છપ્પન ટકા અને કચોરીની પ્લેટ

Published: 20th February, 2021 15:12 IST | Sanjay Raval | Mumbai

માર્કશીટમાં માર્ક્સની નીચે બાળકોના સ્વભાવની ખાસિયત વિશે લખ્યું હોય છે. આજે કેટલાં માબાપ એવાં છે જે માર્કશીટના માર્કને બદલે પહેલું કામ સંતાનના સ્વભાવગત ગુણ વાંચવાનું કરતાં હોય?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આપણા સ્વભાવની બે આદત છે; પહેલી, જે છીએ નહીં એ દેખાડ્યા કરવાનું અને બીજી, બીજા પાસેથી સતત સર્ટિફિકેટ લીધા કરવાનું અને બીજાના એ સર્ટિફિકેટ પર આધારિત રહેવાનું. જાત પર વિશ્વાસ નથી એટલે ઉછીના આ સર્ટિફિકેટ પર જ નિર્ભર રહીએ છીએ આપણે. એક જણ વખાણ કરે એટલે આપણે રાજી-રાજી. હોઈએ એવા દેખાવાને બદલે જુદા દેખાઈએ અને સામેવાળો એ વાતને સાચી માની લે એટલે રાજી-રાજી. સતત દેખાવ કર્યા કરીએ અને સતત બીજાના મૂલ્યાંકન પર આધારિત રહીએ. આ આપણી આદત છે અને આ એવી આદત છે જે આપણું તો ઠીક, આપણી આ આદતના આધારે આપણે બીજાનું જીવન પણ બગાડી નાખીએ છીએ.

એવું કહું તો પણ ચાલે કે દેખાડો અને સર્ટિફિકેટ એ બન્ને જોડિયા ભાઈ જેવા છે. પહેલાં દેખાડો આવે અને પછી સર્ટિફિકેટ આવે. દેખાડો કરવામાં તમે બાળકનું બાળપણ બગાડો અને સર્ટિફિકેટ મેળવવામાં તમે તેના બાળપણને ખોટો આકાર આપી દો.

જોયું મારું બાળક કેટલું સરસ ગાય છે એવું કહીને બાળક પાસે ગીત ગવડાવવાનું અને પછી તે ગાઈ લે એટલે સામેવાળાને પૂછવાનું પણ ખરું કે કેવું લાગ્યું ગીત તમને, કેવું ગાય છે મારો દીકરો? ૦.૦૦૦૧ પર્સન્ટ લોકો એવા હોય છે જેઓ સાચેસાચું મોઢા પર કહે કે બહુ ખરાબ ગાય છે તમારું બાળક ભાઈ, તમે તેને નહીં ગવડાવો. બધા એકબીજાને ખુશ રાખવાના કામમાં લાગ્યા છે અને બધાની એક જ ઇચ્છા છે કે કોઈ નારાજ ન થાય. આવું ધારીને જ્યારે સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે એ સર્ટિફિકેટની ઑથેન્ટિસિટી પર શંકા થાય એ સ્વાભાવિક છે અને જ્યારે શંકા જન્મતી હોય ત્યારે એ પણ યાદ રાખવું કે હવે તમારા આ સર્ટિફિકેટની કોઈ કિંમત નથી, પણ અહીં આપણે ફરીથી વિચાર બદલીએ છીએ. આપણને મનમાં શંકા નથી આવતી અને શંકા નથી મનમાં એટલે આપણે એ સમજતા નથી કે માનવા પણ તૈયાર નથી. આપણે તો બીજાના સર્ટિફિકેટથી જ મતલબ છે. આ સર્ટિફિકેટ આપણે બાળક પૂરતાં સીમિત રાખવાને બદલે આપણા સુધી પણ ખેંચી લાવીએ છીએ, પણ મારો વિરોધ આ પ્રકારની મોટા લોકોની આદત સામે જરા પણ નથી. એની ખરાબ અસર ભોગવવાની આવશે તો એ અંગત રીતે તમારે આવશે, પણ બાળક, જેનું ભવિષ્ય હજી તો ખૂલ્યું નથી ત્યાં તમે કોઈ ત્રાહિતના સર્ટિફિકેટના આધારે તેનું ભવિષ્ય નક્કી કરવા માંડો એ કેમ ચાલે?

તમને લાગે જ છે કે તમારું બાળક સારું ગાય છે તો પછી સામેવાળાના સર્ટિફિકેટની શું જરૂર છે, જ્યાં જે સર્ટિફિકેટનું મૂલ્ય હોય ત્યાં એ સર્ટિફિકેટને તમે ધ્યાનથી જોતા પણ નથી અને તમે બાકીનાં બધાં સર્ટિફિકેટને જ જોયા કરો છો. તમને યાદ હોય તો માર્કશીટમાં માર્ક લખ્યા હોય અને એ બધાની નીચે બાળકની વર્તણૂક લખી હોય. કેટલા પેરન્ટ્સ એવા છે જેણે પહેલાં માર્ક્સ જોવાને બદલે વર્તણૂક વાંચી હોય અને એ વાંચીને ખુશ થયા હોય, ઓછા માર્ક્સ માટેનું ટેન્શન પણ છોડી દીધું હોય.

માર્ક્સ પણ સર્ટિફિકેટનો જ એક ભાગ છે. મૅથ્સમાં તમારું બાળક નબળું છે એ થર્ડ પર્સન જેવી ટીચર કહે છે અને એ ઓછા માર્ક્સ આપે છે એટલે તમે તમારા બાળકને મૅથ્સના ટ્યુશનમાં મોકલવાનું નક્કી કરી લો છો. બાળક તમારું છે ત્યારે તમે બીજાના સર્ટિફિકેટને આ સ્તરે વિશ્વાસ કેવી રીતે મૂકી શકો? સ્કૂલમાંથી કૅલેન્ડરમાં નોટ લખાઈને આવે કે તમારું બાળક ભણવામાં બહુ વીક છે, તમે ઘરે તેના પર ધ્યાન નથી આપતા. આ સર્ટિફિકેટ મળે એ પછી આપણે શું કરીએ છીએ? આજે કેટલા પેરન્ટ્સ એવા છે જે સ્કૂલ જઈને ટીચરને મળ્યા હોય અને તેને કહ્યું હોય કે ઘરે ધ્યાન નથી આપી શકતા એટલે તો તમારી પાસે મોકલીએ છીએ કે તમે ધ્યાન આપી શકો અને તમારું તો એ જ કામ છે, તમે ફી પણ એની જ લો છો જેથી અમારા બાળકને તમે ભણાવી શકો. જો તમે એ કામ ન કરવાના હો તો અમે બાળકને સ્કૂલ મોકલીએ જ શું કામ, અમે જ તેને ઘરે ન ભણાવી દેતા હોત.

કૅલેન્ડરમાં એવું લખ્યું હોય કે તમારું બાળક બહુ તોફાની છે ત્યારે મોટા ભાગના પેરન્ટ્સ સીધા જ બાળક પર ગુસ્સો કરવા માંડે છે, પણ હું એવું ન કરું. હું તો સ્કૂલ જઈને કહું કે બહેન, તમારી વાત સાચી છે કે તે તોફાની છે અને તે તોફાન આ ઉંમરમાં નહીં કરે તો ક્યારે કરશે, તમારા જેવડો થશે ત્યારે?

પણ ના, એવું નહીં કરીએ આપણે.

આપણે તો આ જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું  છે એ લઈને બાળકને ખિજાઈશું, વઢીશું અને બાળકને સમજવાને બદલે તેને સમજાવવાનું કામ કરીશું. પૈસાદાર માબાપ હશે તો નબળા બાળક માટે ટ્યુશન શોધી લેવાશે અને બનશે તો પેલી કમ્પ્લેઇન કરનારી ટીચરને જ તેનું ટ્યુશન કરવા માટે સમજાવી લેશે. કેમ, તો કહે કે ભણવામાં આજકાલ થોડું વીક છેને એટલે. ટીચર પણ વધારે પૈસા મળતા હશે તો રાજીખુશીથી અને તમારા પર ઉપકાર કરતી હોય એ રીતે ટ્યુશન માટે હા પાડશે, પણ એવું કરવાને બદલે ટીચરને સવાલ કરો, સ્કૂલને પૂછો કે બાળક કેમ વીક છે અને તેને ભણવામાં શું તકલીફ પડે છે કે શું કામ તેને તમારી સ્કૂલમાં કે પછી તમારી પાસે ભણવામાં રસ નથી પડતો, પણ ના, આપણે એવું કરવાની હિંમત નથી ધરાવતા અને એનું કારણ એક જ છે સર્ટિફિકેટ. લેખિતમાં સ્કૂલમાંથી આવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. આપણા હાથમાં સર્ટિફિકેટ આવી ગયું એટલે આપણી પાસે એક પણ જાતની આર્ગ્યુમેન્ટ રહેતી નથી અને આપણે સીધા જ કા તો એ સર્ટિફિકેટને સાચું માનીને એના સૉલ્યુશન પર લાગી જઈએ છીએ અને જો સર્ટિફિકેટ પૉઝિટિવ આવ્યું હોય તો

આપણે એને બાળકના ભવિષ્યની પત્રિકા સમજીને એ રસ્તે આગળ વધવા માંડીએ છીએ. બાળક સારા માર્ક લાવે તો રાજી થઈએ કે કેટલી સારી સ્કૂલ છે અને બાળકના ભવિષ્યમાં કેટલો રસ છે એવી વાતો પણ કરીએ. હકીકતમાં તો આવું કરીને આપણે આપણા ઈગોને સંતોષવાનું કામ કરીએ છીએ. જો સર્ટિફિકેટ પૉઝિટિવ આવે તો હરખાવાનું અને જો સર્ટિફિકેટ નેગેટિવ આવે તો બધો ગુસ્સો બાળક પર કાઢવાનો. અમે તને બધી સુવિધા આપી, તને જોઈતું બધું અપાવ્યું અને તને ગમતી જગ્યાએ ઍડ્મિશન લઈ

આપ્યું એ પછી પણ તારે કંઈ કરવું નથી. સાસુ વહુને મારે એવાં મહેણાં મારતાં માબાપને મેં જોયાં છે. આ મહેણાં બાળકોને નેગેટિવ બનાવવાનું કામ કરે છે અને એ બાળકને તમારાથી દૂર કરે છે.

મને યાદ છે કે જે દિવસે મને છપ્પન ટકા (યસ, રોકડા છપ્પન ટકા) આવ્યા એ દિવસે મારા બાપુજી મને કચોરી ખાવા લઈ ગયા હતા. મારા માટે એવું જ કહેવાતું કે આ છોકરો ભણવામાં ચાલે એમ નથી અને એ જીવનમાં કાંઈ ઉકાળી શકવાનો નથી, પણ મારાં માતાપિતાએ હંમેશાં મને સપોટ કર્યો છે કે હશે, એવું હોય તો એમ પણ છેવટે દીકરો તો અમારો છે. અમે તેની બાજુમાં ઊભા રહીશું. આ જ માબાપ હતાં જેઓ એવું માનતાં હતાં કે પારકાના સર્ટિફિકેટથી અમારો દીકરો થોડો બદલાઈ જવાનો છે. નાનપણ છે, ભલે મજા કરે, ભલે તેને જે ગમે એ કરે. ખોટું ન કરે ત્યાં સુધી અમને બધું મંજૂર છે.

આપણે પણ આ જ કરવાનું. ખોટું ન કરે ત્યાં સુધી બધું મંજૂર. યાદ પણ રાખવાનું છે કે તેમની સામે એવા દાખલા પણ નથી આપવાના કે તમારી ઉંમરના અમે હતા ત્યારે અમે તો આ કરી લેતા અને ફલાણું કરી લેતા. એવો દેખાડો કરવાની પણ જરૂર નથી અને આપણાં બાળકોને કોઈના સર્ટિફિકેટના આધારે જોવા પણ નથી. જો ખરેખર બાળકના ભવિષ્ય માટે વિચાર કરવો હોય તો ખરેખર એક વાર તમારા બાળકને ધ્યાનથી નીરખીને જોજો, તેને શેમાં રસ છે, શેમાં તેની રુચિ છે એ તમને ખબર પડી જશે અને તમને સમજાઈ પણ જશે કે તમે અત્યાર સુધી ખોટી દિશામાં ભાગતા હતા.

પુત્રનાં લક્ષણ પારણામાં.

આ કહેવત કંઈ એમ ને એમ નથી પડી.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK