Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માસ્કે છીનવી લીધી મુસ્કુરાહટ

માસ્કે છીનવી લીધી મુસ્કુરાહટ

02 July, 2020 07:30 PM IST | Mumbai
Bhakti Desai

માસ્કે છીનવી લીધી મુસ્કુરાહટ

સંવાદરૂપી હલકું સ્મિત હવે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી નથી શકતું

સંવાદરૂપી હલકું સ્મિત હવે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી નથી શકતું


આખા વિશ્વમાં કોવિડ-19 પછી લોકોના જીવનમાં ઘણા ફેરફાર આવી ગયા છે. અનલૉક પછી જ્યારે હવે લોકો બહાર જવા લાગ્યા છે ત્યારે જીવન પહેલાંની જેમ છૂટથી જીવી શકાય એમ નથી રહ્યું. આ સમયમાં આવેલો એક સૌથી મોટો તફાવત એટલે માસ્કની પાછળ છુપાઈ ગયેલું સ્મિત અને ચહેરા દ્વારા વ્યક્ત થતા હાવભાવ.
માસ્કથી ઉદ્ભવતી સમસ્યા
કોવિડ-19 પહેલાં માસ્કને કારણે ઑફિસમાં અથવા નિવાસસ્થાનની આસપાસ જ્યારે ઓળખીતા લોકો એકબીજાની સામેથી પસાર થતા ત્યારે એક સ્મિતની આપ-લે થતી. ઓળખીતા બે જણ એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર પરસ્પર મુસ્કુરાઈને એકબીજા પ્રત્યેની ભાવનાઓને વ્યક્ત કરતા. આમ પણ એક સ્મિત સાથે ઘણી લાગણીઓ, ભાવનાઓ અને શબ્દરહિત સકારાત્મક સંવાદો જોડાયેલા છે. હાલમાં લગભગ દરેક દેશોમાં મોં પર માસ્ક ફરજિયાત બની ગયા છે. આવામાં વ્યક્તિનો ચહેરો જોવા નથી મળતો અને શબ્દો પણ જાણે માસ્કને કારણે દબાઈ જતા હોય એવું લાગે છે. પરિણામે આખા વાર્તાલાપમાં એક ખલેલ જણાય છે. બીજી સમસ્યા એ છે કે કોઈ પણ યુવાન વ્યક્તિ જ્યારે તેનાથી બમણી અથવા એથી પણ મોટી વયના લોકોને થોડા અંતરેથી જુએ છે તો હાથ ઊંચો કરી ‘કેમ છો?’ પૂછવાનું અથવા ‘હાય-હેલો’ કહેવાનું થોડું અજુગતું લાગે છે. આનું કારણ એ છે કે આજ સુધી આવું કરવાનો સમય આવ્યો નહોતો. સામાન્ય પરિસ્થિતિમાં એક સ્મિત આપીને એકબીજાની હાજરી અને ઓળખાણની નોંધ દર્શાવતા. હવે જો આપણે કોઈ સામે હસીએ છીએ તો માસ્કને કારણે સામેવાળાને એ સમજાતું નથી. આવા સમયે આપણા મનમાં અનેક ભાવનાઓ ઉદ્ભવે છે, જેમ કે ‘મેં આપેલું સ્મિત મારા સુધી જ રહ્યું તો સામેવાળાને કેવું લાગ્યું હશે? શું મારે તેમની સાથે વાત કરવી જોઈતી હતી?’
ન્યુરો સાઇકોલૉજિયા નામના એક મેડિકલ જર્નલમાં સ્માઇલ પર થયેલા અભ્યાસમાં એવું સાબિત થયું છે કે સ્મિત મગજના જે ભાગમાં સંવેદનાત્મક પ્રક્રિયા થાય છે એને સક્રિય કરે છે એથી હસવાની આદતને માસ્કને કારણે બંધ નથી કરવાની, પણ માસ્ક લાગ્યો હોવા છતાં આપણા સકારાત્મક હાવભાવ આપણને મળનાર અથવા જોનાર વ્યક્તિની નજરે ચડે એ માટે શું કરવું જોઈએ એ મહત્ત્વનો વિષય છે.
બૉડી-લૅન્ગ્વેજનું ઇમ્પોર્ટન્સ
અહીં એક સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈ હમઉમ્ર વ્યક્તિ અથવા ઉંમરના તફાવતને વીસરાવી દે એવી આત્મીયતાભર્યા સંબંધોવાળા વડીલો સામે આવતાં જ સહજતાથી આપણો હાથ ઉપર થઈ જાય છે અને સાથે જ મોઢામાંથી ‘હાય’ અથવા ‘કેમ છો’ જેવા ઉદ્ગાર કોઈ પ્રયત્ન વગર જ નીકળી જાય છે. આને જ કહેવાય છે ‘બૉડી-લૅન્ગ્વેજ સાથે સંવાદ’. આનું બીજું એક ઉદાહરણ આપવું હોય તો ભારત વિવિધતામાં એકતાવાળો દેશ છે એને કારણે શાસ્ત્રીય નૃત્યના જેટલા પ્રકાર આપણા દેશમાં છે એટલા બીજા દેશમાં નથી. તામિલનાડુનું ભરતનાટ્યમ, મણિપુરનું મણિપુરી, ઓડિશાનું ઓડિશી, આંધ્ર પ્રદેશનું કુચીપુડી, કેરળનું મોહિનીઅટ્ટમ જેવા અનેક પ્રકારના નૃત્યમાં આખા નૃત્યનો સાર અને કથા ચહેરા અને શરીરના હાવભાવથી વ્યક્ત થાય છે. આ કળામાં કલાકાર પોતાની બૉડી-લૅન્ગ્વેજથી ગુસ્સો, પ્રેમ, સંવેદના, હમદર્દી, આનંદ જેવી અનેક સંવેદનાઓની અભિવ્યક્તિ કરતા હોય છે અને એથી જ એક વાત ચોક્કસ છે કે ભારતીયો પાસે માત્ર હોઠ જ નહીં પણ આંખ, ભ્રમર, ગરદન હલાવવી જેવાં અનેક નૉન-વર્બલ ક્મ્યુનિકેશન (અશાબ્દિક સંવાદ) સાધવાની રીતનો ખજાનો છે.
આ સમસ્યાનો ઉકેલ
કોલાબાનાં કમ્યુનિકેશન-નિષ્ણાત અને ઇમેજ-કોચ અર્ચના દેશપાંડે કહે છે, ‘વાસ્તવમાં કહું તો કોવિડ-19 પછી માસ્કે આપણા સ્મિતને ઢાંકીને આપણા ચહેરા અને શરીરના દરેક અવયવો પર સ્મિત પહોંચાડવાની જવાબદારી સોંપી છે. હવેના સમયમાં લોકોએ પોતાના હાવભાવ પર વધારે ધ્યાન આપીને એને વધારે અર્થસભર બનાવવા પડશે. જો વિસ્તારથી વાત કરીએ તો બૉડી-લૅન્ગ્વેજ અને નૉન-વર્બલ ક્મ્યુનિકેશનનું આખું એક વિશાળ શાસ્ત્ર છે. આપણે માત્ર એક સ્મિતનો ઉપયોગ સહજ રીતે કરીએ છીએ, પણ જો ધ્યાનથી જોશો તો સમજાશે કે ગુસ્સામાં અથવા નારાજગી વ્યક્ત કરતી વખતે બે ભ્રમરનું નજીક આવવું જેને ‘ભવાં ચડાવવાં’ કહે છે એ અથવા કોઈક વાર કંટાળો આવે ત્યારે બે ભ્રમર ઊંચી કરીને માથું હલાવવું કે પછી આંખોને અમુક સેકન્ડ સુધી બંધ કરી માથું હલાવવું એ બધા હાવભાવ દૈનિક જીવનમાં આપણે આપીએ છીએ, જેના પર આપણે વધારે ધ્યાન નથી આપતા. હું આંખો અને ભ્રમરના હાવભાવમાં ખૂબ વિશ્વાસ રાખું છું. એમ કહેવાય છે કે જે સ્મિત આંખો સુધી નથી પહોંચતું એ માત્ર ઔપચારિક જ હોય છે. હવે જરૂરી છે કે તમે તમારી આંખોને હસવા દો. આંખો એ મનુષ્યના ચરિત્રની બારી છે. એક વાતની નોંધ લેવી અહીં જરૂરી છે કે દરેક વ્યક્તિની આંખો ભાવ અભિવ્યક્ત કરી શકે એટલી સક્ષમ નથી હોતી, કારણ, તેઓએ માત્ર શબ્દોથી થતા સંવાદો પર વધારે ધ્યાન આપ્યું છે અને બૉડી-લૅન્ગ્વેજ અથવા નૉન-વર્બલ ક્મ્યુનિકેશનનો ઉપયોગ નથી કર્યો.’
આંખમાં આંખ મેળવો
માસ્ક પહેર્યો હોય ત્યારે કમ્યુનિકેશનમાં વિશેષ કાળજી રાખવી જોઈએ એમ જણાવતાં અર્ચના કહે છે, ‘જેમની સાથે આપણે સંવાદ સાધીએ છીએ તેમની સમક્ષ આંખમાં આંખ મેળવીને વાત કરવી જરૂરી છે. હમણાં જ્યારે આપણે માસ્ક પહેરીને ચાલીએ છીએ અને કોઈ ઓળખીતી વ્યક્તિ સામે આવતાં જ તેમની હાજરીની નોંધ લેવી હોય તો અમુક સેકન્ડ માટે પણ તેમની આંખમાં આંખ મેળવો. તેમને તમારા સ્મિતની કમી નહીં અનુભવાય અને આંખોથી ઘણી અભિવ્યક્તિ થઈ જશે. સાથે જ હવે લોકોએ યોગ્ય શબ્દો દ્વારા પોતાના ભાવ કહેવા પડશે. એક ઉદાહરણ આપું તો પહેલાં કોઈ પણ પ્રશ્નના જવાબમાં માત્ર ગરદન હલાવી ‘હા’ કે ‘ના’ પાડતા હતા. આમાં હોઠથી બોલાતા શબ્દો અને હાવભાવ પણ દેખાતા હતા, પણ હવે સ્પષ્ટ અને યોગ્ય શબ્દો દ્વારા પોતાના ગમા-અણગમાને વ્યક્ત કરવું જરૂરી છે, જેથી કોઈ પણ રીતના ખોટા અર્થઘટનની શક્યતા ન રહે. આખી સંવાદ સાધવાની પ્રક્રિયામાં વ્યક્તિનો અવાજ અને એના ટોન એટલે કે અવાજના સ્વરનું પણ ખૂબ મહત્ત્વ છે. હવે લોકોએ માસ્ક સાથે વાતચીત કરતી વખતે આ દરેક વાતનું ધ્યાન અને શબ્દો સાથે મેળ ખાય એવી રીતે એનો ઉપયોગ કરવો જરૂરી છે.’
ભારતીયો હાવભાવમાં નિપુણ
ભારતની વિશેષતા અને હાવભાવ દ્વારા સંવાદ સાધવાની ભારતીયોની ક્ષમતા વિશે અર્ચના કહે છે, ‘આપણા ભારત દેશમાં ઘણાં એવાં રાજ્યો છે જ્યાં આજે પણ સ્ત્રીઓએ લાજ કાઢવાની હોય છે. આ રિવાજ વર્ષો પહેલાં ઘણા સમુદાયોમાં હતો અને હજી પણ અમુક રાજ્યોમાં છે એથી હાવભાવ વગર પણ ઓછા શબ્દોમાં ભાવોને અભિવ્યક્ત કરવા અને એને સમજવાની કળા આપણને ગળથૂથીમાં મળેલી છે. મુસ્લિમ સ્ત્રીઓ બુરખા પહેરે છે એથી તેઓ તેમના અવાજ, આંખો અને ભ્રમર દ્વારા વાતચીત કરવામાં નિપુણ છે. અહીં બીજી એક વાત કહું તો ભારતમાં અનેક ભાષાના લોકો રહે છે અને દરેકને બધી ભાષા નથી આવડતી. મેં જોયું છે કે જ્યારે એક ગુજરાતી દક્ષિણ ભારતમાં જઈ દક્ષિણ ભારતીય વ્યક્તિ સાથે સંવાદ સાધે છે ત્યારે એકબીજાની ભાષા ન આવડતી હોવા છતાં તેમના હાથથી થતા ઇશારા, હાવભાવ, આંખ તથા ભ્રમરના લટકા, અવાજમાં આવતા ઉતાર-ચઢાવ જેમ કે પ્રશ્ન પૂછતી વખતે પ્રશ્નાર્થનો લહેકો એ બધું મળીને બન્ને પરપ્રાંતીય અને વિવિધ ભાષાની વ્યક્તિ પોતાની વાત એકબીજા સુધી બખૂબી પહોંચાડે છે. હવે વાત કરું મારા રશિયાના અનુભવની. હું અમુક સમય માટે ત્યાં રહી છું. એક વાર મેં ત્યાંના સ્થાનિક સજ્જનને એક સરનામું પૂછ્યું. મને તેમની ભાષા આવડતી નહોતી અને તેમને અંગ્રેજી આવડતું નહોતું. આ વ્યક્તિએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેના ચહેરા કે શરીર દ્વારા તેણે કોઈ હાવભાવ ન આપ્યા, હાથથી કોઈ ઇશારા ન કર્યા, તેના અવાજ કે સ્વરમાં કોઈ ફરક પણ ન જણાયો, માત્ર એક રોબોની જેમ તેણે ઊભા રહીને કંઈક કહ્યું, જે મારી સમજની બહાર હતું. આ અનુભવ પછી મેં વિચાર કર્યો કે ભારતીયો વાસ્તવમાં બૉડી-લૅન્ગ્વેજ અને નૉન-વર્બલ ક્મ્યુનિકેશનમાં નિપુણતા ધરાવે છે, જે સ્વાભાવિક છે. આપણા ઉછેરના પાયામાં જ વિવિધ સંસ્કૃતિ સમાયેલી છે. આ સમયમાં આપની પાસે રહેલી આ કળાનો ઉત્તમ ઉપયોગ કરવો જોઈએ.’
એક વાત સમજાય છે કે માત્ર ચહેરાના હાવભાવના અભાવ અને પ્રભાવને વીસરીને હવે બૉડી-લૅન્ગ્વેજનો ઉપયોગ સજાગતાપૂર્વક કરતાં શીખવું પડશે, એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. માસ્કને વાતચીતમાં અવરોધરૂપ સમજી થોડી વાર માટે પણ જાહેર સ્થળે કાઢવાની આદત ન રાખવી. હવે માસ્ક પેહરી રાખો; પણ આંખ, અવાજ, સ્પર્શ અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો.

સાંભળી ન શકતા લોકો માટે ખાસ માસ્ક



હવે મોં પર માસ્કરૂપી રક્ષાકવચ એ રોજિંદી જિંદગીનો એક ભાગ થઈ ગયો છે. જોકે આ આવરણે એકબીજા સાથેના કમ્યુનિકેશનમાં કેટલાક અવરોધો પેદા કર્યા છે. સંવાદરૂપી હલકું સ્મિત હવે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી નથી શકતું એવામાં હવે કમ્યુનિકેશનમાં શું-શું બદલાવ લાવવા જરૂરી છે એ જાણીએ.


શ્રવણશક્તિનો અભાવ ધરાવતા ન સાંભળી શકતા લોકોને માસ્કને કારણે વાર્તાલાપ કરવામાં અને સમજવામાં સમસ્યા ઊભી થઈ છે. તેઓ હોઠના હલનચલનથી એટલે લિપ-મૂવમેન્ટથી અને ઇશારાથી વાત કરે અને સમજે છે. હવે અમુક દેશોમાં તેમને માટે એવા વિશેષ માસ્કની શોધ થઈ છે જેમાં માસ્કને એક બારી જેવું હોય. આમાં હોઠ પાસે એક પારદર્શક પ્લાસ્ટિકનું આવરણ હોય જેમાંથી તેઓ હોઠની હલનચલન જોઈને વાતચીત કરી શકે. આવા માસ્ક ભારતમાં પણ અમુક સ્થળે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

પહેલાં માત્ર સ્મિત કરીને બીજાનું અભિવાદન કરતા હતા, પણ હવે ગરદન હલાવીને અથવા હા, ના કે કેમ છો જેવા શબ્દો દ્વારા અભિવ્યક્તિ જરૂરી બની ગઈ છે જેથી કોઈ પણ પ્રકારના ખોટા અર્થઘટનની સંભાવના ન રહે. સંવાદની સાધવાની પ્રક્રિયામાં વ્યક્તિની આંખોના હાવભાવ તેમ જ અવાજનો ટોન પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે
- કમ્યુનિકેશન-નિષ્ણાત અને ઇમેજ-કોચ અર્ચના દેશપાંડે


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2020 07:30 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK