Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કેવી ચાલે છે લાઇફલાઇન વિનાની મુંબઈની લાઇફ?

કેવી ચાલે છે લાઇફલાઇન વિનાની મુંબઈની લાઇફ?

21 June, 2020 08:04 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કેવી ચાલે છે લાઇફલાઇન વિનાની મુંબઈની લાઇફ?

રેલ્વે સ્ટેશન

રેલ્વે સ્ટેશન


લાંબા સમયના વિરામ બાદ તાજેતરમાં એસેન્શિયલ સર્વિસ માટે ટ્રેનો દોડાવવાની શરૂઆત કરવામાં આવતાં સામાન્ય જનતાના મનમાં વહેલી તકે ટ્રેનો શરૂ થવાની આશા જાગી છે. ચર્ચગેટથી દહાણુ, પનવેલ-સીએસએમટી અને છેક ડોમ્બિવલી-કર્જત સુધી વિસ્તરેલા મુંબઈમાં ટ્રેન વગર પ્રવાસ કરવો લગભગ અશક્ય છે. જ્યાં સુધી આમ જનતા માટે ટ્રેનનો પ્રવાસ શક્ય નહીં બને ત્યાં સુધી પહેલાંની જેમ મુંબઈ ધબકતું નહીં થાય એ વાત નિર્વિવાદ છે ત્યારે હાલમાં બાય રોડ ટ્રાવેલિંગમાં કેવી હાલાકી ભોગવવી પડી રહી છે તેમ જ લોકલ શરૂ કરવા વિશે પ્રવાસીઓનો શું અભિપ્રાય છે એ જાણીએ

‘યાત્રી કૃપયા ધ્યાન દેં, પ્લૅટફૉર્મ-નંબર ચાર પર આનેવાલી ગાડી ચર્ચગેટ કે લિએ તેજ ગાડી હૈ. યહ ગાડી બોરીવલી સે અંધેરી, અંધેરી સે બાંદરા, બાંદરા સે દાદર ઔર દાદર સે મુંબઈ સેન્ટ્રલ કે બીચ કિસી ભી સ્થાનક પર નહીં રુકેગી.’
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓના દિવસની શરૂઆત આ પ્રકારની અનાઉન્સમેન્ટ સાંભળીને થાય છે. ચોવીસે કલાક ધમધમતા મુંબઈમાં લોકલ ટ્રેન વગરની લાઇફ અકલ્પનીય છે. ચોમાસામાં પાટા પર પાણી ભરાઈ જાય કે રેલરોકો આંદોલનો સિવાય ક્યારેય ટ્રેનો બંધ થતી નથી. જોકે એ સમયે પણ ઠીચુક-ઠીચુક કરતી ટ્રેનો આગળ વધતી રહે છે અને મુંબઈગરાઓ એમાં પ્રવાસ કરવા ધક્કામુક્કી કરતા જોવા મળે છે. મુંબઈના ઇતિહાસમાં પહેલી વખત આટલો લાંબો સમય લોકલ બંધ રહી છે. અરે, જ્યારે ટ્રેનમાં સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ થયા ત્યારે પણ ટ્રેન અટકી નહોતી. વૈશ્વિક મહામારીએ લાખો પ્રવાસીઓના દિલની ધડકન સમી લોકલ ટ્રેનને યાર્ડમાં ધકેલી દીધી છે.
હવે મુંબઈ ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. તાજેતરમાં રેલવેએ એસેન્શિયલ સર્વિસ માટે ટ્રેનો દોડાવવાની શરૂઆત કરી છે. જોકે જનરલ પ્રવાસીઓ માટે ટ્રેન વગર કામધંધાના સ્થળે પહોંચવું ટાસ્ક છે. ભીડભાડવાળી જગ્યાએ કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધી જવાનો ભય હોવાથી આમ જનતા માટે લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. પરિણામે લોકોએ ઑફિસ જવા માટે અન્ય વિકલ્પો શોધવા પડી રહ્યા છે. લાઇફલાઇન વગરની મુંબઈની લાઇફ કેવી લાગે છે? શું લાંબો સમય સુધી ટ્રેન વગર ચાલશે? લોકોએ કયા વિકલ્પો અપનાવ્યા છે તેમ જ બાય રોડ પ્રવાસના તેમના અનુભવો કેવા રહ્યા એ સંદર્ભે કેટલાક પ્રવાસીઓ તેમ જ ટ્રેન શરૂ કરવા બાબતે ઝોનલ રેલવે યુઝર્સ કમિટીના સભ્ય સાથે વાત કરીએ.
લાઇફલાઇન વગર મુંબઈની લાઇફ સામાન્ય થવાની નથી એવો મત વ્યક્ત કરતાં ઝોનલ રેલવે યુઝર્સ કમિટીના મેમ્બર શૈલેશ ગોયલ કહે છે, ‘લોકલ ટ્રેન વગર તમે મુંબઈમાં રહી જ ન શકો. રોડ પર જે રીતે ટ્રાફિક જૅમ થાય છે એ જોતાં ચોમાસામાં હાડમારી વધવાની છે. તાજેતરમાં રેલવેએ એસેન્શિયલ સર્વિસ માટે ટ્રેનો દોડાવવાની શરૂઆત કરતાં પ્રવાસીઓ મૂંઝાયા છે. એસેન્શિયલ સર્વિસમાં અમે આવીએ કે નહીં એવો પ્રશ્ન અનેક લોકો પૂછી રહ્યા છે. વાસ્તવમાં એસેન્શિયલ સર્વિસમાં પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઊમટશે. પ્લૅટફૉર્મ પર તેમ જ ટ્રેનની અંદર પ્રવાસીઓની સુરક્ષા માટે કેવાં પગલાં લીધાં છે, પાસ ક્યાંથી મળશે, તેઓ ક્યા સ્લૉટમાં ટ્રાવેલ કરી શકે છે, સાથે શું કૅરી કરવાનું અલાઉડ છે જેવી બેઝિક જાણકારીનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કોઈ માપદંડ કે સ્પષ્ટતા આપવામાં આવી નથી.’
યાર્ડમાંથી ટ્રેન સૅનિટાઇઝ થઈને આવશે કે નહીં એની ચોખવટ રેલવેએ કરી નથી એમ જણાવતાં તેઓ કહે છે, ‘મુંબઈમાં કોરોના-સંક્રમણના કેસ જે ઝડપથી વધી રહ્યા છે એ જોતાં રેલવેના ડબ્બાઓમાં તેમ જ પ્લૅટફૉર્મના એરિયામાં સૅનિટાઇઝેશનને સર્વાધિક પ્રાથમિકતા આપવી પડશે. એસેન્શિયલ સર્વિસ માટે જ્યારે હજારો પ્રવાસી ટ્રાવેલ કરવા જશે ત્યારે રિસ્ક વધી જશે. દરેક પ્રવાસી અમુક સ્લૉટમાં જ પ્રવાસ કરી શકે એવો પ્રબંધ હોવો જોઈએ. થોડા દિવસની ટ્રાયલ બાદ કોરોનાનો ગ્રાફ સ્ટેબલ રહે કે નીચો આવે તો આગામી એકાદ મહિનામાં જનરલ પ્રવાસીઓ માટે ટ્રાયલ બેઝ પર ટ્રેનો દોડાવવી જોઈએ. સુરક્ષાની દૃષ્ટિએ જનરલ પ્રવાસીઓ માટે શરૂઆતમાં સ્લૉટ પ્રમાણે પરમિશન આપવી જોઈએ. જોકે એક વાત તો છે. હાલમાં બસ, રિક્ષા અને ટૅક્સી જેવા જુદા-જુદા વિકલ્પો અપનાવી કામધંધે પહોંચતા મુંબઈકરો આતુરતાથી લોકલ ટ્રેનો શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.’



હાલમાં માત્ર સરકારી અસેન્શિયલ સર્વિસમાં કામ કરતા લોકો માટે જ મર્યાદિત લોકલ શરૂ કરવામાં આવી છે એ પણ એટલી ભરચક હોય છે કે એમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. સોશ્યલ મીડિયામાં ફરતી આ તસવીરો જોઈને સવાલ એ થાય કે અત્યારે આ હાલ છે તો જ્યારે આમજનતા માટે લોકલ શરૂ કરવામાં આવશે ત્યારે શું થશે?  


જ્યાં સુધી લોકલ શરૂ નહીં થાય, મુંબઈકરોનું જીવન સામાન્ય થવાનું નથી. યાર્ડમાં ઊભેલી ટ્રેનો તેમ જ પ્લૅટફૉર્મ પર સૅનિટાઇઝેશનની શું વ્યવસ્થા છે, પૅસેન્જર કઈ વસ્તુ કૅરી કરી શકશે, કોણે કયા સ્લૉટમાં ટ્રાવેલ કરવાનું છે, પાસ ક્યાંથી મળશે જેવી બેઝિક જાણકારી વિશે રેલવે દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હોવાથી પ્રવાસીઓમાં કન્ફ્યુઝન છે. મારા મતે એસેન્શિયલ સર્વિસનાં પરિણામો જોયા બાદ જનરલ પ્રવાસીઓ માટે ટ્રાયલ બેઝ પર લોકલ દોડાવવી જોઈએ
- શૈલેશ ગોયલ, ઝોનલ રેલવે યુઝર્સ કમિટી મેમ્બર

હવે ટ્રેનો શરૂ કરી દેવી જોઈએ, એના વિના ટ્રાવેલિંગ બહુ અઘરું છે


ગ્રાન્ટ રોડ ખાતે ઇલેક્ટ્રૉનિક કૉમ્પોનન્ટની શૉપ ધરાવતા હેમંત શાહનો બિઝનેસ મુંબઈની બહાર પણ ફેલાયેલો છે. દેશનાં અન્ય રાજ્યોમાં જવા માટે રેલ વ્યવહાર ચાલુ હોવાથી બિઝનેસ જલદી થાળે પડવાની તેમને અપેક્ષા છે, પરંતુ લોકલ ટ્રેનો વગર શૉપ સુધી પહોંચવામાં નાકે દમ આવે છે. સામાન્ય રીતે ઘરેથી દસ વાગ્યે નીકળતા હેમંતભાઈ અત્યારે આઠ વાગ્યામાં નીકળી જાય છે, કારણ કે અઢી કલાક જવાના ને અઢી કલાક આવવામાં લાગે છે. તેઓ કહે છે, ‘અમે ત્રણ જણ કારમાં જઈએ છીએ. સમયસર દુકાન ખોલવા વહેલા નીકળવું પડે છે. પાર્કિંગનો પણ ઇશ્યુ છે. લાંબા સમય સુધી ટ્રાફિકમાં ડ્રાઇવિંગ કરવામાં થાકી જવાય છે. ઉપરથી રોજનું પાંચસો રૂપિયાનું પેટ્રોલ બળી જાય છે. બોરીવલીથી ગ્રાન્ટ રોડ જવાનો બેસ્ટ, ફાસ્ટેસ્ટ અને ચીપેસ્ટ મોડ ટ્રેન જ છે. બાય રોડ જવાય નહીં. જો લોકલ ટ્રેનો શરૂ નહોતી કરવી તો મુંબઈને અનલૉક કરવાનો અર્થ નહોતો. આમેય લૉકડાઉન કરવાથી કોરોના-સંક્રમણના કેસ વધ્યા છે, ઘટ્યા નથી. ચોમાસામાં પાટા પર પાણી ભરાઈ જાય ને એકાદ દિવસ ટ્રેન બંધ રહે એ ઠીક છે. બાકી ગમે એટલી ગિરદી થાય મુંબઈમાં લોકલ વગર લાઇફ નથી. મારા મતે હવે ટ્રેનો શરૂ કરી દેવી જોઈએ. એના વગર પ્રવાસ કરવાની અમારી માનસિક તૈયારી નથી.’ - હેમંત શાહ, બોરીવલી

ટ્રેનમાં ભીડ થશે એવું કહો છો, પણ બસમાંય ક્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય છે?

ફૂડ-આઇટમ માટે માર્કેટિંગના બિઝનેસ સાથે સંકળાયેલા રાજેશ જોશીને ધંધાના કામ કરતાં વધુ સમય પ્રવાસ માટે ફાળવવો પડે છે. ડોમ્બિવલી-થાણે-મુલુંડ રિટર્ન આ તેમનો પ્રવાસનો રૂટ છે. આક્રોશ વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘છ કલાક તો ટ્રાવેલિંગમાં જાય છે. ડોમ્બિવલીથી બસ પકડી થાણે જાઉં. ત્યાંથી મુલુંડ ચેકનાકા સુધી ઑટો લઈએ. એના ચાળીસેક રૂપિયા ચૂકવવાના. ચેકનાકાથી થોડા અંતર સુધી ચાલીને જાઉં ત્યારે ઑફિસ પહોંચવા માટે શૅર ઑટો મળે. સવાર-સાંજ ત્રણ વાહનો બદલીને રાતે ઘરે આવીએ ત્યાં થાકીને લોથપોથ થઈ જવાય. કોરોના-સંક્રમણમાં રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષા નહીં રહે એવી વાત કરો છો તો બસમાં ક્યાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય છે? ધક્કામુક્કી જ છે. અત્યારે મુંબઈગરાઓની લાઇફ રામ ભરોસે હોટેલ જેવી થઈ ગઈ છે. ઘરેથી જાન હથેળીમાં લઈને નીકળવાનું. ચારે બાજુ રિસ્ક છે. દરેક વ્યક્તિ પોતાની રીતે કાળજી રાખી જે સાધન મળે એમાં પ્રવાસ કરે છે. જો આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી રહેશે તો હું ફરીથી ઘરે બેસી જઈશ. ફૅમિલી પણ આ પ્રકારની હાડમારી કરવાની ના પાડે છે. મુંબઈની ગાડીને જો ખરેખર પાટે ચડાવવી હશે તો લોકલ ટ્રેનો શરૂ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’ - રાજેશ જોશી, ડોમ્બિવલી

રોડ ટ્રાવેલ ત્રાસદાયક છે, પરંતુ હજી લોકલ તો ન જ શરૂ કરાય

કાંદિવલીમાં રહેતા કલ્પેશ પંડ્યા વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. કાલબાદેવી ખાતે આવેલી ઑફિસમાં જવા માટે તેઓ કારનો ઉપયોગ કરે છે. રસ્તામાં સાંતાક્રુઝથી સહકર્મચારીને પિક કરીને ઑફિસ પહોંચતાં સહેજે બે કલાક લાગી જાય છે. મુંબઈમાં બાય રોડ ટ્રાવેલિંગ ત્રાસદાયક છે એવો બળાપો કાઢતાં તેઓ કહે છે, ‘લોકલ ટ્રેન વગરની લાઇફની કલ્પના ક્યારેય કરી નથી. મુંબઈના ટ્રાફિકમાં કાર ચલાવવી અઘરી છે. કોઈક વાર હરવાફરવા નીકળ્યા હોઈએ તોય ડ્રાઇવર લઈને નીકળીએ. અત્યારે ડ્રાઇવર દેશમાં ચાલ્યો ગયો છે અને ટ્રેનો બંધ હોવાથી ફરજિયાત ગાડી ચલાવવી પડે છે. રસ્તામાં ઠેર ઠેર મુંબઈ પોલીસનો બંદોબસ્ત છે, પરંતુ ટ્રાફિક-પોલીસ દેખાતી નથી પરિણામે સિગ્નલ પર ભિખારીઓની હેરાનગતિ વધી ગઈ છે. એક સમયે આપણે તેમને કાચ નીચે કરી બે-પાંચ રૂપિયા આપતા હતા. હવે કાચ ખોલવામાં જોખમ છે. તેઓ માસ્ક પહેરતા નથી. કારમાં જઈએ છીએ એમાં આટલો ત્રાસ પડે છે તો બસમાં ટ્રાવેલ કરવાવાળાની શું દશા થતી હશે એ સમજી શકાય છે. જેમ તેમ કરીને કાલબાદેવી પહોંચીએ પછી પાર્કિંગ મેળવવા હેરાન થવું પડે. આટલી બધી હાડમારી પછી તમે કામમાં ફોકસ કઈ રીતે રાખી શકો? જોકે મુંબઈમાં કોરોનાના કેસ જોતાં લોકલ શરૂ તો ન કરાય. મારા મતે ટ્રેન શરૂ ન થાય ત્યાં સુધી જરૂરી સ્ટાફ માટે ઑફિસમાં રહેવાની સગવડ કરી આપવી જોઈએ.’ - કલ્પેશ પંડ્યા, કાંદિવલી

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 08:04 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK