પૉઝિટિવ ક્લાયમેટ ચૅન્જ કેટલો ટકશે?

Published: Jun 05, 2020, 22:10 IST | Bhakti Desai | Mumbai

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પર્યાવરણ નિષ્ણાતો પાસેથી જાણીએ કે મુંબઈમાં હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણમાં કેવો અને કેટલો બદલાવ આવ્યો છે જેને કારણે વન્ય જીવો નાચી રહ્યા છે, પ્રકૃતિ ખીલી ઊઠી છે અને પર્યાવરણ શુદ્ધ થયું છે.

આપણી કુદરતી સંપત્તિને ટકાવી રાખવી અને નિસર્ગ સાથે આજે જોડાયા છીએ એ જ રીતે જોડાયેલા રહેવું અત્યંત જરૂરી છે.
આપણી કુદરતી સંપત્તિને ટકાવી રાખવી અને નિસર્ગ સાથે આજે જોડાયા છીએ એ જ રીતે જોડાયેલા રહેવું અત્યંત જરૂરી છે.

કોરોનાએ વિશ્વભરની ઇકૉનૉમીની કમર તોડી નાખી છે, પરંતુ બીજી તરફ માણસો પર લગામ આવી જતાં પ્રકૃતિ ખીલી ઊઠી છે. લૉકડાઉનની ઘણી પૉઝિટિવ સાઇડ-ઇફેક્ટ્સમાંની એક છે પર્યાવરણમાં આવેલો હકારાત્મક બદલાવ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પર્યાવરણ નિષ્ણાતો પાસેથી જાણીએ કે મુંબઈમાં હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણમાં કેવો અને કેટલો બદલાવ આવ્યો છે જેને કારણે વન્ય જીવો નાચી રહ્યા છે, પ્રકૃતિ ખીલી ઊઠી છે અને પર્યાવરણ શુદ્ધ થયું છે. જોકે આ પરિવર્તન કેટલું ટકશે એ પણ એક મોટો કોયડો છે.

લૉકડાઉન દરમ્યાન સોશ્યલ મીડિયા પર નાચતાં મોર, ઢેલ, ખિસકોલી, રસ્તા પર દોડી રહેલા વાંદરા, મુંબઈના મુખ્ય રસ્તાઓ પર લટાર મારવા નીકળેલા દીપડાના વિડિયો વાઇરલ થતા જોયા. એક તરફ કોવિડ-19એ મનુષ્ય પર કાળો કેર વર્તાવ્યો છે તો બીજી તરફ એ જ કોરોના વાઇરસે મનુષ્યની દરેક પ્રવૃત્તિ પર એક અલ્પવિરામ મૂકી પ્રકૃતિને ફરી જીવંત કરી દીધી છે. આની મોટી સાબિતી લૉકડાઉન દરમ્યાન પર્યાવરણ પર થયેલી સકારાત્મક અસરથી મળે છે.

nature
બુદ્ધિશાળી અને ઉચ્ચ શિક્ષિત માનવે પોતાને મળેલી દરેક નૈસર્ગિક મૂડીનું પ્રગતિના નામે છેદનભેદન કર્યું. આધુનિક કોઈ પણ તકનીક હવા, પાણી, ભૂમિ, સમુદ્ર, ખીણ કે પર્યાવરણનું એક પણ તત્ત્વ બનાવી શકે એવી ક્ષમતા ધરાવતું નથી છતાં દિવસે-દિવસે વધતી જતી ફૅક્ટરીઓ, ઔદ્યોગિક ક્ષેત્રો, મૉલ્સ, જંગલ કાપીને ઊભાં કરાયેલાં મકાનો, ખીણને છેદીને બનાવવામાં આવી રહેલા વિશાળ મહામાર્ગો, વધતી જતી વાહનોની સંખ્યા આવાં અનેક કારણોને લીધે પર્યાવરણને પહોંચેલી હાનિની અસર સૃષ્ટિના દરેક જીવ પર પડી રહી છે.
પર્યાવરણમાં આવેલા વ્યાપક બદલાવની અસર માર્ચ ૨૨, ૨૦૨૦ એટલે કે જનતા કરફ્યુના દિવસથી જ જણાવા લાગી છે. સવારે ઊઠતાંની સાથે પંખીઓનો પહેલાં ક્યારેય ન સાંભળવા મળ્યો હોય એટલો સ્પષ્ટ કલરવ હવે સંભળાય છે. પશુ-પંખીઓનું મુક્ત વિચરણ કેવી રીતે સંભવ બન્યું છે એ વિશે બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના ડિરેક્ટર દીપક આપ્ટે કહે છે, ‘સામાન્ય વન્ય જીવો પર લૉકડાઉનની સકારાત્મક અસર છે. શહેરોમાં લોકોની અવરજવર અને ઘોંઘાટ પર લૉકડાઉનને કારણે આપમેળે લાગેલા પ્રતિબંધથી પંખીઓનો અવાજ સંભળાતો થયો. હું માનું છું કે પંખીઓના આહલાદક અવાજની માનવના માનસ પર ખૂબ સારી અસર થાય છે, તનાવ પણ હળવો થઈ જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં મેટ્રો શહેરમાં રાત-દિવસ એટલો ઘોંઘાટ હોય છે કે પંખીઓનો મધુર અવાજ એમાં ક્યાંક ખોવાઈ જાય છે. લોકોની તથા વાહનોની અવરજવર, કારખાનાં અને ઑફિસ બંધ રહેવાને કારણે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું છે, ધ્વનિપ્રદૂષણ ઓછું થવાની વન્ય જીવો પર વિશેષ અસર પડી છે. માર્ચ પછી પર્યટન બંધ છે તેથી જંગલ અને આસપાસના વિસ્તારમાં પ્રાણીઓ મુક્તપણે ફરવા લાગ્યાં છે. વિવિધ પતંગિયાં, નાના જીવો, ચકલી, કાગડો, કબૂતર અને કોયલ સિવાયનાં અન્ય રંગબેરંગી પક્ષીઓ પણ આપણા જ ઘરની બારીએ આવતાં-જતાં રહે છે. હાલમાં એવું પણ બન્યું છે નવાં પક્ષીઓના અવાજ ઘણા વિસ્તારોમાં સાંભળવામાં આવ્યા છે. એની ઘણા પ્રકૃતિપ્રેમીઓએ મને જાણ કરી છે. આનો અર્થ એવો નથી કે અચાનક નવાં પક્ષી આવ્યાં હોય કે એમની સંખ્યા વધી હોય, પણ એમનો અવાજ સંભળાતો થયો છે.’
દોઢ લાખ ફ્લૅમિન્ગો
આ વર્ષે મુંબઈ આવ્યાં
ફ્લૅમિન્ગો પંખીઓના વિચરણ પર એક દાયકાથી અભ્યાસ કરનાર બીએનએચએસના નૅચરલ હિસ્ટરી કલેક્શન વિભાગના અસિસ્ટન્ટ ડિરેક્ટર રાહુલ ખોત કહે છે, ‘અમે સ્થળાંતર કરીને આવનાર દરેક પક્ષીની નોંધ લઈએ છીએ, પણ એમાં ફ્લૅમિન્ગોની સંખ્યા વધારે હોય છે. છેલ્લા એક દાયકામાં જોઈએ તો આ વર્ષે ૧,૫૦,૦૦૦થી વધારે ફ્લૅમિન્ગોઝ અહીં આવ્યાં છે, સૌથી વધારે સંખ્યા છે. ગયા વર્ષે એમની સંખ્યા ૧,૨૪,૦૦૦ જેટલી હતી, જે બીજા ક્રમે છે. એની પહેલાંનાં વર્ષોમાં એમની સંખ્યા આશરે ૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ની વચ્ચે નોંધાઈ છે. આ વર્ષે જુવેનાઇલ ફ્લૅમિન્ગોની સંખ્યા વધારે રહી છે. આના બે પ્રકાર હોય છે, લેસર અને ગ્રેટર. લેસર એટલે નાના કચ્છમાંથી આવે છે અને ગ્રેટર એટલે મોરી પ્રજાતિ આફ્રિકા, મધ્યપૂર્વીય દેશો અને યુરોપથી આવે છે. લૉકડાઉનની સારી અસર ફ્લૅમિન્ગો પર સહજ રીતે દેખાઈ રહી છે એ ત્યારે સમજાયું જ્યારે નવી મુંબઈના એનઆરઆઇ કૉમ્પ્લેક્સની પાછળ આવેલા તળાવે વેટલૅન્ડ (ફ્લૅમિન્ગો મૅન્ગ્રોવ્ઝની આગળના કાદવવાળી ભીની જમીનમાંથી એનો ખોરાક મેળવે છે)માં વાહન અને ચાલનારા લોકોની હાલચાલ ન હોવાને કારણે ૧૦,૦૦૦ ફ્લૅમિન્ગોઝની સંખ્યા નોંધાઈ જ્યાં ગયા વર્ષ સુધી આશરે ૫૦૦૦ ફ્લૅમિન્ગોઝ જ આવતાં હતાં. લોકોના નિવાસસ્થાનની નજીકની વેટલૅન્ડમાં એમની સંખ્યા આ વર્ષે પહેલી વાર વધારે નોંધાઈ છે.’
પાણીમાં સૌથી ઓછું પ્રદૂષણ
થાણે ક્રીક (ખાડી)ના પાણીને વિવિધ પરિમાણો પર ચકાસતો જાન્યુઆરી ૨૦૨૦થી ૨૧ એપ્રિલ, ૨૦૨૦ આમ મહિના પ્રમાણે એક તુલનાત્મક અહેવાલ બહાર પડ્યો છે. આમાં અન્ય પરિમાણો ઉપરાંત ઊડીને આંખે વળગે એવો તફાવત ઑક્સિડાઇસિંગ/રિડ્યુસિંગ પોટેન્શિયલ ઑફ વૉટર (ORP)માં દેખાયો. પાણીમાં રહેલા ORPનું પ્રમાણ એક તળાવ અથવા નદીની પોતાને સાફ કરવાની સક્ષમતા દર્શાવે છે. એના ઉચ્ચ પ્રમાણથી એમ સાબિત થાય છે કે પાણીમાં પ્રાણવાયુનું પ્રમાણ વધારે છે. જાન્યુઆરીમાં આનું પ્રમાણ (માપવાનું એકમ: મિલિવૉલ્ટ્સ-mVમાં) ૪૬.૫૦, ફેબ્રુઆરીમાં ૪૫.૨૮, માર્ચમાં ૬.૮૬ અને ૨૧ એપ્રિલ સુધીમાં ૧૪૮.૨૨ નોંધાયું. થાણે ક્રીકમાં ઔદ્યોગિક પ્રદૂષકોથી વધારે મળમૂત્રનું પ્રમાણ છે છતાં લૉકડાઉનના એક જ મહિનામાં આટલો મોટો તફાવત સામે આવ્યો, જે લૉકડાઉનની પાણી પર સકારાત્મક અસર દેખાડવા પર્યાપ્ત છે. ગંગા અને યમુનાના જળમાં આવેલી શુદ્ધતા તથા જળચર જીવો સોશ્યલ મીડિયાના માધ્યમથી આપણે જોયા. યમુના નદીમાં ખૂબ વધારે પ્રમાણમાં છોડવામાં આવતા ઔદ્યોગિક કચરા અને એનાથી વધતાં પ્રદૂષકોને લીધે એનું જળ અત્યંત પ્રદૂષિત થઈ ગયું હતું, જેમાં લૉકડાઉનને કારણે બદલાવ આવ્યો છે. આની નોંધ અમુક અહેવાલોમાં વાંચવા મળે છે.
ધ્વનિ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો
બાંદરા (વેસ્ટ)માં રહેતાં સુમેરા અબ્દુલઅલી, આવાઝ ફાઉન્ડેશનનાં કન્વીનર (સંયોજક) તથા મહારાષ્ટ્ર ક્લીન ઍર કલેક્ટિવનાં સદસ્યે સમય-સમય પર ડેસિબલ મીટર ઉપકરણથી ધ્વનિના સ્તરને માપ્યું હતું. બાંદરા વિસ્તારમાં ધ્વનિપ્રદૂષણના આંકડા વિશે તેઓ કહે છે, ‘સામાન્ય દિવસે જ્યારે શહેરમાં ટ્રાફિક રહેતો ત્યારે (ધ્વનિને માપવાનો એકમ ડેસિબલ db) ડેસિબલ લેવલ ઓછામાં ઓછું ૮૫ db રહેતું અને વધુ ટ્રાફિકવાળા જંક્શન પર ૧૦૦dbથી વધારે રહે છે. જનતા કરફ્યુ ડેને દિવસે મેં ધ્વનિ સ્તર માપ્યું તો ન્યૂનતમ ૪૧.૭ db અને અધિકતમ ૬૬ db હતું. આમાં પંખીઓના અવાજની પણ નોંધ લેવાય છે તેથી ધ્વનિનું વાસ્તવમાં પ્રમાણ દર્શાવેલા આંકડા કરતાં થોડું-થોડું ઓછું હશે. એપ્રિલમાં ૫૬.૪ db અને મે મહિનામાં ૫૨.૯ db નોંધાયુ હતું જે ધ્વનિના પ્રદૂષણમાં નોંધનીય ઘટાડો દેખાડે છે.’
દરિયાઈ જીવો પર અસર
મુંબઈની મોટા ભાગની સરહદો દરિયાથી જોડાયેલી છે. દરિયાની શુદ્ધતાને કારણે દરિયાઈ જીવોમાં પણ જાણે નવો જાન આવ્યો છે. મૅન્ગ્રોવ્ઝ ફાઉન્ડેશનના દ્વારા મળેલી માહિતી મુજબ ગીચ વસતીવાળા મુંબઈ શહેરમાં પાર્ટિક્યુલેટ મૅટર (કણ પદાર્થ) અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ કૉન્સન્ટ્રેશન (સાંદ્રતા)ના પ્રમાણમાં ખૂબ ઘટાડો થયો છે. નદી અને દરિયાના પાણીમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં ઠલવાતા ઔદ્યોગિક કચરા અને પ્રવાહીનું પ્રમાણ લૉકડાઉન દરમ્યાન નજીવું થઈ ગયું હોવાથી આ પાણીની શુદ્ધતા વધી છે. આનાથી દરિયાઈ જીવોનું જીવન સમૃદ્ધ બન્યું હોવાની શક્યતા વધી ગઈ છે. હિન્દ મહાસાગરની સામાન્ય પ્રજાતિ હમ્પબૅક ડૉલ્ફિન, જે દરિયાકાંઠામાં વસવાટ કરે છે, એ આ દરમ્યાન મરીડ્રાઇવ પર કિનારાની અત્યંત નજીક જોવા મળી રહી છે, જે પહેલાં પણ બન્યું છે. પણ તફાવત એ છે કે હાલમાં એ વધારે પ્રમાણમાં અને વધુ નજીક જોવા મળે છે. બીજી એક અસામાન્ય ઘટના એ છે કે લૉકડાઉન દરમ્યાન એકદમ શરમાળ જળચર પ્રાણી સ્મૂથ કોટેડ ઓટ્ટર, જેને હિન્દીમાં ઉદબિલાવ કહે છે, એ માત્ર મૅન્ગ્રોવ્ઝની આસપાસ અને ખાડીમાં જ રહે છે. આ જળચર જીવો મુંબઈની નજીકના સમુદ્રકિનારા પર અનેક વાર દેખાયા છે, કારણ કે હમણાં અહીં માછીમારી અને માનવ પ્રવૃત્તિ નહીંવત્ છે.
વાયુ પ્રદૂષણમાં ઘટાડો
હાલમાં મુંબઈનો ઍરક્વૉલિટી ઇન્ડેક્સ ૬૦ થઈ ગયો છે અને વાતાવરણ ફાઉન્ડેશન, Jhatkaa.org એ આખું વર્ષ શુદ્ધ હવા મળે એ માટે #સાલભર-૬૦ કૅમ્પેન મુંબઈમાં લૉન્ચ કર્યું હતું. લોકો હવે આ વિષય પર જાગૃત થઈ રહ્યા છે અને ભારતભરમાં #સાલભર-૬૦ એટલે કે શુદ્ધ હવાની માગ કરનારાઓ વધી રહ્યા છે. વાયુ પ્રદૂષણ પર અભ્યાસ કરનાર સંસ્થા અર્બન એમિશન્સ (ભારત)થી મળેલા આંકડા પરથી વાયુ પ્રદૂષણ પર લૉકડાઉનની સકારાત્મક અસર સહજ રીતે સમજાય છે. અહીં કરેલા અભ્યાસમાં લૉકડાઉનના ત્રીસ દિવસ પહેલાં એટલે કે ૨૪ માર્ચથી ૩૧મે સુધીમાં હવામાં આવેલા તફાવતની નોંધ લીધી છે.
મુંબઈમાં પાર્ટિક્યુલેટ મૅટર ૨.૫નું પ્રમાણ લૉકડાઉનના દિવસો દરમ્યાન નોંધનીય રીતે ઘટ્યું છે. રસ્તા પરનાં વાહનો,‍ ટ્રાફિક અને ફોસિલ ફ્યુઅલ એટલે કે અશ્મિભૂત બળતણને કારણે ઉદ્ભવતા વાયુથી હવામાં વધતા નાઇટ્રોજન ડાયૉક્સાઇડ (NO2)નું પ્રમાણ લૉકડાઉનના ત્રીસ દિવસ પહેલાં ૩૭.૫, લૉકડાઉન-૧માં ૯.૮, લૉકડાઉન-૨માં ૭.૩, લૉકડાઉન-૩માં ૯.૮ અને લૉકડાઉન-૪માં ૭.૫ રહ્યું. થાણેમાં આનું પ્રમાણ ૪૩.૧થી ઘટીને લૉકડાઉન-૪ સુધીમાં ૫.૯ આવ્યું.
લૉકડાઉનને કારણે પર્યાવરણમાં પ્રદૂષણનો નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હવે આવનારા દિવસોમાં પણ પર્યાવરણને પ્રદૂષણમુક્ત બનાવી રાખવાની જવાબદારી આપણી છે. દરેક નિષ્ણાતે આ જ ચિંતા વ્યક્ત કરી છે કે હવે લૉકડાઉન પૂરું થયા પછી અને સામાન્ય જનજીવન શરૂ થાય પછી આપણે આપણી કુદરતી સંપત્તિને ટકાવી રાખવી અને નિસર્ગ સાથે આજે જોડાયા છીએ એ જ રીતે જોડાયેલા રહેવું અત્યંત જરૂરી છે.

બદલાવ ટકાવવા શું કરવું?

લૉકડાઉનની સકારાત્મક અસર થાય એ સ્વાભાવિક છે, પણ એ લાંબા સમય માટે રહે એ માટે જરૂરી છે. લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ બચાવવા પ્રદૂષણ ઓછું કરે. દર વર્ષે એક મહિના માટે જો સંપૂર્ણ રીતે લૉકડાઉન થાય તો પર્યાવરણશુદ્ધિ સાથે જ વન્ય જીવન પર પણ સારી અસર પડશે અને આપણું જીવન પણ સુધરશે.
- દીપક આપ્ટે, બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીના ડિરેક્ટર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK