ખબર જ છે તમને, ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં ત્રણ શહેરોની મુલાકાત લીધી. તેઓ અમદાવાદ, પુણે અને હૈદરાબાદ ગયા હતા. આ યાત્રાની સૌથી અગત્યની વાત જો કોઈ હતી તો એ એક જ કે તેમણે વૅક્સિન બનાવતી કંપની સાથે વૅક્સિન બાબતમાં મીટિંગ યોજી હતી. રિઝલ્ટ ચેક કરવાનાં હતાં અને એ રિઝલ્ટના આધારે વૅક્સિન ક્યારે દેશમાં આવી શકે છે એની ગણતરી માંડીને હેલ્થ મિનિસ્ટ્રી સાથે મીટિંગ કરવાની હતી. સૌથી પહેલાં તો એક વાત કહું તમને. આ જે ત્રણ કંપનીઓ છે એ ત્રણ કંપનીઓ વૅક્સિન બનાવવાની બાબતમાં અંતિમ તબક્કા સુધી પહોંચી ગઈ છે અને એટલે જ વડા પ્રધાનની આ મીટિંગ ગોઠવવામાં આવી હતી.
અંતિમ તબક્કામાં પહોંચેલી કોરોનાની વૅક્સિનની આ જે લડત છે એ લડતમાં આવતા સમયમાં ભારત વૈશ્વિક સ્તરે પહોંચે એવી પૂરતી શક્યતા છે અને આ શક્યતા વચ્ચે અત્યારે આ દોટ શરૂ થઈ છે. આ દોટમાં ભારત ખરા અર્થમાં શ્રેષ્ઠતમ પરિણામ લાવવામાં નિમિત્ત બનવાનું છે. ગઈ કાલે ત્રણ શહેરમાં વૅક્સિન બનાવતી કંપનીઓ સાથે મીટિંગ કર્યા પછી હવે જે કઈ નક્કી થશે એ દુનિયાભરની આંખો ખોલનારું હશે, દુનિયામાં ભારતને એક નવી ઊંચાઈએ લઈ જવાનું હશે. એક વાત યાદ રાખજો કે આ હકીકત છે અને એ હકીકત છે એટલે જ દેશના વડા પ્રધાને ખાસ એક આખો દિવસ વૅક્સિન બનાવતી કંપનીઓના નામે ફાળવી દીધો. આ ફાળવણી જ દેખાડે છે કે સારા સમાચાર બહુ જલદી આવે એ સ્તરે આપણી ફાર્મા કંપનીઓ પહોંચી ગઈ છે અને એ બહુ જરૂરી પણ છે.
કોવિડને લીધે આર્થિક પરિસ્થિતિ પણ કફોડી થઈ છે અને કોવિડને લીધે સામાજિક અંતર પણ ઘણું વધ્યું છે. અફસોસ એટલા માટે નથી કરવાનો કે અત્યારની આ જે અવસ્થા છે એ જગતભરના લોકોની અવસ્થા છે અને આ અવસ્થા દુનિયાભરના લોકો ભોગવી રહ્યા છે, પણ હવે એમાંથી નીકળવાની આશા બળવત્તર બનતી જાય છે અને સમય પણ વધારે ખેંચવાનો નથી. દુનિયાઆખી કોવિડની વૅક્સિનની રેસમાં છે ત્યારે ભારત પણ એ રેસમાં હોય અને ટોચના દેશોની સાથે ઊભું હોય એ બહુ જરૂરી હતું. આ અગાઉ આવું બન્યું નથી. અગાઉ હંમેશાં આપણે અન્ય દેશો દ્વારા થયેલા સંશોધનને સ્વીકારી લેવાનું જ પસંદ કર્યું છે. જ્યારે પણ મહેનત થઈ છે ત્યારે એ મહેનતને નિષ્ફળતા મળી છે, પણ આ વખતે આપણે આશાસ્પદ છીએ અને આપણી આ જ આશા હવે આપણો સુવર્ણકાળ લાવી શકે એમ છે. કહેવાતું રહ્યું છે કે ભારત બહુ ઝડપથી વિશ્વ મહાસત્તા બનશે અને આ જ એ સમય છે જે આપણને સૌને એ દિશામાં આગળ લઈ જશે. કોવિડમાં જેકોઈ શ્રેષ્ઠતમ કામ કરી શકશે એ દુનિયાઆખી સામે ઉત્તમ પુરવાર થશે. અત્યારે યુકે, અમેરિકા જેવા દેશો એની અંતિમ રેસમાં છે અને ભારત વિશે ક્યાંય કશું કહેવાતું નહોતું, પણ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે વૅક્સિન-ટૂર કરી એ જ દેખાડે છે કે આપણે કોવિડ સામેના જંગમાં માત્ર લૉકડાઉન પૂરતું જ લડ્યા નહોતા, આપણી લડત લૅબોરેટરીમાં પણ ચાલુ જ હતી અને હવે એ અંતિમ તબક્કામાં છે.
બ્રેવો ઇન્ડિયા.
ઇચ્છાઓનું લિસ્ટ તમને વધુ આગળ લઈ જવાનું કામ કરશે
22nd January, 2021 18:13 ISTઈશ્વરની સમીપ જવા (લાઇફ કા ફન્ડા)
22nd January, 2021 17:54 ISTજીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ
22nd January, 2021 17:50 ISTવૉટ્સઍપના ઑપ્શન તરીકે યુવા પેઢીને સિગ્નલ અને ટેલિગ્રામમાં શું સારું લાગ્યું?
22nd January, 2021 17:36 IST