવરને ઓળખો ને સમજો

ત્રીજી સીધી વાત - નાણાપ્રધાન પોતે મહિલા છે. તેમણે મહિલાઓની હાલતને સમજવી જોઈએ. લાખો મહિલાઓનાં કામકાજ કોરોનાના લૉકડાઉનમાં છૂટી ગયાં હતાં, જેમાંથી મર્યાદિત વર્ગને કામ મળવાનું શરૂ થયું છે. બાકી અન્ય ઘરોમાં રસોઈકામ-ઘરકામ કરતી મહિલાઓની આવક સદંતર બંધ થઈ ગઈ હતી. એમાંથી હજી અનેક લોકોને કામ મળ્યાં નથી. જો મહિલાઓને તક નહીં મળે તો તે મહામારીની અસરમાંથી મુક્ત થઈ શકશે નહીં. મહામારીમાં મહિલાઓ અને યુવતીઓએ સૌથી વધુ સહન કરવું પડ્યું છે. બજેટમાં મહિલા કલ્યાણ માટેનાં વિવિધ પગલાં હોવાં જોઈએ, એવું મહિલા સશક્તીકરણ માટે કામ કરતી સંસ્થા ઇનિશિયેટિવ ફૉર વૉટ વર્ક્સ ટુ ઍડ્વાન્સ વિમેન ઍન્ડ ગર્લ્સ ઇન ધ ઇકૉનૉમી (આઇડબ્લ્યુડબ્લ્યુએજીઈ)નાં હેડ સૌમ્યા કપૂર મહેતાએ કહ્યું છે.

૪. રોજગાર સર્જન પર ભાર મૂકો

ચોથી સીધી વાત - બજેટે સૌથી વધુ પ્રાધાન્ય રોજગાર-સર્જનને આપવાનું છે. આમ પણ આપણા દેશમાં બેરોજગારીની સમસ્યા સતત વધતી રહી છે, એમાં વળી કોરોનાએ દુકાળમાં અધિક માસ જેવી હાલત કરી દીધી છે. બેરોજગારી સમસ્યામાં અન્ય અનેક સમસ્યાનાં મૂળ રહેલલાં છે. જે સમાજકરણ અને અર્થકારણ માટે હાનિકારક બની શકે છે. બજેટે કોઈ પણ હિસાબે આ વિષય પર જોરદાર જોર આપવું જોઈએ અને માત્ર વાતો કે વાયદા નહીં, નક્કર કામ કરવું જોઈએ. આ સમયની એ તાતી જરૂરિયાત છે. આ સાથે સ્વરોજગાર માટે પણ

 

પ્રોત્સાહન આપતી જોગવાઈ કરવી અનિવાર્ય છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો બહુ મોટો વર્ગ આપણા દેશમાં છે, જેઓ નાના-નાના વેપાર દ્વારા પણ દેશના વિકાસમાં સહાયરૂપ થાય છે.

૫. સ્ટાર્ટઅપ્સને નવેસરથી સહાય કરો

પાંચમી સીધી વાત - આ સાથે બજેટમાં સ્ટાર્ટઅપ્સને નવેસરથી ઉત્તેજન  આપવાનું કદમ ભરવું જોઈએ. કોરોનાને કારણે અનેક સ્ટાર્ટઅપ્સનાં બાળમૃત્યુ થયાં છે, અનેક સાહસ શરૂ જ થઈ શક્યાં નથી અને જે શરૂ થયાં હતાં એ આગળ વધી શક્યાં નહીં અને લૉસ બુક કરી બંધ થઈ ગયાં. આ વર્ગ માટે બજેટે કંઈક નવેસરથી નક્કર કરવું જોઈએ.

૬. લઘુ-મધ્યમ એકમોને મજબૂત ટેકો આપો

છઠ્ઠી સીધી વાત - લઘુ-મધ્યમ એકમો (સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ)ની દશા પણ કોરોનાકાળમાં સૌથી વધુ કથળી છે. સરકાર મોટાં સાહસો-એકમોને કે વિદેશી એકમોને તો કંઈ ને કંઈ રાહત આપે છે, પણ લઘુ, અતિલઘુ અને મધ્યમ એકમો માટે ખરા અર્થમાં તેમનો વિકાસ થઈ શકે એવું બનતું નથી. આ એકમોનો અર્થતંત્રમાં નાનો ફાળો નથી છતાં તેમની ઉપેક્ષા થયા કરે છે. આ સંખ્યા લાખોમાં છે. તેઓ રોજગાર-સર્જનમાં પણ સહાયભૂત થાય છે. આ એકમોને બૅન્કોમાંથી ધિરાણ મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. આમ તો સરકારે ગયા બજેટમાં આ એકમોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમની વ્યાખ્યામાં ફેરફાર કરીને પણ સરકારે તેમને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ કોરોનાએ આ સપનાને સાકાર થવા દીધું નથી.

૭. પગારદાર વર્ગનો બોજ ઘટાડો

સાતમી સીધી વાત - આ દેશમાં સૌથી સરળ ટાર્ગેટ વર્ગ હોય તો એ છે પગારદાર વર્ગ. આ વર્ગ સરકારને ઇન્કમ ટૅક્સ ભરે છે, ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ)થી જ તેમની આવકમાંથી કરરૂપે નાણાં લઈ લેવામાં આવે છે. હંમેશાં સૌથી વધુ પીસાતો આ વર્ગ કાયમ સહન કરતો રહે છે. જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નો બોજ પણ આ જ વર્ગ ઊંચકતો રહે છે. વીમા પ્રીમિયમ, ટેલિફોન બિલ, હોટેલ બિલ, અનેક જીવનજરૂરી ખર્ચ ઉપર તેઓ જીએસટીનો બોજ પણ ઉઠાવતા રહે છે. ગયા બજેટમાં સરકારે આ વર્ગને ચોક્કસ શરતે નીચા દરે આવકવેરો ભરવાની ઑફર આપી, જેમાં એવું કહ્યું કે તેઓ વિવિધ કલમ હેઠળ મળતી કરરાહત અને કરમુક્તિ જતી કરે તો તેમને નીચા દરે ઇન્કમ ટૅક્સ ભરવાની સુવિધા મળે, પરંતુ આમ કરવામાં એકંદરે તેમને ખરેખર લાભ મળે છે કે નહીં એ સમજવું કઠિન બની જાય છે. આ ગૂંચવણને આ વખતના બજેટમાં દૂર કરવી જોઈએ અને એનું સરળીકરણ તેમ જ સ્પષ્ટીકરણ કરવું જોઈએ. ખાસ કરીને વધતા જતા શૈક્ષણિક અને સ્વાસ્થ્ય ખર્ચને ધ્યાનમાં રાખતાં આ વર્ગને વધુ રાહત આપવામાં સાર છે. આ વર્ગ પ્રામાણિક કરદાતા વર્ગ પણ છે. સરકારે કરવેરાનું માળખું એટલું સરળ બનાવવું જોઈએ કે તેને કરવેરાનો પાયો વિસ્તૃત કરવામાં સહાય મળે, દેશમાં વધુ લોકો કર ભરવા આગળ આવે.

૮. સિનિયર સિટિઝન્સને ભૂલતા નહીં

આઠમી સીધી વાત - દેશમાં જેની વધુ દયનીય અથવા કફોડી દશા હોય તો એ વર્ગ છે વરિષ્ઠ નાગરિકોનો વર્ગ. બૅન્ક એફડીના નીચા વ્યાજદર હવે તેમનું જીવનધોરણ ચલાવવામાં સહાયરૂપ થઈ શકતા નથી. અન્ય સરકારી યોજનામાંથી પણ તેમને સલામતી મળે છે, પણ વ્યાજદર આજની મોંઘવારીનો સામનો કરી શકે એવા હોતા નથી. વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટિઝન્સ)ને સૌથી વધુ ખર્ચ માંદગી-દવા-સારવારનો આવતો હોય છે. તેમને જેમ ઉંમર વધે એમ મેડિકલેમ પ‍ૉલિસી મળવાનું મુશ્કેલ બને છે, મળે છે તો ઊંચા પ્રીમિયમે જ મળે છે. આ સંજોગોમાં તેમનો જીવનગુજારો ભારે પડે એ સ્વાભાવિક છે. આ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજના લાવવી જોઈએ. આમાં માત્ર ઉંમર જોવાને બદલે તેમની આવકનો માપદંડ લાગુ કરવો જોઈએ.

૯. બચતને પ્રોત્સાહન સાથે મૂડીબજારને તંદુરસ્તી

નવમી સીધી વાત - સરકારે ખાસ સમજવું જોઈએ કે અથવા માની લઈએ કે સરકાર સમજતી જ હશે, માત્ર શૅરબજારની તેજીથી દેશના અર્થતંત્રનો ઉદ્ધાર થઈ શકે નહીં, આર્થિક વિકાસનો લાભ દરેક વર્ગમાં વહેંચાવો જોઈએ. શૅર સિવાયનાં બચત સાધનોમાં ઇનોવેશન પણ લાવવાં જોઈએ. બૅન્કોમાં નાણાં મૂકવાનો ભય હજી પણ રહે છે એ દૂર થવો જોઈએ. બચતને અને સુરક્ષિત રોકાણને ઉત્તજેન મળે એવી યોજનાઓ લાવવી જોઈએ. ખાનગીકરણ જાહેર હિતને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. મૂડીબજારનો તંદુરસ્ત વિકાસ થાય એના પર જોર આપવું જોઈએ. માત્ર વિદેશી નાણાંના જોરે બજારમાં તેજી થાય યા ચાલે એ આદર્શ બાબત ન ગણાય. 

૧૦. આત્મનિર્ભરતાનો આત્મવિશ્વાસ વધારો

દસમી સીધી વાત - નાણાપ્રધાને આ વખતે સદીના પડકારરૂપી બજેટની વાત કરી છે. જોકે આ નાણાપ્રધાને અત્યાર સુધી જાહેર કરેલા બજેટમાં ક્યારેય નવીનતા, નોખાપણું કે બોલ્ડનેસ જોવા મળી નથી. દેશ સામે પડકાર છે એ સાચી વાત છે, પણ દેશ સામે તકો પણ ઘણી છે. વિશ્વમાં ભારત આજે નોખું સ્થાન ધરાવતું થયું છે. વિશ્વની નજર કેટલીય બાબતો માટે હિન્દુસ્તાન પર હોય છે. દેશ આત્મનિર્ભર બનવા તરફ જઈ રહ્યો છે. બજેટ આ દિશામાં તમામ વર્ગનો આત્મવિશ્વાસ વધે એવું હોવું જોઈએ. માત્ર સૂત્રો કે નારાઓથી વિકાસ થતો નથી, નિષ્ઠાપૂર્વકની યોજનાઓ અને એનો સમયસર શિસ્તબદ્ધ અમલ થવો જોઈએ. 

બજેટનું ક્રિસ્ટલ-ગેઝિંગ

- ઇન્ફ્રાસ્ટ્રકચર પરના ખર્ચમાં જંગી વધારો થશે

- સીધા વિદેશી રોકાણ માટે પ્રોત્સાહન અને ઉદારતા

- ડિસઇન્વેસ્ટમેન્ટ માર્ગે મોટું ભંડોળ ઊભું કરવાનું આયોજન

- ખાનગીકરણ પર જોર અપાશે

- રોજગાર-સર્જન પર ધ્યાન અપાશે

- નાના-મધ્યમ એકમોને વધુ રાહત-પ્રોત્સાહન

- કરવેરાના માળખાનુ વધુ સુતાર્કિકીકરણ-સરળીકરણ

- વરિષ્ઠ નાગરિકો માટે રાહતની અપેક્ષા

- ભારતને ઉત્પાદન મથક બનાવવાનું લક્ષ્ય

- કોવિડ-સેસની શક્યતા

ઇકૉનૉમીને ફરી વાઇબ્રન્ટ બનાવવાની ફૉર્મ્યુલા, વધુ એમ્પ્લોયમેન્ટ સર્જો ને એના માટે જાહેર ખર્ચ વધારો

૨૦૧૪થી સરકારે યોગ્ય દિશામાં ઘણાં ઉત્કૃષ્ટ પગલાં સબ કા સાથ, સબ કા વિકાસના લક્ષ્ય સાથે લીધાં છે જેમાં જન ધન બૅન્ક અકાઉન્ટ, આધાર, મોબાઇલ (જેએએમ), લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર, જીએસટીનો અમલ, પ્રાકૃતિક સંસાધનોનું લિલામ દ્વારા વેચાણ, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ જનઆરોગ્ય, હર જલ યોજના, મફત આવાસ અને કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ ક્ષેત્રે સર્વસમાવેશક વિકાસ માટેનાં અસંખ્ય પગલાંનો સમાવેશ થાય છે.

૨૦૨૦માં આખી દુનિયાને હચમચાવી નાખનારી કોવિડ-19 નામની મહામારી ફેલાઈ, જેનો સામનો કરવામાં દેશે અન્ય સમૃદ્ધ દેશોની તુલનાએ મર્યાદિત સંસાધનો છતાં કુનેહ દાખવી. હવે દેશમાં રસી આપવા, કામે ચડવા અને પુનઃ સામાન્યવત સ્થિતિ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે મોટા ભાગના દેશો હજી આઘાતમાંથી બહાર આવ્યા હોય એમ લાગતું નથી.

આપણે જાણીએ છીએ કે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કરવા માટેના ઉપાય પણ અદ્વિતીય હોવા જોઈએ. આપણે નવા દસકના ઉંબરે બેઠા છીએ ત્યારે દેશે હવે શું કરવું જોઈએ એના વ્યૂહ બનાવી મોટા પરિવર્તન માટે સજ્જ થવું જોઈએ. આ માટેની મોટા ભાગની તૈયારીઓ લોકોને પાયાની સુવિધાઓ અને પારદર્શી સરકારી સેવાઓના રૂપમાં કરવામાં આવી ચૂકી છે. ૨૦૨૦માં કોવિડને કારણે આપણા અગ્રક્રમો બદલાઈ ગયા છે. ૨૦૨૧-૨૨નું બજેટ એ દર્શાવશે કે સરકારે વ્યૂહાત્મક રીતે કયા અગ્રક્રમોને પ્રાધાન્ય આપ્યું છે.

ચોથી ઔદ્યોગિક ક્રાન્તિનો પુરો લાભ લો

ચોથી ઔદ્યોગિક ક્રાન્તિનું આગમન ભારતના વિકાસના પરંપરાગત તબક્કાઓને મોટો વેગ આપી શકે છે. ઉત્પાદન, વિતરણ અને વપરાશ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન કરીને રાષ્ટ્રને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં પરિવર્તિત કરી શકાય એમ છે. આથી આગામી બજેટમાં ફોકસ માત્ર ટેક્નૉલૉજી પર જ નહીં પરંતુ એને દેશની ઉત્કૃષ્ટ સંભાવનાઓ સાથે કઈ રીતે સાંકળી શકાય એના પર હોવું જોઈશે.

વૈશ્વિક જોડાણો અને મુક્ત વેપારના કરારો

ભારતે ડબ્લ્યુટીઓ, ઓઈસીડી સહિતની વૈશ્વિક ભાગીદારીઓ અને ટેક્સટાઇલ ક્વોટા સિસ્ટમને સુધારવા વ્યક્તિગત દેશો સાથેની ભાગીદારીઓ વિકસાવવી જોઈએ. વેપારની વ્યાખ્યામાં સર્વિસિસ અને સર્વિસ પ્રોવાઇડર્સ વગેરેનો સમાવેશ કરી આગામી દસકામાં મોખરે રહેવું જોઈએ. યુરોપ, જપાન, ઑસ્ટ્રેલિયા અને નૉર્થ અમેરિકામાં વ્યૂહાત્મક ભાગીદારો સાથેનાં ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ્સ ભારતને વિશ્વ બજારમાં ચીનનું સ્થાન પ્રાપ્ત કરવામાં સહાય કરશે.

કોસ્ટલ ઇકૉનૉમિક એક્સપોર્ટ ઝોન્સ

દરેક રાજ્યમાં પોતાના પોર્ટ્સ, હવાઈ પટ્ટી વગેરે સાથેના વિરાટ (ઓછામાં ઓછા ૨૦૦ કિલોમીટર) કોસ્ટલ ઇકૉનૉમિક એક્સપોર્ટ ઝોન્સ સ્થાપવાની યોજનાનાં દૂરગામી પરિણામો ભારતને વૈશ્વિક ઉત્પાદન મથક બનાવવામાં મળશે. આ એક્સપોર્ટ ઝોન્સમાં હળવા કામદાર અને વહીવટી કાયદાઓ હોવા જોઈશે. આ ક્લસ્ટર માટેના મૉડલ કાયદા હોવા જોઈશે. વળી આ એક્સપોર્ટ ઝોન્સને સ્પેશ્યલ ઑથોરિટી, વેરા રાહતો, ચોક્કસ દેશો અથવા કંપનીઓને લાઇસન્સરાજથી મુક્તિ પૂરી પાડવી જોઈએ. ઉત્પાદનનાં આંતરરાષ્ટ્રીય ધોરણોનાં પાલન સાથે ઓછા ખર્ચ અને સારી ગુણવત્તાયુક્ત માલના ઉત્પાદન માટે સામાન્ય સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ, સિંગલ ક્લિયરન્સ સાથેના આત્મનિર્ભર મેગા પાર્ક્સ અને મૅન્યુફૅક્ચરિંગ ક્લસ્ટર્સ સ્થાપવા આવશ્યક છે; જેના સંચાલન માટે અલગ વહીવટી તંત્ર હોય.

બાયોટેક, આઇટી અને ઇલેક્ટ્રૉનિક્સ

અત્યારે બાયોટેક મેડિકલ-ટેક અને ફાર્માસ્યુટિકલ્સ, આઇટી અને બીપીઓ એક્સપોર્ટ્સ, ઇલેક્ટ્રૉનિક્સ ગુડ્સ અને ચિપ મૅન્યુફૅક્ચરિંગ, કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરિંગ અને રીન્યુએબલ્સ, ઇલેક્ટ્રિક વેહિકલ્સનું દેશની નિકાસમાં મોટું યોગદાન રહ્યું છે. આ ક્ષેત્રોને લેટેસ્ટ ટેક્નૉલૉજી અપનાવવા માટેનું ઉત્તેજન મળે એ માટેનું માળખું સ્થાપવું જોઈએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચની ઝડપ વધારો

માળખાકીય સવલતો માટે કરાતા ખર્ચની એકંદર આર્થિક વૃદ્ધિ પર બહુવિધ અસર થતી હોય છે. આ દૃષ્ટિએ સસ્ટેનેબિલિટી પર ફોકસ રાખી સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જવું આવશ્યક છે. નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી)એ આગામી પાંચ વર્ષ માટે ૧૦૨ લાખ કરોડ રૂપિયા (૧.૪ ટ્રિલ્યન યુએસ ડૉલર)નો ખર્ચ મંજૂર કર્યો છે એ સારી શરૂઆત છે, પરંતુ એના વ્યાપ અને રકમમાં વધારો કરવાની જરૂર છે. મહાનગરોને જોડતા હાઈ સ્પીડ રેલ કૉરિડોર, આયોજિત મેટ્રો સિસ્ટમ્સને બમણી કરવી જોઈએ, ૨૦૩૦ સુધીમાં ૪૫૦ ગીગાવૉટ રીન્યુએબલ ઊર્જાના લક્ષ્યને ૨૦૨૫ સુધીમાં સિદ્ધ કરવાનું આયોજન કરવું જોઈએ. નિશ્ચિત સમયમર્યાદામાં કામ પૂરું કરાય એ શરતે કૉન્ટ્રૅક્ટ્સ અને મંજૂરીઓ આપવી જોઈએ.

માનવસંસાધન વિકાસમાં મૂડીરોકાણ

આત્મનિર્ભર ભારત માટે એ જરૂરી છે કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર ખર્ચમાં ૨.૫ ટકા (અત્યારે ૧.૧ ટકા) અને રાજ્યો ૮ ટકાનો વધારો કરે. મેડિકલ ઉપકરણો, સંબંધિત બધાં સાધનો અને ચીજોનું ઉત્પાદન ઝડપથી વધારવું જોઈએ અને વિદેશી સહભાગીઓ સાથે મળીને સંશોધન અને વિકાસને વેગ આપવો જોઈએ. એ જ પ્રમાણે ડિજિટલ ઍપ્લિકેશન્સ, હાઈ-ટેક માનવ સંસાધનોની અછતને નિવારવા સ્પેશ્યલાઇઝ્ડ તાલીમ કાર્યક્રમો, ડિજિટલ ટૂલ્સ અને ટેક્નૉલૉજીઝના વપરાશ વગેરેના ઝડપી અમલ દ્વારા છ-સાડા છ કરોડ રોજગાર સર્જી શકાય એમ છે.

કાનૂન સરળ બનાવો

કોવિડને પગલે ઘરેથી કામ કરવાનું ચલણ વધતાં ઘણાં ક્ષેત્રોનો માહોલ સંપૂર્ણ ડિજિટલ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખી સરકારે શ્રમ કાનૂનોના સરળીકરણ માટે અનુપાલન માટેના નિયમોમાં ઘટાડો કરવો જોઈએ. રેગ્યુલેટરી ફાઇલિંગ, પારદર્શી વિધિઓ, રેકોર્ડ્સનું ડિજિટાઇઝેશન, વર્તમાન સેન્ટ્રલ અને રાજ્ય કાનૂનોની રિપોઝિટરીનું સરળીકરણ કરવું જોઈએ અને અપ્રસ્તુત કાનૂનોનો વીંટો વાળી દેવો જોઈએ. આમ કરવાથી જીડીપી અને રોજગાર ઝડપથી વધશે.

 ટેક્નૉલૉજીઝને ઉત્તેજન

વિકાસના નવા તબક્કામાં પ્રવેશવા ભારતમાં મોટા પાયે અત્યાધુનિક ટેક્નૉલૉજીઝના વિકાસ અને અમલ માટે એક નોડલ એજન્સીની પસંદગી કરવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ-ઑફ-થિંગ્સ, રોબોટિક્સ જેવી ભાવિ ટેક્નૉલૉજીઝના વિકાસ માટે સેન્ટર્સ ઑફ એક્સલન્સ સ્થાપવાં જોઈએ. તાજેતરની પ્રોત્સાહન યોજના વિવિધ પ્રકારના મૅન્યુફૅક્ચરિંગ માટે પ્રચંડ સફળતાને વરી છે, એને ઘણાં ક્ષેત્રોમાં લાગુ કરી શકાય.

રાષ્ટ્રના ભાવિ નિર્માણ માટે

આગામી પાંચ વર્ષમાં દેશમાં એક ટ્રિલ્યન યુએસ ડૉલર મૂડીરોકાણની જરૂર તો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પડશે. આટલું મૂડીરોકાણ ત્યારે જ ઉપલબ્ધ થાય જ્યારે જીડીપીની બચતના 30 ટકા રાષ્ટ્રના ભાવિ નિર્માણ માટે રોકવામાં આવે. ભારતીય બજારમાં ૨૦-૩૦ વર્ષના બૉન્ડ્સ વાજબી વ્યાજ દરે આ માટેની આંશિક જરૂરિયાત પૂરી કરી શકે.

પ્રત્યેક ક્ષેત્ર માટે સ્પેશ્યલ પર્પઝ વેહિકલ (એસપીવી) સ્થાપી શકાય અને સૉવરિન ગૅરન્ટીના વપરાશ દ્વારા તેમ જ સૉવરિન વેલ્થ ફન્ડ્સ પાસેથી ધિરાણ પ્રાપ્ત કરી શકાય. નીચા વ્યાજદરે લાંબા ગાળા માટેનું ધિરાણ વૈશ્વિક મૂડીબજારમાંથી પ્રાપ્ત કરી શકાય. વિદેશી મૂડીને સ્થાનિક બૉન્ડ્સમાં રોકાણ કરવા આમંત્રવાને બદલે આ સારો વિકલ્પ છે, કારણ કે એમાં પુનઃ ચુકવણી ૨૦ કે ૩૦ વર્ષ બાદ જ કરવાની હોય છે. ૨૦-૩૦ વર્ષની મુદત માટેનું રોકાણ પેન્શન ફન્ડ્સ અને એન્ડાઉમેન્ટ ફન્ડ્સ પાસેથી પણ પ્રાપ્ત કરી શકાય. વિદેશો અને ગિફ્ટ સિટીમાંથી ગ્લોબલ ફન્ડ એકત્ર કરી શકાય.

ઇન્ડિયા મીન્સ બિઝનેસ

વણકલ્પી મહામારીની ઊજળી બાજુ એ રહી છે કે એણે નવા વૈશ્વિક માહોલમાં આપણે કેવાં પગલાં લેવાં જોઈએ એના ચિંતનની તક પૂરી પાડી છે. મહામારીએ એ દર્શાવી આપ્યું કે ભારતનો ફાર્મા ઉદ્યોગ માત્ર ભારત માટે જ નહીં, સંપૂર્ણ વિશ્વ માટે એક અસ્કયામત છે. વિશ્વ નવી ઔદ્યોગિક વ્યવસ્થામાં જઈ રહ્યું છે ત્યારે સરકારે ઉદ્યોગોને આકર્ષવા સંગઠિત પ્રયાસ કર્યા છે. દેશ માટે આ મોટી તક છે. બજેટમાં જો બોલ્ડ વિઝન દુનિયાને દેખાડશે તો ગ્લોબલ સ્તરે એવી ઇમેજ ઊભી થઈ શકે કે  ‘ઇન્ડિયા મીન્સ બિઝનેસ’.

રિલીફ, રિલીફ અને રિલીફ

મહામારીમાં લેવાઈ ગયેલા આમઆદમીની બજેટ પાસે આ એક જ ડિમાન્ડ છે. જોકે સાથે-સાથે બજેટમાં ઇન્સોયરન્સ સેક્ટરમાં મોટા પાયે સુધારાઓ થશે એ પણ પાકું જ છે. આ ઉપરાંત હેલ્થ અને રુરલ સેક્ટરમાં સરખી જોગવાઈઓ સરકાર દ્વારા કરાશે એ‍વી પૂરેપૂરી શક્યતા છે

નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં વૈશ્વિક મહામારીનાં દુષ્પરિણામોમાંથી દેશ ધીરે-ધીરે બેઠો થઈ રહ્યો છે ત્યારે બધાની નજર આગામી નાણાકીય વર્ષના કેન્દ્રીય બજેટ પર મંડાયેલી છે. આગામી બજેટની જાહેરાત પૂર્વે સરકારે લાગતાવળગતા હિતધારકો અને ઉદ્યોગના નિષ્ણાતોની સાથે સલાહવિમર્શ શરૂ કર્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૨૦૨૧ની ૧ ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ના બજેટની જાહેરાત કરશે.

મહામારીના મારથી વ્યથિત સામાન્ય લોકો નિઃશંક મોદી સરકાર અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પાસે વિવિધ પ્રોત્સાહનો, કર-ઘટાડા, સબસિડી, ધિરાણની સરળ ઉપલબ્ધિ અને અન્ય રાહતોની આશા રાખી રહ્યા છે. કૉર્પોરેટ ટૅક્સના દરમાં કરાયેલા ઘટાડા અને વ્યક્તિગત કરદાતા પરના સરચાર્જમાં કરાયેલા વધારાને જોતાં એવી આશા રાખવામાં આવે છે કે વ્યક્તિઓ પરના કરમાળખાનું સરળીકરણ કરવામાં આવશે. આડકતરા વેરાઓમાં માલ અને સેવાઓ માટેના વેરાના સ્લૅબ ઘટાડીને ત્રણ કરી જીએસટીનું સરળીકરણ કરવું જોઈએ.

કોવિડ-19ને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે સામાન્ય માણસ આવક અને રોકડના પ્રવાહમાં સતત વિક્ષેપનો સામનો કરી રહ્યો છે. આને કારણે એ ધિરાણ માટે બૅન્કિંગ ક્ષેત્ર ભણી વળી રહ્યો છે.

દેશમાં સામાજિક સુરક્ષા અપર્યાપ્ત છે એટલે વ્યક્તિ તેનાં વિવિધ જીવનલક્ષ્યો પૂરાં કરવા અને નિવૃત્તિ માટે જરૂરી ફન્ડ એકત્રિત કરવા માટે લાઇફ ઇન્શ્યૉરન્સ સૉલ્યુશન્સ પસંદ કરે છે.

કોવિડ-19 મહામારીના પગલે બધા પ્રકારની ઇન્શ્યૉરન્સ પૉલિસીઓમાં લોકોનો રસ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે એથી એવી આશા રાખવામાં આવે છે કે નાણાપ્રધાન વીમાનું ચલણ વધે અને પૉલિસી-હોલ્ડરને સહાય થાય એવાં આવશ્યક પગલાં લેશે.

૨૦૨૦માં હૉસ્પિટલના બેડની અને વેન્ટિલેટર્સની અછતના સમાચાર છાપાંની ઘણી વાર હેડલાઇન બની હતી એથી આ વર્ષે દેશના આરોગ્ય તંત્રમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સુધારો કરે એવાં પગલાં બજેટમાં હશે એવી અપેક્ષા છે.

સરકારે ખર્ચ કરવામાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય સંભાળ અને પર્યાવરણીય સંતુલન સાથે આર્થિક વિકાસને જાળવી રાખવાને અગ્રતા આપવી જોઈએ.

ઘણા નિષ્ણાતોએ આ વર્ષના બજેટમાં જાહેર આરોગ્ય ખર્ચમાં વધારો કરવાનું સૂચવ્યું છે અને આરોગ્ય ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાની ભલામણ કરી છે. મહામારીએ જે પાઠ ભણાવ્યા છે એના આધારે ફાર્મા ક્ષેત્રમાં સંશોધન અને રોગ સામેના રક્ષણ માટે વધુ ખર્ચની જોગવાઈ કરવામાં આવશે એવી અપેક્ષા પણ છે.

હેલ્થકૅર અને કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય

ટૂંકમાં કહીએ તો બજેટ ૨૦૨૧-’૨૨માં હેલ્થકૅર અને કૃષિ જેવાં મુખ્ય ક્ષેત્રોને મજબૂત બનાવવાની સાથે આર્થિક વિકાસદરની પુનઃ પ્રાપ્તિ અને વૃદ્ધિ પર ભાર મૂકવામાં આવશે. ૨૦૨૦માં કરની આવકમાં ઘટાડો થયો હોવાથી આવકવેરાને મોરચે સરકાર કોઈ રાહત આપે એમ લાગતું નથી.

મહિલા રોજગારી

કોવિડ-19ની મહામારીએ મહિલાઓની રોજગારીને મોટો ફટકો માર્યો છે. સ્થળાંતર કરીને આવેલી મજૂર મહિલાઓથી લઈને કંપનીઓની કર્મચારીઓથી લઈને શિક્ષિકાઓ બધાને ભારે અસર થઈ છે. આથી દેશની કામ કરતી મહિલાઓ નાણાપ્રધાન પાસેથી મોટી રાહતની અપેક્ષા રાખે એમાં કોઈ અચરજ નથી. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઇઈ)ના જણાવ્યા પ્રમાણે ૨૦૧૯-’૨૦માં માનવશ્રમમાં મહિલાઓનો હિસ્સો ૧૦.૭ ટકા હતો, એમાંની ૧૩.૯ ટકા મહિલાઓએ (લૉકડાઉનના પ્રથમ મહિના) એપ્રિલ ૨૦૨૦માં નોકરી  ગુમાવી હતી. નવેમ્બર ૨૦૨૦ સુધીમાં પુરુષોએ તેમની ગુમાવેલી રોજગારી પુનઃ પ્રાપ્ત કરી લીધી હતી, પરંતુ મહિલાઓ એટલી ભાગ્યશાળી રહી નહોતી. નવેમ્બર સુધીમાં મહિલાઓએ ૪૯ ટકા નોકરીઓ ગુમાવી દીધી હતી. દેશની મહિલાઓ એવી આશા રાખી રહી છે કે વધુ ને વધુ મહિલાઓ રોજગાર પ્રાપ્ત કરે એ માટેનાં પ્રોત્સાહક પગલાં નાણાપ્રધાન બજેટમાં લાવશે.

અચરજ તો એ છે કે એક સરકારી યોજના જેનું નામ સ્ટેપ (એસટીઈપી-સપોર્ટ ટુ ટ્રેઇનિંગ ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ પ્રોગ્રામ) છે એ મહિલાઓ માટે છે એની ઘણાને ખબર નથી. આ સ્કીમ હેઠળ મહિલાઓને રોજગારી માટે કૌશલ વિકસાવવાની તાલીમ આપવામાં આવે છે. એ ઉપરાંત આ સ્કીમ વિશે એવા અહેવાલ મળ્યા છે કે આ સ્કીમ માટેની ફાળવણી ૪૦ કરોડથી ઘટાડીને પાંચ કરોડ રૂપિયાની કરવામાં આવી છે.

મહિલાઓને અન્ય રાહતો

મહિલાઓ માટે આવકવેરાની કલમ 80સી હેઠળની મુક્તિમર્યાદા ૧.૫ લાખથી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરવાની માગણી થઈ રહી છે. જો એમ કરવામાં આવશે તો મહિલાઓના હાથમાં વધુ રોકડ બચશે. એ ઉપરાંત મૅટરનિટી લીવ ત્રણ મહિનાથી વધારીને ૬ મહિના કરવામાં આવશે તો એને પણ વધાવાશે. મહિલાઓ આ રજા ૯ મહિનાની કરવાની માગણી કરી રહી છે.

કામ કરતી મહિલાઓ ઉપરાંત ગૃહિણીઓ પણ કરિયાણા અને રાંધણ ગૅસની કિંમતમાં ઘટાડાની માગણી કરી રહી છે. સોનાના ભાવ ખૂબ વધી ગયા છે અને મધ્યમ વર્ગની પહોંચની બહાર જતા રહ્યા છે એટલે સોના પરની ડ્યુટીમાં ઘટાડો કરવાની ડિમાન્ડ પણ છે.

દેશભરમાં કૌશલ વિકાસ માટેના કાર્યક્રમ મોટા પાયે યોજાવા જોઈએ, જેથી દેશની વિશાળ વસ્તીનો લાભ અર્થતંત્રને મળે. વંચિત બાળકો અને કુટુંબોને દૈનિક ધોરણે અન્ન મળી રહે એ માટે અન્ન વિતરણ વ્યવસ્થા મજબૂત બનાવવી જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે સહેલાઈથી લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ અને બૅન્કોમાં આને માટે ખાસ ડેસ્કની રચના થવી જોઈએ.

સરકારે અર્થતંત્રનાં ચાવીરૂપ ક્ષેત્રોના ધિરાણ માટે પોતાની માલિકીની વ્યાવસાયિક ઢબે ચલાવાતી નાણાસંસ્થાઓ કેએફડબ્લ્યુ જર્મની, બ્રાઝિલિયન ડેવલપમેન્ટ બૅન્ક અને કોરિયા ડેવલપમેન્ટ બૅન્કની જેમ સર્જવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK