પુરુષોએ કઈ રીતે કરવો મૂડ સ્વિંગ્સનો સામનો?

Updated: Jan 14, 2020, 14:47 IST | Bhakti D Desai | Mumbai Desk

મૅન્સ વર્લ્ડ : મૂડ સ્વિંગ્સ પર માત્ર મહિલાઓની માલિકી નથી. પુરુષોમાં પણ એ હવે સહજ બનતા જાય છે. આજે એની પાછળના કારણો અને ઉકેલ પર થોડી ચર્ચા કરી લઈએ

ક્યારેક પુરુષોના જીવનમાં પણ એવો સમય આવે છે કે તેઓ અચાનક ચૂપ થઈ જાય કે પછી વગર કારણનો ગુસ્સો અને કટકટ કર્યા કરતા હોય છે. ક્ષણભરમાં તેમના મિજાજમાં પરિવર્તન આવતું દેખાય છે. આવું ઘણી વાર બનતું હોય છે અને આની પાછળનું કારણ સમજવા તેમની આસપાસના લોકો અને તે પોતે પણ અસમર્થ હોય છે. સામાન્ય ભાષામાં આને મૂડ સ્વિંગ્સ કહી શકાય, જે સ્ત્રીઓમાં ઘણી વાર હૉર્મોનલ ચેન્જિસને કારણે જોવા મળે છે અને પુરુષો પણ મૂડ સ્વિંગ્સના ભોગ બનતા હોય છે. કેમ થાય છે આવું? આવા સમયે તેમણે શું કરવું જોઈએ? આ દરેક પ્રશ્નના ઉત્તર મનોવૈજ્ઞાનિક પાસેથી લઈએ.

ઘણાં કારણો
સાયન હૉસ્પિટલના સાઇકિયાઇટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને મનોવૈજ્ઞાનિક ડૉ. સાગર કારિયા આ વિષય પર માનસશાસ્ત્રના આધાર પર અમુક કારણો આપતાં સમજાવે છે, ‘પુરુષોમાં મૂડ સ્વિંગ્સના વ્યસન, બાયપોલર મૂડ ડિસઑર્ડર, ડિપ્રેશન, ઍન્ટિ-સોશ્યલ પર્સનાલિટી આ મુખ્ય કારણોમાંથી કોઈ એક હોઈ શકે.’
જરૂરી નથી કે દરેક જણના મૂડ સ્વિંગ્સ પાછળ આ જ કારણો હોય છે. દરેક મુદ્દાને સવિસ્તર સમજીએ કે શેમાં શું થાય છે. એમ જણાવીને ડૉ. સાગર કહે છે, ‘વ્યસની વ્યક્તિને અમુક વસ્તુની આદત હોય અને એ વસ્તુ જો તેને ન મળતી હોય તો એના અભાવને કારણે પણ વ્યક્તિનું વર્તન ખરાબ થઈ શકે છે. બાયપોલર મૂડ ડિસઑર્ડરની માનસિક સ્થિતિ ધરાવતા પુરુષને લાગે છે કે તે ખાસ છે અને દરેક જણે તેમને માન આપવું જોઈએ. એકાદ વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે તે નાની અમથી બાબત પર કોઈની પણ સાથે ગુસ્સો કરી નાખે છે. ઘરમાં અને કામ પર તેઓ દબાણ પણ અનુભવતા હોય છે. આવી બાબતોમાં જો વ્યક્તિ પોતે પોતાનામાં પરિવર્તન લાવવાના પ્રયત્ન ન કરે તો સારા થવા માટે ઇલાજ કરાવવો જરૂરી હોય છે.’
જવાબદારીનું દબાણ
પુરુષોમાં કોઈ વાર આર્થિક, નોકરી કે વેપારને લઈને પણ ઘણા તનાવ હોય છે અને એનાથી મૂડ સ્વિંગ્સ થતા હોય છે. આ સિવાય તેઓ આગળ કહે છે, ‘આજકાલ દરેક જગ્યાએ પોતાને સાબિત કરવાની હરીફાઈ વધી ગઈ છે. પુરુષોના જીવનમાં વેપાર, ધંધો અથવા નોકરીને લઈને કેટલાય પ્રશ્નો હોય છે અને આવા સમયે જ્યારે તેઓ ઘરે જાય છે ત્યારે ઘરના લોકોની પણ તેમની સાથે કોઈ પણ ખલેલ વગર સમય વિતાવવાની અપેક્ષાઓ હોય છે. પુરુષો આવી સ્થિતિને જ્યારે સાચવી નથી શકતા ત્યારે મૂડ સ્વિંગ્સનું નિર્માણ થાય છે. સમાજ વ્યવસ્થા એવી છે કે પુરુષ પર તેના ઘરની જવાબદારીનું દબાણ હોય છે. ઘણી વાર કૉલેજમાં ભણતા અથવા પ્રોફેશનલ કોર્સ કરતા છોકરાઓને સારી નોકરી મેળવવી અને પછી લગ્નજીવનની જવાબદારીને લઈને પણ દબાણ હોય છે અને આ કારણો તેમના મૂડ સ્વિંગ્સ પાછળ કામ કરતાં હોય છે. પુરુષોમા જીવનમાં રહેલા તનાવ, ટેન્શન, મૂંઝવણને વ્યક્ત કરવાની રીત અલગ હોય છે અને કદાચ તેઓ શબ્દોમાં તેમની મન:સ્થિતિને વર્ણવી નથી શકતા. આવા સમયે પરિવાર અથવા મિત્ર વર્તુળ પાસેથી મળેલા સહકારથી કદાચ તેમના હૃદયને હળવાશ અનુભવવામાં સહાયતા મળી શકે છે.’
ઇલાજ જરૂરી
મૂડ સ્વિંગ્સ જો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તો એનો ઇલાજ કરાવવો જોઈએ. એમ જણાવીને ડૉ. સાગર કહે છે, ‘કોઈક વાર આવી ઘટના જીવનમાં બને ત્યારે કોઈ સાથે વાત કરીને અથવા આ પાછળનું કારણ શોધીને એનું નિવારણ પણ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજ કાલ ડિપ્રેશન માટે ઘણી હેલ્પલાઇન્સ પણ છે જેની સહાયતાથી પોતાની વાત કરી પોતાની હૈયાવરાળ ઠાલવી શકાય. આમ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખવાના ઘણા રસ્તાઓ છે. જો મન તંદુરસ્ત હશે તો જ તન અને તો જ આખો પરિવાર પણ ખુશ રહી શકશે. ’

પુરુષો શું કહે છે?

મૂડ સ્વિંગ્સનું કારણ વેપાર
સમાજસેવક યોગેશ કાનાબાર પોતાના અનુભવોની વાત કરતાં કહે છે, ‘હું એક વેપારી છું. મારો કેટરિંગ અને ડેકોરેશનનો વેપાર છે. મૂડ સ્વિંગ્સ સામાન્ય રીતે થાય તો એની પાછળનું મારું કારણ વેપાર હોય છે. એક સમાજસેવક તરીકે મને એવા અનુભવ થતા હોય છે. આપણા સારા કામની કદર ન હોય ત્યારે મનમાં દુ:ખ થાય. મારા સમાજમાં ઘણાં એવાં મુશ્કેલ કામ હતાં જેને મેં પાર પાડ્યાં છે. આવા સમયે મને થાય છે કે ભલે વ્યક્તિના કામની નોંધ ન લેવાય, પણ જ્યારે અન્ય લોકો તેને વખોડે ત્યારે સહજ છે કે ડિપ્રેશન આવવા જેવા પ્રસંગો બનતા હોય છે. મારા જીવનમાં કોઈ વાર આવા કડવા અનુભવો અને કોઈ વાર વેપાર જેવાં કારણોથી મૂડમાં પરિવર્તન આવે છે, જે એક પુરુષ માટે સ્વાભાવિક છે એવું મારું માનવું છે.’

સ્વભાવ સારો તો મૂડ સારો
ચારકોપમાં રહેતા ગોપાલ વેદ કહે છે, ‘મારો સ્વભાવ પહેલેથી બધા સાથે હળીમળીને રહેવાનો છે. હાલમાં હું બૅન્કમાંથી નિવૃત્તિ પછીની જિંદગી જીવી રહ્યો છું. ઘણી વાર જીવનમાં એવા પ્રસંગો પણ આવતા હોય છે કે જ્યાં કોઈ આપણને ન ગમે તેવા શબ્દો કહે છે અથવા બીજાને લાગે કે તેમનાં વાણી અને વર્તનનું મને ખરાબ લાગ્યું હશે, પણ તોયે મને ક્યારેય કોઈ વાત મન પર લઈને દુ:ખી થવાની આદત નથી. મારા પરિવારને પણ મારા આવા સ્વભાવની નવાઈ લાગે છે. મને એવું લાગે છે કે મૂડ બદલાવાનું મુખ્ય કારણ ઘણી વાર પરિસ્થિતિ કરતાં પણ વધારે વ્યક્તિનો પોતાનો સ્વભાવ હોય છે. જો તમે આનંદથી જીવવાની આદત પાડો તો મૂડ આનંદિત જ રહે છે.’

ધીરજથી કામ લેવું
બોરીવલી નિવાસી ધર્મેશ ચૌહાણ અભિપ્રાય આપતાં કહે છે, ‘એક વાતની ચોખવટ કરવી જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિનું ડિપ્રેશનમાં જવું અને કોઈક કારણસર થોડા સમય માટે ડિપ્રેસ થવું આ બેમાં ફરક છે. નાની ઉંમરે મેં ઘણા ઉતાર-ચડાવ જોયા છે અને આ બધામાંથી હું એક વાત શીખ્યો છું કે મૂડ સ્વિંગ્સ આવે છતાં પણ આપણે ધીરજથી કામ લેવું જોઈએ. જ્યારે મારો મૂડ બદલાય અથવા મને ક્યાંક મનથી કોઈ મૂંઝવણ, હતાશા અથવા ચિંતા અનુભવાય તો હું ખૂબ શાંત થઈ જાઉં છું. આવા સમયે હું વાતચીત ઓછી કરી દઉં. હું મારામાં જ મગ્ન થઈ જાઉં છું. આવા મૂડ પરિવર્તનનાં કારણો ઘણાં હોઈ શકે જેમ કે નોકરીમાં કોઈ ચિંતા, આર્થિક વ્યાધિ અથવા અન્ય કોઈ. હું મારાથી દસેક વર્ષ નાના છોકરાઓના પણ સંપર્કમાં છું અને તેઓ કોઈ વાર આવી પરિસ્થિતિમાં આક્રમક વૃત્તિ અપનાવતા હોય છે. કોઈના પર ગુસ્સો કરવો, નુકસાન કરવું અથવા કોઈ વસ્તુ ફેંકવી. પણ કદાચ ૩૫ વર્ષ પછી મૂડ સ્વિંગ્સનો સામનો શાંત રહીને પણ કેવી રીતે કરવો એની સમજ આવી જાય છે. એક વાત ચોક્કસ છે કે પુરુષો સામાન્ય રીતે તેમના ડિપ્રેશનની ચર્ચા ખૂલીને કોઈની સાથે નથી કરતા એથી તેમની મૂંઝવણ વધી જાય છે.’

મૂડમાં પરિવર્તન લાવવાની મારી ક્ષમતા
કાલબાદેવીમાં રહેતા મિતેશ આશર પોતાના મૂડ સ્વિંગ્સનું ઉત્તમ ઉદાહરણ આપતાં કહે છે, ‘મારી બાબતમાં લગભગ કોઈક વાર એવું બનતું હોય છે કે મારા વેપારને લઈને કોઈક ચિંતા થઈ હોય અને એના કારણે મૂડમાં પરિવર્તન આવે. ઉદાહરણ તરીકે મારો કમ્પ્યુટરનો વેપાર છે અને માર્કેટિંગનું કામ પણ હું કરું છું. એવામાં કોઈક વાર ક્લાયન્ટ સાથેની કોઈક વાતને લઈને હું ચિંતામાં ઘરે આવું અને ઘરે આવ્યા પછી કોઈક રીતે એ મનની મૂંઝવણ ઘરના લોકો પર નારાજગી અથવા ગુસ્સાના રૂપમાં બહાર આવે એની બીજી જ ક્ષણે મને સમજાઈ જાય છે કે કામની ચિંતાઓને ઘર સુધી ન લાવવી જોઈએ અને આ બે બાબતોને ભેગી ન કરવી જોઈએ. આ પછી મારો મૂડ ફરી પાછો આનંદિત થઈ જાય છે. મૂડ સ્વિંગ્સ એટલે મારે હિસાબે એક મૂડથી બીજા મૂડનો પ્રવાસ. મારી બાબતમાં હું જ મારી જાતને સમજાવીને મારા મૂડને સારો બનાવવા પરિવર્તન લાવું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK