કેટલી વ્યક્તિઓ નિસ્પૃહતાથી અલવિદા કહી શકે?

Updated: May 20, 2020, 07:27 IST | Taru Kajaria | Mumbai

આકાશની સામે અનિમેષ નજરે તાકી રહીએ તોય ક્યારે કે કઈ ચોક્કસ ક્ષણે દિવસ આથમી ગયો અને રાતે પોતાનો અંધકારનો અસબાબ લઈને ગગનમાં અડ્ડો જમાવી દીધો એ ખબર નથી પડતી

આકાશની સામે અનિમેષ નજરે તાકી રહીએ તોય ક્યારે કે કઈ ચોક્કસ ક્ષણે દિવસ આથમી ગયો અને રાતે પોતાનો અંધકારનો અસબાબ લઈને ગગનમાં અડ્ડો જમાવી દીધો એ ખબર નથી પડતી. બન્ને એકમેકને એટલી નજાકત અને સહજતાથી ખેસવીને પોતે ગોઠવાઈ જાય છે કે ખબર જ નથી પડતી કે ક્યારે થયો દિવસનો આરંભ અને કઈ પળે થયું રાતનું આગમન

 

મને ઘણી વાર વિચાર આવે કે આપણે દિવસને ઊગતો કહીએ છીએ એમ જ રાતને પણ ઊગતી જ કહેવું જોઈએને? અજવાળું લઈને દિવસ ઊગે છે એમ જ અંધારું લઈને રાત ઊગે! પણ આપણા શબ્દકોશમાં દિવસ ઊગે અને રાત ઢળે! મને લાગે છે કે હકીકતમાં ઢળે છે તો દિવસ અને પછી ઊગે છે એ રાત છે. ખેર... હા, તો મને બીજો સવાલ એ થાય છે કે આપણે ક્યારેય દિવસ કે રાતને ઊગતાં જોયાં છે? આકાશની સામે અનિમેષ નજરે તાકી રહીએ તોય ક્યારે કે કઈ ચોક્કસ ક્ષણે દિવસ આથમી ગયો અને રાતે પોતાનો અંધકારનો અસબાબ લઈને ગગનમાં અડ્ડો જમાવી દીધો એ ખબર નથી પડતી. બન્ને એકમેકને એટલી નજાકત અને સહજતાથી ખેસવીને પોતે ગોઠવાઈ જાય છે કે ખબર જ નથી

પડતી કે ક્યારે થયો દિવસનો આરંભ અને કઈ પળે થયું રાતનું આગમન! જાણે આભના પ્રદેશમાં વસતા બે મૅચ્યોર્ડ રાજવીઓની સમજણ અને શાંતિપૂર્વકની સંધિ! કેવું અદ્‍ભુત સિમલેસ ટ્રાન્ઝિશન!

પરંતુ આ છોડવાની વાત માનવી માટે કેટલી કપરી છે! નાના બાળકથી લઈને જીવનસંધ્યાને પેલે પાર પહોંચી ગયેલા વૃદ્ધ સુધી કોઈને પણ પોતાની નાનકડી ચીજેય છોડવી પડે છે ત્યારે કેટલી તકલીફ થાય છે! યાદ કરો, તમારે કે તમારા કોઈ નજીક્ના મિત્રે પોતાની ખુરશી છોડતી વખતે, પદ કે હોદ્દો છોડતી વખતે, નોકરી છોડતી વખતે કે  ઈવન ઘરમાં પોતાની મનપસંદ રીતે ચાલતી વ્યવસ્થા બદલવાની નોબત આવી ત્યારે અનુભવેલી પીડા. એ વખતે કેટલી તકલીફ થાય છે! અરે, પ્રામાણિકતાથી બિઝનેસ કરવાનો, સફાઈપૂર્વક કે પદ્ધતિસર કામ કરવાનો કે અમુક જ પ્રકારે જિંદગી જીવવાનો આગ્રહ છોડવો પણ કેટલો મુશ્કેલ છે!

 વળગી રહેવાના આ માનવસહજ સ્વભાવનો સૌથી વધુ અને વરવો અનુભવ સંસ્થાઓ કે કોઈ પણ ઑર્ગેનાઇઝેશનમાં સક્રિય વ્યક્તિઓ પાસેથી થતો હોય છે. કેટલીયે સ્વૈચ્છિક સંસ્થાઓમાં વરસો શું, દાયકાઓથી કેટલીક વ્યક્તિઓ હોદ્દા પર ચિટકી રહે છે. વધતી વય કે ઘટતી શક્તિઓ છતાં તેમને ખુરશીનું વળગણ છૂટતું નથી. પણ કેટલાક અપવાદો જોવા મળે છે જેઓ આ દિવસ અને રાત જેટલી સહજતાથી પોતાના પદને છોડી શકે છે. કેટલાક  મિત્રોએ યુવાવયે શરૂ કરેલી વડોદરાની ઓએસિસ મૂવમેન્ટ સંસ્થાનાં તાજેતરમાં ત્રીસ વરસ પૂરાં થયાં. બે અઠવાડિયાં પહેલાંના ઓએસિસના મૅગેઝિન ‘અલાઇવ’માં એ અગિયારે મિત્રોની તસવીર સાથે સમાચાર છપાયા છે. એનું મથાળું છે : ‘આગામી સો વર્ષની તૈયારી કરી રહ્યું છે ઓએસિસ’. એ સમાચારમાં મુખ્ય વાત એના સ્થાપક સભ્યોએ ઓએસિસને કહેલું ગુડબાય છે. જેને તમે જન્મ આપ્યો હોય, ઉછેર્યું હોય, તમારું જીવન જેનામય હોય, દિવસ-રાત તમારા દિમાગમાં જે રમતું હોય,  જેના વિકાસ માટે સૌ તમારા પર મીટ માંડીને બેઠા હોય એને અલવિદા કહેવાની પળ કેટલી નાજુક હોય? અને એય તમે એના કલ્યાણ અને વિકાસ માટે તો આજીવન સક્રિય રહેવાના જ હો, માત્ર એની ધુરા પર હવે તમારો કોઈ જ પ્રકારનો અધિકાર નથી રહેવાનો ત્યારે! સમાચારના આરંભે લખ્યું છે : ‘દસ-બાર મિત્રોએ ૧૯૮૯માં  સ્વવિકાસ વર્તુળ તરીકે ઓએસિસની સ્થાપના કરી હતી. આજે એ દેશભરમાં ચરિત્રઘડતરના શિક્ષણ માટેની જાણીતી સંસ્થા બની ગઈ છે. હજારો બાળકો, યુવાઓ અને વડીલોએ પોતાના જીવનમાં ઓએસિસનો જાદુઈ

સ્પર્શ અનુભવ્યો છે. આ  બધાં વર્ષોમાં ઓએસિસે જે-જે કર્યું છે એમાં હૃદય અને પ્રાણ બની રહી છે એના આ સ્થાપક સભ્યોની ટીમ. અને હવે સંસ્થાની મશાલ યુવા નેતાગીરીને સોંપીને આ સૌ પોતાનાં પદ છોડવા જઈ રહ્યાં છે. એ અગિયાર મિત્રોનો આ સામૂહિક નિર્ણય સુખદ આશ્ર્ચર્ય આપી ગયો. સંસ્થાના લીડર સંજીવભાઈએ જે ઊંડા સ્નેહ અને સંપૂર્ણ નિસ્પૃહાથી પોતાની વહાલામાં વહાલી ઓએસિસને વિદાયવેળાના રામ-રામ કર્યા છે એ હૃદયને સ્પર્શી જાય છે.

સંજીવભાઈ લખે છે : ઓએસિસમાં અમે અમુક આદર્શો મક્કમતાથી જીવ્યા છીએ. મેં હંમેશાં સ્વપ્ન સેવ્યું  હતું કે આપણો વારસો સમય ફરજ પાડે એ પહેલાં, આગોતરો (પ્રોઍક્ટિવલી) જ આપી દેવો. હું નહીં હોઉં ત્યારે ઓએસિસ કેવું હશે એ જોવાનું મને હંમેશાં મન થતું. મેં ઓએસિસ માટે મારી જાતને કદી ઇન્ડિસ્પેન્સેબલ (જેના વિના ચાલે જ નહીં) બનાવી  જ નથી. મારી જાણ અને શક્તિ મુજબ મેં વધુ ને વધુ લોકોને શક્ય એટલા એમ્પાવર કર્યા છે.

આમ આ રામ-રામ, વિદાય અને વિદાયસમારંભોનો આ સિલસિલો મારા સુંદર મજાના યુવા મિત્રો માટે બેશુમાર પ્રેમ અને વિશ્વાસથી ઓએસિસની મશાલ આગળ લઈ જવાની શરૂઆત છે. મને  હંમેશાં તેમનામાં એ શ્રદ્ધા રહી છે. તેઓ આગળ લખે છે કે જવાબદારીઓ છોડવામાં તેઓ માનતા નથી. એ માત્ર બીજાઓને એમ્પાવર કરી રહ્યા છે, શાસન અને સત્તાનો દોર સોંપી રહ્યા છે. આ જ રીતે મૅનેજિંગ ટ્રસ્ટી શીબા અને અન્ય તમામ મિત્રોએ પોતાની ત્રણ દાયકાની સફર પ્રત્યે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરીને નવી નાની ટીમ માટે મોકળાશ ઊભી કરી આપી છે. શીબા નાયરે વિદાયની આ પળને ‘આજનો લહાવો લીજીએ’ના સ્પિરિટમાં વર્ણવ્યો છે. આ તમામ મિત્રોએ ઓએસિસને એક બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં જાન રેડ્યો છે. અને સદ્નસીબે તેમણે સંસ્થાને ધબકતી રાખવા નવી પેઢીને ઘડી છે અને એને માર્ગદર્શન આપવા કોઈ પણ સમયે એવરરેડી છે. આમ યુવા બ્રિગેડ

માટે પણ આ લહાવો લેવાનું આહવાન છે. નવી પેઢીને જવાબદારી લેવા સક્ષમ બનાવવાની સાથે-સાથે પોતે અનિવાર્ય નથી એની જાતને રિમાઇન્ડર આપવાની આવી ઉદારતા જાહેર જીવનમાં કેટલા જણ બતાવી શકે છે? વળી પોતાના બાળકની જેમ જેને પોષી છે એ સંસ્થા પોતાના વિના પણ આગળ વધતી રહે, પ્રસાર પામતી રહે એ માટેના તમામ

પ્રયાસ અને પ્રવૃત્તિ દિલોજાનથી ચાલુ છે. યુવા પેઢીને ભરોસો છે કે જ્યારે પણ જરૂર પડશે તો આ વડીલોની હૂંફ અને ગાઇડન્સ વણકહે અમારી હામ બનીને હાજર રહેશે. આવું વિઝન હોય ત્યાં જ  આવું સિમલેસ ટ્રાન્ઝિશન શક્ય બને અને આગામી સો વરસનું આયોજન પણ થઈ શકે!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK