Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પુસ્તક : એવો દોસ્ત જે ખોટી દલીલ કરીને તમારો સમય નથી બગાડતો

પુસ્તક : એવો દોસ્ત જે ખોટી દલીલ કરીને તમારો સમય નથી બગાડતો

29 February, 2020 05:41 PM IST | Mumbai
Sanjay Raval

પુસ્તક : એવો દોસ્ત જે ખોટી દલીલ કરીને તમારો સમય નથી બગાડતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાંચવું મહત્વનું છે એવું બધા કહે છે, ખાસ કરીને ૭૦નો દસકો અને એ પહેલાં જેમનો જન્મ થયો છે એ બધાના મોઢે એક જ વાત સાંભળવા મળે કે વાંચો, ખૂબ વાંચો, પણ ક્યારેય મનમાં પ્રશ્ન થાય ખરો કે વાંચવું શું કામ મહત્વનું છે? શું કામ વાંચન માટે આટલું કહેવામાં આવતું હશે અને શું કામ વાંચનના ફાયદા વિશે આટલું બોલાતું હશે, આટલું કહેવાતું હશે? તમને તમારા વડીલો પણ કહેતા હશે અને તમને તમારા પેરન્ટ્સ પણ કહી ચૂક્યા હશે. હું પણ એ જ કહેવા માગું છું કે વાંચો, ખૂબ વાંચો, અઢળક વાંચો. વાંચવા વિશે આ વાત કરતાં પહેલાં એક સ્પષ્ટતા પણ કરવાની કે વાંચવું એટલે વૉટ્સઍપ-વાંચનની વાત નથી થઈ રહી; બુક્સની, પુસ્તકની વાત થાય છે. વાંચવાની વાત પર અનેક વાતો તમારા મનમાં આવતી હોય ત્યારે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે...

એક પુસ્તકનું સર્જન કેવી રીતે થાય એનો તમને ખ્યાલ છે?



જવાબ છે અને એ જવાબ જ તમારે સમજવાનો છે.


એક પુસ્તકના સર્જન માટે એના સર્જનકારે અઢળક સંશોધન કરવું પડે, માહિતીઓ એકઠી કરવી પડે અને એ બધી માહિતી તમારી સામે રસાળ શૈલીમાં રજૂ થાય એ માટે દિવસ-રાત એક કરીને એ બધી લખવી પડે. આ લખાયા પછી વાત કે કામ પૂરું નથી થતું. એ તૈયાર કરી લીધા પછી સર્જકે પ્રકાશક શોધવા નીકળવું પડે અને પ્રકાશકને સહમત કરવા પડે કે આ પુસ્તક અનેક રીતે ઉપયોગી છે અને એ આર્થિક રીતે પણ પ્રકાશકને લાભદાયી બનવાનું છે. આ વાત સાથે પ્રકાશક સહમત થાય એટલે તે પોતાનું કામ શરૂ કરે. સીધી સર્જકની વાત માની નથી લેવામાં આવતી. એ જે સર્જન છે એ સર્જનને તે બે-ચાર જગ્યાએ વાંચવા મોકલશે અને તેમનો મત પણ લેશે. બધી જગ્યાએથી હકારાત્મક જવાબ આવે પછી તે એ પુસ્તકને પ્રકાશિત કરશે અને એને માટે તે એ છાપશે અને ત્યાર પછી એનું લોકાર્પણ થશે, બધી દુકાનો સુધી એ પહોંચી રહે એવી ગોઠવણ કરશે અને પુસ્તક બધાને સહેલાઈથી મળી રહે એવી વ્યવસ્થા કરશે. હવે તમે શાંતચિત્તે વિચારો કે આ જે પુસ્તક હોય એ લેખક માટે તો તેના બાળક સમાન જ થયુંને. એક લેખક, એક સર્જક એ પુસ્તક માટે કેટલું કષ્ટ ભોગવે છે અને એ પછી એનું સર્જન પુસ્તક સ્વરૂપ પામે છે, પણ તમારી સામે પુસ્તક આવે ત્યારે, ત્યારે તમે એની અવગણના કરો છો અને તમને મનગમતા ટીવી-પ્રોગ્રામ જોવા બેસી જાઓ છો. જરા વિચાર તો કરો, મૅગી નૂડલ્સ જેમ બે મિનિટમાં બની જાય છે એમ તમારી સામે એક લેખક એક આખી નવી દુનિયા ઊભી કરી દે છે અને એ પણ માત્ર બે રૂપિયામાં. તો પછી આપણાથી એ દુનિયાને જાકારો કેવી રીતે દઈ શકાય. ન જ દેવાય, એ પુસ્તકની દુનિયાને તમારે, આપણે સૌએ અપનાવી જ લેવાય.

હવે આ જ વાતને જરા જુદી રીતે કહું તમને.


જરા વિચારો કે તમને કેટલી ચિંતા છે? ઘરની, બહારની, કામની, કામમાં જે સાથે છે તેની, હરીફાઈની, ઘરવાળીની, પરિવારની, જો ભણતા હો તો સ્કૂલ કે કૉલેજની અને જો ન ભણતા હો પણ બાળક હોય તો તેના એજ્યુકેશનની, ઑફિસની અને ઘરમાં કોઈ વડીલો હોય તો તેની પણ. આ બધી ચિંતાઓ દિવસરાત તમારા પડછાયાની જેમ તમારી સાથે રહેવા જ સર્જા‍યેલી છે અને એ દરેકના જીવનમાં હોય જ છે, હોવી પણ જોઈએ, કારણ કે એનું નામ જ જીવન છે. જો એ ન હોય તો જીવનનો કોઈ અર્થ નથી, પણ હવે હું તમને મૂળ વાત કહું. તમારી આ બધી ચિંતાઓનો જવાબ તમને કેવી રીતે મળશે એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું?

હા, અત્યારે તમારા મગજમાં જે જવાબ આવ્યો છે એ સાચો છે.

વાંચન. હું પણ એ જ જવાબ આપવાનો હતો. આજની ફાસ્ટ લાઇફમાં તમારી જેટલી પણ ચિંતાઓ છે એ બધાનો જવાબ એક જ છે, રીડિંગ. તમને સવાલ થાય કે કઈ રીતે અને કેવી રીતે આ વાંચન મદદપ થાય તો એનો પણ જવાબ છે.

જેમ તમે સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજના સમયે હળવો નાસ્તો અને રાત્રે ડિનર કરો છો એનું શું કારણ? બહુ સીધો જવાબ છે કે તમારે તમારા શરીરને ચલાવવા માટે ઈંધણ આપવું પડે. કોને ચલાવવા માટે, શરીરને, પણ મગજનું શું?

તમારા મગજમાં ખાલી લોહી પરિભ્રમણ કરે એ એનો ખોરાક નથી અને એવું માનતા પણ નહીં કારણ કે એ તો મગજને એના કામમાં કોઈ તકલીફ ન પડે એને માટેની પ્રક્રિયા થઈ, પણ એ કામની સાથોસાથ મગજ વિકસિત થાય, વધુ તેજવાન થાય અને એ વધુ પાવરધું બને એ માટે પણ કામ કરવાનું છે અને એ કામ એટલે વાંચન. વાંચન તમારા મગજનું ઈંધણ છે, ફ્યુઅલ છે અને એ તમારે સતત આપતા રહેવું પડે. તમે જેટલી નવી વાતો વાંચશો, જેટલા નવા-નવા પાઠ તમારા મગજમાં જમા કરશો એટલું જ તમારું મગજ ડેવલપ થશે. તમારી જેટલી ચિંતા છે એના નિરાકરણ કે પછી એના જવાબ શોધવા માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી, એ બધા જ નિરાકરણ અને એના બધા જ જવાબ તમારી પાસે જ છે, પણ એ મેળવવા માટે તમારે બસ વિચારવાની જરૂર છે અને વિચારવા માટે કે પછી સ્પષ્ટ વિચારો કરવા માટે તમારું જેટલું વધારે વાંચન હશે એટલી જ તમને આસાની રહેશે. જો વાંચન હશે તો તમારા વિચારોમાં સ્પષ્ટતા હશે, તમારી વાતમાં સ્પષ્ટતા હશે અને વાંચન હશે તો વિચારોના એકધારા ચાલુ રહેતા વંટોળ વચ્ચે તમને મદદરૂપ થાય એ વિચાર મળતાં વાર પણ નહીં લાગે, જેને લીધે જેટલી ઝડપથી ચિંતા આવી હતી એટલી જ ઝડપથી એ ચાલી પણ જશે.

મારું માનો તો, દરરોજ જેટલો વાંચનનો લાભ મળે એ લઈ લેવા જેવો છો. જેટલું મળે અને જેવું મળે એ લઈ લો. જેમ આંતરડા તમારા શરીરમાંથી સારું અને ખરાબ દૂર કરવાનું કામ કરે છે એમ મગજમાં ગયેલી વાતમાંથી સારી અને ખરાબ વાત કઈ એ તમારું મગજ નક્કી કરી લેશે અને નક્કી કરીને એ અલગ પાડવાનું કામ પણ કરી લેશે, પણ જરૂરી છે આપવું. મગજને વાંચન આપશો તો આ કામ થશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો અને દુખો સામે લડવા માટે તમારે માત્ર શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે પણ સક્ષમ રહેવું જરૂરી છે. જીવન કેમ જીવવું અને જીવનમાં આવતી આપત્તિઓથી દૂર કેમ રહેવું એ વાચન થકી જ નક્કી થવાનું છે. તમે કોઈ પણ મહાન માણસનું જીવન જોઈ લેજો. તેમણે તકલીફ સામે લડવાનું બંધ નહીં કરીને માત્ર એક અલગ રસ્તો શોધ્યો અને એટલે જ તેમનું કામ થયું. આ જ કારણે તો એ મહાન વિભૂતિની યાદીમાં સામેલ થયા. તેમના અને આપણામાં જો કોઈ ફરક હોય તો એક જ કે તેઓ વાંચતા અને આપણે એમાં આળસ કરી ગયા છીએ. આ ફરક દૂર થઈ શકે છે અને એ તમારા હાથમાં જ છે.

મારું માનો તો હવેથી એક નિયમ કરો કે જ્યારે પણ તમારી ખરીદી કરવા માટે જાઓ કે કોઈ તહેવાર-પ્રસંગની ખરીદી કરતા હો ત્યારે પુસ્તકોની ખરીદી પણ અચૂક કરો. કોઈને ભેટ આપવાનું થાય તો એમાં બુક્સ જ આપો. અરે, તમારે ખુદને ભેટ આપવાનું થાય તો પણ પુસ્તક જ આપો. ઘરમાં લઈ આવેલાં પુસ્તકો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પણ વંચાશે જ અને ધારો કે તમે એ ન વાંચો તો તમારે ત્યાં આવેલા કે પછી ઘરમાં રહેલા લોકો કે પાડોશી કે બીજું કોઈ પણ વાંચશે ખરું.

એવું પણ બનશે કે કોઈ તમને પૂછે કે આ પુસ્તકમાં શું છે ત્યારે એનો જવાબ આપવા અને શરમજનક અવસ્થામાં નહીં મુકાવા માટે પણ તમારે એ પુસ્તક વાંચવું પડશે. પુસ્તક તમારી એકલતાનો બેસ્ટ ફ્રેન્ડ છે. એ તમારી વાત સાંભળે છે, માને છે અને ખોટી દલીલો કરવાનું કામ પણ નથી કરતો.

પુસ્તકથી વધુ સારો મિત્ર મને તો આજ સુધી મળ્યો નથી, તમારી તમને ખબર.

Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 05:41 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK