તમે તમારાં બાળકો સામે કેવું વર્તન કરો છો?

Published: Feb 03, 2020, 16:49 IST | Falguni Jadia Bhatt | Mumbai

૧૫ વર્ષના છોકરાએ ૭ વર્ષની છોકરી પર સ્કૂલના બાથરૂમમાં બળાત્કાર કર્યો જેવા સમાચાર વાંચી આપણા આશ્ચર્ય અને આંચકાનો પાર રહેતો નથી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

૧૫ વર્ષના છોકરાએ ૭ વર્ષની છોકરી પર સ્કૂલના બાથરૂમમાં બળાત્કાર કર્યો જેવા સમાચાર વાંચી આપણા આશ્ચર્ય અને આંચકાનો પાર રહેતો નથી. સાથે જ આજકાલના છોકરાઓ કઈ દિશામાં જઈ રહ્યા છે એની ચિંતા સતાવવા માંડે છે, પરંતુ તેમની આવી વિકૃત માનસિકતા પાછળ ક્યાંક આપણો જ હાથ તો નથીને? ચાલો આજે કેટલાક તીક્ષ્ણ સવાલો પોતાની જાતને પણ પૂછી જોઈએ.

ગયા મહિને મુંબઈની એક નામાંકિત સ્કૂલમાં મોટા ધોરણના એક વિદ્યાર્થીએ સ્કૂલની સાત વર્ષની બાળકી પર સ્કૂલના બાથરૂમમાં બળાત્કાર કર્યો. આ સમાચાર બહાર આવતાં જ અન્ય સ્કૂલના પ્રિન્સિપાલો એટલા હેબતાઈ ગયા કે કેટલાકે તો તાત્કાલિક ધોરણે સ્કૂલના શિક્ષકોની મીટિંગ બોલાવી તેમને સ્કૂલના કલાકો દરમિયાન અત્યંત સાવચેત રહેવાની તાકીદ કરી, પરંતુ એ સ્કૂલના પ્રિન્સિપાલોને એ કદાચ નહીં ખબર હોય કે તેમની સ્કૂલના વિદ્યાર્થીઓમાંના પણ ઘણા પોતાના મિત્રો સાથે વૉટ્સઍપ પર ક્લાસની અન્ય વિદ્યાર્થિનીઓના શારીરિક વળાંકોની ચર્ચા કરે છે, તેમની સાથે શારીરિક સંબંધો બાંધવાની વાતો કરે છે તો વળી કેટલાક તો એ છોકરીઓને એવું ન કર્યું તો તેનો બળાત્કાર કરી તેને મારી નાખવાની તથા તેના ટુકડે-ટુકડા કરી નાખવાની ધમકીઓ પણ આપતાં અચકાતા નથી.

થઈ ગયાને રૂંવાડાં ઊભાં? પરંતુ ખરું માનજો, આ કોઈ કપોળકલ્પિત વાતો નથી. હવેની સ્કૂલોમાં રોજિંદા ધોરણે બનતી ઘટનાઓ છે. અને એ પણ પાછી સરકારી સ્કૂલો નહીં; જેમનું નામ દેશની અવ્વલ દરજ્જાની સ્કૂલોમાં આવે છે, જેની વાર્ષિક ફી તરીકે વાલીઓ લાખો રૂપિયા આપે છે એવી સ્કૂલો. ગઈ કાલ સુધી આપણે એવું માનતા હતા કે આવા વિચારો કે આવી વાતો તો ફક્ત ગલીના નાકે બેસી રહેતા ગુંડા-મવાલી, ટ્રક કે બસના ડ્રાઇવરો અને ક્લીનરો, શાકભાજીવાળા વગેરે જ કરી શકે; પરંતુ હવે એ વાતો કદાચ આપણા જ નાક નીચે આપણા ઘરમાં બેસી આપણો જ મોબાઇલ વાપરી આપણાં જ બાળકો પોતાના મિત્રો સાથે પણ કરતા હોય તો કહેવાય નહીં એવો માહોલ ચારે બાજુ બની ગયો છે.

ગઈ કાલ સુધી જે બાળકોની મીઠી બોલી સાંભળવા માટે આપણા કાન તરસતા હતા, જેમની નાદાન વાતો આપણું સૌથી મોટું સ્ટ્રેસ-બસ્ટર હતી તેઓ જ આજે આવું બોલવા અને વિચારવા  માંડ્યા છે એ જાણી વાલીઓ તથા શિક્ષકો તરીકે ક્યારેક આઘાત લાગે તો ક્યારેક શરમના માર્યા આંખમાં પાણી પણ આવી જાય. આપણા છોકરાઓને મોટા કરવામાં આપણી ક્યાં ભૂલ થઈ ગઈ? જેમનો આપણે એકેક પડ્યો બોલ ઝીલ્યો, જેમની પ્રત્યેક ઇચ્છા આપણે પૂરી કરી એ જ દીકરાઓ આવા કેવી રીતે પાક્યા? લક્ષ્મી, સરસ્વતી અને અંબા જેવી દેવીઓની પૂજા કરતા આપણા ઘરોના વારસદારો કોઈ બીજાની દીકરીઓને આવી નજરે કેવી રીતે જોવા માંડ્યા? સારાં ઘરોમાં મળતો સંસ્કારોનો વારસો તથા સારી સ્કૂલોમાં મળતા ઉચ્ચ શિક્ષણ છતાં વિચારોમાં આવી હલકાઈ કેવી રીતે પ્રવેશી ગઈ?

આ અને આવા અનેક પ્રશ્નો મનમાં ઊઠે એ સ્વાભાવિક છે અને ઊઠવા પણ જોઈએ, કારણ કે હવે આ સમસ્યા આપણાં ઘરોની અંદર પ્રવેશી રહી છે. તેથી એને અવગણવાથી કે આવું બધું તો ફક્ત બીજા સાથે જ બને એવી ભૂલભરેલી માન્યતામાં રહેવાનો કોઈ અર્થ રહ્યો નથી. બહેતર તો એ જ છે કે આ પ્રશ્નો વિશે વાંચીએ, વિચારીએ, વધુ માહિતી ભેગી કરીએ, ચર્ચા કરીએ; પરંતુ એ બધા કરતાં પહેલાં કેટલાક તીક્ષ્ણ સવાલો પોતાની જાતને પણ પૂછીએ. 

એ તો આપણે બધા જ સમજીએ છીએ કે કોઈ પણ નવજાત શિશુ આવા વિચારો સાથે જન્મતું નથી. ક્યાંક ને ક્યાંક આ વિચારો તે પોતાની આસપાસના વાતાવરણમાંથી જ ઊંચકે છે. તેથી સૌથી પહેલો પ્રશ્ન તો આપણને એ જ થવો જોઈએ કે આપણા ઘરનું વાતાવરણ કેવું છે? શું આપણાં ઘરોમાં સ્ત્રીઓને ડગલે ને પગલે સન્માન મળે છે? તેમની સાથેનું આપણું વર્તન અત્યંત સંવેદનશીલ અને તેમની ગરિમા જળવાય એવું રહે છે? જો આપણે પોતે જ તેમને વાતે-વાતે ઉતારી પાડતા હોઈએ કે પછી તે માત્ર ગૃહિણી છે, તેની કોઈ આવક નથી તેથી તેનો માત્ર આપણો ઘરસંસાર ચલાવવા એક સાધન તરીકે ઉપયોગ કરતા હોઈએ તો આપણા દીકરાઓ પણ સ્ત્રીઓને એ જ દૃષ્ટિકોણથી જોતાં શીખે એમાં શી નવાઈ? જો આપણાં ઘરોમાં આજની તારીખમાં પણ દીકરાઓને વંશનો વારસદાર તથા દીકરીઓને પારકી થાપણ તરીકે ઓળખાવાતી હોય, દીકરાઓને અભ્યાસ પર તથા દીકરીઓને ઘરકામ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવતી હોય તો છોકરાઓના મનમાં ગુરુતાગ્રંથિ ન બંધાય તો શું થાય?

આ સાથે એક વાલી તરીકે આપણું પોતાનું વર્તન જવાબદારીભર્યું છે કે નહીં એનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. જો આપણને વાતે-વાતે અપશબ્દો બોલવાની આદત હોય, બીજી સ્ત્રીઓની નિંદાકૂથલીમાં મજા આવતી હોય, પારકી સ્ત્રીને જોઈ મોઢામાંથી લાળ ટપકતી હોય તો આપણા પુત્રો પણ આપણું એ વર્તન અનુસરવાના જ. સાથે જ બાળકોની હાજરીમાં આપણે ટીવી અને મોબાઇલ પર શું જોઈએ અને સાંભળીએ છીએ એ મુદ્દો પણ આજના સમયમાં અત્યંત મહત્ત્વનો છે. જો આપણને સ્ત્રીઓ વિશે ઘસાતા જોક્સ બોલવા-સાંભળવામાં રસ પડતો હોય, અશ્લીલ ગીતો તથા ફિલ્મો જોવામાં આનંદ આવતો હોય, સંતાનોની હાજરીમાં પણ ઍડલ્ટ ફિલ્મો જોવામાં ખચકાટ ન થતો હોય તો વાંક કોનો?

ઉપરાંત હવેના સમયમાં પણ જો આપણને પોતાનાં સંતાનોના સેક્સ સંબંધી સવાલોના જવાબો આપવામાં મૂંઝવણ થતી હોય તો સમજી લો કે તેમને ગેરમાર્ગે દોરવામાં જાણતાં-અજાણતાં આપણે બહુ મોટો ભાગ ભજવી રહ્યા છીએ, કારણ કે આપણી પાસેથી જવાબ નહીં મળે તો તેઓ એ જ સવાલો સાથે પોતાના મિત્રો પાસે જશે કે પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. એ માધ્યમો તેમને સાચો અને યોગ્ય ઉત્તર આપી જ શકશે કે કેમ એની ખાતરી આપી શકાય નહીં. બલકે એમાં સાચી માહિતી કરતાં ખોટી માહિતી મળવાની શક્યતા વધારે છે. આ માટે જરૂરી બની ગયું છે કે આપણે ન ફક્ત તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપીએ સાથે જ આ બાબતે શું સાચું અને ખોટું છે તથા શું સારું અને નરસું છે એની યોગ્ય સમજ પણ તેમનામાં વિકસાવીએ.

અહીં એ વાતનો સ્વીકાર કરવો પડે કે ઘણાબધા અંશે આજકાલનાં બાળકોની ઉપરોક્ત પ્રમાણેની વિચારસરણી પાછળ પ્રસાર માધ્યમો તથા સોશ્યલ મીડિયા જવાબદાર છે. પરંતુ ગમેતેટલું આપણે કરીએ કે ગમેતેટલું સરકાર પણ કરે, બદલાતા સમયના આ પ્રવાહને આપણે સંપૂર્ણપણે રોકી શકવાના નથી. પરંતુ આપણાં બાળકોને આપણે કેવા સંસ્કાર આપવા છે તથા તેમનો કેવી રીતે ઉછેર કરવો એ બાબતો ચોક્કસ આપણા હાથમાં છે. તેથી બહેતર તો એ જ છે કે જરૂર પડ્યે આપણે તેમના મિત્ર બની તેમની તકલીફોને સમજીએ, તેમના પ્રશ્નોનો ઉકેલ લાવીએ તથા તેમનું યોગ્ય માર્ગદર્શન કરીએ. સાથે જ જરૂર પડ્યે તેમની સાથે થોડી સખતાઈ કરી તેમને જવાબદારીભર્યું વર્તન કોને કહેવાય એ સમજાવવામાં પણ કશું ખોટું નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK