લાઇફ કા ફન્ડા: રિપોર્ટ-કાર્ડ પર પપ્પાની સહી

Published: Dec 02, 2019, 13:28 IST | Heta Bhushan | Mumbai

પપ્પાએ મમ્મીને ટીચરની નોંધ વંચાવી અને રિપોર્ટ-કાર્ડમાં સહી કરતાં કહ્યું, ‘આપણો દીકરો સારો માણસ છે એ સૌથી સારી વાત છે અને તેનું મને અભિમાન છે. ભણવામાં હવે આપણે વધુ ધ્યાન આપીશું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નાનકડા સોહમનું હાફ યરલી રિપોર્ટ-કાર્ડ આવ્યું. સોહમને બધા વિષયમાં એકદમ ઓછા માર્ક હતા. ત્રણ વિષયમાં તો તે ફેલ થયો હતો. ડરતાં-ડરતાં તે રિપોર્ટ-કાર્ડ લઈને મમ્મી પાસે ગયો. રિપોર્ટ-કાર્ડ જોઈને મમ્મી ગુસ્સે થઈ
ગઈ. બહુ ખિજાઈ. સહી કરી
આપવાની ના પડી દીધી અને કહ્યું, ‘જા તારા પપ્પાને બતાવ. તેમની સહી પહેલાં લે. આવા ખરાબ રિઝલ્ટ પર હું સહી નહીં કરી આપું.’
સોહમ ડરી ગયો, ‘જો મમ્મી આટલી ગુસ્સે થઈ તો પપ્પા કેટલું ખિજાશે. કદાચ લાફો પણ મારશે. સોહમ
રિપોર્ટ-કાર્ડ લઈને રડમસ ચહેરે પપ્પા પાસે ગયો. પપ્પા પોતાના લૅપટૉપ પર કામ કરી રહ્યા હતા. સોહમે પાસે જઈને ધીમેકથી પપ્પા સામે રિપોર્ટ-કાર્ડ મૂક્યું. પપ્પાએ કાર્ડ હાથમાં લીધું અને વાંચવા લાગ્યા. સોહમને હતું જ કે હમણાં ખિજાશે અને લાફો જ પડશે. મમ્મી પણ પાછળ આવીને ઊભી રહી ગઈ અને રાહ જોવા લાગી કે સોહમના આટલા ખરાબ રિઝલ્ટ પર તેના પપ્પા શું કહે છે?
રિપોર્ટ-કાર્ડ વાંચતાં-વાંચતાં પપ્પા બોલ્યા, ‘અરે વાહ, હું શું કહું, મારી પાસે કોઈ શબ્દો જ નથી.’ ગુસ્સામાં મમ્મી તરત વચ્ચે બોલી, ‘સાચે, કંઈ બોલવા જેવું જ નથી.’ પપ્પાએ સોહમને પ્રેમથી ઊંચકી લીધો અને બોલ્યા, ‘આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ!’ સોહમને નવાઈ લાગી કે પપ્પા કેમ આમ કહે છે... અને મમ્મી તરત બોલી, ‘શું પ્રાઉડ... કેવી વાત કરો છો સાવ ખરાબ રિઝલ્ટ આવ્યું છે.’
પપ્પાએ સોહમને વહાલ કરીને ખોળામાં બેસાડ્યો અને મમ્મીને કહ્યું, ‘અરે, તેં રિપોર્ટ-કાર્ડ બરાબર વાંચ્યું નથી લાગતું.’ મમ્મીએ ગુસ્સામાં કહ્યું, ‘વાંચ્યું છે, બધા વિષયમાં ઓછા માર્ક છે અને ત્રણ વિષયમાં તો તમારો દીકરો ફેલ થયો છે... તમે બરાબર જુઓ.’ પપ્પા બોલ્યા, ‘તું જો... હા તેના માર્ક ઓછા છે, પણ ટીચરે આપણા દીકરા વિશે શું લખ્યું છે એ તો વાંચ. ટીચરે લખ્યું હતું –‘સોહમને ભણવાના વિષયમાં માર્ક ઓછા છે, વધુ મહેનતની જરૂર છે, પણ તે વર્ગમાં બધાને ખૂબ જ મદદ કરે છે અને તે એકદમ દયાળુ અને માયાળુ, બધાનું ધ્યાન રાખે છે.’
પપ્પાએ મમ્મીને ટીચરની નોંધ વંચાવી અને રિપોર્ટ-કાર્ડમાં સહી કરતાં કહ્યું, ‘આપણો દીકરો સારો માણસ છે એ સૌથી સારી વાત છે અને તેનું મને અભિમાન છે. ભણવામાં હવે આપણે વધુ ધ્યાન આપીશું.’ આટલું બોલીને પપ્પાએ સહી કરીને રિપોર્ટ-કાર્ડ મમ્મીને આપ્યું. મમ્મીએ પણ સહી કરી અને સોહમને વહાલ કરી રિપોર્ટ-કાર્ડ તેના હાથમાં સોંપ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK