બહારગામ જવું છે? કેટલો સામાન લેશો?

Published: Jul 26, 2020, 09:16 IST | Dr Dinkar Joshi | Mumbai

બહારગામ જવા માટે અગાઉથી જ ચીવટાઈથી તૈયારી કરીએ છીએ. ઝીણી-ઝીણી જરૂરિયાતો યાદ કરીને સામાન બૅગમાં ભરીએ છીએ. કંઈ ભુલાઈ ન જવાય એની કાળજી રાખીએ છીએ. પણ પેલી લાંબી યાત્રાએ જવાનું અવશ્ય છે એની જાણકારી હોવા છતાં એ યાત્રાનો સામાન ભરવાની ક્યારેય તૈયારી કરી છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પ્રવાસે જવાના પ્રસંગો એકંદરે મને બહુ ઓછા મળ્યા છે. પ્રસંગો ઓછા મળ્યા છે એમ કહેવા કરતાં પ્રસંગોને હું બહુ ઓછો મળ્યો છું એમ કહેવું વધુ સાચું છે. જે દિવસે જવાનું હોય એ દિવસે રેલવે-સ્ટેશને કે પછી ઍરપોર્ટ પર જરૂરત કરતાં કલાક-અડધો કલાક વહેલા પહોંચી જવા ઘરેથી જ ઉતાવળ કરું છું. મારી આ ટેવથી સાથે આવનાર ઘણી વાર અકળાય છે એ હું જાણું છું પણ મારો જવાબ તૈયાર હોય છે - ‘આમેય આપણે તૈયાર થઈ ગયા છીએ. આ સમય ઘરે બેસી રહેવા કરતાં ત્યાં પહોંચી જવામાં શું નુકસાન છે? એવુંય બને કે ટ્રાફિકમાં અટવાઈ જઈએ કે પછી ગાડી કે ટૅક્સી વચ્ચે અટકી જાય.’ કોઈ વાર આવું બન્યું નથી, પણ દર વખતે આવું ધારી લેવામાં આવે છે.

બુકિંગ થયેલું હોય, સીટ રિઝર્વ હોય અને આમ છતાં ગાડી પ્લૅટફૉર્મ પર આવે કે પછી ઍરપોર્ટનો દરવાજો ખૂલે કે તરત જ અંદર જવા માટેની અધીરાઈ દરેકના ચહેરા પરથી ટપકવા માંડે છે. ગાડી કે હવાઈ જહાજ ઊભા રહ્યા કે તરત જ ઊતરવા માટેની પણ એ જ અધીરાઈ  કોઈનેય અંદર રાખીને ગાડી ઊપડી નહીં જાય એની ખાતરી હોવા છતાં એ જ ઉતાવળ થાય, આવું જ થાય! આપણને ખબર નથી કે ક્યાં, પણ સૌને ક્યાંક જવું છે. સૌને જલદી-જલદી પહોંચવું છે. ક્યાં એ કોઈ જાણતું નથી.

જવાની તૈયારી થાય છે કે તરત જ મને સામાનની ચિંતા થવા માંડે છે. યાત્રા-રોકાણ બે દિવસનું હોય કે દસ દિવસનું હોય, રોકાણને આધારે સામાન લેવાની ગણતરી મંડાય છે. ઓછામાં ઓછો સામાન લેવો એ આદર્શ પરિસ્થિતિ છે. આ આદર્શનો સૌ સ્વીકાર કરે છે અને પછી તૈયારીનાં મંડાણ થાય છે કે તરત જ એનો ભંગ થાય છે.

‘બે દિવસ માટે જવું છે તો બે જોડી કપડાં તો જોઈએ જ.’

‘એક રાત રોકાવાનું છે એટલે નાઇટ-ડ્રેસ પણ જોઈએ.’

‘બે દિવસ માટે બે જોડી કપડાં ન ચાલે. ક્યાંક પહેરેલાં કપડાં પર ચા ઢોળાઈ જાય. ક્યાંક ગંદા છાંટા ઊડે તો કપડાં બદલવાં પણ પડે. ત્રીજી વધારાની જોડી લેવી જ પડે!’

‘તમને વધારાના તકિયાની આદત છે. પારકે ઘરે તકિયો માગવો ઠીક નહીં. ઍર પિલો આપણે વસાવેલો છે. તમારી બૅગમાં સાથે રાખો. જરૂર પડ્યે ખપમાં લેવાય.’

અને આમ ઓછા સામાનનો આદર્શ વીસરાઈ જાય. સામાન વધતો જાય.

‘આ નાની હૅન્ડબૅગમાં બધું સમાશે નહીં. આ મોટી બૅગ લઈ જાઓ.’

સામાન્ય રીતે બહારગામ જવાનું થાય ત્યારે હું એકલો નથી હોતો. કોઈ ને કોઈ મારું ‘ધ્યાન’ રાખવા સાથે હોય જ છે. આ ધ્યાન રાખનારની જેમ જ મારી હૅન્ડબૅગ હોય કે બગલથેલો, બધું ગોઠવાઈ જાય પછી એક કે બે પુસ્તક કે સામયિક હું સૌથી ઉપર ગોઠવી દઉં છું. મારા બગલથેલામાં જો આ છેલ્લી સામગ્રી જેવા પુસ્તક કે સામયિક ન હોય તો મને ગોઠતું નથી. એવું લાગવા માંડે છે કે જાણે હું એકલો-એકલો ક્યાંક અજાણ્યા પ્રદેશમાં જઈ રહ્યો છું. ખરું કહું તો એક જાતનો એકાકી ભય અસવાર થઈ જાય છે. આ ભય ગુપ્ત હોય છે. કોઈને કહેવાય પણ નહીં અને એકલા-એકલા સહેવાય પણ નહીં!

કેટલીય વાર એવું બન્યું છે કે જેટલો સામાન સાથે લઈને ગયા હોઈએ એ પૈકી કેટલોય એમ ને એમ અકબંધ વપરાયા વિના જ પાછો આવ્યો હોય! એ વખતે એમ લાગે છે કે અકારણ જ બોજો વેઠ્યો! આમ છતાં બીજી વાર જ્યારે જઈએ છીએ ત્યારે એ જ બોજો આગલો અનુભવ છતાં વેઠવા તૈયાર થઈ જઈએ છીએ. આગલા પ્રવાસમાં અમુક વસ્તુ નહીં લેવાને કારણે જે અગવડ વેઠવી પડી હતી એ યાદ આવે છે અને બીજી એક-બે ચીજો સામાનમાં ઉમેરી દઈએ છીએ.

સામાન ઉમેરવાની આ વાત સમજવા જેવી છે. શાણા માણસો એવું કહે છે કે આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ પાછા ફરવાના છીએ. આવ્યા ત્યારે કોઈ સામાન સાથે લાવ્યા નહોતા. જતી વેળાએ પણ કોઈ સામાન સાથે લઈ જવાના નથી. જનેતાની છાતીએ વળગીને અમૃતપાન કેમ કરવું એ એકમાત્ર આવડત ઉપરવાળાએ આપી હતી. સાઠ, સિત્તેર કે એંસી વરસની જીવનયાત્રામાં બીજી અનેક દુન્યવી કળાઓ શીખ્યા, આવ્યા ત્યારે વસ્ત્રનીય જરૂર નહોતી. જીવનયાત્રામાં અપાર સામાન-સામગ્રી ખપમાં લીધી. ખાધું, પીધું અને વાપર્યું એનો સરવાળો કરીએ તો ખપમાં લીધું એ કરતાં વેડફાટ કર્યો એનો આંકડો મોટો થઈ જાય છે! શરત માત્ર એટલી જ છે કે આ ગણતરી પ્રામાણિકતાથી કરવી જોઈએ.

બે દિવસ કે બાર દિવસ બહારગામ જવા માટે અગાઉથી જ ચીવટાઈથી તૈયારી કરીએ છીએ. ઝીણી-ઝીણી જરૂરિયાતો યાદ કરીને સામાન બૅગમાં ભરીએ છીએ. શેવ‌િંગ ક‌િટ હોય કે ટૂથબ્રશ હોય, કંઈ ભુલાઈ ન જવાય એની કાળજી રાખીએ છીએ. પણ પેલી લાંબી યાત્રાએ જવાનું અવશ્ય છે એની જાણકારી હોવા છતાં આ યાત્રાનો આરંભ ક્યારે થશે એની જાણકારી નથી. સામાન ભરવાની ક્યારેય તૈયારી કરી છે? અહીં તો ફરી એક વાર ખાલી હાથે-

જીવન જીવવા માટે કેટલો સામાન જોઈએ? જતી વખતે કેટલો સામાન છોડતા જવું જોઈએ? આ સામાનને ‘પ્રૉપર્ટી’ કહેવાય છે. સ્થાવર-જંગમ પ્રૉપર્ટી! બૅન્ક-બૅલૅન્સ! મકાનો-બંગલો-ફ્લૅટ્સ-પ્લૉટ-શૅર અને મ્યુચ્યુઅલ ફન્ડો! સાચા નામે-ખોટા નામે! એક નંબર-બે નંબર!

મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનું નામ સાંભળ્યું છે? યાદ છે? જમનાલાલ બજાજ નામના તેમના એક અનુયાયી. આ જમનાલાલ બજાજ મોટા ઉદ્યોગપતિ હતા. બાપુ એટલે કે ગાંધીજી આ જમનાલાલને પોતાના પુત્ર ગણતા. ગાંધીજીને ચાર પુત્રો હતા. આ જમનાલાલને ગાંધીજી પોતાના પાંચમા પુત્ર માનતા. સ્વાતંત્ર્ય સંગ્રામના કપરા સંઘર્ષ વચ્ચે જમનાલાલે બજાજ ઉદ્યોગના નામે એક નવી કંપની શરૂ કરી હતી. જમનાલાલને બાપુ ઉપર અપાર સદભાવ એટલે આ નવી કંપનીના શૅરના જાહેર ભરણાની શરૂઆતમાં જ મંગળ આરંભ બાપુના નામે કેટલાક શૅર લેવામાં કર્યો. બાપુની જાણ વિના જ જમનાલાલે થોડાક શૅર બાપુના નામે લીધા!

વરસો વીતી ગયાં. જમનાલાલ પણ ગયા-બાપુ પણ ગયા. બજાજના ચોપડે બાપુના નામના શૅર-એના ડિવિડન્ડની રકમ, બોનસ જે કંઈ આવક જમા થતી ગઈ એ વિશે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટોએ ધ્યાન દોર્યું. બજાજના વારસદારોએ મોહનદાસ કરમચંદ ગાંધીના વારસદારોનું ધ્યાન દોર્યું. આ ‘પ્રૉપર્ટી’ની માલિકી માટે સહીઓ માગી ત્યારે બાપુના કોઈ વારસદારે આની માલિકી માટે દાવો કર્યો નહીં. સૌએ એક જ વાત કરી, ‘બાપુએ તેમનું વસિયતનામું કર્યું છે એમાં ક્યાંય આ શૅરનો સમાવેશ થતો નથી. અમે આ શૅરના હક માટે દાવો કરી શકીએ નહીં.’

આ પછી આ શૅરનું શું થયું હશે એ રામ જાણે! કદાચ હજીયે બજાજના ચોપડે જમા હશે!

આવન-જાવન નક્કી છે. ક્યાં અને ક્યારે એ કોઈ જાણતું નથી. અહીં તો આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ. પેલું તો બુકિંગ પણ કોઈકના હાથમાં છે. પહેલેથી સામાન ઓછો ભરવાની ટેવ પાડી દઈએ તો પ્લૅટફૉર્મ પર ઊભા રહીને મજૂર-કૂલી શોધવો ન પડે. હળવે હાથે હૅન્ડબૅગ કે બગલથેલો ઊંચકીને ચાલતા થઈએ. એનો એકમાત્ર માર્ગ સામાન ઓછો ઓછો અને ઓછો!

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK