દિશા વાકાણીને અમદાવાદથી મુંબઈ લાવવાનો જશ દેરાણી જેઠાણીના શિરે

Published: 26th January, 2021 15:05 IST | Sanjay Goradia | Mumbai

એક પછી એક એમ અમારા નાટકના ચાર મેઇન ઍક્ટર ખરી પડ્યા એટલે દેરાણી જેઠાણી માટે અમે નવા ઍક્ટરને શોધવામાં લાગી પડ્યા અને એમાં મને અચાનક અમદાવાદમાં પાંચ મિનિટનો રોલ કરવા આવેલી ઍક્ટ્રેસ યાદ આવી ગઈ

‘દેરાણી જેઠાણી’ નાટકના ઇન્ડિયામાં અમે ૨૦૦ શો પૂરા કર્યા. નાટકલાઇનમાં ૨૦૦ શોનું મહત્ત્વ કઈ રીતે છે એ હું તમને જણાવું. જેમ અગાઉની ફિલ્મોમાં સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી ઊજવાતી અને અત્યારના સમયમાં ૧૦૦ કરોડની ક્લબનો બેન્ચમાર્ક એના બરાબર ગુજરાતી નાટકના ૨૦૦ પ્રયોગ. અમારું પહેલું નાટક જેના ૨૦૦ શો થયા હોય. અમે ટ્રોફી પણ બનાવી અને પાર્ટી પણ કરી. અમારી આ ખુશીમાં ઉછાળો આવે એવી વાત તો ત્યારે થઈ જ્યારે અમને ‘દેરાણી જેઠાણી’ના શો માટે અમેરિકાની ઑફર આવી, પણ પેલી કહેવત જેવું થયું, ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા.’ અમેરિકાની ટૂર માટે અમારી દેરાણી અને જેઠાણી એટલે કે રૂપા દિવેટિયા અને મીનલ પડિયારે આવવાની ચોખ્ખી ના પાડી દીધી.

આજે પણ મને એ પિરિયડ યાદ છે. ઑક્ટોબર, ૧૯૯૬. મને લાઇફમાં પહેલી વાર અમેરિકા જવા મળે એમ હતું. ઑફર આવી એટલે હું ખૂબ એક્સાઇટ થઈ ગયો હતો. મારું એક્સાઇટમેન્ટ વાજબી હતું. ૨૪ વર્ષ પહેલાં અમેરિકામાં ભાગ્યે જ ગુજરાતી નાટકના શો થતા. આજની વાત જુદી છે, પણ એ સમયે એવું નહોતું. અમેરિકા જવાની વાત આવી એટલે મને થયું કે આ તક મારે ઝડપી લેવી જોઈએ. રામ જાણે, લાઇફમાં ફરી ક્યારેય અમેરિકા જવા મળે કે નહીં? મળ્યું અને એ પણ બે-ચાર વાર નહીં, એ પછી ૧૪ વાર અમેરિકા જવા મળ્યું અને એ સમયે તો એવી ખબર નહોતી એટલે અમે તો અમેરિકા ટૂર માટે પ્રયાસ શરૂ કરી દીધા. રૂપા દિવેટિયા અને મીનલ પડિયારે એટલા માટે ના પાડી કે તમે બે-અઢી મહિના અમેરિકા જાઓ એટલે અહીં તમારાં બધાં કામ વિખેરાઈ જાય અને તમારે પાછા આવીને નવેસરથી એકડો ઘૂંટવો પડે. એવી જફામાં પડવું ન હોય તે આવી લાંબી ફૉરેન ટૂરની ના પાડી દે. રૂપા અને મીનલની જેમ જ મેહુલ બુચ અને અભય ચંદારાણાએ પણ અમેરિકા આવવાની ના પાડી દીધી એટલે અમારે બધા જ કલાકારો નવા શોધવાનું શરૂ કરવું પડ્યું.

જેઠાણીના રોલ માટે કવિતા રાઠોડને અમે ફાઇનલ કરી, પણ દેરાણીના રોલ માટે અમને કોઈ સારી ઍક્ટ્રેસ મળે જ નહીં. બહુ શોધખોળ કરી, પણ ક્યાંય કશું મળે નહીં અને ત્યાં અચાનક મને અમદાવાદમાં નર્સની નાનકડી ભૂમિકા કરવા માટે આવેલી છોકરી યાદ આવી ગઈ. મિત્રો, હજી હમણાં જ બે વીક પહેલાં મેં તમને કહ્યું કે ‘દેરાણી જેઠાણી’માં અમે એવું નક્કી કર્યું હતું કે ટૂર પર જઈએ ત્યારે નર્સનો નાનો રોલ લોકલ આર્ટિસ્ટ પાસે કરાવી લેવો. અમે અમદાવાદમાં નર્સની ભૂમિકા માટે એક છોકરી સિલેક્ટ કરી હતી. તેણે ‘દેરાણી જેઠાણી’માં સાવ નાનકડો રોલ કર્યો અને એ પછી તો તેણે દેશ-દુનિયામાં બહુ મોટું નામ કર્યું.

એ છોકરીનો સીન મારી સાથે જ હતો, તે ડાયલૉગ બોલે અને પછી ચાલતી- ચાલતી એક વિન્ગમાંથી બીજી વિન્ગમાં જાય. માત્ર આટલું જ કામ, પણ તેની પસાર થવાની જે સ્ટાઇલ હતી, એની જે વૉક હતી એ જોઈને જ મને થયું કે ભલે અત્યારે આ છોકરી નાનકડો રોલ કરતી હોય, પણ અભિનેત્રી બહુ સરસ છે.

નક્કી કર્યું કે દેરાણીની ભૂમિકા એ છોકરી પાસે કરાવીએ. તપાસ કરતાં ખબર પડી કે એ છોકરી અમદાવાદમાં લોકલ નાટકમાં કામ કરે છે. છોકરીનું નામ દિશા વાકાણી. હા, એ જ દિશા વાકાણી. ‘હે મા, માતાજી’વાળી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાભાભી. મિત્રો, કામ ક્યારેય નાનું-મોટું હોતું નથી એનું જ્વલંત ઉદાહરણ એટલે દિશા. તેણે લાઇફમાં પહેલું મેઇન સ્ટ્રીમ નાટક કર્યું એમાં એની રોકડી પાંચ મિનિટની ભૂમિકા હતી અને પછી તેની મહેનતે કેવો રંગ દેખાડ્યો!

દિશાને મેં અમદાવાદ કહેણ મોકલ્યું કે અમેરિકા જવાનું છે અને દેરાણીની ભૂમિકા તારે કરવાની છે. જો તને રસ હોય તો તારે એક મહિનો મુંબઈમાં રહેવું પડશે. તારી પાસે મુંબઈમાં રહેવાની સગવડ ન હોય તો તું વિનાસંકોચ મારા ઘરે રહી શકે છે. કારણ કે તારે એક મહિનાનાં રિહર્સલ્સ આપવાં પડશે અને એ પછી આપણે અમેરિકા જઈશું. દિશાએ હા પાડી અને આમ, દિશા વાકાણી પહેલી વાર મુંબઈ આવી અને અમેરિકામાં ભજવાનારા ‘દેરાણી-જેઠાણી’ નાટકના શો કર્યા.

દિશા મારા ઘરે લોખંડવાલામાં જ રહેતી હતી. અમારે રોજ કાઇનૅટિક પર બિરલા ક્રીડા કેન્દ્ર રિહર્સલ્સ કરવા માટે જવાનું. એ સમયે હજી અંધેરીમાં રિહર્સલ્સની પ્રથા શરૂ નહોતી થઈ એટલે બિરલા ક્રીડા કેન્દ્ર પર જ અમારે જવું પડે. દરરોજ ચારથી પાંચ કલાક રિહર્સલ્સ થતાં. રિહર્સલ્સ કરવાનું કારણ તો તમને સમજાઈ ગયું હશે. ઑલમોસ્ટ આખી ટીમ જ બદલાઈ ગઈ હતી. દેરાણી અને જેઠાણીની જગ્યાએ બે લીડ ઍક્ટ્રેસ નવી આવી તો મેહુલ બુચ અને અભય ચંદારાણાની જગ્યાએ સોહિલ વીરાણી અને અમર બાબરિયાને અમે લીધા હતા. વિષ્ણુકુમાર વ્યાસ આવવા રાજી હતા એટલે તે પણ અમારી સાથે અમેરિકા જોડાયા, બાળકલાકારમાં કરણેશ બાબરિયા અને તેના પપ્પા સંજય બાબરિયા જોડાયા, તો મિત્ર-કમ-પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી અને અમારો કાર્યકારી નિર્માતા બિપિન શાહ પણ અમેરિકામાં સાથે જોડાયો.

અમેરિકા લઈ જવા માટે ચાલતી કબૂતરબાજીને અટકાવવા માટે અમેરિકન એમ્બેસી કેવા-કેવા નુસખા અજમાવતી એની વાતો અને અમેરિકાના વિઝા મળ્યા પછીની વાતો કરીશું આપણે આવતા મંગળવારે.

જોકસમ્રાટ

થોડા દિવસમાં જ હવે સમાચારપત્રોમાં જાહેરાત જોવા મળવાની છે...

‘વૅક્સિન લઈ ચૂકેલી છોકરી માટે વૅક્સિન લીધેલા છોકરાની જરૂર છે.’

ફૂડ ટિપ્સ: છપ્પન ભોગ નામે ‘છપ્પન મસાલા’ની ભેળ

મિત્રો, ગયા અઠવાડિયે આપણે વાત કરી હતી મોહનના પૂડલાની. આ મોહનભાઈ પૂડલાવાળાને ત્યાં પૂડલા ખાઈને મેં જરાક આગળ જઈને ઝવેરીબજાર માટે જમણે ટર્ન લીધો અને પહોંચ્યો ‘છપ્પન મસાલા’ નામની બહુ ફેમસ દુકાન પર. આ ‘છપ્પન મસાલા’ ત્યાં તમે કોઈને પણ પૂછો કે પછી ગૂગલ કરો તો તરત જ મળી જાય. લગભગ ૭૦ વર્ષ જૂની આ ‘છપ્પન મસાલા’ છે. અહીં એક જાતની ભેળ મળે છે. આ ભેળની ખાસિયત એ કે એમાં મમરા નથી હોતા, પણ મમરાની જગ્યાએ પૌંઆ હોય છે. પૌંઆની સાથે એ ભેળમાં સીંગ ભુજિયા, ચપટા ચણા, મગની દાળ, ચણાની દાળ, સેવ, મોટા ચણા અને કાંદા-ટમેટાં. આ બધા પર એ લોકોનો સ્પેશ્યલ મસાલો છાંટીને એના પર લીંબુ નિચોવી આપે. એકદમ અદ્ભુત ટેસ્ટ અને બધી આઇટમ એકદમ ફ્રેશ.

આ ભેળની મોટામાં મોટી ખાસિયત એ કે કડકડતી ભૂખ લાગી હોય તો કલાક-બે કલાકનો ટેકો કરી આપે. પેટ ભારે ન થાય અને જમવાના ટાઇમે ઘરે બરાબર જમી પણ શકાય. હું કહીશ કે મોહન પૂડલાવાળાને ત્યાં જાઓ ત્યારે અચૂક આ ‘છપ્પન મસાલા’માં પણ જઈને ભેળ ટેસ્ટ કરજો જ કરજો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK