કેટલો કચરો ભર્યા કરશો, શું તમારું મન ગાર્બેજ ગ્રાઉન્ડ છે?

Published: Aug 13, 2020, 14:54 IST | Jayesh Chitalia | Mumbai Desk

આપણા મનમાં ભેગા થતા કચરાને કઈ રીતે દૂર કરવો અને એને જમા થતો રોકવો એ સમજવાનો પ્રયાસ કરીએ

મન જેટલું કચરામુક્ત અને સ્વચ્છ હશે જીવનમાં એટલાં શાંતિ, સંતોષ અને સુખ પણ વધશે.
મન જેટલું કચરામુક્ત અને સ્વચ્છ હશે જીવનમાં એટલાં શાંતિ, સંતોષ અને સુખ પણ વધશે.

આ ટાઇટલ વાંચીને તમને નવાઈ લાગી શકે, પરંતુ આ સત્ય જાણવું-સમજવું અનિવાર્ય છે. આપણે જાણતાં-અજાણતાં રોજ અનેક પ્રકારનો કચરો આપણા મનમાં જમા કરતા હોઈએ છીએ જાણે આપણું મન વિશાળ ગાર્બેજ ગ્રાઉન્ડ હોય. આપણને એનાથી કેટલું નુકસાન થાય છે એની કદાચ આપણને કલ્પના જ નથી. આપણા મનમાં ભેગા થતા કચરાને કઈ રીતે દૂર કરવો અને એને જમા થતો રોકવો એ સમજવાનો પ્રયાસ કરીએ

કચરો ક્યાંથી અને કઈ રીતે જમા થાય છે એ વાતને સમજીએ. કચરો આપણા વિચારોમાં અર્થાત્ મનમાં જમા થાય છે. આપણે શું અને કેટલું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, શું વાંચીએ છીએ, શું બોલીએ છીએ, શેની ચર્ચા કરીએ છીએ? ધંધો હોય કે નોકરી, શું કામ કરીએ છીએ? કોની સંગતમાં રહીએ છીએ? શું દૃષ્ટિ યા અભિગમ રાખીએ છીએ? એના આધારે વિચારો આપણા મનમાં ભેગા થાય છે જેની સાથે કચરો પણ આવતો જાય છે. આમાંથી અમુક કચરો આપમેળે થોડો સમય બાદ નીકળી જાય છે, જ્યારે કે મોટા ભાગનો કચરો આપણે કાઢવો પડે છે અન્યથા એ જમા થયા જ કરે છે અને મનમાં ગંદા, નકામા, નિરર્થક, બકવાસ, જૂઠા, ભ્રમિત કરે એવા, સતત કામનામાં નાખે એવા, ખોટી દિશામાં લઈ જાય એવા વિચારો ભર્યા જ કરે છે. આખરે આપણને એની આદત પડતી જાય છે, આપણે એના વ્યસની બની જઈએ છીએ. આપણને એના વિના ચાલતું જ નથી.
કચરો ક્યાંથી જમા થાય છે?
ચાલો કેટલાંક સાદા રોજિંદા વ્યવહારનાં ઉદાહરણ જોઈએ. આપણે એક પણ દિવસ ટીવી જોયા વિના પસાર કરીએ છીએ? ખેર, મનોરંજન માટે, હળવાશ માટે એ અમુક અંશે જરૂરી માની લઈએ, પરંતુ આપણે શું જોઈએ છીએ એ જરા જાતને પૂછી લઈએ. એને લીધે આપણા મનમાં કેવા વિચારો જમા થાય છે એ પણ પૂછી લઈએ? ટીવી ઓછાં હતાં કે હવે અનેક ખાનગી ચૅનલ્સ એવી આવી ગઈ છે જે આપણને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાંથી અકલ્પ્ય કચરો આપણા મનમાં ઠલવાય છે અને એ પણ એટલો અસરકારક કે એમાંથી મુક્ત થવાનું લગભગ અસંભવ બની જાય છે. સુજ્ઞ વાચકો, મારો ઇશારો કોના તરફ છે એ સમજી ગયા હશો. આજકાલ દેશની મહત્તમ પ્રજા આની વ્યસની બની ગઈ છે જેમાં મોબાઇલે સરળ સુવિધા કરી આપી છે અને આ મોબાઇલ કંપનીઓની સ્પર્ધાએ એ સુવિધામાં સતત ઉમેરો કર્યો છે. સામાન્ય માણસનું બચવું કઠિન છે. અપરાધની દુનિયામાં વધારો કરવામાં આ નિમિત્ત બને છે એની કલ્પના કોઈને છે કે નહીં એ સવાલ છે. સેન્સર બોર્ડ કંઈ કરી શકે છે કેમ એ પણ મસમોટો સવાલ છે. અરે, ટીવીની ખાનગી ચૅનલ્સના સમાચાર બતાવવાની ઢબ તો જુઓ, તમારા મનમાં કેટલી નફરત, નેગેટિવિટી ભર્યા જ કરે છે. સ્વાતંત્ર્ય અભિવ્યક્તિના નામે શુંનું શું ચાલે છે અને આપણે એમાં પણ સતત ઘસડાતા જઈએ છીએ.
નિંદારસ અને અહંકારનો કચરો
મનોરંજનના નામે બનતી સેંકડો ફિલ્મોનો કચરો તો વરસોથી આપણા પર સવાર થયેલા જ છે. અલબત્ત, એમાં ઘણાં સાર્થક તત્ત્વો પણ હોય છે. કેટલીક ફિલ્મો જીવનના સારા સંદેશ પણ આપે છે, પરંતુ મહત્તમ તો કચરા જેવાં તત્ત્વો હોય છે જેની સૌથી વધુ અસર સમાજજીવન પર થતી રહી છે. આપણો વધુ એક પ્રિય કચરો નિંદારસમાં છે. કોઈની પણ નિંદા થતી હોય, એમાં જોડાઈ જવામાં આપણને સમય લાગતો નથી. આવું જ ઈર્ષ્યા નામના કચરા સાથે પણ બને છે. સત્ય શું છે એ જાણવાના પ્રયાસ કર્યા વિના ભરચક કચરો આપણા દિમાગમાં ધકેલાતો જાય છે. આપણો અહંકાર આપણને આ કાર્યમાં બહુ જ મદદરૂપ થાય છે, કેમ કે એમાં તેને પણ સંતોષ મળે છે. બીજા સાથે તુલના કરતા રહી આપણે આ બધા કચરાના રસ જમા કરતા જઈએ છીએ, જેમાં બીજાને કંઈ થાય કે ન થાય, આપણા મનોપ્રદેશમાં ગંદકી સિવાય કંઈ જમા થતું નથી.
આપણી જીવનશૈલી પણ જવાબદાર
આપણા ખોરાકમાં પણ આ છેલ્લા ચાર-પાંચ મહિનાને બાદ કરતાં મહત્તમ કચરો જમા થતો રહ્યો છે, જે આપણે પોતે જ કરતા રહ્યા છીએ. આપણે આપણી જીવનશૈલી જ એવી કરી નાખી છે જેમાં શુદ્ધતા-સફાઈ ઓછી અને કચરો વધુ જમા થતો જાય છે. આપણે બધાએ મળી સમાજને પણ ગંદો કરી નાખ્યો છે. મોદી સરકારે દેશભરમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાનું આહવાન આપી લોકોને જાગ્રત કર્યા. આપણે ઘણેખરે અંશે એમાં સહભાગી થયા પણ ખરા, પણ આપણા મનમાં આપણા જ દ્વારા રોજ જમા કરાતા કચરાનું શું? એની સ્વચ્છતા ઝુંબેશ આપણે જ ચલાવવી પડે. એમાં કોઈ બીજું સહાયરૂપ થઈ શકે નહીં.
સંતાનોને આપણે શું આપીએ છીએ?
આ વિષયમાં સોશ્યલ મીડિયા વધુ સક્રિય બની ગયું છે જેમાં સારું ઘણું હોવા છતાં આ
પણને કચરો લેવાનું, જોવાનું, ફૉર્વર્ડ કરવાનું અને સમય બગાડની સતત પ્રવૃત્તિ કરવાનું વ્યસન લાગી ગયું છે. એ પણ સાવ હાથવગું. આના વર્ણનની ખાસ જરૂર નથી, કારણ કે આ તો હવે વિશ્વવ્યાપી છે અને એને દરેક જણ જાણે છે. આપણી ચર્ચા અને એના વિષય પર ક્યારેક દૃષ્ટિ કે વિચાર તો કરો! સમય નામના મૂલ્યવાન તત્ત્વનો બગાડ આ માર્ગે કેવો અને કેટલો થાય છે એની કલ્પના પણ અઘરી છે. આ તમામ કચરો ભેગો થઈને આપણા સંસ્કાર બનતા જાય છે જે આખરે તો આપણાં સંતાનોને યા નવી પેઢીને મળે છે, કેમ કે સંતાનો નાનપણથી પોતાનાં માતા-પિતા-વડીલોને જોતાં હોય છે તેથી તેમના વ્યવહારને વાજબી માની લે છે અને પોતે પણ એવાં બનતાં જાય છે. આમ આખો પરિવાર કચરાના ભાર હેઠળ વિવેક સાથેની વિચારશક્તિ ગુમાવવા લાગે છે અને ઘેટાના ટોળા જેવો બનતો જાય છે. આ બધા જ કચરા આપણી ભીતર સ્ટ્રેસ અને ડિપ્રેશનને પણ જન્મ આપે છે. આવા કચરાના ભરાવાથી મન માંદું પડી જાય છે, પણ આપણને એની અસર સમજાતાં મોટા ભાગે બહુ મોડું થઈ જાય છે. તાજતેરમાં કોરોનાએ પણ એક પ્રકારના કચરારૂપે
આપણાં શરીર-મન પર ભયનો કબજો કરી લીધો છે. આ સાથે કોરોનાએ આપણને સુધરવાનો અવસર પણ આપ્યો છે. શું કરવું એ આપણે નક્કી કરવું રહ્યું.
સ્વચ્છતાના માર્ગ કયા છે?
અલબત્ત, આપણા મનને શુદ્ધ કરતાં સાધનો
યા માર્ગ પણ છે, પરંતુ એમાં આપણને મનોરંજન મળતું નહી હોવાથી એ માર્ગ આપણને બહુ માફક આવતો નથી કે પછી એની તુલનાએ બીજો રોજિંદો કચરો બહુ જ વધી જતો હોવાથી આ શુદ્ધ સાધનો એની હેઠળ દબાઈ જાય છે. ઉપરનાં તમામ સાધનો કે માર્ગમાંથી
આપણું ધ્યાન ઓછું કરતા જઈ મનોમંથન, મનન, ચિંતન તરફ લઈ જાય એવાં સાધનો (સારાં પુસ્તકો, સારું શ્રવણ, સત્સંગ, આધ્યાત્મિક યાત્રા, જીવનશૈલી, પ્રકૃતિનું સાંનિધ્ય, સારા સંગ વગેરે) પર આપણું ધ્યાન વધે તો આ કચરો આપમેળે જમા થવાનું ઘટતું જાય, ઉપરથી સુવિચારોની શુદ્ધતા આ ભેગા થયેલા કચરામાંથી મુક્ત થવામાં આપણને સહાય કરે. આ માટે આપણે કરવાનું શું? એના સવાલનો જવાબ આપણી ભીતર જ છે. જ્યાંથી કચરો આવે છે, જમા થતો રહે છે એ માર્ગને બંધ કરવા પડે. એ કાર્ય કે પ્રવૃત્તિને પણ બંધ કરવી પડે. સાવ બંધ ન થઈ શકે તો કમસે કમ ઘટાડવી પડે. એની સામે શુદ્ધતા-સ્વચ્છતાનું પ્રમાણ વધારવાના સાધન-માર્ગ અપનાવવા પડે. ઘરમાં કચરો કાઢતી વખતે આપણે ઝાડુ ક્યાં ફેરવીએ છીએ? પોતું ક્યાં મારીએ છીએ? કચરો જમા ન થાય, ઘર ગંદું ન થાય એ માટે શું કાળજી લઈએ છીએ? આવી સાદી-સરળ બાબતની જેમ મનના કચરાને ક્યાંથી અને કઈ રીતે અટકાવવો એ એના જેવું સરળ નથી તો અઘરું પણ નથી. નિયમિત ધ્યાનમાં બેસવાનો સમય જાતને આપીશું તો પણ વિચારોના આક્રમણરૂપે આપણો કચરો આપણને દેખાય યા સમજાય (નહીં) એવું બની શકે. ઉપર જે કચરાના માર્ગની વાત કરી એ બધા માર્ગ ખરાબ અને અયોગ્ય જ છે એવું કહેવાનો આશય નથી, પરંતુ વિવેક સાથે કોઈ પણ માર્ગને જોવામાં આવે તો આપણું મન જ આપણને કહી દેશે કે શું જમા કરવું અને શું જતું કરવું. મન જેટલું કચરામુક્ત અને સ્વચ્છ હશે જીવનમાં એટલાં શાંતિ, સંતોષ અને સુખ પણ વધશે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK